Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. પ્રશઁસાનું દાઉદનું ગીત.
1 હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ;
તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.
2 તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો,
જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે;
તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.
3 પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ;
હા, સૌ અતિ આનંદ કરો.
4 દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો;
જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે.
રણમાં તેમના માટે સડકો બાંધો;
જેમનું નામ છે યાહ,[a] તેમની સામે ઉલ્લાસ કરો.
5 આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે.
6 દેવ એકાકી લોકોને ઘર આપે છે.
કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે.
પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.
7 હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં,
અને તમે વેરાન રણમાં કૂચ કરી.
8 દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં
અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.
9 હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો;
અને સૂક્કી જમીનને તાજી કરી.
10 ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો,
હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
19 ધન્ય છે પ્રભુને,
કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે,
અને તેઓજ સૌનું તારણ કરે છે.
20 તેઓજ આપણને મૃત્યુથી મુકત કરે છે,
યહોવા જ આપણા તારણના દેવ છે.
9 બાપ વગરના ગરીબ સંતાનો વેચાવા માટે માતાના ખોળામાંથી ઊપાડી લેવામાં આવે છે.
ઉછીના લીધેલા નાણાંની જામીનગીરી તરીકે બાળકોને રાખવામાં આવે છે.
10 તેઓને વસ્ત્ર વિના ઉડા ફરવું પડે છે, તેઓ જથ્થાબંધ અનાજ
દુષ્ટ લોકો માટે ઊંચકે છે છતાં પણ તેઓ ભૂખ્યાં રહે છે.
11 તેઓને જૈતૂનનું તેલ કાઢવાની અને દ્રાક્ષો પીલીને તેનો રસ કાઢવાની ફરજ પાડવામાં આવે છે.
તેમ છતાં તેઓ તે તેલનો કે દ્રાક્ષાસવનો ઉપયોગ કરી શકતાં નથી, તેઓ તો તરસ્યા જ રહે છે.
12 નગરોમાં મરતાં લોકોના દુ:ખદાયક અવાજો તમે સાંભળી શકો છો.
ઘાયલોના આત્મા બૂમ પાડે છે; તે છતાં દેવ તેઓનું સાંભળતા નથી.
13 “એવા લોકો પણ છે જે પ્રકાશ સામે બળવો કરે છે,
તેઓ જાણતા નથી દેવની શું જરૂરિયાત છે?
અને તેઓ દેવને જે રીતે જોઇએ છે તેમ રહેતા નથી.
14 અજવાળું થતાં ખૂની માણસ ગરીબો અને દરિદ્રી લોકોના ખૂન કરવાં નીકળી પડે છે
અને રાત પડે તે ચોરી કરવાં ફર્યા કરે છે.
15 જે વ્યકિત વ્યભિચાર કરે છે, તે સાંજે પરોઢ થવાની રાહ જુએ છે.
‘તને લાગે છે તેને કોઇ જોઇ શકે તેમ નથી’ તે છતાં પણ તે તેનું મોઢું ઢાંકે છે.
16 રાત પડે ત્યારે ચોરો ઘરોમાં ખાતર પાડે છે;
પણ દિવસમાં તેઓ પોતાના ઘરમાં પૂરાઇને રહે છે અને અજવાળાથી દૂર રહે છે.
17 અંધારી રાત એ તેઓની સવાર છે;
અંધકારના ભય સાથે તેઓ ફકત મિત્રતાજ રાખે છે.
18 “દુષ્ટ માણસને પૂરનાં પાણી તાણી જાય છે.
એની જમીનને દેવનો શાપ લાગે છે.
તેથી તેઓ દ્રાક્ષનીવાડીમાંથી દ્રાક્ષો એકઠી કરશે નહિ.
19 અનાવૃષ્ટિ તથા ગરમીમાં બરફ ઓગળી જાય છે
તેમ મૃત્યુ પાપીઓનો નાશ કરે છે.
20 તેની માતા તેને ભૂલી જશે.
કીડો મગ્નથી તેનું ભક્ષણ કરી જશે,
તેને કોઇ સંભારશે નહિ,
દુરાચારી માણસ કોહવાયેલાં વૃક્ષની જેમ તૂટી પડે છે.
21 સ્રીઓ કે જેને સંતાન થઇ શકે નહિ, દુષ્ટ લોકો તેઓને દુ:ખ પહોચાડે છે.
તેઓ લાચાર વિધવાઓને સહાય કરતા નથી.
22 દુષ્ટ લોકો તેઓનું બળ શકિતશાળી માણસોના નાશ કરવામાં વાપરે છે.
દુષ્ટ લોકો કદાચ સત્તા મેળવે પણ તેઓ પોતાના જીવનનો કોઇ વિશ્વાસ કરી શકતા નથી.
23 હા, દેવ તેઓને સુરક્ષાની ભાવનામાં આરામથી રહેવા દે છે.
પરંતુ તેઓના માર્ગો ઉપર દેવની નજર છે.
24 ઘડીક માટે દુષ્ટ માણસ ઊંચો આવે છે પણ પછી તે મળતો નથી.
બીજા દરેકની જેમજ તે ધાન્યની જેમ કપાઇ જશે.
25 “કોણ કહી શકશે આ સાચું નથી?
કોણ પૂરવાર કરી શકશે
કે મારા શબ્દો ખોટા છે?”
પિતર ખોટો હતો તે પાઉલ બતાવે છે
11 પિતર અંત્યોખ આવ્યો. તેણે એવું કાંઈક કર્યુ જે યોગ્ય નહોતું. હું પિતરની વિરુંદ્ધ ગયો કારણ કે તે ખોટો હતો. 12 તે આમ બન્યું: જ્યારે પિતર સૌ પ્રથમ અંત્યોખ આવ્યો, ત્યારે તે બિનયહૂદિ લોકો સાથે જમ્યો અને બિનયહૂદિઓ સાથે સંલગ્ન થયો. પરંતુ પછી કેટલાએક યહૂદિ માણસોને યાકૂબે મોકલ્યા. જ્યારે આ યહૂદિ લોકો આવ્યા ત્યારે, પિતરે બિનયહૂદિઓ સાથે જમવાનું બંધ કર્યુ. પિતર બિનયહૂદિઓથી અલગ થઈ ગયો. તે યહૂદિઓથી ગભરાતો હતો જેઓ માનતા હતા કે બધા જ બિનયહૂદિઓની સુન્નત કરવી જોઈએ. 13 તેથી પિતર ઢોંગી હતો. અને અન્ય યહૂદિ વિશ્વાસીઓ પિતર સાથે જોડાયા. તેઓ પણ ઢોંગી હતા. બાર્નાબાસ પણ આ યહૂદિ વિશ્વાસીઓ જે કરતા હતા તેમના પ્રભાવ નીચે આવી તે પણ ઢોંગથી વર્તવા લાગ્યો. 14 મેં જોયું કે આ યહૂદિઓ શું કરતાં હતા. તેઓ સુવાર્તાના સત્યને અનુસરતા નહોતા. તેથી બીજા બધા યહૂદિઓ હું જે બોલું છું તે સાંભળી શકે તે રીતે મેં પિતર જોડે વાત કરી. મેં આ કહ્યું, “પિતર, તું યહૂદિ છે. પરંતુ યહૂદિ જેવું જીવન જીવતો નથી. તું બિનયહૂદિ જેવું જીવન જીવે છે. તો હવે તું શા માટે બિનયહુદિઓને યહૂદીઓ જેવું જીવન જીવવા માટે દબાણ કરે છે?”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International