Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 66:8-20

હે પ્રજાજનો, આપણા દેવને,
    ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
    અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
    અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
    અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
    અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
    પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13 દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ,
    હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14 હું સંકટમાં હતો ત્યારે
    મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં,
    ઘેટાં અને વાછરડાં લાવ્યો છું;
તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.

16 હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો;
    તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17 મેં મારા મુખે તમને અરજ કરી,
    અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18 જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો
    રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે,
    અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20 સ્તુતિ હો દેવની,
    તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી,
    કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.

ઉત્પત્તિ 7

જળપ્રલયનો આરંભ

પછી યહોવાએ નૂહને કહ્યું, “મેં જોયું છે કે, આ સમયે પાપી લોકોમાં તું જ એક ન્યાયી વ્યકિત છે એટલે તું તારા પરિવારને ભેગો કર. અને તમે બધા વહાણમાં જાઓ. પ્રત્યેક શુદ્ધ પ્રાણીઓની સાત સાત જોડ (સાત નર અને સાત માંદા) સાથે લઈ લો અને પૃથ્વીના બીજા અશુદ્વ પ્રાણીઓની એક એક જોડ જેમાં એક નર અને એક માંદા હોય તે લઈ લો. હવામાં ઉડનારાં બધાં જ પક્ષીઓની સાત જોડ (સાત નર અને સાત માંદા) લઈ આવો. આથી આ બધાં જ પ્રાણીઓ પૃથ્વી પર જીવતા રહેશે. જયારે બીજા પ્રાણીઓ નાશ પામશે. હવે હું સાત દિવસ પછી 40 દિવસ અને 40 રાત પૃથ્વી પર વરસાદ વરસાવીશ. અને મેં ઉત્પન્ન કરેલ એક એક જીવને હું પૃથ્વી પરથી ભૂંસી નાખીશ.” અને નૂહે યહોવાની બધી જ વાતો સ્વીકારી અને યહોવાની આજ્ઞા પ્રમાંણે કર્યું.

પૃથ્વી પર જળપ્રલય થયો, ત્યારે નૂહને 600 વર્ષ થયાં હતાં. નૂહ અને તેનો પરિવાર જળપ્રલયથી બચવા માંટે વહાણમાં ચાલ્યા ગયાં. નૂહની પત્ની, તેના પુત્રો અને પુત્રવધૂઓ તેમની સાથે હતાં. 8-9 દેવની નૂહને આજ્ઞા પ્રમાંણે, શુધ્ધ પ્રાણીઓ અને અશુધ્ધ પ્રાણીઓ અને પક્ષીઓ તથા પેટે ચાલનારા પ્રાણીઓએ દરેકમાંથી બે નર અને બે માંદા વહાણમાં નૂહ સાથે ચઢી ગયાં. 10 સાત દિવસ પછી પ્રલયનાં પાણી પૃથ્વી પર ફરી વળ્યાં. ધરતી પર વર્ષા થઈ.

11-13 બીજા મહિનાના સત્તરમાં દિવસે જયારે નૂહ 600 વર્ષની ઉમરનો હતો, જમીનમાંથી પાતાળના ઝરણાંઓ ફૂટી નીકળ્યાં. અને જમીનમાંથી પાણી વહેવા માંડયું. તે દિવસે પૃથ્વી પર ભારે વર્ષા થઈ. જાણે કે, આકાશની બારીઓ ઉઘડી ગઈ. 40 દિવસ અને 40 રાત સુધી પૃથ્વી પર વરસાદ વરસતો રહ્યો. બરાબર તે જ દિવસે નૂહ તેની પત્ની, તેના પુત્રો, શેમ, હામ, અને યાફેથ અને તેમની પત્નીઓ વહાણમાં ગયાં. 14 તેઓ તેમજ દરેક જાતનાં પૃથ્વી પરનાં પ્રાણીઓ વહાણમાં હતાં. દરેક જાતના પશુ, દરેક જાતનાં પેટે ચાલનારાં પ્રાણીઓ અને દરેક જાતનાં પક્ષી તેમજ પાંખવાળા જીવો વહાણમાં ચઢી ગયાં હતાં. 15 તે બધાં જ પ્રાણીઓ નૂહની સાથે વહાણમાં ગયાં હતા, દરેક પ્રકારના જીવિત જાનવરોનાં તે જોડાં હતાં. 16 દેવની આજ્ઞા પ્રમાંણે બધાં જ પ્રાણીઓ જોડીમાં વહાણમાં ચઢી ગયા. તેઓના વહાણમાં આવી ગયા બાદ યહોવાએ તેની પાછળનો દરવાજો બંધ કરી દીધા.

17 ચાળીસ દિવસ સુધી પૃથ્વી પર જળપ્રલય ચાલુ રહ્યો. પાણી વધતાં ગયાં. અને વહાણ પૃથ્વીથી અધ્ધર ઊંચકાવા લાગ્યું. 18 પાણી ચઢતાં જ ગયા અને ખૂબ વધી ગયા, અને વહાણ પાણી ઉપર તરવા લાગ્યું. 19 પાણી પૃથ્વી પર એટલા બધાં ચઢયાં કે, આકાશ નીચેના બધાં જ ઊંચા પર્વતો ઢંકાઈ ગયા. 20 અને પાણી વધીને ઉંચામાં ઉંચા પર્વતોથી ઉપર 20 ફૂટ ચઢી ગયાં હતાં.

21-22 પૃથ્વી પરના બધાં જ જીવો મરી ગયા. દરેક પુરુષ અને સ્ત્રી મરી ગયાં. બધાં જ પક્ષીઓ અને બધી જ જાતનાં પ્રાણીઓ પણ મરી ગયાં. 23 આ રીતે દેવે પૃથ્વી પરના બધાંજ જીવિત, મનુષ્ય, બધાં જ પ્રાણી, બધાં જ પેટે ચાલનારાં જીવો અને બધાં જ પક્ષીઓનો નાશ કર્યો. એ બધાં જ પૃથ્વી પરથી ભૂંસાઈ ગયાં. માંત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેઓ હતાં તેઓ જ બચ્યા. 24 અને 150 દિવસ સુધી જમીન લગાતાર પાણીથી ઢંકાયેલી રહી.

પ્રેરિતોનાં કૃત્યો 27:13-38

તોફાન

13 પછી દક્ષિણ તરફથી સારો પવન ફૂંકાવાની શરૂઆત થઈ. વહાણ પરના માણસોએ વિચાર્યુ: “આપણે જોઈએ છે તે આ પવન છે. હવે તે આપણી પાસે છે!” તેથી તેઓએ લંગર ખેંચ્યું અને ક્રીત કિનારાની નજીક હંકારી ગયા. 14 પણ થોડા સમય પછી ઉત્તરપૂર્વીય (નોર્થ ઈસ્ટ-યુરાકુલોન) નામનો તોફાની પવન ટાપુ ઓળંગીને ધસી આવ્યો. 15 વહાણ પવનમાં સપડાયું. અને દૂર ઘસડાઈ ગયુ. વહાણ પવનની વિરૂદ્ધમાં હંકારી શકાતું ન હતું. તેથી અમે પ્રયત્ન કરવાનો બંધ કર્યો અને પવનની સાથે ઘસડાવા દીધું.

16 અમે કૌદા નામના એક નાના ટાપુ તરફ હંકારી ગયા. પછી અમે બચાવ હોડી લાવવામાં સાર્મથ્યવાન થયા. પણ તે કરવું ઘણું અધરું હતું. 17 માણસોના બચાવ હોડીને અંદર લાવ્યા બાદ તેઓએ વહાણને સાથે રાખવા વહાણની આજુબાજુ દોરડાં બાંધ્યા. તે માણસોને બીક હતી કે વહાણ સૂર્તિસના રેતીના કિનારા સાથે અથડાશે. તેથી તેઓએ સઢસામાન નીચે ઉતર્યા અને પવનથી વહાણને તણાવા દીધું.

18 બીજે દિવસે અમારા તરફ એટલા જોરથી પવન ફૂંકાતો હતો કે માણસોએ વહાણમાંથી કેટલીક વસ્તુઓ બહાર ફેંકી દીધી. 19 એક દિવસ પછી તેઓએ વહાણનાં સાધનો પોતાના હાથે જ બહાર ફેંકી દીધા. 20 ઘણા દિવસો સુધી અમે સૂર્ય કે તારાઓ જોઈ શક્યા નહિ. તોફાન ઘણું ખરાબ હતું. અમે જીવતા રહેવાની બધી આશા ગુમાવી હતી. અમે વિચાર્યુ અમે મરી જઈશું.

21 તે માણસોએ ઘણા દિવસો સુધી કંઈ ખાધું નહિ. પછી એક દિવસ પાઉલ તેઓની આગળ ઊભો રહ્યો અને બોલ્યો, “માણસો, મેં તમને ક્રીત નહિ છોડવાનું કહ્યું હતું. તમે મને ધ્યાનથી સાંભળ્યો હોત તો પછી તમને આ બધું નુકસાન અને ખોટ થાત નહિ. 22 પણ હવે હું તમને ખુશી થવા કહું છું. તમારામાંનો કોઈ મૃત્યુ પામશે નહિ. પણ વહાણનો નાશ થશે. 23 ગઇ રાત્રે દેવ તરફથી એક દેવદૂત મારી પાસે આવ્યો. હું જેની ભક્તિ કરું છું તે દેવ આ છે. હું તેનો છું. 24 દેવના દૂતે કહ્યું, ‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે કૈસરની સામે ઊભા રહેવાનું જ છે. અને દેવે આ વચન આપ્યું છે. તે તારી સાથે વહાણમાં હંકારતા હશે તે બધા લોકોની જીંદગી તારે ખાતર બચાવશે અને તારે ખાતર તે પેલા લોકોનું જીવન પણ બચાવશે જે તારી સાથે વહાણ હંકારે છે.’ 25 તેથી માનવબંધુઓ પ્રસન્ન થાઓ! મને દેવમાં વિશ્વાસ છે. તેના દૂતે કહ્યું તે મુજબ જ બધું બનશે. 26 પણ આપણે એક બેટ પર અથડાવું પડશે.”

27 ચૌદમી રાત આવી ત્યારે અમે આંદ્રિયા સમુદ્રમાં આમ તેમ તરતા હતા. ખલાસીઓને લાગ્યું આપણે જમીનના નજીક છીએ. 28 તેઓએ દોરડાને છેડે વજન લટકાવીને પાણીની અંદર ફેંક્યા. તેઓએ જોયું દરિયાની ઊડાઈ 120 ફૂટ હતી. તેઓ થોડા આગળ ગયા અને ફરીથી દોરડા નાખ્યા તો ત્યાં 90 ફૂટ ઊડાઈ હતી. 29 ખલાસીઓને ભય હતો કે આપણે ખડકો સાથે અથડાઇશું. તેથી તેઓએ ચાર લંગર વહાણના પાછલા ભાગમાંથી પાણીમાં નાખ્યા. પછી તેઓ દિવસનો પ્રકાશ આવે તે માટે પ્રાર્થના કરવા લાગ્યા. 30 કેટલાએક ખલાસીઓની ઈચ્છા વહાણ છોડીને જવાની હતી. તેઓએ (જીવનરક્ષા) મછવો પાણીમાં ઉતાર્યો. ખલાસીઓ બીજા માણસો વિચારે એમ ઈચ્છતા હતા. કે તેઓ વહાણની સામેથી વધારે લંગર નાખતા હતા. 31 પણ પાઉલે લશ્કરના સૂબેદાર અને બીજા સૈનિકોને કહ્યું, “જો આ લોકો વહાણમાં નહિ રહે તો પછી તેઓને બચાવાશે નહિ!” 32 તેથી સૈનિકોએ દોરડાં કાપી નાખ્યા અને જીવનરક્ષા મછવાને પાણીમાં છોડી દીધું.

33 જ્યારે અમે દિવસ ઉગવાની રાહ જોતા હતા ત્યારે પાઉલે બધા લોકોને કંઈક ખાવા માટે સમજાવવાની શરૂઆત કરી. તેણે કહ્યું, “ગયા બે અઠવાડિયાથી તમે ભૂખ્યા રહીને રાહ જોઈ છે. તમે 14 દિવસ સુધી ખાધું નથી. 34 હું તમને હવે વિનંતી કરું છું કે, તમે કંઈક ખાઓ. પછી તેણે આ કહ્યું. તમારે જીવતા રહેવા માટે આ તમારા માટે જરુંરી છે. તમારામાંના કોઈના માથાનો એક વાળ પણ ખરવાનો નથી,” 35 પાઉલે કેટલીક રોટલી લીધી તેઓના બધાની સમક્ષ દેવની સ્તુતિ કરી. તેણે એક ટુકડો તોડ્યો અને ખાવાની શરૂઆત કરી. 36 બધા લોકોને વધારે સારું લાગ્યું. તેઓ બધાએ પણ ખાવાનું શરૂ કર્યુ. 37 (ત્યાં વહાણમાં 276 લોકો હતા.) 38 અમે અમારી ઈચ્છા મુજબ અમે બધું ખાધું. પછી અમે વહાણને હલકું કરવા સમુદ્રમાં અનાજ નાખવાનું શરૂ કર્યુ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International