Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો.
હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
2 મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
3 તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
કારણકે તેમની પાસે તારણ નથી.
4 તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો,
સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.
યહોવાની સ્તુતિ થાઓ!
17 “હું તમને કાંસાને બદલે સોનું
અને લોખંડને બદલે ચાંદી
તેમજ લાકડાને બદલે કાંસુ
અને પથ્થરને બદલે લોઢું આપીશ.
તારા પ્રશાસક શાંતિ
અને ન્યાયપૂર્વક શાસન ચલાવે એમ હું કરીશ,
18 તારી ભૂમિમાં હિંસાનું, વિનાશનું
કે પાયમાલીનું નામ સાંભળવા નહિ મળે.
તમારી ભીતો ‘તારણ’ કહેવાશે
અને તમારા દરવાજાઓ ‘સ્તુતિ’ કહેવાશે.
19 “હવે પછી તને દિવસ દરમ્યાન પ્રકાશ માટે સૂર્યની કે રાત્રે પ્રકાશ માટે ચંદ્રની જરૂર નહિ રહે,
કારણ, હું તારો દેવ યહોવા,
તારો શાશ્વત પ્રકાશ બની રહીશ,
અને તારો દેવ તારો મહિમા હશે.
20 તારો સૂર્ય હવે કદી આથમશે નહિ
કે તારો ચંદ્ર છુપાશે નહિ,
કારણ, હું યહોવા તારો શાશ્વત પ્રકાશ બની રહીશ
અને તારા દુ:ખના દિવસોનો અંત આવશે.
21 “વળી તમારા સર્વ લોકો ધામિર્ક થશે.
તેઓ સદાકાળ પોતાના દેશનું વતન પામશે,
કારણ કે હું મારા પોતાના હાથે
તેઓને ત્યાં સ્થાપીશ;
અને એમ મારો મહિમા થશે.
22 છેક નાનું કુટુંબ પણ સંખ્યામાં વૃદ્ધિ પામીને કુળસમૂહ બનશે.
ને જે નાનકડું ટોળું છે
તે વૃદ્ધિ પામીને પરાક્રમી પ્રજા બનશે.
હું યહોવા, સમયની સંપૂર્ણતાએ
તે સર્વ પૂર્ણ કરીશ.”
ઈસુએ વધુ લોકોને સાજા કર્યા
27 જ્યારે ઈસુ ત્યાંથી જતો હતો ત્યારે બે આંધળા માણસો તેની પાછળ પાછળ ગયા. તેઓ જોરથી બૂમ પાડવા લાગ્યા. “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર.”
28 ઈસુ અંદર ઘરમાં ગયો, ત્યાં તેઓ પણ તેની પાછળ ગયા. ઈસુએ તેમને પૂછયું, “હું તમને ફરીથી દેખતા કરી શકું એવો વિશ્વાસ છે?” આંધળા માણસોએ ઉત્તર આપ્યો કે, “હા પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ.”
29 પછી તેઓની આંખોને સ્પર્શ કરી ઈસુ બોલ્યો, “તમે વિશ્વાસ રાખો છો તો તે પ્રમાણે થાઓ.” 30 અને તરત જ તેઓ દેખતા થયા. ઈસુએ તેઓને કહ્યું, “તમે આ વિષે કોઈને વાત ન કરતા.” 31 પરંતુ આંધળા માણસો ત્યાંથી ચાલ્યા ગયા અને ઈસુની આ કીર્તિ તેઓએ આખા વિસ્તારમાં ફેલાવી.
32 આગળ જતાં લોકો ઈસુની પાસે બીજા એક માણસને લઈને આવ્યા, આ માણસને અશુદ્ધ આત્મા વળગેલો હતો. તે મૂંગો હતો. 33 ઈસુએ અશુદ્ધ આત્માને હાંકી કાઢ્યો કે તરત જ તે મૂંગો માણસ બોલતો થયો, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા: “અગાઉ ઈસ્રાએલમાં આવું કદાપિ જોવામાં આવ્યું નથી.”
34 પરંતુ ફરોશીઓએ કહ્યું, “તે (ઈસુ) અશુદ્ધ આત્માના સરદાર (શેતાન) થી જ અશુદ્ધ આત્માઓને કાઢે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International