Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવા રાજ કરે છે,
પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો,
કરૂબીમ પર તે બિરાજે છે,
સમગ્ર પૃથ્વી કાપો.
2 સિયોનમાં યહોવા મહાન છે
તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
3 તેઓ તમારા મહાન
અને ભયાવહ નામની સ્તુતિ કરો;
તે પવિત્ર છે.
4 સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ,
તમે ભલાઇનું સર્જન કર્યુ છે
અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
5 આપણા દેવ યહોવા મોટો મનાવો,
અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો
અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
6 તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે,
સહાયને માટે યહોવાને વિનંતી કરી;
ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
7 તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી,
તેઓ તેમને આપેલા તેના આદેશો
અને કાયદાને અનુસર્યા.
8 હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો;
જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો.
તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
9 આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો.
પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો,
કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.
દેવ દ્વારા યાજકોની સ્વીકૃતિ
9 આઠમે દિવસે મૂસાએ હારુનને અને તેના પુત્રોને તથા ઇસ્રાએલના વડીલોને બોલાવ્યા. 2 મૂસાએ હારુનને કહ્યું, “તું ખોડખાંપણ વગરનો એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને એવો જ એક ઘેટો દહનાર્પણ માંટે લાવ અને તેમને યહોવા સમક્ષ અર્પણ કર. 3 ત્યારબાદ તું ‘ઇસ્રાએલીઓને પાપાર્થાર્પણ તરીકે એક બકરો અને આહુતિ તરીકે ખોડખાંપણ વગરનો એક વરસનો વાછરડો અને એવું જ એક ઘેટાનું બચ્ચું. 4 તદુપરાંત શાંત્યર્પણ તરીકે એક બળદ અને એક ઘેટો યહોવા સમક્ષ વધેરવાનું કહે, વળી તેઓએ તેલથી મોયેલા લોટને ખાદ્યાર્પણ તરીકે ચઢાવવો; કારણ કે આજે યહોવા તમને દર્શન આપશે.’”
5 આથી તેઓ મૂસાએ કહ્યું હતું તે પ્રમાંણે બધું મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવ્યા અને ઇસ્રાએલના લોકો ત્યાં યહોવાની સમક્ષ આવીને ઊભા રહ્યા. 6 તેઓને મૂસાએ કહ્યું, “યહોવાએ તમને આ પ્રમાંણે કરવાનું કહ્યું છે. અને જો તમે એ પ્રમાંણે કરશો એટલે તમને યહોવાના ગૌરવનાં દર્શન થશે.”
7 પછી મૂસાએ હારુનને કહ્યુ, “તું અગ્નિની વેદી પાસે આવ અને તારા પાપાર્થાર્પણ, દહનાર્પણ અને દોષાર્થાર્પણ ચઢાવ અને તારે પોતાને માંટે અને બધા લોકોને માંટે પ્રાયશ્ચિત કર. ત્યાર પછી લોકોએ ધાર્મિક વિધિ કરી કરેલા અર્પણો ચઢાવ અને યહોવાના આદેશ પ્રમાંણે તેમને શુદ્ધ કર.”
8 હારુન વેદી પાસે જઈને પોતાના પાપાર્થાર્પણ માંટે વાછરડાનો વધ કર્યો. 9 તેના પુત્રોએ તેને માંટે લોહી તેની આગળ ધર્યું. અને તેમાં આંગળી બોળીને થોડું લોહી વેદીનાં ટોચકાંઓને લગાડયું અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું. 10 ત્યારબાદ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કાળજા પરનો ચરબીનો ભાગ, હારુને યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા મુજબ વેદી પર હોમી દીધાં. 11 પરંતુ માંસ અને ચામડું તેણે છાવણી બહાર બાળી મૂક્યું.
22 ત્યારબાદ હારુને હાથ ઊચા કરીને લોકોને આશીર્વાદ આપ્યા. આમ પાપાર્થાર્પણ, દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવ્યા પછી તે વેદી પરથી નીચે ઊતર્યો.
23 મૂસા અને હારુન મુલાકાતમંડપમાં ગયા. પછી બહાર આવ્યા અને લોકોને આશીર્વાદ આપ્યા અને બધા લોકોને યહોવાના ગૌરવના દર્શન થયા. 24 યહોવા તરફથી એકાએક અગ્નિ પ્રગટયો અને તે આવીને વેદી પરના દહનાર્પણ અને ચરબીવાળા ભાગો ભસ્મ કરી ગયો. આ જોઈને બધા લોકોએ હર્ષના પોકારો કર્યા અને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કરી જમીન પર ઊધા સૂઈ ગયા.
જીવન પરિવર્તન
4 જ્યારે ખ્રિસ્ત તેના શરીરમાં હતો ત્યારે તેણે વેદનાઓ સહન કરી તેથી જે રીતે ખ્રિસ્ત વિચારતો હતો તેવા વિચારોમાં તમારે સુદ્દઢ થવું જોઈએ. જે વ્યક્તિએ શરીરમાં દુ:ખો સહ્યાં છે તે પાપથી મુક્ત થયો છે. 2 તમારી જાતને સુદ્દઢ બનાવો કે જેથી આ પૃથ્વી પર દેવ જેવું ઈચ્છે છે તેવું બાકીનું જીવન તમે જીવો અને નહિ કે લોકો ઈચ્છે છે તેવાં દુષ્ટ કાર્યો કરો. 3 ભૂતકાળમાં અવિશ્વાસીઓ જે પસંદ કરે છે તેવા કાર્યો કરીને તમે તમારો ઘણો જ સમય વેડફી નાખ્યો. તમે વ્યભિચાર અને તમારી ઈચ્છા મુજબનાં દુષ્ટ કાર્યો કર્યા હતાં. તમે મદ્યપાન કરીને છકી ગયા હતા અને મોજશોખમાં અને મૂર્તિઓની પૂજા કરીને ખોટું કામ કર્યું હતું.
4 તે અવિશ્વાસીઓને આશ્વર્ય થાય છે કે તેઓ કરે છે તેવું જંગલી અને નિરર્થક કૃત્ય તમે કેમ નથી કરતા! અને તેથી તેઓ તમારી નિંદા કરે છે. 5 પરંતુ તે લોકોએ જે કર્યું છે તેનુ તેઓને સ્પષ્ટીકરણ કરવું પડશે. તેઓએ આ સ્પષ્ટીકરણ તે એક જીવતાંઓનો તથા મૂએલાઓનો ન્યાય કરવાને તૈયાર છે તેની આગળ કરવું પડશે. 6 જેઓ હાલ મૂએલાં છે તેઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી, કારણ કે બધાની જેમ તે લોકોનો પણ ન્યાય કરવામાં આવશે. તેઓ જ્યારે જીવંત હતા ત્યારે તેઓએ જે બાબતો કરી હતી તેનો ન્યાય તોળવાનો હતો. પરંતુ તેઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવી કે જેથી તેઓ દેવના જેવા આત્મામાં જીવે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International