Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 42

ભાગ બીજો

(ગીત 42–72)

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.

હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
    તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
    હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
    શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”

હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
    ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
    અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.

હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
    તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    તેમની કૃપા અને મદદ માટે હું હજી
    પણ તેમની પ્રાર્થના કરીશ.
હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
    તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
    અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
    ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
    અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.

અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
    અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
    “તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
    શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
    મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.

11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
    તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
    તેનું હું હજી સ્તવન કરીશ.

હઝકિયેલ 47:1-12

મંદિરથી વહેતું પાણી

47 પછી તે માણસ મને મંદિરના ધ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો મંદિરના ઉંબરા તળેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કારણ, મંદિર પૂર્વાભિમુખ હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ બાજુએ થઇને જતું હતું. પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લઇ આવ્યો અને ફેરવીને પૂર્વ દરવાજે લઇ ગયો. ત્યાં જમણી બાજુએથી થોડું થોડું પાણી નીકળતું હતું.

હાથમાં માપદંડ લઇને તે પૂર્વ તરફ ગયો અને 1,000 હાથ ભર્યા પછી તેણે મને પાણીમાં ચલાવ્યો. પાણી ઘૂંટીસમાં હતાં. એ પછી તેણે બીજા 1,000 હાથ અંતર માપ્યું અને ફરી મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી ઘૂંટણસમાં હતાં. ફરીથી તેણે એક 1,000 હાથ અંતર માપ્યું, અને મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી કમરસમાં હતાં. બીજા 1,000 હાથ અંતર માપ્યું. હવે તે પાણી નદીમાં ફેરવાઇ ગયા હતાં, પાણી એટલાં ઊંડા હતાં કે તેમાં તરી શકાય. કોઇ ચાલીને સામે કિનારે જઇ શકે નહિ. તેણે મને કહ્યું “હે મનુષ્યના પુત્ર, આ બધું ધ્યાનમાં રાખજે.”

ત્યાર બાદ તે મને પાછો નદીને કાંઠે લઇ ગયો અને મેં જોયું તો બંને કાંઠે પુષ્કળ વૃક્ષો ઊભાં હતાં. તેણે મને કહ્યું, “આ પાણી પૂર્વમાં વહેતું યર્દનકાંઠા સુધી જાય છે અને આખરે એ મૃતસરોવરને જઇને મળે છે. એ જ્યારે મૃતસરોવરને જઇને મળે છે ત્યારે તેના પાણીને મીઠું બનાવી દે છે. જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાંઓ ઉભરાવા માંડશે. એ પાણીનો ઝરો મૃતસરોવરના પાણીને મીઠું બનાવી દેશે. અને એ જ્યાં જ્યાં થઇને વહેશે ત્યાં જીવન ફેલાવશે. 10 મૃતસમુદ્રના કાંઠે માછીમારો ઊભા રહેશે અને એન-ગેદીથી છેક એન-એગ્લાઇમ સુધી સર્વ જગ્યાએ માછલાં પકડશે. તેનો કિનારો માછલી પકડવાની જાળો પાથરવાનું સ્થળ બની રહેશે અને ત્યાં મોટા સમુદ્રમાં છે તેમ વિવિધ પ્રકારની માછલીઓ હશે. 11 પરંતુ કાંઠે આવેલા કાદવકીચડના તથા તળાવોના પાણી મીઠાં નહિ થાય, પણ મીઠું બનાવવાના કામમાં આવશે. 12 એ નદીના બંને કાંઠાઓ ઉપર બધાં ફળઝાડો ઊગી નીકળશે, તેમના પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. દર મહિને તેમને નવા ફળ આવશે, કારણ, તેમને મળતું પાણી મંદિરમાંથી આવે છે, તેમના ફળ ખાવા માટે છે અને પાંદડાં દવા માટે છે.”

યહુદા 17-25

ચેતવણી અને કરવાનાં કાર્યો

17 પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ પહેલા શું કહ્યું છે તે યાદ કરો. 18 પ્રેરિતોએ તમને કહ્યું છે, “અંત સમયે દેવના વિશે મશ્કરી કરનારા લોકો ત્યાં હશે.” આ લોકો ફક્ત તેઓની ઈચ્છા મુજબ કરવાનાં કાર્યો જે દેવની વિરૂદ્ધ છે તે જ કરે છે. 19 આ લોકો જ તમારામાં ભાગલા પાડે છે. આ લોકો પોતાની પાપી સ્વાર્થી અધર્મી ઉત્કંઠા પ્રમાણે જ ફક્ત કાર્યો કરે છે. તે લોકોમાં આત્મા નથી.

20 પણ પ્રિય મિત્રો, તમે તમારું જીવન પવિત્ર વિશ્વાસના પાયા પર વધારે દ્રઢ બનાવો અને પવિત્ર આત્મા વડે પ્રાર્થના કરો. 21 તમારી જાતને દેવના પ્રેમમાં રાખો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયા વડે તમને જે અનંતજીવન પ્રાપ્ત થવાનું છે તેની રાહ જુઓ.

22 જેઓને શંકા છે તે લોકોને મદદ કરો. 23 તમારે કેટલાએક લોકોને બચાવવાની જરુંર છે. તમે તેઓને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવશો. પણ જ્યાંરે તમે બીજા લોકો જે પાપીઓ છે તેઓને મદદ કરવા ઈચ્છો છો ત્યારે સાવધ રહો. તેમનાં વસ્ત્રો જે પાપથી ગંદા થયેલાં છે તેને પણ ઘિક્કારો.

દેવની સ્તુતિ થાઓ

24 તમને ઠોકર ખાતાં બચાવીને ભરપૂર આનંદથી ગૌરવ સહિત પોતાના મહિમાવંત સાન્નિધ્યમાં નિર્દોષ રજુ કરવા તે (દેવ) સમર્થ છે. 25 તે જ ફક્ત દેવ છે. તે જ એક છે જે આપણો ઉદ્ધાર કરે છે. તેને મહિમા, ગૌરવ, પરાક્રમ તથા અધિકાર, અનાદિકાળથી હમણા તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International