Revised Common Lectionary (Semicontinuous)
વિશ્રામવાર માટેનું સ્તુતિગીત.
1 યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના,
પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
2 દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર
કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
3 પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો,
અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
4 હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે;
હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
12 સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે
અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
13 યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે;
તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
14 તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે,
અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
15 તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે.
તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.
13 જ્ઞાની પુત્ર પોતાના પિતાની સૂચનાઓ સાંભળે છે, ઉદ્ધત પુત્ર ઠપકાને ગણકારતો જ નથી.
2 સજ્જન પોતાની વાણીનાં હિતકારી સુફળ ભોગવે છે, પરંતુ દગાબાજ કપટી તો હિંસાનો જ ભૂખ્યો હોય છે.
3 મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે. પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.
4 આળસુ ઇચ્છે છે ઘણું, પણ પામતો કશું નથી; પણ ઉદ્યમી વ્યકિત પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.
5 સદાચારી જૂઠને ધિક્કારે છે, પણ દુર્જન શરમ અને અપમાન લાવે છે.
6 સદાચાર ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુરાચાર પાપીઓને પછાડી નાખે છે,
7 કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે, તો કોઇ ભંડાર ભરેલા હોવા છતાં કંગાળ હોવાનો દેખાવ કરે છે.
8 ધનવાન વ્યકિત પૈસા આપીને પોતાનો જીવ બચાવે છે, પણ નિર્ધન વ્યકિતને પોતાના જીવ માટે ધમકી સાંભળવી પડતી નથી.
9 સદાચારીઓનો દીવો ઉજવળતાથી પ્રકાશે છે, પરંતુ દુરાચારીનો દીવો હોલવી નાખવામાં આવશે.
10 અભિમાનથી તો કેવળ ઝઘડો જ થાય છે; સલાહ માનવામાં ડહાપણ છે.
11 સરળતાથી મેળવેલી સંપત્તિ ટકતી નથી. પણ સખત પરિશ્રમથી મેળવેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે.
12 આકાંક્ષા પૂરી થવામાં વિલંબ થતાં હૈયુ ભારે થઇ જાય છે, ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.
આદમ અને ખ્રિસ્ત
12 એક માણસના (આદમના) લીધે આ જગતમાં પાપ પેઠું. પાપ દ્વારા મૃત્યુ પણ આવ્યું. આ જ કારણે સૌ લોકોને મરવું જ પડશે-કેમકે સઘળાએ પાપ કર્યું છે. 13 મૂસાના નિયમશાસ્ત્ર અગાઉ આ દુનિયામાં પાપનું અસ્તિત્વ હતું. પરંતુ જ્યાં સુધી કોઈ નિયમશાસ્ત્ર જ ન હોય ત્યાં સુધી દેવ લોકોને પાપના અપરાધી ગણતો નથી. 14 પરંતુ આદમથી મૂસા સુધીના સમયગાળા દરમ્યાન સૌ લોકો મૃત્યુ પામ્યા હતા. દેવના આદેશનું ઉલ્લંઘન કરવાના પાપને કારણે આદમ મૃત્યુ પામ્યો હતો. પરંતુ જે લોકોએ આદમની જેમ પાપ કર્યા ન હતાં તેમને પણ મરવું પડ્યું.
આદમ ભવિષ્યમાં આવનાર ખ્રિસ્તની પ્રતિચ્છાયારૂપ હતો. 15 એક માણસના પાપના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા. પરંતુ દેવે લોકો પર જે કૃપા કરી તે ઘણી વધારે હતી. પરંતુ ઘણા લોકોને જીવનદાન મળ્યું. જે એક માણસ એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા તથા દાન થયાં છે, જેથી જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. 16 આદમે એક પાપ કર્યું કે તરત જ તેને અપરાધી ઠરાવવામાં આવ્યો. પરંતુ દેવની બક્ષિસની વાત તો કાંઈ જુદી જ છે. અનેક પાપો થયાં પછી દેવની બક્ષિસ મળી. એ બક્ષિસ તો એવી છે કે જે લોકોને દેવ સાથે ન્યાયી બનાવે છે. 17 એક માણસનાં પાપથી મરણે સઘળાં પર રાજ કર્યું, પણ હાલ કેટલાએક લોકો દેવની પૂર્ણ કૃપા મેળવે છે, અને દેવ સાથે ન્યાયી થવાની ભેટ મેળવે છે. હજુ પણ આ લોકો ઈસુ ખ્રિસ્ત દ્વારા ખૂબ ખાતરીપૂર્વક ખરું જીવન મેળવશે.
18 આમ આદમનું એક જ પાપ સર્વ માણસો માટે મૃત્યુદંડ લાવ્યું. પરંતુ એ જ રીતે ખ્રિસ્તે એક જ ન્યાયી કૃત્યને કારણે બધા લોકોને દેવ સાથે ન્યાયી ઠેરવ્યા. 19 એક માણસે દેવના આદેશનું ઉલ્લંઘન કર્યું અને તેના પરિણામે અનેક લોકો પાપમાં પડ્યા. પરંતુ એ જ રીતે એક માનવે દેવનો આદેશ પવિત્ર અને ધાર્મિક રીતે પાળી બતાવ્યો. અને તેના પરિણામે અનેક લોકો દેવ સાથે ન્યાયી બનશે. 20 લોકો વધારે પાપ કરે તે માટે નિયમશાસ્ત્ર દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ જેમ જેમ લોકો વધુ ને વધુ પાપ કરતા ગયા, તેમ તેમ દેવ વધુ ને વધુ કૃપા કરવા લાગ્યો. 21 પાપ શસ્ત્ર તરીકે મૃત્યુનો ઉપયોગ કરતું હતું. દેવે લોકો પર પુષ્કળ દયા કરી તેથી દેવની કૃપાનું શાસન થશે અને પ્રભુ ઈસુ દ્વારા લોકો ન્યાયી ઠરશે. આમ આપણા પ્રભુ ઈસુ દ્વારા અનંતકાળનું જીવન મળશે.
પાપમાં મૂએલા પણ ખ્રિસ્તમાં જીવન
6 તો તમે શું એમ માનો છો કે આપણે પાપ કરવાનું ચાલુ રાખવું જોઈએ, જેથી દેવની વધુ ને વધુ કૃપા આપણા પર ઉતરે? 2 ખરેખર, ના! આપણે આપણા પાપમય જીવન માટે મૃત્યુ પામ્યા છીએ. તો પછી પાપી જીવન જીવવાનું આપણે કેવી રીતે ચાલુ રાખી શકીએ?
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International