Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો.
મારી સાથે હમેંશા સારા રહેજો
અને મને કૃપા આપતા રહેજો.
2 હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો!
મારા ખડક બનો.
મારી સુરક્ષાની જગા બનો.
મારો કિલ્લો બનો અને મને બચાવો.
3 દેવ મારા ખડક અને કિલ્લો છો,
તેથી તમારા નામને માટે મને દોરવણી આપો
અને મને માર્ગદર્શન આપો.
અને તે પર ચલાવો.
4 મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો.
કારણ તમે મારો આશ્રય છો.
5 હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું;
હે સત્યના દેવ યહોવા,
તમે મારો ઉદ્ધાર કર્યો છે.
15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે.
મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.
16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો.
અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો.
દેવે ઇબ્રામને બોલાવ્યો
12 યહોવાએ ઇબ્રામને કહ્યું,
“તું તારો દેશ, તારા સગાંસંબંધી,
અને તારા પિતાના પરિવારને છોડી દે
અને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા.
2 હું તને આશીર્વાદિત કરીશ.
હું તને એક મહાન રાષ્ટ બનાવીશ.
હું તારા નામને પ્રસિધ્ધ કરીશ.
લોકો તારા નામ દ્વારા
બીજાને આશીર્વાદ આપશે.
3 જે લોકો તારું ભલું કરશે તે લોકોને
હું આશીર્વાદ આપીશ.
પરંતુ જેઓ તને શ્રાપ આપશે તેઓને હું શાપ દઈશ.
પૃથ્વી પરના બધા મનુષ્યોને આશીર્વાદ આપવા માંટે હું તારો ઉપયોગ કરીશ.”
સ્તેફનના વિરોધી યહૂદિઓ
8 સ્તેફનને મહાન આશીર્વાદ પ્રાપ્ત થયો. દેવે સ્તેફનને ચમત્કારો કરવાનું અને લોકોને દેવની સાબિતીઓ બતાવવાનું સાર્મથ્ય આપ્યું. 9 પરંતુ કેટલાક યહૂદિઓ આવ્યા અને સ્તેફનની સાથે દલીલો કરી. આ યહૂદિઓ સભામાંના હતા. તે સભા લિબર્તીની માટેની હતી. (આ સભા કુરેનીના યહૂદિઓ માટેની તથા આલેકસાંદ્રિયાના યહૂદિઓ માટેની હતી.) કિલીકિયા અને આસિયાના યહૂદિઓ તેઓની સાથે હતા. તેઓ બધાએ આવીને સ્તેફન સાથે દલીલો કરી. 10 પરંતુ સ્તેફન આત્માની પ્રેરણાથી જ્ઞાન સાથે બોલતો. તેના શબ્દો એટલા મક્કમ હતા કે યહૂદિઓ તેની સાથે દલીલો કરી શક્યા નહિ.
11 તેથી યહૂદિઓએ કેટલાક માણસોને કહેવા માટે ઊભા કર્યા, “અમે સાંભળ્યું છે કે સ્તેફન, મૂસા અને દેવની વિરૂદ્ધ બોલ્યો.” 12 આમ કરીને આ યહૂદિઓએ લોકોને, વડીલો તથા શાસ્ત્રીઓને મૂંઝવણમાં મૂંક્યા. તેઓ એટલા બધા ઉશ્કેરાયા કે તેઓએ આવીને સ્તેફનને પકડી લીધો. તેઓ તેને યહૂદિઓના બોધકોની સભામાં લઈ ગયા.
13 યહૂદિઓ સભામાં કેટલાક માણસોને લાવ્યા. તેઓએ આ માણસોને સ્તેફન વિષે જૂઠું બોલવાનું કહ્યું. તે માણસોએ કહ્યું, “આ માણસ (સ્તેફન) હંમેશા આ પવિત્ર જગ્યા માટે ખરાબ કહે છે અને હંમેશા તે મૂસાના નિયમશાસ્ત્ર વિરૂદ્ધ દુર્ભાષણ કરે છે. 14 અમે તેને કહેતાં સાંભળ્યો છે કે ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે. તેણે એમ પણ કહ્યું છે કે મૂસાએ આપણને જે રીતરિવાજો આપ્યા છે તેને ઈસુ બદલી નાખશે.” 15 સભામાં બેઠેલા બધા લોકો સ્તેફન તરફ એકી નજરે જોઈ રહ્યા. તેનો ચહેરો એક દૂતના જેવો દેખાતો હતો અને તેઓએ તે જોયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International