Revised Common Lectionary (Semicontinuous)
આભારસ્તુતિનું ગીત.
1 હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
2 આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં;
તેમની સમક્ષ આવો.
3 અને તમે જાણો, યહોવા તે જ દેવ છે;
તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ;
આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
4 આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો,
અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો;
આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
5 કારણ, યહોવા ઉત્તમ છે,
તેમની કૃપા સર્વકાળ છે;
અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.
23 “ઇસ્રાએલના દેવ યહોવા તેમની પ્રજાના રખેવાળો વિષે આ પ્રમાણે કહે છે, જે ધેટાંપાળકો મારા બીડના ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે. તેઓને હાય હાય!” આ યહોવાના વચન છે.
2 તેની પ્રજાનું ધ્યાન રાખવાની જેમની ફરજ હતી તે ઘેટાંપાળકો માટે યહોવા આમ કહે છે, “એ તમે છો જેણે મારા ટોળાને વિખેરીને ભગાડી મૂક્યાં છે, તમે ક્યારેય તેમની પર ધ્યાન નથી આપ્યું, હવે હું તમે કરેલા દુષ્કૃત્યો માટે તમને સજા કરીશ” એવું યહોવા કહે છે. 3 “પરંતુ મારા લોકોમાંના બચેલાઓને હું જાતે જે દેશોમાં મેં તેમને હાંકી કાઢયા છે ત્યાંથી પાછા એકત્ર કરીને, તેમના વાડામાં પાછા લાવીશ. ત્યાં તેઓનો વંશવેલો ફૂલશે-ફાલશે અને વૃદ્ધિ પામશે. 4 હું એવા પાળકોની નિમણૂંક કરીશ જેઓ તેમની સંભાળ રાખે. એટલે પછી તેમને બીવાનું કે ડરવાનું રહેશે નહિ. તેમની સતત ગણતરી કરવામાં આવશે જેથી કોઇ ભૂલું પણ નહિ પડે.” આ યહોવાના વચન છે.
પ્રામાણિક “અંકુર”
5 યહોવા કહે છે,
“એવો સમય આવી રહ્યો છે
જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી ‘અંકુર’ ઉગાવીશ,
તેને રાજા તરીકે પસંદ કરીશ.
જે ડહાપણપૂર્વક રાજ્ય શાસન કરશે
અને દેશમાં ન્યાય અને નીતિમત્તાની આણ વર્તાવશે.
6 તેની કારકિદીર્ દરમ્યાન યહૂદિયાનો
અને ઇસ્રાએલનો ઉદ્ધાર થશે
અને તેઓ સુરક્ષિત રહેશે લોકો
તેમને યહોવા અમારું ન્યાયીપણું છે.
એ નામે બોલાવશે.”
7 યહોવા કહે છે, “હવે એવો સમય આવશે, જ્યારે લોકો સમ ખાતી વખતે એમ નહિ કહે કે, ‘હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લાવનાર યહોવાના નામે સોગંદ લઉં છું!’ 8 પણ એમ કહેશે કે, ‘ઇસ્રાએલના વંશજોને ઉત્તરના પ્રદેશમાંથી અને પોતે તેમને જ્યાં હાંકી કાઢયા હતા તે બધા દેશોમાંથી ફરી પાછા લાવનાર જીવતા યહોવાના સમ!’ તેઓ તેમની પોતાની ભૂમિમાં વસશે.”
ઈસુના તેના મરણ વિષેનો સંકેત
(માર્ક 10:32-34; લૂ. 18:31-34)
17 ઈસુ જ્યારે પોતાના બાર શિષ્યો સાથે યરૂશાલેમ જઈ રહ્યો હતો. ત્યારે તેણે એ બધાને એકાંતમાં એક બાજુએ બોલાવીને કહ્યું, 18 “જુઓ, આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. માણસનો દીકરો મુખ્ય યાજક અને શાસ્ત્રીઓને સોંપવામાં આવશે, અને તેને મોતની સજા ફટકારવામાં આવશે. 19 પછી તે લોકો માણસના દીકરાને બીનયહૂદિઓને સોંપી દેશે જેઓ તેની ક્રૂર મશ્કરી કરશે. તેના પર કોરડા વીંઝશે અને તેને વધસ્તંભ પર જડાવી દેશે, પરંતુ ત્રીજા દિવસે તે સજીવન થશે.”
માતાની ખાસ માંગણી
(માર્ક 10:35-45)
20 પછી ઝબદીની પત્ની પોતાના દીકરાઓને સાથે રાખીને ઈસુની પાસે આવી. તેણે પગે પડીને ઈસુની પાસે માંગણી કરી.
21 ઈસુએ પૂછયું, “તારે શું જોઈએ છે?”
તેણે ઉત્તર આપ્યો, “મને વચન આપ કે તારા રાજ્યમાં મારા બે દીકરાઓમાંથી એક દીકરો તારી જમણી બાજુ અને બીજો દીકરો તારી ડાબી બાજુએ બેસે.”
22 ઈસુએ બે દીકરાઓને કહ્યું, “તમે શું માંગી રહ્યા છો તે તમે જાણતા નથી. જે પ્યાલો મારે પીવાનો છે તે તમારાથી પીવાશે?”
તેઓએ કહ્યું, “હા, અમે પી શકીશું!”
23 ઈસુએ તેઓને કહ્યું, “અલબત્ત હું જે કંઈ પીઉ તે તમે પી શકશો તો ખરા. પણ મારી જમણી કે ડાબી બાજુ કોને સ્થાન આપવું, તે મારા હાથની વાત નથી. એ સ્થાનો મારા પિતાએ નક્કી કરેલ વ્યક્તિઓ માટે છે.”
24 જ્યારે આ માંગણી વિષે બાકીના દશ શિષ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ આ બે ભાઈઓ પર બહું ગુસ્સે થયા. 25 પછી ઈસુએ શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તમે જાણો છો કે યહૂદી રાજ્ય કર્તાઓ પોતાની પ્રજા પર સત્તાનો પૂર્ણ અમલ કરે છે અને તેમના મોટા માણસો તેમના અધિકારનું લોકોને ભાન કરાવવા ચાહે છે. 26 પણ તમારી સાથે આ રીતે થવું ન જોઈએ. તમારામાં જે આગેવાન થવા ઈચ્છે તે તમારો સેવક હોવો જોઈએ. 27 અને જે સૌથી મોટો થવા ઈચ્છે છે, તેણે એક ગુલામ તરીકે તમારી સેવા કરવી જોઈએ. 28 તમારે માણસના દીકરા જેવા થવું જોઈએ, માણસનો દીકરો સેવા કરાવવા નહિ પણ સેવા કરવા અને ઘણા લોકોને માટે મુક્તિ મૂલ્ય તરીકે પોતાનું જીવન સમર્પણ કરવા આવ્યો છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International