Revised Common Lectionary (Semicontinuous)
6 તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી.
તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી.
તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
7 મેં કહ્યું, “હું મારા વિષે પ્રબોધકોએ
ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણે આવ્યો છું.
8 હે મારા દેવ, હું તમારી ઇચ્છાનુસાર કાર્ય કરવાને માટે રાજી છું.
તમારો નિયમ મારા હૃદયમાં છે.”
9 એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે,
હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.
10 મેં કયારેય તમારી નિષ્પક્ષતાને
મારા હૃદયમાં છુપાવી નથી.
મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા
અને તારણ વિષે જાહેરાત કરી છે.
11 હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો.
તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.
12 કારણ, મારા માથે સમસ્યાઓનો
ઢગલો ખડકાયો છે;
મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે
હું દબાઇ ગયો છું મારા પાપો
મારા માથાના વાળથીયે વધારે છે.
મેં મારી હિંમત ગુમાવી છે.
13 હે યહોવા, કૃપા કરી ને મારી રક્ષા કરો.
હે યહોવા, હવે મને સહાય કરવા ઉતાવળ કરો.
14 હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે
તેઓ ફજેત થાઓ
અને પરાજય પામો જેઓ
મારું નુકશાન કરવા માગે છે
તેઓ શરમથી નાસી જાઓ.
15 જેઓ મારી મજાક કરે છે;
તેઓ પરાજયથી પાયમાલ થાઓ.
16 યહોવા પર અને તેના તારણ પર પ્રેમ કરનાર સર્વના હિતમાં, તેમના યહોવાના આનંદનો ભાગ સદા કાયમ રહો.
ઉદ્ધાર ચાહનારા નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ.”
17 હું દીન તથા દરિદ્રી છું, મારી ચિંતા કરો;
હે મારા દેવ,
તમે મારા સહાયક તથા મુકિતદાતા છો;
માટે હવે વિલંબ ન કરશો.
મુક્તિ પર્વનો નિર્દેશ
12 મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાએ તેમને કહ્યું, 2 “તમાંરા લોકો માંટે આ મહિનો વર્ષનો પહેલો મહિનો ગણાશે. 3 ઇસ્રાએલના આખા સમાંજને આદેશ છે કે: આ મહિનાના દશમાં દિવસે પ્રત્યેક વ્યક્તિ પોતાના પરિવારના માંટે એક ઘેટાનુ બચ્ચું પ્રાપ્ત કરશે. 4 અને જો પૂરતાં પ્રમાંણમાં પરિવારમાં એક હલવાનને ખાઈ શકે તેટલા માંણસો ના હોય તો પોતાના કેટલાક પડોશીઓને નિમંત્રણ આપવું. પ્રત્યેક વ્યક્તિને પુરતું ખાવા મળી રહે તેટલું હલવાનનું માંસ હોવું જોઈએ. 5 તમે પસંદ કરેલ હલવાન ખોડ-ખાંપણ વગરનું એક વર્ષનું નરજાતિનું અને તે ઘેટા અથવા બકરામાંથી જ પસંદ કરવું જોઈએ. 6 તમાંરે આ હલવાનને મહીનાના ચૌદમાં દિવસ સુધી સંભાળપૂર્વક રાખવું જોઈએ. તે દિવસે ઇસ્રાએલી સમાંજના તમાંમ લોકો સંધ્યાકાળે તેમનાં હલવાનનો વધ કરશે. 7 તમાંરે તે હલવાનોનું લોહી ભેગું કરવું જોઈએ. જે જે ઘરમાં એ ખાવાનું હોય તે તે ઘરની બંને બારસાખ ઉપર અને ઓતરંગ ઉપર છાંટવું જોઈએ.
8 “તે જ રાત્રે તમાંરે હલવાનના માંસને શેકી લેવું અને પછી બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું. 9 અને એ માંસ કાચુ કે પાણીમાં બાફીને ન ખાવું. પણ પગ, માંથું, અને આંતરડા સાથે શેકીને ખાવું. 10 તે જ રાત્રે બધું જ માંસ ખાઈ લેવું જોઈએ. અને જો એમાંનું કંઈ સવાર સુધી રહે તો તે માંસને તમાંરે આગમાં બાળી મૂકવું.
11 “અને તે તમાંરે આ રીતે જ ખાવું જોઈએ; તમાંરે યાત્રામાં જતા હોય તેવા કપડા પહેરવા, પગમાં પગરખાં પહેરીને, હાથમાં લાકડી લઈને, ઉતાવળે ઉતાવળે ખાવું, કેમકે આ દેવનુ દુર્લક્ષ છે-એ સમય જ્યારે દેવે પોતાનાં લોકોનું રક્ષણ કર્યુ અને તેમને વહેલા મિસરની બહાર લઈ ગયા.
12 “આજે રાત્રે હું મિસરમાં થઈને જઈશ, અને આખા મિસર દેશનાં બધાં પ્રથમજનિત બાળકોને માંરી નાખીશ. પછી તે માંણસ હોય કે પશુ: મિસરના બધા દેવોને પણ હું સજા કરીશ. અને હું તેમને બતાવીશ કે હું યહોવા છું. 13 પરંતુ તમાંરા ઘર ઉપર લાગેલું એ લોહી એ તમે ત્યાં રહ્યાં છો તેની નિશાની બની રહેશે અને જ્યારે હું લોહી જોઈશ એટલે તમને છોડીને આગળ ચાલ્યો જઈશ. હું મિસરના લોકો માંટે વિનાશક કાર્યો કરીશ પણ તેમાંના કોઈ પણ ખરાબ રોગો તમાંરો નાશ નહિ કરે.
21 તેથી મૂસાએ બધા જ વડીલોને એક જગ્યાએ બોલાવ્યા અને તેમને કહ્યું, “જાઓ, તમાંરા પરિવાર પ્રમાંણે હલવાન લઈ આવો અને એ પાસ્ખાના બલિને કાપો. 22 પછી પાંદડાનો ઝુફો લઈને રકતના કૂંડામાં બોળી ઓતરંગને અને બન્ને બારસાખ પર તે રકત લગાડજો, અને સવાર સુધી તમાંરામાંથી કોઈએ ઘરમાંથી બહાર નીકળવું નહિ. 23 કારણ કે મિસરવાસીઓના બધાં પ્રથમ જનિતોનો સંહાર કરવા યહોવા દેશમાંથી પસાર થશે. અને તે સમયે તેઓ તમાંરા ઘરની બે બારસાખ પર અને ઓતરંગ પર રકત જોશે એટલે તે તમાંરું બારણું ટાળીને આગળ જશે અને મોતના દેવદૂતને તમાંરા ઘરમાં પ્રવેશીને કોઈનો સંહાર કરવા દેશે નહિ. 24 તમે લોકો આ વિધિને સદા યાદ રાખજો. આ નિયમ તમાંરા પોતાને માંટે અને તમાંરા વંશજોને માંટે કાયમી નિયમ તરીકે સમજીને પાળજો. 25 અને યહોવાએ તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમાંરે આ નિયમનું પાલન કરવું. 26 જ્યારે તમને લોકોને તમાંરાં બાળકો પૂછશે, ‘આપણે આ ઉત્સવ શા માંટે ઉજવીએ છીએ?’ 27 ત્યારે તમે લોકો કહેશો, ‘એ તો યહોવાના માંનમાં પાસ્ખા યજ્ઞ છે, કારણ કે જ્યારે યહોવાએ મિસર વાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને ટાળીને આગળ ચાલ્યા જઈને તેમણે આપણાં ઘરોને ઉગારી લીધાં હતા.’”
ત્યારે ઇસ્રાએલીઓએ મસ્તક નમાંવી પ્રણામ કર્યા. 28 યહોવાએ આ આદેશ મૂસાને અને હારુનને આપ્યો હતો. તેથી ઇસ્રાએલના લોકોએ યહોવાના આદેશ પ્રમાંણે કર્યુ.
ઈથિઓપિયાના એક માણસને ફિલિપનો બોધ
26 પ્રભુના દૂતે ફિલિપને કહ્યું. તે દૂતે કહ્યું, “તૈયાર થઈ જા અને દક્ષિણમાં જા. યરૂશાલેમથી ગાઝા જવાના રસ્તેથી જા. આ રસ્તો રેતીના રણમાં થઈને જાય છે.”
27 તેથી ફિલિપ તૈયાર થઈને ગયો. રસ્તામાં તેણે એક ઈથિઓપિયાના માણસને જોયો. તે એક ખોજો હતો. તે ઈથિઓપિયા (હબશીઓ) ની રાણી કંદિકાના હાથ નીચે એક મહત્વનો અમલદાર હતો. તે તેણીના બધા ધનભંડારની કાળજી રાખવા માટે જવાબદાર હતો. આ માણસ યરૂશાલેમ ભજન કરવા ગયો હતો. 28 હવે તે તેના ઘર તરફના રસ્તે પાછો ફરી રહ્યા હતો. ત્યાં તે તેના રથમાં બેસીને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો.
29 આત્માએ ફિલિપને કહ્યું, “પેલા રથ પાસે જા અને તેની નજીકમાં ઊભો રહે.” 30 તેથી ફિલિપ રથ નજીક ગયો. અને તે માણસને વાંચતા સાંભળ્યો. તે યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો. ફિલિપે તેને કહ્યું, “તું જે વાંચે છે તે શું તું સમજે છે?”
31 તે માણસે કહ્યું, “હું કેવી રીતે સમજી શકું? મને કોઇ માર્ગદર્શન આપનારની જરુંર છે.” પછી તેણે રથમાં આવીને તેની સાથે બેસવા નિમંત્રણ આપ્યું. 32 શાસ્ત્રનું જે પ્રકરણ વાંચતો હતો તે આ પ્રમાણે હતું કે:
“ઘેટાંની જેમ તેને મારી નાંખવા માટે લઈ જવામાં આવ્યો.
તે એક હલવાન જેમ જ્યારે કોઇ તેનું ઊન કાતરે ત્યારે મૌન રહે છે. તેમ તેણે પોતાનું મોંઢું ખોલ્યું નહિ.
તે કંઈ જ બોલ્યો નહિ.
33 તે શરમાળ હતો, અને તેના બધા હક્કો છિનવાઈ ગયા હતા.
પૃથ્વી પરના તેના જીવનનો અંત આવ્યો;
તેના પરિવારના સંદર્ભમાં હવે કોઇ વર્ણન મળશે નહિ.” (A)
34 તે અમલદારે ફિલિપને કહ્યું, “કૃપા કરીને મને કહે. તેના સંદર્ભમાં કહેનારો પ્રબોધક કોણ છે? તે તેના પોતા વિષે કહે છે કે બીજા કોઇ માટે કહે છે?” 35 ફિલિપે બોલવાનું શરું કર્યુ. તેણે આ શાસ્ત્રથી જ શરુંઆત કરીને પેલા માણસને ઈસુના સંદર્ભમાં સુવાર્તા કહી.
36 જ્યારે તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા જ્યાં પાણી હતું. તે અમલદારે કહ્યું, “જુઓ! અહી પાણી છે! અહી બાપ્તિસ્મા લેવામાં મને કોઈ અડચણ પડે તેમ નથી.” 37 ફિલિપે જવાબ આપ્યો, જો તું તારા સંપૂર્ણ હ્રદયથી વિશ્વાસ કરતો હોય તો તું કરી શકે. તે અમલદારે કહ્યું, “મને વિશ્વાસ છે કે ઈસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે.” 38 પછી અમલદારે રથને ઊભો રાખવા આજ્ઞા કરી. ફિલિપ અને અમલદાર બંને પાણીમાં નીચે ઉતર્યા. અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું. 39 જ્યારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અમલદારે પછી તેને ફરીથી કદી જોયો નહિ. અમલદારે તેના ઘર તરફ ચાલવા માંડ્યું. તે ખુશ હતો. 40 ફિલિપ અશ્દોદ નામના શહેરમાં જોવામાં આવ્યો. તે અશ્દોદથી કૈસરિયા સુધીના માર્ગમાં બધા શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International