Revised Common Lectionary (Semicontinuous)
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
અને દિલાસો આપ્યો છે.
18 “કારણ કે આ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: ‘જેમ મારો ક્રોધ અને રોષ યરૂશાલેમના વતનીઓ પર વરસ્યો હતો તેમ તે તમારા પર વરસશે જો તમે મિસર જશો તો. તમને જોઇને તે લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે; લોકો તમારી હાંસી ઉડાવશે અને તમારું નામ શાપરૂપ બની જશે. તમે ફરી કદી આ જગ્યા જોવા નહિ પામો.’”
19 યર્મિયાએ વધુમાં કહ્યું, “યહૂદિયામાં બાકી રહેલા લોકો, તમને યહોવા કહે છે, ‘તમે મિસર જશો નહિ.’ આ બરાબર સમજી લેજો. મેં આજે તમને ચેતવણી આપી દીધી છે. 20 જો તમે જશો તો તમારો જીવ ગુમાવશો, કારણ કે તમે તમારી જાતે જ મને તમારા માટે વિનંતિ કરવા મોકલ્યો હતો અને મને કહ્યું હતું, ‘તમારા યહોવા દેવ તને જે કહે તે તું અમને કહેજે અને અમે તેને આધીન થઇશું.’ 21 યહોવાએ મને જે કહ્યું તે સર્વ મેં આજે તમને જણાવ્યું છે. પરંતુ અગાઉ ઘણી વખત કર્યું હતું તેમ હમણાં પણ તમે આધીન થવાના નથી, 22 અને તેથી તમે ખચીત સમજી લોે કે, તમે જ્યાં જવાનો આગ્રહ રાખો છો, તે મિસરમાં તમે યુદ્ધથી, દુકાળથી અને રોગચાળાથી મૃત્યુ પામશો.”
5 આ બાર જણને બહાર મોકલતી વખતે ઈસુએ તેમને આજ્ઞા કરી કે “જ્યાં બિન-યહૂદીઓ વસે છે ત્યાં જશો નહિ અને કોઈપણ સમરૂનીઓના નગરમાં જશો નહિ. 6 પણ ઈસ્રાએલના લોકો પાસે જાઓ. તે યહૂદીઓ ખોવાયેલા ઘેંટા જેવાં છે. 7 જેવા તમે જાઓ કે તરત જ તેઓને ઉપદેશ આપો કે, ‘આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.’ 8 માંદા લોકોને સાજા કરો. મરેલાને જીવતા કરો. રક્તપિત્તના રોગીઓને સાજા કરો અને અશુદ્ધ આત્માઓને કાઢો. હું તમને આ સાર્મથ્ય વિના મૂલ્યે આપું છું. માટે તમે પણ દરેકને વિના મૂલ્યે આપો. 9 તમારી સાથે સોનું, રૂપું કે તાંબુ કે કોઈપણ પ્રકારનું નાંણુ રાખશો નહિ. 10 મુસાફરી દરમ્યાન તમારી સાથે ફક્ત તમે જે કપડા પહેર્યા છે તે તથા જે પગરખા પહેર્યા છે તે જ રાખશો. ચાલવા માટે લાકડી પણ લેશો નહિ. વધારાનાં કપડાં કે પગરખાં પણ ના રાખશો કારણ કે કામ કરનાર ને તેની જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવશે જ.
11 “જ્યારે તમે જે નગરમાં કે ગામમાં પ્રવેશો, ત્યારે કોઈ લાયક વ્યક્તિની શોધ કરો અને બીજા સ્થળે જવાનું થાય ત્યાં સુધી તેને ઘેર જ રહો. 12 જે ઘરમાં તમને આવકાર મળે તેમને કહો, ‘શાંતિ તમારી સાથે રહો.’ 13 જો ઘરના લોકો લાયક હશે તો તમારા આશીર્વાદ એમની સાથે રહેશે. પણ જો તેઓ લાયક નહિ હોય તો તમે આપેલી શાંતિની આશિષ તમારી પાસે પાછી આવશે. 14 અને જો કોઈ શહેર અથવા ઘર તમારો સત્કાર ના કરે, તો ત્યાંથી તરત જ નીકળી જાઓ અને ત્યાંની ધૂળ તમારા પગે લાગી હોય તો તે ખંખેરી નાખો. 15 હું તમને સત્ય કહું છું કે, ન્યાયના દિવસે સદોમ અને ગમોરા નગરોની હાલત તે નગરના કરતાં સારી હશે. તથા તેમના તરફ વધારે ઉદારતા બતાવાશે.
ઈસુ મુસીબતો વિષે ચેતવે છે
(માર્ક 13:9-13; લૂ. 21:12-17)
16 “સાંભળો! હું તમને એવી જગ્યાએ મોકલી રહ્યો છું કે જ્યાં વરુંઓની વચ્ચે તમે ઘેટાં જેવા લાગશો. આથી તમે સાપ જેવા ચપળ અને કબૂતર જેવા સાલસ બનો અને ખોટું કરશો નહિ. 17 લોકોથી ચેતના રહેજો, કારણ એ લોકો તમારી ધરપકડ કરશે. તમને ન્યાય માટે લઈ જશે અને સભાસ્થાનોમાં લઈ જઈ તમારા પર કોરડા ફટકારાશે. 18 તમને હાકેમો તથા રાજાઓ સમક્ષ હાજર કરવામાં આવશે. આ બધું મારા લીધે તમને કરવામાં આવશે. તમે ત્યારે મારા વિષે એ બધાને કહેજો. 19 જ્યારે તમને પકડવામાં આવે તો તમારે શું કહેવું અને કેવી રીતે કહેવું તેની ચિંતા કરશો નહિ. યોગ્ય ઉત્તર આપવાના શબ્દો તમને તે વખતે જ આપવામાં આવશે. 20 તે સમયે તમે નહિ, પરંતુ તમારા પિતાનો આત્મા તમારા દ્વારા બોલશે.
21 “ભાઈઓ, ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેમને મારી નાખશે. પિતા તેમના બાળકોની વિરૂદ્ધ થશે બાળકો તેમના માતા પિતા વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા માટે સોંપી દેશે. 22 જો તમે મારા શિષ્યો છો, તો લોકો તમારી પજવણી કરશે, પરંતુ જે અંત સુધી ટકશે તેમનો જ ઉદ્ધાર થશે. 23 જ્યારે તમારી એક નગરમાં પજવણી કરવામાં આવે તો તમે બીજા નગરમાં જતાં રહેજો. તમને સાચું જ કહું છું કે, માણસનો દીકરો આવે તે પહેલા તમે ઈસ્રાએલના તમામ નગરોમાં ફરી વળશો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International