Revised Common Lectionary (Semicontinuous)
ભાગ બીજો
(ગીત 42–72)
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.
1 હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
2 મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
3 મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”
4 હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.
5 હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
તેમની કૃપા અને મદદ માટે હું હજી
પણ તેમની પ્રાર્થના કરીશ.
6 હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
7 ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.
8 અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
9 દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
“તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.
11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
તેનું હું હજી સ્તવન કરીશ.
યરૂશાલેમ આશીર્વાદિત થશે
8 ફરીથી સૈન્યોનો દેવ યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “મને યરૂશાલેમ પ્રત્યે એકનિષ્ઠ પ્રેમ છે, અને તેથી હું ખૂબ રોષે ભરાયો છું. 3 હવે યહોવા આ પ્રમાણે કહે છે; હું સિયોનમાં પાછો આવ્યો છું. અને હું યરૂશાલેમમાં રહીશ અને યરૂશાલેમ ‘સત્યનું નગર કહેવાશે’ અને સૈન્યોનો દેવ યહોવાનો ‘પવિત્રપર્વત’ કહેવાશે.”
4 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “યરૂશાલેમમાં ફરીથી તેની શેરીઓમાં વૃદ્ધ પુરૂષો અને સ્ત્રીઓ ચાલશે તેઓને ચાલવા માટે લાકડીની જરૂર પડશે, કારણ કે તેઓ લાંબો સમય જીવશે. 5 રમતાં છોકરાઓ અને છોકરીઓથી નગરની શેરીઓ ભરાઇ જશે.” 6 સૈન્યોનો દેવ યહોવા કહે છે; “જો પ્રજાના બચેલા લોકોને એમ લાગે કે આ આ અદૃભૂત છે, તો મને પણ એમ લાગે છે કે તે અદ્ભૂત છે.”
7 જુઓ, સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ; 8 યરૂશાલેમમાં શાંતિથી રહેવા માટે હું તેઓને ફરી પાછા ઘરે લાવીશ. તેઓ મારી પ્રજા થશે અને હું તેઓનો સત્યથી તથા ન્યાયી દેવ થઇશ.”
9 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હિંમત રાખો! મારા મંદિરનો પાયો નંખાયો અને બાંધકામ શરૂ થયું ત્યારે હાજર હતા તે પ્રબોધકોને મુખેથી તમે જે વચનો સાંભળ્યાં હતા તે આજે પણ પાળો છો. 10 તે સમય પહેલાં કોઇ માણસને કે પશુને મજૂરીએ રાખી શકાતું નહોતું. અને શત્રુની બીકે કોઇ સહીસલામત રીતે હરીફરી શકતું નહોતું. મેં માણસોને એકબીજાના દુશ્મન બનાવી દીધા હતા. 11 પણ હવે હું એ લોકોમાંના બચવા પામેલા માણસો સાથે પહેલાની જેમ નહિ વર્તું.” એવુ યહોવા કહે છે.
12 “હવે હું તમારી મધ્યે શાંતિ અને સમૃદ્ધિ લાવીશ. તમારાં ખેતરોમાં વધારે અનાજ પાકશે, દ્રાક્ષાવેલાઓ દ્રાક્ષાથી લચી પડશે. ઘણાં વરસાદને લીધે જમીન વધારે ફળદ્રુપ થશે. આ સર્વ આશીર્વાદો બાકી રહેલા લોકોને આપવામાં આવશે. 13 હે યહૂદિયા અને ઇસ્રાએલના વંશજો અત્યાર સુધી વિદેશી પ્રજાઓ શાપ દેવા માટે તમારા નામનો ઉપયોગ કરતી હતી, પણ હવે હું તમને ઉગારી લઇશ, અને તમારા નામ આશીર્વાદ આપવામાં વપરાશે. ડરશો નહિ. હિંમત રાખો.”
14 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમારા પિતૃઓએ મને ગુસ્સે કર્યો એ માટે તેઓ પર મેં દયા દર્શાવી નહિ, તેથી મેં તેઓને નુકસાન પહોંચાડવાની યોજના ઘડી હતી. 15 પણ હવે અત્યારે યરૂશાલેમનું અને યહૂદિયાના વંશજોનું ફરી ભલું કરવાનું ધાર્યુ છે; માટે ડરશો નહિ, 16 તમારે આટલું કરવાનું છે; એકબીજા સાથે સાચું બોલો, અને અદાલતમાં ખરો ન્યાય કરો અને શાંતિ જાળવો. 17 બીજાઓને નુકસાન કરવાની યોજનાઓ કરશો નહિ; અને કદી કોઇ જૂઠા સમ ખાવા નહિ; કારણ હું આ સર્વ કૃત્યોને ધિક્કારું છું,” એવું યહોવા કહે છે.
ઈસુએ ઘણા લોકોને સાજા કર્યા
(માર્ક 1:29-34; લૂ. 4:38-41)
14 જ્યારે ઈસુ પિતરને ઘેર ગયો ત્યારે તેણે તેની સાસુને તાવથી પીડાતી દીઠી. 15 ઈસુએ તેના હાથને સ્પર્શ કર્યો અને તેનો તાવ ઉતરી ગયો. તે ઉઠીને ઈસુની સેવા કરવા લાગી.
16 સાંજ પડી ત્યારે તેઓ ઘણા અશુદ્ધ આત્મા વળગેલા લોકોને ઈસુની પાસે લાવ્યા, ઈસુએ અશુદ્ધ આત્માઓને બહાર કાઢ્યા. તેમ જ બધા જ માંદાઓને પણ સાજા કર્યા. 17 ઈસુએ આ કર્યુ જેથી યશાયાએ કહેલ ભવિષ્યવાણી પૂર્ણ થાય:
“તેણે આપણા રોગો લઈ લીધા અને તેણે આપણા મંદવાડ પોતાનામાં સ્વીકાર્યા.” (A)
ઈસુ બે માણસોમાંથી ભૂતોને કાઢે છે
(માર્ક 5:1-20; લૂ. 8:26-39)
28 સમુદ્રને સામે કિનારે ગદરાનીના[a] દેશમાં ઈસુ આવ્યો ત્યાં તેને અશુદ્ધ આત્માઓ વળગેલા બે માણસો મળ્યા. તેઓ કબરોની વચમાં રહેતા હતાં તે એટલા બધા બિહામણા હતા કે ત્યાં થઈને કોઈ જઈ શક્તું ન હતું. 29 તેઓ બૂમ પાડવા લાગ્યા, “ઓ દેવના દીકરા, તું અમારી પાસે શું અપેક્ષા રાખે છે? નિશ્ર્ચિત સમય પહેલા અમને શિક્ષા કરવા આવ્યો છે?”
30 ત્યાંથી થોડેક દૂર ભૂંડનું ટોળું ચરતું હતું. 31 અશુદ્ધ આત્માઓએ વિનંતી કરી કે, “જો તું અમને કાઢી જ મૂકવાનો હોય તો, તું અમને એ ભૂંડોના ટોળામાં જવા દે.”
32 ઈસુએ તેઓને કહ્યું, “જાઓ” અને અશુદ્ધ આત્માઓ ભૂંડોનાં ટોળામાં પેઠા. ભૂંડનું આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ધસી ગયું અને પાણીમાં ડૂબી મર્યુ. 33 ભૂંડો ચરાવનારા ત્યાંથી શહેરમાં નાઠા અને બધીજ બાબતો જેવી કે અશુદ્ધ આત્માઓ વળગેલા માણસે સાથે જે બન્યું હતું તે જણાવ્યું. 34 આખું નગર ઈસુને મળવા બહાર આવ્યું અને જ્યારે લોકોએ તેને જોયો ત્યારે વિનંતી કરી કે, અમારા સીમોમાંથી તું ચાલ્યો જા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International