Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
અને તમને સિયોનમાંથી શકિત આપે.
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
અને તારું દહનાર્પણ સ્વીકારે.
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું;
યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારક શકિતથી તેને જવાબ આપશે.
7 કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે.
પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ.
અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે અડગ ઊભા રહીશુ.
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.
અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.
15 યહોવાએ ફરીથી મારી સાથે વાત કરીને કહ્યું,
“રામાહમાં ભારે રૂદનનો અવાજ સંભળાય છે,
રાહેલ પોતાનાં સંતાનો માટે ઝૂરે કરે છે.
તેને સાંત્વન આપી શકાય તેમ નથી.
કારણ કે તેનાં સંતાનો મૃત્યુ પામ્યા છે.”
16 પરંતુ યહોવા કહે છે: “રૂદન બંધ કરો,
આંસુ લૂછી નાખો,
તારાં કષ્ટો વ્યર્થ નહિ જાય,
તારા બાળકો દુશ્મનના દેશમાંથી પાછા આવશે.
17 તારા ભવિષ્ય માટે આશા છે;
તારાં સંતાનો પોતાના શહેરમાં પાછાં આવશે,”
એમ યહોવા કહે છે.
18 “મેં સ્પષ્ટ રીતે એફ્રાઇમના નિસાસા સાંભળ્યા છે,
‘તમે મને સખત સજા કરી છે;
પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે
તેમ મને પણ સજાની જરૂર હતી,
મને તમારી તરફ પાછો વાળો અને પુન:સ્થાપિત કરો,
કારણ કે ફકત તમે જ મારા યહોવા દેવ છો.
19 મને જ્યારે સમજાયુ કે મેં શું કર્યું છે,
ત્યારે મેં મારી જાંઘપર થબડાકો મારી;
હું લજ્જિત અને અપમાનિત થયો છું,
કારણ કે, જ્યારે હું જુવાન હતો
ત્યારે મેં બંદનામીવાળા કામો કર્યા હતા.’”
20 યહોવા કહે છે,
“હે ઇસ્રાએલ, તું ખરેખર મારો લાડકો દીકરો છે!
તું મને વહાલો છે!
હું તને ગમે તેટલી વાર ધમકાવું તોય પાછો તને યાદ કરું છું,
અને મારું હૃદય તને ઝંખે છે.
હું ચોક્કસ તારા પર અનુકંપા બતાવીશ.
21 “જ્યારે તું બંદીવાસમાં જાય ત્યારે રસ્તામાં ઇસ્રાએલનો માર્ગ સૂચવતાં નિશાન કર.
અને માર્ગદર્શક સ્તંભો બનાવ.
તું જે રસ્તે ગઇ હતી
તે બરાબર ધ્યાનમાં રાખ.
કારણ કે હે ઇસ્રાએલની કુમારી,
તું ફરીથી તારાં નગરોમાં અહીં પાછી ફરશે.
22 હે જક્કી ભટકી ગયેલી દીકરી,
તું ક્યાં સુધી અવઢવમાં રહીશ?
“કેમકે યહોવાએ પૃથ્વી પર એક નવી વાત પેદા કરી છે.
કોઇ સ્ત્રી પુરુષનું રક્ષણ કરે તેવી તે અદ્વિતીય વાત છે.”
યરૂશાલેમ માટે ઈસુનું રૂદન
41 ઈસુ યરૂશાલેમ પાસે આવ્યો. તેણે શહેર જોયું અને તે માટે રૂદન કર્યુ. 42 ઈસુએ યરૂશાલેમને કહ્યું કે, “હું ઈચ્છું છું કે તેં આજે શાંતિ શાના વડે લાવી શકાય તે જાણ્યું હોત. પણ તેં તે જાણ્યું નથી કારણ કે તે તમારાથી ગુપ્ત રખાયેલ છે. 43 હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તારા દુશ્મનો તારી આજુબાજુ દીવાલ બાંધશે અને તને દુશ્મનો ચારે બાજુથી ઘેરી લેશે. તેઓ તને સપડાવશે અને પકડશે. 44 તેઓ તારા મકાનના એક પથ્થર પર બીજો પથ્થર પણ રહેવા દેશે નહિ. જ્યારે દેવ તારો ઉદ્ધાર કરવા આવ્યો ત્યારે તે સમયને તેં ઓળખ્યો નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International