Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 21

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે.
    તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે.
કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે.
    તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી.

કારણ કે તમે તેને સફળતાં અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાડ્યો છે.
    અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગટ પહેરાવ્યો છે.
હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માગ્યું
    અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ધાયુષ્ય આપ્યું.
તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની કિતિર્માં ઘણો વધારો થયો.
    તમે તેને કૃપાના અને ગૌરવના વસ્રોથી શણગાર્યો છે.
કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો.
    અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો.
કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે.
    અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે.
તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો
    અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે.
જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ
    તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે.
યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે
    અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે.
10 યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે;
    માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે.
11 કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે.
    છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી.
12 તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે.
    તે જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓએ પાછા હઠી જવું પડશે.

13 હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ;
    અને તમારા મહાન કર્મોની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું.

યશાયા 24:1-16

પૃથ્વી સંબંધી દેવનું ન્યાયશાસન

24 જુઓ! યહોવા પૃથ્વીનો નાશ કરી નાખશે; તે તેનો વિનાશ કરીને તેને રસકસ વગરની બનાવશે. તે પૃથ્વીના પડને ઉપરતળે કરી નાખે છે અને તેના પર વસતા સર્વજનને વેરવિખેર કરી નાખે છે. બધાની દશા સરખી થશે; યાજકો, અને લોકો, સેવકો અને ધણીઓ, દાસીઓ અને શેઠાણીઓ, ખરીદનારાઓ અને વેચનારાઓ, ઉછીનું લેનારા અને આપનારા, લેણદારો અને દેણદારો. સમગ્ર પૃથ્વી બિલકુલ ઉજ્જડ અને વેરાન થઇ જશે, તેને લૂંટી લેવામાં આવશે, કારણ કે આ યહોવાના વચન છે. પૃથ્વી સૂકાઇ જાય છે અને સંકોચાઇ જાય છે, સૂકી ભૂમિ નકામી થઇ જાય છે અને ક્ષીણ થઇ જાય છે. પૃથ્વી અને આકાશ બંને ક્ષીણ થતા જાય છે.

પૃથ્વી તેના વસનારાઓથી ષ્ટ થઇ છે, કારણ કે તેમણે નિયમનું ઉલ્લંધન કર્યુ છે, અને કાયદાઓ તોડ્યાં છે. તેઓએ દેવ સાથેના સનાતન કરારનો ભંગ કર્યો છે. આથી શાપ પૃથ્વીને ભરખી રહ્યો છે અને એમાં વસનારાઓ પોતાના ગુનાની સજા ભોગવી રહ્યા છે. આથી પૃથ્વીની વસ્તી ઘણી ઘટી ગઇ છે અને માત્ર થોડાં જ માણસો બચવા પામ્યા છે.

દ્રાક્ષના વેલા કરમાઇ ગયા છે, તેથી દ્રાક્ષનો દ્રાક્ષારસ બનતો નથી, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે. અને રૂદન કરે છે. વીણાનું સુમધુર સંગીત અને ખંજરીનો અવાજ સંભળાતો બંધ થઇ ગયો છે. આનંદના દિવસોનો અંત આવ્યો છે. હવે લોકો ગીત ગાતાં ગાતાં દ્રાક્ષારસ પીતા નથી, તેમને તે કડવો લાગે છે.

10 નગરી ઉજ્જડ અને વેરાન થઇ ગઇ છે; બધાં ઘરો બંધ થઇ ગયાં છે, તેથી કોઇ વ્યકિત તેમાં પ્રવેશી શકતું નથી. 11 નગરમાં રસ્તાઓ પર લોકો પોકાર કરે છે, કારણ દ્રાક્ષારસ મળતો નથી. આનંદોત્સવ પર અંધકારની છાયા ઊતરી છે, ધરતી પરથી આનંદને દેશવટો દેવાયો છે; 12 સમગ્ર નગર ખંડેર થઇ ગયું છે; તેના દરવાજાઓ તોડી પાડવામાં આવ્યા છે.

13 પૃથ્વી પરના લોકો, જાણે જૈતુન વૃક્ષને ઝૂંડી નાખ્યા હોય તેવા.
    અથવા દ્રાક્ષ ચૂંટી લીધા પછી દેખાતા
    દ્રાક્ષવેલા જેવા લાગે છે.
14 પરંતુ બચી ગયેલા તે થોડા લોકો મોટા સાદે આનંદના ગીતો ગાશે.
    તેઓ યહોવાના મહાત્મ્યને લીધે પશ્ચિમમાં હર્ષનાદ કરશે.
15 તેથી પૂર્વમાં જેઓ છે તેઓ પણ યહોવાના મહિમાની ઘોષણા કરશે.
    અને દરિયાકાંઠે રહેનારા લોકો
    પણ ઇસ્રાએલના યહોવા દેવની સ્તુતિ કરશે.
16 પૃથ્વીના બધા છેડેથી આપણે “ન્યાયીનો મહિમા થાઓ”
    તેમ સાંભળીશું પણ અફસોસ!
“હું તો ક્ષીણ થતો જઉં છું,
    મારા માટે કોઇ આશા નથી.
દગાબાજી કરનારા દગાબાજી કરે જાય છે
    અને દિવસે દિવસે તેઓની દગાબાજીમાં વધારો થતો જાય છે.”

1 થેસ્સલોનિકીઓ 4:1-12

દેવને પ્રસન્ન કરતું જીવન

ભાઈઓ અને બહેનો, હવે મારે તમને બીજી કેટલીક વાતો કહેવાની છે. દેવને પ્રસન્ન કરે તે રીતે કેમ જીવવું તે વિષે અમે તમને દર્શાવ્યુ છે. અને તમે તે જ રીતે જીવી રહ્યાં છો. હવે અમે તમને પ્રભુ ઈસૂમાં જીવવા માટે વધુ ને વધુ આગ્રહ અને પ્રોત્સાહન આપીએ છીએ. તમારે શું કરવું તે બાબતો જે અમે તમને કહેલી તે તમે જાણો છો, અમે તમને તે બાબતો પ્રભુ ઈસુના અધિકાર વડે જ્ણાવેલી છે. દેવ ઈચ્છે છે કે, તમે પવિત્ર થાઓ. તમે વ્યભિચારથી દૂર રહો તમે તે ઈચ્છે છે. તમારામાંની દરેક વ્યક્તિ શરીર પર નિયંત્રણ રાખવાનું શીખે તેમ દેવ ઈચ્છે છે. તમારા શરીરનો પવિત્રતામાં ઉપયોગ કરો કે જે દેવને સમ્માનિત કરે છે.[a] તમારા શરીરનો ભોગ વિલાસ માટે ઉપયોગ ન કરો. જે લોકો દેવને જાણતા નથી તે તેમના શરીરનો તેવો ઉપયોગ કરે છે. તમારામાંના કોઈએ તમારા ભાઈ સાથે અનુચિત વ્યવહાર ન કરવો જોઈએ કે તેને છેતરવો પણ ન જોઈએ. જે લોકો આમ કરે છે તેમને પ્રભુ શિક્ષા કરશે. અમે ક્યારનું ય તમને એ બાબત વિષે જણાવ્યું છે અને ચેતવ્યા છે. દેવે આપણને પવિત્ર થવા તેડયા છે. તે આપણે અશુદ્ધ જીવન જીવીએ તેમ ઈચ્છતો નથી. એ માટે જે વ્યક્તિ દેવના ઉપદેશનો અસ્વીકાર કરે છે તે માણસનો અસ્વીકાર કરતો નથી, તે દેવનો અસ્વીકાર કરે છે. અને દેવ એ એક છે જે તમને તેનો પવિત્ર આત્મા પ્રદાન કરી રહ્યો છે.

ખ્રિસ્તમાં તમારા ભાઈઓ અને બહેનો માટે પરસ્પર પ્રેમ રાખવા અંગે તમને કઈ લખવાની અમારે જરુંર નથી. દેવે તમને એકબીજાને પ્રેમ કરવા માટે બોધ આપ્યો જ છે. 10 સાચી રીતે સમગ્ર મકદોનિયાના બધા જ ભાઈઓ અને બહેનોને તમે પ્રેમ કરો છો. ભાઈઓ અને બહેનો, હવે તેઓને તમે વધુ પ્રેમ કરો માટે અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ.

11 શાંતિપૂર્ણ જીવન માટે તમે જે કઈ કરી શકો તે કરો. તમારું પોતાનું કામકાજ સંભાળો. તમારું પોતાનું જ કામ કરો. તમને આમ કરવાનું અમે ક્યારનું જ જણાવેલ છે. 12 જો તમે આ બાબતો કરશો, તો જે લોકો વિશ્વાસીઓ નથી તે તમારી જીવનપદ્ધતિને માનની દષ્ટિથી જોશે. અને તમારે તમારી આવશ્યકતાઓ માટે બીજા પર આધારિત નહિ બનવું પડે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International