Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પ્રેરિતોનાં કૃત્યો 2:42-47

વિશ્વાસીઓનો ફાળો

42 વિશ્વાસીઓએ સંગતમાં ભેગા મળવાનું ચાલું રાખ્યું. તેઓ પ્રેરિતોના બોધ શીખવામાં તેઓના સમયનો ઉપયોગ કરતા. વિશ્વાસીઓ એકબીજાના સહભાગી બન્યા. તેઓ રોટલી ભાગવામાં તથા પ્રાર્થના કરવામાં લાગું રહ્યા. 43 પ્રેરિતો ઘણા અદભૂત કૃત્યો અને ચમત્કારો કરતા હતાં. પ્રત્યેક માણસના હ્રદયમાં દેવના માટે મહાન સન્માનની ભાવના જાગી. 44 બધા જ વિશ્વાસીઓ સાથે રહેતાં. તેઓ દરેક વસ્તુઓ વહેંચતા. 45 વિશ્વાસીઓએ તેઓની જમીનો તથા તેઓની માલિકીની વસ્તુઓ વેચી અને પછી તે પૈસા તેઓનામાં જ દરેકની જરૂરીયાત પ્રમાણે વહેંચી આપ્યા. 46 વિશ્વાસીઓ પ્રતિદિન મંદિરના આંગણામાં ભેગા મળતા. તેઓ બધાને હેતુ સર્વ સામાન્ય હતો. તેઓ તેઓના ઘરોમાં એક સાથે જમતા. તેઓ રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસથી ખાતા. 47 વિશ્વાસીઓ દેવની સ્તુતિ કરતા અને બધા જ લોકોને તેઓ ગમતા. પ્રતિદિન વધારે ને વધારે માણસોનો ઉદ્ધાર થતો; પ્રભુ વિશ્વાસીઓના સમૂહમાં તે લોકોનો ઉમેરો કરતો હતો.

ગીતશાસ્ત્ર 23

દાઉદનું ગીત.

યહોવા મારા પાલનકર્તા છે.
    તેથી મને કશી ખોટ પડશે નહિ.
તે મને લીલાં બીડમાં સુવાડે છે
    અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
    તેમનાં નામનો મહિમા વધે તે માટે
    તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
    કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
    તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
    અને મારા માથા પર તેલ રેડો છો.
    મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
    અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.

1 પિતર 2:19-25

19 પોતે કશુજ ખરાબ ન કર્યુ હોય છતાં કોઇ વ્યક્તિને દુ:ખ સહન કરવું પડે. તો તે વ્યક્તિ દેવનો વિચાર કરીને દુ:ખ સહન કરે તો તેનાથી દેવને આનંદ થાય છે. 20 પરંતુ કશું દુષ્ટ કાર્ય કરવા જો તમને શિક્ષા કરવામાં આવે, તો એ શિક્ષા સહન કરવા બદલ તમને કોઇ ધન્યવાન ન મળવા જોઈએ. પરંતુ સારું કરવા છતાં, તમને દુ:ખ પડે અને તમે તે દુ:ખ સહન કરો છો, તો તે દેવની નજરમાં પ્રસંશાપાત્ર છે. 21 પણ તમને આહવાન આપવામા આવ્યું છે. ખ્રિસ્તે તમને એક નમૂનો આપ્યો. તેણે જે કર્યું તેને અનુસરો. જ્યારે તમે દુ:ખી થાઓ, ત્યારે ધીરજ રાખો કારણ કે ખ્રિસ્ત તમારા માટે દુ:ખી થયો હતો.

22 “તેણે કોઈ પાપ નહોતું કર્યુ,
    અને તેના મુખેથી કોઇ અસત્ય ઉચ્ચારયું નહોતું.” (A)

23 ખ્રિસ્ત વિષે લોકો ખરાબ બોલ્યા, પરંતુ ખ્રિસ્ત તેઓના માટે કશું જ ખરાબ ન બોલ્યા. ખ્રિસ્તે સહન કર્યું પરંતુ લોકોને તેણે ધમકાવ્યા નહિ. અદબ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. ખ્રિસ્તે દેવને તેની કાળજી લેવા દીધી. દેવ તે યોગ્ય ન્યાય કરે છે. 24 વધસ્તંભ પર ખ્રિસ્તે તેના શરીરમા આપણાં પાપ લીધા. તેણે આમ કર્યુ કે જેથી આપણે પાપી જીવન જીવવાનુ છોડી જે યર્થાથ છે તેને માટે જીવીએ. તેના ઘાઓથી તમે સાજા થયાં. 25 તમે ખોટા રસ્તે દોરવાઇ ગયેલા ઘેંટા જેવાં હતાં. પરંતુ હવે તમે તમારા જીવોના પાળક અને તમારા આત્માના રક્ષક પાસે પાછા આવ્યા છો.

યોહાન 10:1-10

ઘેટાંપાળક અને તેનાં ઘેટાં

10 ઈસુ કહે છે, “હું તમને સત્ય કહું છું જ્યારે માણસ ઘેટાંના વાડામાં પ્રવેશે છે, ત્યારે તેણે દરવાજાનો ઉપયોગ કરવો જોઈએ. પછી જો તે બીજા કોઈ રસ્તેથી પ્રવેશ કરે છે, તો તે એક લૂંટારો છે. તે ઘેટાં ચોરવાનો પ્રયત્ન કરે છે. પણ જે માણસ ઘેટાંની સંભાળ રાખે છે તે દરવાજામાંથી પ્રવેશે છે. તે ઘેટાંપાળક છે. જે માણસ દરવાજાની ચોકી કરે છે તે ઘેટાપાળક માટે દરવાજો ઉઘાડે છે. અને ઘેટાં ઘેટાંપાળકનો અવાજ ધ્યાનથી સાંભળે છે. ઘેટાંપાળક તેનાં પોતાનાં ઘેટાંને તેમનાં નામનો ઉપયોગ કરીને બોલાવે છે. અને તેઓને બહાર દોરી જાય છે. તે ઘેટાંપાળક તેનાં બધાં ઘેટાંને બહાર કાઢે છે પછી તે તેઓની આગળ ચાલે છે અને તેમને દોરે છે. ઘેટાં તેની પાછળ જાય છે. કારણ કે તેઓ તેના અવાજને જાણે છે. પરંતુ અજાણ્યાં વ્યક્તિની પાછળ ઘેટાં કદી જતાં નથી. તેઓ તે વ્યક્તિની પાસેથી નાસી જશે, કારણ કે તેઓ અજાણ્યા માણસનો અવાજ ઓળખતા નથી.”

ઈસુએ લોકોને આ વાત કહી, પરંતુ લોકો તેનો અર્થ સમજી શક્યા નહિ.

ઈસુ એક ઉત્તમ ઘેટાંપાળક

તેથી ઈસુએ ફરીથી કહ્યું, “હું તમને સત્ય કહું છું, હું ઘેટાં માટેનું બારણું છું. મારા આવતા પહેલા જે લોકો આવ્યા તે બધા ચોરો અને લૂંટારાઓ હતા. ઘેટાંઓએ તેઓને ધ્યાનથી સાંભળ્યા નહિ. હું બારણું છું. જે કોઈ વ્યક્તિ મારા દ્વારા પ્રવેશ કરે છે તેનું રક્ષણ થશે. તે વ્યક્તિ અંદર આવશે અને બહાર જશે. તે માણસ તેની જરુંરિયાતો જ મેળવી શકશે. 10 ચોર ફક્ત ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International