Revised Common Lectionary (Semicontinuous)
મંદિર તરફ ચઢવા માટેનું ગીત.
1 હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું,
મને સહાય ક્યાંથી મળે?
2 આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર
યહોવા પાસેથી મને સહાય મળે છે.
3 તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ.
તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
4 જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી
અને નિદ્રાવશ થતો નથી.
5 યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે;
યહોવા તમારા રક્ષક છે.
6 સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે,
અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.
7 યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે.
યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
8 તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે.
તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.
યહોવાના લોકો અને દેવનો ભય
51 યહોવા કહે છે, “હે ન્યાયની અપેક્ષા રાખનારાઓ, મને પ્રાપ્ત કરવા ઇચ્છનારાઓ. મારુ કહ્યું સાંભળો! જે ખડકમાંથી તમને તોડી નાખવામાં આવ્યા છે તેનો ખ્યાલ કરો, જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે, તેનો વિચાર કરો. 2 અને હા, તમારા પૂર્વજો ઇબ્રાહિમ અને સારાનો વિચાર કરો. મેં જ્યારે તેને બોલાવ્યો ત્યારે તેને એકે સંતાન નહોતું. મેં તેને આશીર્વાદ આપ્યા અને તે એકના અનેક થયા.”
3 યહોવા સિયોનને-એના ખંડેરમાં વસતા બધા લોકોને સાંત્વના આપવા માગે છે. તે તેની ઉજ્જડ થઇ ગયેલી ભૂમિને એદન જેવા ઉપવનમાં ફેરવી નાખશે. ત્યાં આનંદોત્સવ વ્યાપી જશે અને સ્તુતિનાં ગીતો સંભળાશે.
આભારસ્તુતિ અને પ્રોત્સાહન
3 રાત-દિવસ હંમેશા મારી પ્રાર્થનાઓમાં હું તને યાદ કરું છું. એ પ્રાર્થનાઓમાં તારા માટે હું દેવની આભારસ્તુતિ કરું છું. મારા પૂર્વજો જેની સેવા કરતા હતા તે એ જ દેવ છે. હું જે જાણું છું તે સાચું છે એમ સમજી, મેં હંમેશા એ દેવની સેવા કરી છે. 4 તારાં આંસુઓ સંભારતાં તને મળવાનું મને ઘણું મન થાય છે જેથી મારું હૈયું આનંદથી છલકાઇ જાય. 5 તારો સાચો વિશ્વાસ પણ મને યાદ આવે છે. તારી દાદી લોઈસ અને તારી માતા યુનિકા સૌ પ્રથમ એવો જ વિશ્વાસ ધરાવતાં હતાં. હું જાણું છું કે એ જ વિશ્વાસ હવે તું ધરાવે છે. 6 માટે હું તને યાદ દેવડાવા ઈચ્છું છું કે, જ્યારે મેં મારા હાથો તારા માથા પર મૂક્યા, દેવે તને તે કૃપાદાન આપ્યું. જેમ એક નાની સરખી જ્યોત ધીરે ધીરે મોટા અગ્નિમાં પરિવર્તન પામે છે, તેમ દેવે તને આપેલ તે ખાસ કૃપાદાન વધુ ને વધુ ખીલે અને તું એનો ઉપયોગ કરે એમ હું ઈચ્છું છું. 7 કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહિ, પણ સાર્મથ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International