Revised Common Lectionary (Semicontinuous)
એક ગરીબ માણસની પ્રાર્થના. જ્યારે તે દુ:ખી હોય છે ત્યારે તે દેવને ફરિયાદ કરે છે.
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
મારા પોકારને કાન પર આવવા દો.
2 મારા સંકટને દુ:ખના સમયમાં તમે મારાથી મુખ અવળું ના ફેરવો;
કાન ધરીને તમે મને સાંભળો અને તમે મને જલ્દી ઉત્તર આપો.
3 કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે,
અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે.
4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે;
તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.
5 મારા ઘેરા વિષાદ ને નિસાસાને કારણે ફકત ચામડીથી
ઢંકાયેલા હાડપિંજર જેવો હું થઇ ગયો છું.
6 હું દૂરના રણનાં ઘુવડ જેવો થઇ ગયો છું;
વિધ્વંસની વચ્ચે જીવતા એક ઘુવડ જેવો.
7 હું જાગતો પડ્યો રહું છું,
છાપરે બેઠેલી એકલવાયી ચકલીના જેવો થઇ ગયો છું.
8 મારા શત્રુ આખો દિવસ મને મહેણાઁ મારે છે;
અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે.
9 રોટલીને બદલે હું રાખ ખાઉં છું;
મારા આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
10 તે તમારા રોષ તથા કોપને કારણે છે;
કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે.
11 મારા દિવસો નમતી છાયા જેવા છે;
ઘાસની જેમ હું કરમાઇ ગયો છું.
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
મુક્તિ પછીનો પ્રવાસ
17 જ્યારે ફારુને લોકોને જવા દીઘા ત્યારે એમ બન્યું કે યહોવા તેમને પલિસ્તીઓના દેશમાં થઈને જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં તે રસ્તે તેમને લઈ ગયા નહિ. કારણ કે યહોવાએ વિચાર્યુ કે, “જો યુદ્ધ થાય તો કદાચ લોકો પોતાનો વિચાર બદલી પાછા મિસર ચાલ્યા જાય.” 18 એટલે યહોવા તેમને બીજા રસ્તેથી લઈ ગયા. રેતીના રણપ્રદેશને રસ્તે રાતા સમુદ્ર તરફ દેવ તેમને લઈ ગયા. મિસર છોડ્યું ત્યારે ઇસ્રાએલ પુત્રો શસ્ત્રસજજ હતા.
યૂસફનાં હાડકાંનો ગૃહપ્રવેશ
19 મૂસાએ યૂસફનાં હાડકાં સાથે લઈ લીધાં હતાં. યૂસફે ઇસ્રાએલ પુત્રોની પાસે એના માંટે આ કરવા સમ લેવડાવ્યા એમ કહેતા, “યહોવા જરૂર તમાંરી મદદ કરવા આવશે, તે સમયે તમે માંરાં હાડકા અહીંથી લઈ જજો.”
યહોવાએ લોકોનું માંર્ગદર્શન કર્યુ
20 પછી ઇસ્રાએલી લોકોએ સુક્કોથ નગર છોડયું અને રણની સરહદ પર એથામમાં મુકામ કર્યો. 21 તેઓને દિવસે રસ્તો બતાવવા માંટે યહોવા વાદળના થાંભલા રૂપે આગળ આગળ ચાલતા તેમજ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભરૂપે ચાલતા. જેથી તેઓ સતત રાતદિવસ યાત્રા કરી શકતા હતા. 22 એક ઊંચા વાદળના સ્તંભરૂપે દિવસે અને અગ્નિસ્તંભ તરીકે રાત્રે સતત યહોવા તેમની સાથે રહ્યાં. તેમની આગળથી જરા પણ ખસ્યા નહિ.
17 “મિસરમાં યહૂદિ લોકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ. ત્યાં વધારે ને વધારે આપણા લોકો હતા. (દેવે ઈબ્રાહિમને જે વચન આપ્યું હતું તે જલદીથી સાચું થવાનું હતું.) 18 પછી મિસરમાં એક બીજા રાજાનો અમલ શરૂ થયો. તે યૂસફ વિષે કંઈ જાણતો ન હતો. 19 આ રાજા આપણા લોકોની સાથે કપટ કરીને આપણા પૂર્વજો તરફ ખરાબ રીતે વર્તતો હતો. રાજાએ તેમનાં બાળકોને ખુલ્લામાં બહાર તેઓની પાસે મુકાવડાવ્યાં જેથી તેઓ જીવે નહિ.
20 “આ સમય દરમ્યાન મૂસાનો જન્મ થયો હતો. તે ઘણો સુંદર હતો. ત્રણ માસ સુધી તેના પિતાના ઘરમાં મૂસાની સંભાળ લીધી. 21 જ્યારે તેઓએ મૂસાને બહાર મૂક્યો. ફારુંનની દીકરીએ તેને લઈ લીધો. તેણીએ તે જાણે તેનો પોતાનો પુત્ર હોય તે રીતે તેને ઉછેર્યો. 22 મિસરીઓએ તેઓ જે બધું જાણતા હતા તે મૂસાને શીખવ્યું. તે બોલવામાં અને તે પ્રમાણે કરવામાં બાહોશ હતો.
23 “જ્યારે મૂસા લગભગ 40 વર્ષનો થયો, તેણે વિચાર્યુ કે પોતાના દેશના ઇસ્ત્રાએલી ભાઈઓને મળવું તે સારું હશે. 24 મૂસાએ જોયું કે એક મિસરી માણસ યહૂદિ સાથે અનિચ્છનીય રીતે વર્તતો હતો. તેથી તેણે યહૂદિને સહાય કરી. મૂસાએ યહૂદિને ઇજા પહોંચાડવા માટે મિસરીને શિક્ષા કરી. મૂસાએ તેને એટલો સખત માર્યો કે તે મરી ગયો. 25 મૂસાએ વિચાર્યુ કે તેના યહૂદિ ભાઈઓ સમજશે કે દેવ મારા હાથે તેઓનો છૂટકારો કરશે. પણ તેઓ સમજ્યા નહિ.
26 “બીજે દિવસે મૂસાએ બે યહૂદિ માણસોને લડતા જોયા. તેણે બને વચ્ચે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. તેણે કહ્યું, ‘ભલા માણસો, તમે ભાઈઓ છો! તમે એકબીજાનું ખરાબ શા માટે કરો છો?’ 27 એક માણસ કે જે બીજાનું ખરાબ કરતો હતો તેણે મૂસાને ધક્કો માર્યો. તેણે મૂસાને કહ્યું, ‘અમારા પર કોણે તને અધિકારી કે ન્યાયાધીશ બનાવ્યો છે? ના! 28 ગઇકાલે તેં પેલા મિસરીને મારી નાખ્યો તેમ મને મારી નાખવા ધારે છે?’(A) 29 જ્યારે મૂસાએ તેને આમ કહેતો સાંભળ્યો ત્યારે, મૂસાએ મિસર છોડ્યું. તે મિધાનના પ્રદેશમાં રહેવા ગયો. ત્યાં તે અજાણ્યો હતો. મૂસા મિધાનમાં રહેતો ત્યારે ત્યાં તેને બે દીકરા હતા.
30 “ચાળીસ વરસ પછી મૂસા સિનાઇ પર્વતના રણ પ્રદેશમાં હતો. ત્યાં દૂતે તેને ઝાડીઓ મધ્યે અગ્નિ જ્વાળામાં દર્શન દીધું. 31 જ્યારે મૂસાએ આ જોયું. તે નવાઇ પામ્યો. તે તેને જોવા સારું નજીક ગયો. ત્યારે મૂસાએ એક અવાજ સાંભળ્યો; તે પ્રભુનો અવાજ હતો. 32 પ્રભુએ કહ્યું, ‘હું તારા પૂર્વજોનો દેવ, એટલે ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો દેવ છું.’(B) મૂસા ભયથી ધ્રુંજી ઊઠ્યો. અગ્નિ સામે જોવાની તેની હિંમત ચાલી નહિ.
33 “પ્રભુએ તેને કહ્યું, ‘તારા જોડા કાઢી નાંખ, કારણ કે જે સ્થળે તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. 34 મેં મારા લોકોને મિસરમાં દુ:ખ સહન કરતાં જોયા છે. મેં તેઓના નિસાસા સાંભળ્યા છે. તેઓને મુક્ત કરવા હું નીચે ઊતર્યો છું. હવે ચાલ, મૂસા હું તને મિસરમાં પાછો મોકલું છું.’(C)
35 “આ મૂસા કે જેનો તેઓએ નકાર કર્યો એમ કહીને કે તેને કોણે અમારો અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો? ના! એ જ મૂસાને દેવે અધિકારી અને ઉદ્ધાર કરનાર થવા સારું મોકલ્યો. દેવે મૂસાને દૂતની મદદથી મોકલ્યો. આ તે દૂત હતો જેને મૂસાએ બળતા ઝાડવા મધ્યે જોયો હતો. 36 તેથી મૂસાએ લોકોને બહાર દોર્યા. તેણે અદભૂત પરાક્રમો અને ચમત્કારો કર્યા. મૂસાએ ઇજિપ્તમાં અને રાતા સમુદ્રમાં, મિસર દેશમાં અને 40 વરસ સુધી રણપ્રદેશમાં અદ્દભૂત કામો તથા ચમત્કારો કર્યા.
37 “આ એ જ મૂસા હતો જેણે યહૂદિ લોકોને આ શબ્દો કહ્યા હતા. ‘દેવ તમને એક પ્રબોધક આપશે. તે પ્રબોધક તમારા પોતાના લોકોમાંથી જ આવશે. અને તે મારા જેવો જ થશે.’(D) 38 આ એ જ મૂસા છે જે રણપ્રદેશના યહૂદિઓની સભામાં હતો. તે દૂત સાથે હતો. જે દૂત તેને સિનાઇ પહાડ પર કહેતો હતો, અને તે જ આપણા પૂર્વજો સાથે હતો. મૂસા દેવ પાસેથી આજ્ઞાઓ મેળવે છે જે જીવન આપે છે. મૂસા આપણને તે આજ્ઞાઓ આપે છે.
39 “પણ આપણા પૂર્વજો મૂસાને તાબે ન થયા. તેઓએ તેનો અસ્વીકાર કર્યો. તેઓએ ફરીથી મિસર પાછા જવા વિચાર્યુ. 40 આપણા પૂર્વજોએ હારુંનને કહ્યું, ‘મૂસા અમને મિસર દેશમાંથી બહાર લાવ્યો છે પણ અમને ખબર નથી કે તેનું શું થયું છે તેથી કેટલાક દેવોને બનાવ જે અમારી આગળ જાય અને અમને દોરે.’ (E)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International