Revised Common Lectionary (Semicontinuous)
પ્રત્યેક વસ્તુ માટે યોગ્ય સમય
3 પૃથ્વી ઉપર પ્રત્યેક વસ્તુને માટે યોગ્ય ઋતુ, અને પ્રત્યેક પ્રયોજનો માટે યોગ્ય સમય હોય છે:
2 જન્મ લેવાનો સમય,
મૃત્યુ પામવાનો સમય,
છોડ રોપવાનો સમય
અને રોપેલાને ઉખેડી નાંખવાનો સમય;
3 મારી નાખવાનો સમય
અને જીવાડવાનો સમય;
તોડી પાડવાનો સમય
અને બાંધવાનો સમય;
4 રડવાનો સમય
અને હસવાનો સમય;
શોક કરવાનો સમય
અને નૃત્ય કરવાનો સમય;
5 પત્થરો ફેંકી દેવાનો સમય
અને પત્થરો એકઠાં કરવાનો સમય;
આલિંગન કરવાનો સમય;
તથા આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય;
6 શોધવાનો સમય;
ગુમાવવાનો સમય;
રાખવાનો સમય;
ફેંકી દેવાનો સમય;
7 ફાડવાનો સમય;
સીવવા કરવાનો સમય;
શાંત રહેવાનો સમય;
બોલવાનો સમય;
8 પ્રેમ કરવાનો સમય;
ધિક્કારવાનો સમય;
યુદ્ધનો સમય
સલાહ શાંતિનો સમય.
દેવ પોતાની દુનિયાનું નિયંત્રણ કરે છે
9 આટલો બધો સખત પરિશ્રમ કરવાથી માણસને શું ફળ પ્રાપ્ત થાય છે? 10 દેવે જે ધંધો મનુષ્યોને તેઓને કાર્યરત રાખવા આપ્યો છે તે મેં જોયો છે. 11 યહોવાએ પ્રત્યેક વસ્તુ ને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે.જો કે દેવે મનુષ્યનાં હૃદયમાં સનાતનપણું મૂક્યું છે. છતાં શરૂઆતથી અંત સુધીનાં દેવનાં કાર્યો મનુષ્ય સમજી શકતો નથી.
12 હું જાણું છું કે, પોતાના જીવન પર્યંત આનંદ કરવું ને ભલું કરવું, તે કરતાં તેના માટે બીજું કંઇ શ્રેષ્ઠ નથી. 13 તેણે ખાવું, પીવું અને પરિશ્રમથી જે સિદ્ધ કર્યુ છે તેનાથી સંતોષ અનુભવવો, કારણ કે આ દેવ તરફથી પ્રાપ્ત થયેલું કૃપાદાન છે.
નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.
1 હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.
2 નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
3 હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
4 પછી મને આશ્ચર્ય થાય છે,
કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?
5 કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
6 તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
7 એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
8 વળી આકાશનાં પક્ષીઓ,
સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
9 હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.
નવું યરૂશાલેમ
21 પછી મેં એક નવું આકાશ અને એક નવી પૃથ્વી જોયાં. તે પ્રથમ આકાશ અને પ્રથમ પૃથ્વી અદ્દશ્ય થયા હતા. હવે ત્યાં દરિયો ન હતો. 2 અને મેં દેવ પાસેથી આકાશમાંથી નીચ આવતા પવિત્ર શહેરને જોયું. આ પવિત્ર શહેર નવું યરૂશાલેમ હતું. તેને તેના પતિના માટે શણગારવામાં આવેલ કન્યા જેવું તૈયાર કરવામાં આવ્યું હતું.
3 મેં એક મોટી વાણી રાજ્યાસનમાંથી સાંભળી, તે વાણીએ કહ્યું કે: “હવે દેવનું ઘર લોકો સાથે છે. તે તેઓની સાથે રહેશે. તેઓ તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહેશે, તે તેઓનો દેવ થશે. 4 દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.”
5 તે જે રાજ્યાસન પર બેઠો હતો, તેણે કહ્યું, “જુઓ! હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું!” પછી તેણે કહ્યું, “આ લખ, કારણ કે આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે.”
6 રાજ્યાસન પરનાં તે એકે મને કહ્યું, “તે પૂરું થયું છે! હું આલ્ફા તથા ઓમેગા, આરંભ અને અંત છું. હું, જે વ્યક્તિ તરસી છે તેને જીવનના પાણીના ઝરણાંમાંથી મફત પાણી આપીશ.
માણસનો દીકરો બધા લોકોનો ન્યાય કરશે
31 “માણસનો દીકરો ફરીથી આવશે. તે ભવ્ય મહિમા સાથે તેના બધાજ દૂતો સાથે આવશે અને તે રાજા તરીકે મહિમાના રાજ્યાસન પર બીરાજશે. 32 વિશ્વના બધાજ લોકો માણસના દીકરાની આગળ ભેગા થશે. માણસનો દીકરો પછી બધાજ લોકોને બે ભાગમાં વહેંચી નાખશે. જેમ ઘેટાંપાળક ઘેંટા બકરાંને જુદા પાડે છે. 33 માણસનો દીકરો ઘેટાંને (સારા લોકો) પોતાની જમણી બાજુ મૂકશે અને બકરાંને (ખરાબ લોકો) ડાબી બાજુ રાખશે.
34 “પછી તે રાજા, જમણી બાજુ બેસનારા સારા માણસોને કહેશે, ‘આવો, મારા બાપના આશીર્વાદિતો આવો, અને જે રાજ્ય જગતનો પાયો નાખતા પહેલા તમારા માટે અગાઉથી જ તૈયાર કરવામાં આવ્યુ છે તે પ્રાપ્ત કરો. 35 તમને આ રાજ્ય મળ્યું છે કારણ હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું, તરસ્યો હતો ત્યારે તમે મને કાંઈક પીવા આપ્યું હતું. અને જ્યારે હું એકલો ભટકતો હતો ત્યારે તમે મને ઘેર બોલાવ્યો હતો. 36 હું વસ્ત્ર વગરનો હતો ત્યારે તમે મને કાંઈક પહેરવાં આપ્યું હતું. હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી હતી, હું કારાવાસમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા હતા.’
37 “પછી સારા માણસો ઉત્તર આપશે, ‘પ્રભુ, અમે ક્યારે તને ભૂખ્યો જોયો અને ભોજન આપ્યું? અમે ક્યારે તને તરસ્યો જોયો અને તને કાંઈક પીવા આપ્યું? 38 અમે તને ક્યારે એકલો જોયો અને ઘરથી દૂર ફરતા જોયો? અને અમે તને અમારે ઘેર ક્યારે બોલાવ્યો? અમે તને વસ્ત્ર વગર ક્યારે જોયો અને તને કોઈક વસ્ત્ર પહેરવા આપ્યું? 39 અમે તને ક્યારે માંદો જોયો? અમે તને ક્યારે કારાવાસમાં જોયો અને તારી મુલાકાત લીધી?’
40 “પછી રાજા ઉત્તર આપશે, ‘હું તમને સત્ય કહું છું. તમે મારા લોકોમાંના એકના માટે અહીં જે બધું કર્યુ તે બધું તમે મારા માટે જ કર્યુ.’
41 “પછી રાજા તેની ડાબી બાજુ બેઠેલા માણસોને કહેશે. ‘મારી પાસેથી જે અગ્નિ સદાને માટે સળગે છે ત્યાં ચાલ્યા જાઓ. તમે શ્રાપિત છો, શેતાન તથા તેના દૂતો માટે જે સર્વકાલિક અગ્નિ તૈયાર કરેલો છે તેમાં પડો અને, 42 આજ તમારી સજા છે. કારણ હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કશું જ ખાવાનું આપ્યું નહોતું અને જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને કાંઈ પીવા આપ્યું નહોતું. 43 હું જ્યારે ઘરતી દૂર હતો અને ફરતો હતો, ત્યારે તમે મને ઘરમાં બોલાવ્યો નહોતો. વસ્ત્ર વગર નગ્ન હતો, પરંતુ તમે મને વસ્ત્ર પહેરવા આપ્યા નહોતા. હું બિમાર હતો અને કારાવાસ ભોગવતો હતો ત્યારે તમે મારી સેવા કરી નહોતી.’
44 “પછી લોકો પણ ઉત્તરમાં પૂછશે, ‘હે પ્રભુ, અમે તને ભૂખ્યો, તરસ્યો, એકલો, વસ્ત્ર વગર, બિમાર અથવા બંદી ક્યારે જોયો? અને અમે તને મદદ ના કરી?’
45 “પછી રાજા ઉત્તરમાં કહેશે, ‘હું તમને સત્ય કહું છું, કે તમે અહીં મારા લોકોમાંના કોઈને પણ ના પાડી તે મને ના પાડી બરાબર છે.’
46 “પછી તે દુષ્ટ માણસો ત્યાંથી ચાલ્યા જશે અને તેઓને સદાને માટે સજા થશે. અને પછી સારા લોકો અનંતજીવનમાં જતા રહેશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International