Revised Common Lectionary (Semicontinuous)
એક ગરીબ માણસની પ્રાર્થના. જ્યારે તે દુ:ખી હોય છે ત્યારે તે દેવને ફરિયાદ કરે છે.
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
મારા પોકારને કાન પર આવવા દો.
2 મારા સંકટને દુ:ખના સમયમાં તમે મારાથી મુખ અવળું ના ફેરવો;
કાન ધરીને તમે મને સાંભળો અને તમે મને જલ્દી ઉત્તર આપો.
3 કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે,
અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે.
4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે;
તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.
5 મારા ઘેરા વિષાદ ને નિસાસાને કારણે ફકત ચામડીથી
ઢંકાયેલા હાડપિંજર જેવો હું થઇ ગયો છું.
6 હું દૂરના રણનાં ઘુવડ જેવો થઇ ગયો છું;
વિધ્વંસની વચ્ચે જીવતા એક ઘુવડ જેવો.
7 હું જાગતો પડ્યો રહું છું,
છાપરે બેઠેલી એકલવાયી ચકલીના જેવો થઇ ગયો છું.
8 મારા શત્રુ આખો દિવસ મને મહેણાઁ મારે છે;
અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે.
9 રોટલીને બદલે હું રાખ ખાઉં છું;
મારા આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
10 તે તમારા રોષ તથા કોપને કારણે છે;
કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે.
11 મારા દિવસો નમતી છાયા જેવા છે;
ઘાસની જેમ હું કરમાઇ ગયો છું.
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
5 તારા પૂર્ણ હૃદયથી યહોવા ઉપર ભરોસો રાખ. અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ. 6 તું જ્યાં પણ જાય, તેનો આભારમાન, અને તે તને સાચે માર્ગે દોરશે અને તને સફળ બનાવશે. 7 તું તારી પોતાની જાતને જ્ઞાની ન માનીશ; યહોવાનો ડર રાખજે અને પાપથી દૂર રહેજે. 8 તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારા હાડકાં બળવંત રહેશે.
9 તારા ધનથી અને તારા પહેલા પાકથી યહોવાનું સન્માન કર. 10 એમ કરવાથી તારા અન્નના ભંડાર હર્યાભર્યા રહેશે અને તારા દ્રાક્ષારસના કુંડો દ્રાક્ષારસથી ઊભરાઇ જશે.
11 મારા દીકરા, યહોવાની શિક્ષાને નકારીશ નહિ, અથવા તેના ઠપકાથી કંટાળી જઇશ નહિ. 12 કારણ કે યહોવા જેના ઉપર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે, જેમ બાપ પોતાના દીકરાને, જે તેને ખુબ પ્યારો છે, તેને ઠપકો આપે છે.
44 “અરણ્યમાં તે પવિત્ર મંડપ આપણા પૂર્વજોની પાસે હતો. દેવે મૂસાને આ મંડપ કેવી રીતે બનાવવો તે કહ્યું. દેવે જે યોજના બનાવી હતી તે પ્રમાણે તેણે તે બનાવ્યો. 45 પાછળથી યહોશુઆ આપણા પિતાઓને બીજા રાષ્ટ્રોની ભૂમિ જીતવા દોરી ગયો. આપણા લોકો અંદર પ્રવેશ્યા. દેવે બીજા લોકોને બહાર કાઢ્યા. જ્યારે આપણા લોકો આ નવી ભૂમિમાં પ્રવેશ્યા, તેઓ તેઓની સાથે એ જ મંડપ લઈ આવ્યા. આપણા લોકોએ આ મંડપો તેઓના પૂર્વજો પાસેથી પ્રાપ્ય કર્યો હતો. અને આપણા લોકોએ દાઉદનો સમય આવતા સુધી તે રાખ્યા. 46 દેવ દાઉદ પર ઘણો પ્રસન્ન હતો. દાઉદે તેના યાકૂબના દેવને માટે રહેઠાણ (મંદિર) બનાવવાની રજા માગી. 47 પરંતુ સુલેમાન એક વ્યક્તિ હતો જેણે મંદિર બાધ્યું.
48 “પરંતુ પરાત્પર દેવ માણસોએ તેઓના હાથે બાંધેલા રહેઠાણોમાં રહેતો નથી. પ્રબોધકો જે લખે છે તેમ:
49 ‘પ્રભુ કહે છે,
આકાશ મારું રાજ્યાસન છે.
પૃથ્વી મારા પાદાસન માટેની જગ્યા છે.
તમે મારા માટે કેવા પ્રકારનું રહેઠાણ બનાવશો?
એવી કોઈ પણ જગ્યા નથી જ્યાં મને વિશ્રામની જરુંર પડે!
50 સ્મરણ કરો મેં જ આ બધી વસ્તુઓ બનાવી છે!’”(A)
51 પછી સ્તેફને કહ્યું, “ઓ હઠીલા યહૂદિ આગેવાનો, તમે તમારા હ્રદય દેવને અર્પણ કર્યા નથી! તમે તેને ધ્યાનથી સાંભળતા પણ નથી. તમે હંમેશા પવિત્ર આત્મા તમને જે કહે છે તેઓનો વિરોધ કરો છો. તમારા પૂર્વજોએ આમ કર્યુ અને તમે પણ એમ જ કરો છો. 52 તમારા પૂર્વજોએ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક પ્રબોધકને સતાવ્યા છે. તે પ્રબોધકોએ તે ન્યાયીના (ખ્રિસ્ત) આગમન વિષે આગળથી ખબર આપી હતી. પરંતુ તમારા પૂર્વજોએ તે પ્રબોધકોને મારી નાખ્યા. અને હવે બીજા એક ન્યાયીથી વિમુખ થઈને તમે તેને મારી નાખ્યો. 53 તમે એ લોકો છો જેને મૂસા દ્ધારા નિયમો પ્રાપ્ત થયા. દેવે તમને આ નિયમો દૂતો દ્ધારા આપ્યા. પરંતુ તમે આ નિયમ પાળ્યો નહિ!”
સ્તેફનનું મૃત્યુ
54 યહૂદિ આગેવાનોએ સ્તેફનની આ બાબતો સાંભળી. તેઓ ગુસ્સે થયા. યહૂદિ આગેવાનો એવા ગાંડા થઈ ગયા હતા કે તેઓ સ્તેફન સામે દાંત પીસવા લાગ્યા. 55 પરંતુ સ્તેફન તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્તેફને આકાશમાં ઊચે જોયું. તેણે દેવનો મહિમા જોયો. તેણે ઈસુને જમણી બાજુએ ઊભેલો જોયો. 56 સ્તેફને કહ્યું, “જુઓ! હું આકાશને ખુલ્લું જોઉં છું અને માણસના દીકરાને દેવની જમણી બાજુએ ઊભેલો જોઉં છું!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International