Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 33:12-22

12 જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.
    તેઓને ધન્ય છે.
13 યહોવાનું નિવાસસ્થાન આકાશમાં છે,
    ત્યાંથી તે સર્વ માનવજાત પર નજર રાખે છે.
14 હા, તે આકાશમાંથી સૃષ્ટિમાં વસતા
    સર્વ જીવોને ધ્યાનથી જુએ છે.
15 યહોવા સર્વના હૃદયના સરજનહાર છે,
    અને તેઓ જે કાંઇ કરે છે તે એ સમજે છે.
16 રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે.
    બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી.
17 યુદ્ધમાં વિજય માટે ધોડાઓ પર આધાર રાખવો વ્યર્થ છે,
    તેઓ પોતાના બાહુબળથી કોઇને ઉગારી શકતા નથી.
18 યહોવા તેઓની નજર અને સંભાળ રાખે છે જેઓ તેનો ભય રાખે છે;
    અને તેમનો આદર કરે છે જેઓ તેમની કૃપાની રાહ જુએ છે.
19 તે તેઓના જીવને મૃત્યુથી બચાવે છે,
    અને દુકાળ સમયે તેઓને જીવતાઁ રાખે છે.
20 અમે પૂર્ણ શ્રદ્ધાથી અમારી રક્ષા માટે યહોવાની પ્રતિક્ષા કરીએ છીએ, તે અમારા સાચા સહાયક છે,
    અને તે અમારી ઢાલ છે.
21 અમે યહોવામાં આનંદિત છીએ.
    અમે તેમનામાં ભરોસો રાખીએ છીએ.
    અમને તેમનાં પવિત્ર નામમાં વિશ્વાસ છે.
22 હે યહોવા, અમે રાહ જોઇ અને તમારી આશા રાખી છે
    કે તમારી કૃપા અમારા પર થાય.

નિર્ગમન 19:16-25

16 પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા. 17 એટલે મૂસાએ સર્વ લોકોને દેવને મળવા માંટે છાવણીમાંથી બહાર કાઢયા; અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યાં. 18 અગ્નિરૂપે યહોવા સિનાઈ પર્વત ઉપર ઊતર્યા, એટલે આખો પર્વત બહુ કંપ્યો. તે ઘુમાંડો ભઠ્ઠીના ઘુમાંડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી ધ્રધ્રૂજવા લાગ્યો. 19 અને પછી જ્યારે રણશિંગડાનો અવાજ વધારને વધારે મોટો થતો ગયો, ત્યારે મૂસા બોલતો અને દેવ તેને ગડગડાટના અવાજથી જવાબ આપતો.

20 અને યહોવા સિનાઈ પર્વતના શિખર ઉપર ઊતર્યો; પછી યહોવાએ મૂસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યો; તેથી મૂસા પર્વત ઉપર ગયો.

21 પછી યહોવાએ મૂસાને કહ્યું, “નીચે જા, અને લોકોને સાવધાન કર કે, તેઓ માંરા દર્શનાર્થે હદ ઓળંગીને ઘસી આવે નહિ, નહિ તો ઘણા લોક માંર્યા જશે. 22 વળી જે યાજકો માંરી નજીક આવે, તેઓ પોતાને શુદ્ધ કરે નહિ તો હું તેમને સખત સજા કરીશ.”

23 એટલે મૂસાએ યહોવાને કહ્યું, “લોકો સિનાઈ પર્વત ઉપર આવી શકે નહિ, કારણ કે તમે પોતે અમને આજ્ઞા કરી હતી કે, પર્વતની ચારે બાજૂ હદ બાંધી લેજો અને લોકો તેને પાર કરી પવિત્ર મેદાનમાં ન આવે.”

24 એટલે યહોવાએ તેને કહ્યું, “જા, નીચે ઊતર; અને હારુનને ઉપર લઈ આવ, પરંતુ યાજકો કે લોકો હદ ઓળંગીને માંરી પાસે ઘસી આવે નહિ એનું ધ્યાન રાખજે, નહિ તો હું તે લોકો ઉપર તૂટી પડીશ.”

25 એટલે મૂસાએ નીચે ઉતરીને તેઓને એ વાત કરી.

રોમનો 8:14-17

14 દેવનાં સાચાં સંતાનો એ છે કે જેઓ દેવના આત્માનું માર્ગદર્શન સ્વીકારે છે. 15 જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે તે કોઈ સામાન્ય આત્મા નથી કે જે આપણને ફરીથી દાસ બનાવીને ભયભીત કરશે. જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે, તે આપણને દેવનાં સંતાનો બનાવે છે. અને એ ભાવનાથી જ તો આપણે દેવને “પિતા, પ્રિય પિતા,” કહીને બોલાવીએ છીએ. 16 આપણા આત્માની સાથે એ જ આત્મા સાક્ષી આપે છે કે આપણે દેવનાં સંતાનો છીએ. 17 જો આપણે દેવનાં સંતાનો હોઈશું, તો દેવ પોતાનાં માણસોને જે આશીર્વાદ આપે છે, તે આપણને પણ મળશે. આ આશીર્વાદો દેવ તરફથી આપણને મળશે. ખ્રિસ્તની સાથે સાથે આપણને પણ એ આશીર્વાદ પ્રાપ્ત થશે. પરંતુ ખ્રિસ્તે જે દુ:ખો સહન કર્યા હતાં, તેમ આપણે પણ સહન કરવાં જ પડશે. તો જ, ખ્રિસ્તની જેમ આપણને પણ મહિમા પ્રાપ્ત થશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International