Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ,
તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.
2 યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો,
તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો,
તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા,
અને મારા પગલા સ્થિર કર્યા.
3 તેમણે આપણા દેવનું સ્તોત્ર,
મારા મુખમાં મૂક્યું છે,
એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે;
અને યહોવા પર ભરોસો રાખશે.
4 જે યહોવાનો વિશ્વાસ કરે છે તે ને ધન્ય છે.
તે દૈત્યો પાસે અને ખોટા દેવ પાસે મદદ માટે જતો નથી.
5 હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે.
તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે.
તમારા જેવું કોઇ નથી!
હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.
6 તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી.
તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી.
તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
7 મેં કહ્યું, “હું મારા વિષે પ્રબોધકોએ
ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણે આવ્યો છું.
8 હે મારા દેવ, હું તમારી ઇચ્છાનુસાર કાર્ય કરવાને માટે રાજી છું.
તમારો નિયમ મારા હૃદયમાં છે.”
9 એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે,
હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.
10 મેં કયારેય તમારી નિષ્પક્ષતાને
મારા હૃદયમાં છુપાવી નથી.
મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા
અને તારણ વિષે જાહેરાત કરી છે.
11 હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો.
તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.
શેબ્ના માટે દેવનો સંદેશ
15 સૈન્યોના દેવ મારા યહોવા મને કહ્યું, “શેબ્ના, જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઇને તેને કહે કે, 16 અહીં તારે શું કામ છે, તને અહીં શો અધિકાર છે કે તેં તારે માટે પર્વત ઉપર ખડકમાં કબર ખોદાવી છે? હું તને જોરથી ઝાટકી નાખીશ.
17 “હે શૂરવીર માણસ, યહોવા તને કઠોરતાથી હચમચાવવાનાં જ છે. 18 તે તને જરૂર દડાની જેમ લપેટીને વિશાળ પ્રદેશમાં ફેંકી દેશે અને ત્યાં તારું મૃત્યુ થશે. તારાં ભભકાદાર રથો ત્યાં જ રહેશે, તેં તારા ધણીના નામને બદનામ કર્યુ છે.”
19 દેવ કહે છે, “હા, હું તને તારા પદસ્થાન પરથી દૂર હાંકી કાઢીશ, ને તને તારા હોદ્દા પરથી ઉથલાવી નાખીશ. 20 અને તે જ દિવસે હું મારા સેવક હિલ્કિયાના પુત્ર એલ્યાકીમને તેડાવી મંગાવીશ, 21 અને તેને તારો હોદ્દાનો પોશાક આપીશ, તેને તારો કમરબંધ બાંધીશ, અને તારો અધિકાર તેને સોંપીશ. તે યરૂશાલેમના વતનીઓના અને યહૂદાના લોકોના પિતાને સ્થાને ગણાશે.
22 “હું દાઉદના મહેલની ચાવી તેને સુપ્રત કરીશ, તેને તે ઉઘાડશે, તેને કોઇ બંધ નહિ કરી શકે, અને તેને તે બંધ કરશે તેને કોઇ ઉઘાડી નહિ શકે. 23 હું તેને મજબૂત રીતે ખોડેલા ખીલાની જેમ સ્થિરપણે સ્થાપીશ, અને તેના પિતાના કુટુંબને માટે તે ભારે ગૌરવરૂપ બની રહેશે. 24 તેઓ તેના બાપના ઘરના સર્વ વૈભવ, કુટુંબ-પરિવાર, પ્યાલાં જેવા નાનાં પાત્રથી તે શિરોઇ જેવા પાત્ર સુધી, તે સર્વ તેના પર લટકાવી રાખશે.
25 “સૈન્યોના દેવ યહોવાનું એવું વચન છે કે,એક દિવસ તેને સ્થાને મજબૂત રીતે ખોડેલો ખીલો ઊખડી જશે. અને તેના ઉપર લટકતો બધો ભાર ભોંયભેગો થશે અને તેના ટૂકડે ટૂકડા થઇ જશે.” આ યહોવાના વચન છે.
માત્ર એક જ સાચી સુવાર્તા છે
6 થોડા સમય પહેલા તેને અનુસરવાનું દેવે તમને આહવાન આપેલું. ઈસુમાંથી પ્રગટ થતી તેની કૃપા દ્વારા તેણે તમને આ આહવાન આપેલું પરંતુ હવે તમારા લોકોથી હું નવાઈ પામું છું! તમે તેનાથી વિમુખ થઈ રહ્યા છો. અને અન્ય પ્રકારની સુવાર્તાને અનુસરો છો. 7 વાસ્તવમાં બીજી કોઈ સાચી સુવાર્તા નથી. પરંતુ કેટલાએક લોકો તમને ગુંચવે છે. તેઓ ખ્રિસ્તની સુવાર્તામાં પરિવર્તન ઈચ્છે છે. 8 અમે તમને સાચી સુવાર્તા કહી છે. જેથી અમે પોતે કે આકાશમાંના દૂત પણ તમને ભિન્ન સુવાર્તા કહે તો તે શાપિત થાઓ! 9 મેં અગાઉ પણ તમને આ કહેલું અને ફરીથી કહું છું: તમે સાચી સુવાર્તાને કયારની અપનાવી લીધી છે. જો કોઈ પણ વ્યક્તિ તમને ઉદ્ધાર માટેનો જુદો રસ્તો બતાવે તો તે વ્યક્તિ શ્રાપિત થાઓ.
10 હવે શું તમે એમ માનો છો કે લોકો મને અપનાવે તેવો પ્રયત્ન હું કરું છું? ના! દેવ એક છે જેને પ્રસન્ન કરવાનો હું પ્રયત્ન કરું છું. શું હું માણસોને રાજી કરવાનો પ્રયત્ન કરું છું? જો હું માણસોને રાજી કરવા માંગતો હોત, તો ઈસુ ખ્રિસ્તનો હું સેવક નથી.
પાઉલની સત્તા દેવ તરફથી છે
11 પણ ભાઈઓ, હું ઈચ્છુ છું કે તમે જાણો કે જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે તે માનવ સર્જીત નથી. 12 માનવ તરફથી મને સુવાર્તા પ્રાપ્ત નથી થઈ. કોઈ માનવીએ મને સુવાર્તા નથી શીખવી. ઈસુ ખ્રિસ્તે મને એ પ્રદાન કરી છે. તેણે મને એ સુવાર્તાના દર્શન કરાવ્યા કે જેથી તેનું કથન હું લોકોને કરું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International