Revised Common Lectionary (Semicontinuous)
55 પરંતુ સ્તેફન તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્તેફને આકાશમાં ઊચે જોયું. તેણે દેવનો મહિમા જોયો. તેણે ઈસુને જમણી બાજુએ ઊભેલો જોયો. 56 સ્તેફને કહ્યું, “જુઓ! હું આકાશને ખુલ્લું જોઉં છું અને માણસના દીકરાને દેવની જમણી બાજુએ ઊભેલો જોઉં છું!”
57 પછી બધા યહૂદિ આગેવાનોએ મોટા અવાજે બૂમો પાડી. તેઓએ તેઓના હાથો વડે તેઓના કાન બંધ કરી દીધા. તેઓ બધા સ્તેફન તરફ એક સાથે દોડ્યા. 58 તેઓ તેને શહેર બહાર લઈ ગયા અને તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેના તરફ પથ્થરો ફેંક્યા. જે માણસો સ્તેફન વિરૂદ્ધ ખોટું બોલતા હતા તેઓએ તેના કપડાં શાઉલ નામના જુવાન માણસ પાસે મૂક્યા હતા. 59 પછી તેઓ સ્તેફનને પથ્થરો મારતા હતા. પરંતુ સ્તેફન તો પ્રાર્થના કરતો હતો. તેણે કહ્યું, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કર!” 60 તેણે ઘૂંટણે પડીને બૂમ પાડી, “પ્રભુ આ પાપ માટે તેઓને દોષ દઈશ નહિ!” આમ કહ્યા પછી સ્તેફન અવસાન પામ્યો.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો.
મારી સાથે હમેંશા સારા રહેજો
અને મને કૃપા આપતા રહેજો.
2 હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો!
મારા ખડક બનો.
મારી સુરક્ષાની જગા બનો.
મારો કિલ્લો બનો અને મને બચાવો.
3 દેવ મારા ખડક અને કિલ્લો છો,
તેથી તમારા નામને માટે મને દોરવણી આપો
અને મને માર્ગદર્શન આપો.
અને તે પર ચલાવો.
4 મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો.
કારણ તમે મારો આશ્રય છો.
5 હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું;
હે સત્યના દેવ યહોવા,
તમે મારો ઉદ્ધાર કર્યો છે.
15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે.
મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.
16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો.
અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો.
2 નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધ (શિક્ષણ) માટે ભૂખ્યા રહી આતુર બનો. આનું પાન કરવાથી તમારો વિકાસ અને તારણ થશે. 3 પ્રભુની દયાનો અનુભવ તમે ક્યારનોય કર્યો છે. તેથી તેના વડે તારણ મેળવવા આગળ વધો.
4 પ્રભુ ઈસુ તે જીવંત “પથ્થર” છે. દુનિયાના લોકોએ નિર્ણય કર્યો કે તેઓને આ પથ્થર (ઈસુ) ની જરુંર નથી.
પરંતુ તે તો દેવ દ્ધારા પસંદગી પામેલ પથ્થર હતો. અને દેવ આગળ તેનું ઘણું મૂલ્ય હતું. તેથી તેની નજીક આવો. 5 તમે પણ જીવંત પથ્થર જેવા છો. આત્મિક ઘર ચણવા દેવ તમારો ઉપયોગ કરે છે. તે મંદિરમાં દેવની સેવા કરવા તમે પવિત્ર યાજકો થયા છો. તમે ઈસુ ખ્રિસ્ત થકી દેવને પ્રસન્ન છે એ આત્મિક યજ્ઞો આપો. 6 પવિત્રશાસ્ત્ર કહે છે કે:
“જુઓ, મેં મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર પસંદ કર્યો છે,
અને તે પથ્થરને હું સિયોનમાં મૂકું છું;
જે વ્યક્તિ તેના પર વિશ્વાસ કરશે તે કદી પણ શરમાશે નહિ.” (A)
7 તેથી તમે વિશ્વાસ કરનારાઓના માટે તે પથ્થર મૂલ્યવાન છે પણ અવિશ્વાસીઓ માટે તે પથ્થર – તે એક એવો પથ્થર છે:
“જેને સ્થપતિઓએ અવગણ્યો છે.
તે પથ્થર ઘણોજ મહત્વનો પથ્થર બન્યો.” (B)
8 અવિશ્વાસીઓ માટે, તે છે:
“તે એક એવો પથ્થર છે કે જે લોકોને ઠોકર ખવડાવે છે,
એ પથ્થર જે લોકોને ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” (C)
લોકો ઠોકર ખાય છે કારણ કે તેઓ દેવ જે કહે છે તે વચનોનું પાલન કરતા નથી. તેઓને માટે દેવે આવુજ આયોજન કર્યુ હતું.
9 પરંતુ તમે પસંદ કરાયેલી જાતી, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા, તથા પ્રભુના ખાસ લોક છો, તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવે તમને અદભૂત પરાક્રમો કહેવા માટે પસંદ કર્યા છે. દેવે તમને અંધકારમાંથી તેના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે.
10 કોઈ એક સમયે તમે પ્રજા જ ન હતા.
પરંતુ હવે તમે દેવની પ્રજા છો.
ભૂતકાળમાં તમને દયા પ્રાપ્ત થઈ નહોતી.
પરંતુ હવે તમને દયા પ્રાપ્ત થઈ છે.[a]
ઈસુ તેના શિષ્યોને દિલાસો આપે છે
14 ઈસુએ કહ્યું, “તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. દેવમાં વિશ્વાસ રાખો અને મારામાં વિશ્વાસ રાખો. 2 મારા પિતાના ઘરમાં ત્યાં ઘણાં ઓરડાઓ છે. જો તે સાચું ના હોત તો હું તમને આ કહેત નહિ. હું તમારા માટે જગ્યાની તૈયારી કરવા જાઉં છું. 3 ત્યાં જઈને તમારા માટે જગ્યાની તૈયારી કર્યા બાદ, હું પાછો આવીશ. પછી હું તમને મારી સાથે લઈ જઈશ. તેથી કરીને હું જ્યાં હોઈશ ત્યાં તમે પણ હશો. 4 હું જ્યાં જાઉ છું તે જગ્યાનો માર્ગ તમે જાણો છો.”
5 થોમાએ કહ્યું, “પ્રભુ, તું ક્યાં જાય છે તે અમે જાણતાં નથી. તેથી અમે તે માર્ગ કેવી રીતે જાણી શકીએ?”
6 ઈસુએ ઉત્તર આપ્યો, “હું માર્ગ છું. હું સત્ય છું અને જીવન છું. પિતા પાસે જવાનો માર્ગ ફક્ત મારા દ્વારા છે. 7 જો તમે મને ખરેખર ઓળખતા હોત, તો પછી તમે મારા પિતાને પણ જાણશો. હવેથી તમે એને જાણશો. તમે તેને જોયો છે.”
8 ફિલિપે ઈસુને કહ્યું, “પ્રભુ, અમને પિતા બતાવ. અમારે જે બધું જોઈએ છે તે એ છે.”
9 ઈસુએ ઉત્તર આપ્યો, “ફિલિપ, ઘણા લાંબા સમય સુધી હું તારી સાથે છું. તેથી તારે મને ઓળખવો જોઈએ. જે વ્યક્તિએ મને જોયો છે તેણે મારા પિતાને પણ જોયો છે. તેથી તું શા માટે કહે છે, અમને પિતા બતાવ? 10 શું તમે ખરેખર માનો છો કે હું પિતામાં છું અને પિતા મારામાં છે? તમને મેં જે બધી વાતો કહી છે તે મારામાંથી આવી નથી. પિતા મારામાં રહે છે તે તેનું પોતાનું કામ કરે છે. 11 મારામાં વિશ્વાસ કરો જ્યારે હું કહું કે હું પિતામાં છું અને પિતા મારામાં છે. અથવા કામોને લીધે જ મારામાં વિશ્વાસ કરો.”
12 હું તમને સત્ય કહું છું, જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તે મેં જે કામો કર્યા છે તેવાં જ કરશે. હા! તે મેં કર્યા છે તેનાં કરતાં વધારે મહાન કામો પણ કરશે. શા માટે? કારણ કે હું પિતા પાસે જાઉં છું. 13 અને જો તમે મારા નામે જે કંઈ માગશો તો હું તમારા માટે તે કરીશ. પછી દીકરા દ્વારા પિતા મહિમાવાન દર્શાવાશે. 14 જો તમે મારા નામે કંઈ મારી પાસે માગશો તો હું તે કરીશ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International