Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.
1 હે પ્રેમાળ દયાળુ દેવ!
મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
મારા પાપો ભૂંસી નાખો.
2 હે યહોવા, મારા અપરાધ
અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
તેથી તમે તમારા નિર્ણયો
અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
5 હું પાપમાં જન્મ્યો હતો,
મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
6 તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
7 મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
9 મારા પાપો તરફ જોશો નહિ,
ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
મારા આત્માને મજબૂત,
તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ,
અને પાપીઓ તમારા તરફ ફરશે.
14 હે મારા દેવ, મારા તારણહાર;
મને મૃત્યુદંડથી બચાવો;
હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ,
અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.
15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો;
એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
16 તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
17 દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત,
પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ.
18 દેવ, તમે સિયોનનું ભલું કરો,
અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો.
19 અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે,
અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી,
દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે.
યૂનાનો ક્રોધ ને દેવની કરૂણા
4 પરંતુ યૂનાને આ પસંદ પડ્યું નહિ અને તે ગુસ્સે થયો. 2 તેણે યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, તમે આમ જ કરશો એમ હું જાણતો હતો! એટલા માટે હું પહેલાં તાશીર્શ ભાગી ગયો. મને ખબર હતી કે, તમે તો કૃપાળુ અને દયાળુ દેવ છો! તમે ઝડપથી ગુસ્સે થતા નથી અને તમે બહુ કૃપા ધરાવો છો. તે તમે ચૂકાદાને લગતાં તમારા વિચારો બદલો છો. 3 માટે હવે, હે યહોવા, તમે મારા પ્રાણ હરી લો, હું જીવવા કરતા મરવાનું વધારે પસંદ કરું છું.”
4 પછી યહોવાએ કહ્યું, “તું આમ ગુસ્સે થાય છે તે શું યોગ્ય છે?”
5 ત્યારબાદ યૂના નગર બહાર ગયો અને પૂર્વ દિશા તરફ બેઠો. ત્યાં તેણે પોતાને માટે આશ્રયસ્થાન બાંધ્યું. પછી તે તેની છાયામાં બેસી નગરનું શું થાય છે તે નિહાળવાને રાહ જોતો બેસી રહ્યો.
કીણયોનનો છોડ અને કીડાં
6 દેવ યહોવાએ કીણયોનનો એક વેલો યૂના ઉપર ઉત્પન્ન કર્યો, કે જેથી તે તેના માથા ઉપર છાયા કરીને તેની ગમગીની દૂર કરે. એ કીણયોનના વેલાને લીધે યૂના બહુ જ ખુશ હતો.
7 પંરતુ બીજે દિવસે સવારે દેવની યોજના મૂજબ, એક કીડો છોડ ખાઇ ગયો અને તે સુકાઇ ગયું.
8 પછી જ્યારે સૂર્ય આકાશમાં ઉંચે ઉગ્યો, દેવે ગરમ પૂવિર્ય પવનને યૂના ઉપર મોકલ્યો. તેથી યૂનાનાં માથા પરની સૂર્યની ગરમીએ યૂનાને નબળો બનાવ્યો અને તેણે મૃત્યુ માંગ્યું. તેણે કહ્યું, “હું જીવવા કરતાં મરવાનું પસંદ કરું છું.”
9 પરંતુ દેવે યૂનાને કહ્યું, “વેલો નાશ પામ્યો તેથી તું આમ ગુસ્સે થાય તે યોગ્ય છે?”
યૂનાએ કહ્યું, “હા તે યોગ્ય છે. હું ગુસ્સે થઇ રહ્યો છું અને મરવા ચાહું છું.”
10 પછી યહોવાએ કહ્યું, “તેઁ કદીય છોડનું પાલન કે દેખભાલ ન કરી. તે રાતો રાત ઊગ્યું અને તે રાતોરાત મરી પણ ગયું. પણ હવે તું છોડ વિષે દુ:ખી છે. 11 તો પછી શા માટે મારે નિનવેહના મહાન શહેર માટે દિલગીર ન થવું જેમાં 1,20,000 લોકો છે જેઓને ખરાખોટાની ખબર નથી અને જ્યાં ઘણા પશુઓ છે.”
આભારસ્તુતિની પ્રાર્થના
8 ઈસુ ખ્રિસ્ત દ્વારા હું દેવનો તમારા સર્વને માટે આભાર માનું છું. તમે રોમવાસીઓ પણ દેવમાં અસીમ વિશ્વાસ ધરાવો છો એવું કહેતા ઘણા લોકોને મેં સાંભળ્યા છે. તેથી દેવનો આભાર માનું છું. 9-10 જ્યારે જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે ત્યારે તમને યાદ કરું છું. દેવ જાણે છે કે આ વાત સાચી છે. દેવના દીકરા વિષેની સુવાર્તા લોકોમાં ફેલાવીને મારા આત્મા સાથે દેવની સેવા કરું છું. તમો સર્વ રોમવાસીઓ વચ્ચે પ્રભુ મને આવવા દે એવી મારી પ્રાર્થના છે. દેવની ઈચ્છા હશે તો એમ થશે. 11 તમ સૌને મળવાનું મને ઘણું મન થાય છે. હું તમને કોઈ આત્મિક દાન આપીને વધારે સાર્મથ્યવાન બનાવવા ઈચ્છું છું. 12 હું એમ કહેવા માગું છું કે આપણને જેમાં વિશ્વાસ છે તેના વડે આપણે એકબીજાને મદદ કરી શકીએ છીએ. તમારો વિશ્વાસ મને મદદ કરશે, અને મારો વિશ્વાસ તમને.
13 ભાઈઓ અને બહેનો, તમારા આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ થવા માટે તમારી પાસે આવવા અનેકવાર મેં તૈયારીઓ કરી હતી. પરંતુ મને આવવા દીધો નથી, એની નોંધ લેવા વિનંતી. જેમ બીજા બિન-યહૂદિ લોકોને મેં જે રીતે મદદ કરી છે. તે રીતે તમને પણ મદદ કરવાની મારી ઈચ્છા છે.
14 ગ્રીક લોકો તથા બિન-ગ્રીક લોકો, શાણા તેમ જ મૂર્ખ લોકો કે જે સૌની સેવા મારે કરવી જોઈએ. 15 તેથી જ રોમના લોકોને દેવની આ સુવાર્તા પહોંચાડવા હું અત્યંત આતુર છું.
16 આ સુવાર્તા માટે હું ગર્વ અનુભવું છું. આ સુવાર્તા એવા સાર્મથ્યની છે, જેનો ઉપયોગ દેવ એવા લોકોને બચાવવા માટે કરે છે જેઓ વિશ્વાસ રાખે છે. સૌ પ્રથમ યહૂદિઓને પછી બિન-યહૂદિઓને. 17 દેવ લોકોને પોતાની સાથે કેવી રીતે ન્યાયી બનાવે છે તે દર્શાવવાનો આ સુવાર્તાનો હેતુ છે. આની શરૂઆત વિશ્વાસથી થાય છે અને તેનો અંત પણ વિશ્વાસથી જ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે તેમ, “દેવમાં વિશ્વાસ રાખીને જે વ્યક્તિ ન્યાયી થશે તે અનંતકાળ સુધી જીવશે.”(A)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International