Revised Common Lectionary (Semicontinuous)
મરિયમ દેવની સ્તુતિ કરે છે
46 પછી મરિયમે કહ્યું,
47 “મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે.
મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે.
48 દેવે તેની સામાન્ય
અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે.
હવે પછી,
બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું,
49 કારણ કે સર્વસમર્થ દેવે મારા માટે મહાન કાર્યો કર્યા છે.
તેનું નામ પવિત્ર છે.
50 જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.
51 દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે.
તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.
52 દેવે રાજ્યકર્તાઓને રાજ્યશાસન પરથી ઉતારી પાડ્યા છે,
અને તેણે દીન માણસોને ઊંચા કર્યા છે.
53 પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે.
પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે.
54 દેવ ઈસ્ત્રાએલના બચાવ માટે આવ્યો છે. દેવે તેની સેવા માટે ઈસ્ત્રાએલના લોકોને પસંદ કર્યા છે.
દેવે તેમને મદદ કરી છે અને એમના પર દયા બતાવી છે.
55 દેવે આપણા પૂર્વજ ઈબ્રાહિમ અને તેનાં સંતાનોને આપેલું વચન હંમેશા પાળ્યું છે.”
દેવના લોકો માટે ભાવિ મહિમા
60 “હે યરૂશાલેમ, પ્રકાશી ઊઠ! તારા પર
યહોવાનો મહિમા ઉદય પામ્યો છે
ને તે ઝળહળી રહ્યો છે.
2 જુઓ, પૃથ્વી પર હજી અંધકાર છવાયેલો છે
અને લોકો હજી ઘોર તિમિરમાં છે,
પણ તારા પર યહોવા ઉદય પામે છે
અને તેનો મહિમા તારા પર પ્રગટે છે.
3 પ્રજાઓ તમારા પ્રકાશ તરફ આવશે;
તેમના પરાક્રમી રાજાઓ પણ તમારા ચળકતા ઉજાસને નિહાળવા આવશે.
4 તું જરા ઊંચી નજર કરીને ચારે તરફ જો;
બધા ભેગા થઇને તારા તરફ આવે છે.
દૂર દૂરથી તારા પુત્રો આવશે
અને તારી પુત્રીઓને તેમની આયાઓ તેડીને લાવશે,
5 “એ જોઇને તમારી આંખો ખુશીથી ચળકશે
અને તમારાં હૃદયો પ્રફુલ્લિત થશે,
સમુદ્રની સંપત્તિ તમારી પાસે આવશે,
દૂર દેશાવરોની સમૃદ્ધિ તમને અપાશે.
6 ઊંટોના ટોળાથી તમારો દેશ છવાઇ જશે.
તેઓ મિદ્યાન અને એફાહમાંના પ્રદેશમાંથી આવશે,
શેબાથી પણ બધાં આવશે;
સોનું અને લોબાન લઇને આવશે,
યહોવાનાં સ્તોત્ર ગાતાં ગાતાં આવશે.
ઝખાર્યાનું દેવને સ્તુતિગાન
67 પછી યોહાનનો પિતા, ઝખાર્યા પવિત્ર આત્માથી ભરપૂર હતો. તેણે લોકોને પ્રબોધ કર્યો.
68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો.
તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
69 દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ
ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
70 તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા
લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે.
71 દેવ આપણને આપણા દુશ્મનો
તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે.
72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે.
અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.
73 દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા
74 દુશ્મનોની સત્તામાંથી બચાવશે.
તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
75 જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.
76 “અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે.
તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.
77 તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.
78 “આપણા દેવની દયા વડે આકાશમાંથી
નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે.
79 જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે.
તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”
80 આમ તે નાનો છોકરો મોટો થતો ગયો અને આત્મામાં વધારે સામથ્યૅવાન થતો ગયો. ઇઝરાએલના યહૂદિઓ સમક્ષ જાહેર થવાનો સમય આવતા સુધી તે બીજા લોકોથી દૂર રહ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International