Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,
મારી આજીજીનો જવાબ આપો
અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
2 હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો,
કારણ કે તમારી આગળ કોઇ નિર્દોષ મળશે નહિ.
3 મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે;
તેઓએ મને જમીન પર પછાડ્યો છે,
અને અંધકારમાં પૂરી દીધો છે,
જાણે હું મરી ગયો હોઉં તેમ.
4 માટે મારો આત્મા ઘણો મૂંઝાઇ ગયો છે;
અને મારું અંત:કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
5 હું ભૂતકાળનાં વર્ષો સ્મરું છું;
તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં;
તેનું મનન કરું છું.
6 હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું;
સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
7 હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે
હું નબળો થતો જાઉં છું;
તમે મારાથી મોઢું ફેરવશો તો
હું મૃત્યુ પામીશ.
8 મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો;
કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું.
જે માર્ગે મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે,
હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
9 મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો;
સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો;
કારણકે તમે મારા દેવ છો;
તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ.
11 હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો;
તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો;
અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો;
કારણકે હું તમારો સેવક છું.
જમીન ખરીદવા પાછળનો સંકેત
32 યહૂદિયાના રાજા સિદકિયાના અમલના દશમાં વર્ષમાં, નબૂખાદનેસ્સારના અઢારમાં વર્ષમાં યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ. 2 તે વખતે બાબિલના રાજાની સૈના યરૂશાલેમને ઘેરો ઘાલીને પડી હતી અને પ્રબોધક યર્મિયા યહૂદિયાના રાજમહેલના રક્ષકઘરના ચોકમાં કેદમાં પડેલો હતો; 3 સિદકિયા રાજાએ યર્મિયાને કેદ કર્યો હતો, કારણ કે તેણે ભવિષ્યવચન કહેવાનું સતત ચાલું રાખ્યું હતું કે, “‘બાબિલનો રાજા નગરને જીતી લેશે. 4 અને રાજા સિદકિયા બચવા નહિ પામે, તેને ચોક્કસપણે બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે, તે તેને રૂબરૂ મળશે અને તેની સાથે વાત કરશે. 5 તે સિદકિયાને બાબિલ લઇ જશે અને હું તેને સંભારું નહિ ત્યાં સુધી તેણે ત્યાં રહેવું પડશે. તમે બાબિલવાસીઓ સામે લડશો તો યે વિજય નહિ પામો!’” આ તો યહોવાનું વચન છે.
6 પછી યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો: 7 “તારા કાકા શાલ્લૂમનો પુત્ર હનામએલ તારી પાસે આવીને તને કહેશે કે, ‘અનાથોથનું મારું ખેતર તું ખરીદી લે, કારણ નજીકના સગા તરીકે તારો એ હક્ક છે.’
8 “અને યહોવાના કહ્યા પ્રમાણે મારો પિતરાઇ ભાઇ હનામએલ રક્ષકઘરમાં ચોકમાં મારી પાસે આવ્યો અને બોલ્યો, ‘બિન્યામીનના કુળસમુહના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે; કારણ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક્ક તારો છે.’”
તે તારે પોતાને માટે વેચાતું લે, ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાનું વચન છે. 9 તેથી 17 શેકેલ ચાંદી ચૂકવીને મેં હનામએલ પાસેથી તે ખેતર વેચાતું લીધું.
36 “તેથી હવે ઇસ્રાએલના દેવ યહોવા આ નગર વિષે કહે છે કે ‘તેને તરવાર, દુકાળ અને મરકી દ્વારા બાબિલના રાજાના હાથમાં સુપ્રત કરવામાં આવશે.’ 37 ‘મારા પુણ્યપ્રકોપ અને ભયંકર રોષને લીધે એ લોકોને મેં જે જે દેશોમાં વેરવિખેર કરી નાખેલા છે, ત્યાંથી એમને પાછા એકત્ર કરીશ, આ જગ્યાએ પાછા લાવીશ અને શાંતિ અને સલામતીપૂર્વક અહીં વસાવીશ. 38 તેઓ મારા લોકો થશે અને હું તેઓનો દેવ થઇશ. 39 હું તેમને બધાંને સમાન અભિગમ અને જીવનનો માર્ગ આપીશ જેથી તેઓને હર સમય મારો ભય રહેશે. આ તેઓના પોતાના ભલા માટે જ અને ત્યાર પછી તેઓના સંતાનોના ભલા માટે છે.
40 “‘હું તેઓની સાથે એક કાયમી કરાર કરીશ, હું સદાય તેમની ભલાઇ કરતા અટકીશ નહિ, અને તેમના હૃદયમાં મારે વિષે એવું દૈવત્વ ઉત્પન કરીશ કે, તેઓ કદી મારાથી વિમુખ ન થઇ જાય. 41 એમનું કલ્યાણ કરવામાં મને આનંદ આવશે અને હું તેમને પૂર્ણ હૃદયથી આ ભૂમિ પર ફરીથી સુસ્થાપિત કરીશ.’”
ઈસુને પકડવાની કેટલાંક સદૂકીઓની ચાલ
(માર્ક 12:18-27; લૂ. 20:27-40)
23 એ જ દિવસે થોડાક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા (લોકો મરણમાંથી ઊભા થશે તે સદૂકીઓ માનતા નહોતા) અને સદૂકીઓએ ઈસુને પૂછયું. 24 “ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ માણસ નિ:સંતાન મરણ પામે તો તેના ભાઈએ તેની પત્ની સાથે પરણવું જોઈએ. જેથી તેઓ બાળકો મેળવી પોતાના ભાઈ માટે વંશ ઉપજાવે. 25 એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. તેમાંના મોટા ભાઈએ લગ્ન કર્યુ અને નિ:સંતાન મરણ પામ્યો, તેથી પોતાની સ્ત્રીને બીજા ભાઈ પાસે તેડી ગયો. 26 આ બીજો ભાઈ પણ નિ:સંતાન મરણ પામ્યો. પછી પેલી સ્ત્રી ત્રીજા ભાઈની સાથે પરણી એમ સાતે ભાઈઓના સંબંધમાં આવું બન્યું. 27 સૌથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28 આ સાતે માણસો તે સ્ત્રીને પરણ્યા, તો પછી હવે મૂએલાઓનાં પુનરુંત્થાનમાં, પેલા સાતમાંથી તે કોની પત્ની થશે?”
29 ઈસુએ કહ્યું, “ધર્મલેખો અને દેવનાં પરાક્રમ વિષેના તમારા અજ્ઞાનને કારણે એ તમે સમજી શકતા નથી. 30 તેઓ જ્યારે મરણમાંથી પુનરુંત્થાન પામશે, ત્યારે તે બધા આકાશમાંના દૂતો જેવા હશે અને લગ્રની વાત જ નહિ હોય. 31 શું પુનરુંત્થાનના સંબંધમાં દેવે તમને જે કહ્યું છે તે તમે વાંચ્યું છે? 32 દેવે કહ્યું, ‘હું ઈબ્રાહિમનો તથા ઈસહાકનો તથા યાકૂબનો દેવ છું.’(A) પણ તે મૂએલાઓનો દેવ નથી. પરંતુ જીવતા લોકોનો દેવ છે.”
33 ઈસુનો ઉત્તર સાંભળીને તે લોકો તેના ઉપદેશથી અચરત પામ્યા હતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International