Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. પ્રશઁસાનું દાઉદનું ગીત.
1 હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ;
તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.
2 તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો,
જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે;
તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.
3 પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ;
હા, સૌ અતિ આનંદ કરો.
4 દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો;
જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે.
રણમાં તેમના માટે સડકો બાંધો;
જેમનું નામ છે યાહ,[a] તેમની સામે ઉલ્લાસ કરો.
5 આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે.
6 દેવ એકાકી લોકોને ઘર આપે છે.
કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે.
પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.
7 હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં,
અને તમે વેરાન રણમાં કૂચ કરી.
8 દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં
અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.
9 હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો;
અને સૂક્કી જમીનને તાજી કરી.
10 ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો,
હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
19 ધન્ય છે પ્રભુને,
કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે,
અને તેઓજ સૌનું તારણ કરે છે.
20 તેઓજ આપણને મૃત્યુથી મુકત કરે છે,
યહોવા જ આપણા તારણના દેવ છે.
અલીફાઝનો ત્રીજો સંવાદ
22 ત્યારે અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,
2 “શું કોઇપણ માણસ દેવને ઉપયોગી છે?
ડાહ્યામાં ડાહ્યો માણસ પણ દેવને ઉપયોગી છે ખરો?
3 તું સાચી રીતે જીવે તો પણ તેથી દેવને શું?
તારું વર્તન ગમે તેટલું નિર્દોષ હોય તો પણ તેથી દેવને શો ફાયદો?
4 અયૂબ, દેવ તને શા માટે સજા આપે છે, અને તારો વાંક કાઢે છે?
તું તેની ઉપાસના કરે છે એટલા માટે?
5 તારા અનિષ્ટો ઘણા ભયંકર છે,
તારાં પાપ પાર વિનાનાં છે.
6 કદાચ તેઁ તારા ભાઇને થોડા પૈસા ઊછીના આપ્યા હોય
અને તે તને પાછા આપશે તેની સુરક્ષાનો પૂરાવો આપવાનો આગ્રહ કર્યો હોય.
કદાચ એમ હોય કે તેઁ ઉછીના પૈસાના દેણા માટેના વચન તરીકે ગરીબ માણસના કપડાં લીધા હોય.
તેઁ આ કદાચ કારણ વગર કર્યું છે.
7 કદાચ તમે તરસ્યાને પાણી પાયું નહિ હોય,
તમે ભૂખ્યાને રોટલો આપ્યો નહિ હોય.
8 અયૂબ, તમે પુષ્કળ જમીનની માલિકી ધરાવો છો.
અને લોકો તમને માન આપે છે.
9 કદાચ તમે વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે.
તમે કદાચ અનાથોને છેતર્યા છે.
10 તેથી તારી ચારેતરફ ફાંસલો છે,
અને અણધારી આફત તને ડરાવી મૂકે છે.
11 એટલા માટે તું અંધકારમાં જોઇ શકતો નથી,
અને પુરના પાણી તને ઢાંકી દે છે.
12 “શું દેવ આકાશમાં, ઊંચ્ચસ્થાનમાં, નથી?
તારાઓની ઊંચાઇ જો, તેઓ કેટલાં ઊંચા છે.
13 અને છતાં તું કહે છે, ‘દેવ શું જાણે છે?
કાળા વાદળોની[a] આરપાર જોઇને તે આપણા વિશે અભિપ્રાય કેવી રીતે આપી શકવાનો છે?
14 જેવો તે આકાશની ધાર પર ચાલે છે,
ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે કાંઇ જોઇ શકતો નથી.’
15 “અયૂબ, તું પ્રાચીન માર્ગમા ચાલી રહ્યો છે
જેના પર દુષ્ટ લોકો પહેલા ચાલતા હતા.
16 તે દુષ્ટ લોકો, તેઓનો મૃત્યુનો સમય આવે
તે પહેલાંજ નાશ પામી ગયા હતા.
17 કારણકે તેઓ દેવને કહેતા હતાં કે, ‘તમે અમારાથી દૂર ચાલ્યા જાઓ;
સર્વસમર્થ દેવ તમે અમને શું કરી શકવાનાં છો?’
18 તેમ છતઁા પણ દેવે જ એમનાં ઘર ખજાનાથી ભર્યા હતા ના!
હું દુષ્ટ લોકોની સલાહ પ્રમાણે અનુસરી શકતો નથી.
19 ભલા લોકો તેમનો નાશ થતો જોઇને ખુશ થશે.
અને નિર્દોષો દુષ્ટો પર હસશે.
20 તેઓ કહે છે, ‘જુઓ, બાકી રહેલા અમારા દરેક શત્રુઓનો નાશ થઇ ગયો છે.
અને અગ્નિ તેઓની સંપતિને ભરખી જાય છે.’
અન્ય પ્રેરિતો દ્વારા પાઉલનો અંગીકાર
2 14 વરસ પછી, હું ફરીથી યરુંશાલેમ ગયો. હું બાર્નાબાસ સાથે ગયો, અને તિતસને મેં જોડે લીધો. 2 હું ગયો કારણ કે દેવે મને બતાવ્યું કે મારે જવું જોઈએ. હું તે લોકો પાસે ગયો જેઓ વિશ્વાસીઓના અગ્રેસર હતા. જ્યારે અમે એકલા હતા ત્યારે, મેં આ લોકોને જે સુવાર્તાનો ઉપદેશ હું બિનયહૂદીઓને આપતો હતો તેના વિષે કહ્યું. આ લોકો મારું કાર્ય સમજે એવી મારી ઈચ્છા હતી, કે જેથી મારું ભૂતકાળનું કાર્ય અને અત્યારે જે કાર્ય હું કરું છુ તે નિરર્થક ન જાય.
3-4 તિતસ મારી સાથે હતો. તિતસ ગ્રીક છે. પરંતુ આ નેતાઓએ તિતસને પણ સુન્નત માટે દબાણ ન કર્યુ. અમારે આ સમસ્યાની ચર્ચા કરવાની જરૂર હતી, કારણ કે છુપી રીતે કેટલાએક જૂઠા ભાઈઓ અમારા સમૂહમાં ઘૂસી ગયા હતા. ખ્રિસ્ત ઈસુ તરફથી અમારી જે સ્વતંત્રતા હતી તે વિષે શોધી કાઢવા જાસૂસની જેમ તેઓ ઘૂસી ગયા હતા. 5 પરંતુ તે જૂઠા ભાઈઓ જે માંગતા હતા, તેવી કોઈ પણ બાબત અંગે અમે સહમત થયા નહિ! તમારા માટે સુવાર્તાનુ સત્ય સતત રહે તેવું અમે ઈચ્છતા હતા.
6 તે લોકો જે મહત્વના દેખાતા હતા, તેઓએ હું જે સુવાર્તાનો ઉપદેશ આપતો હતો તેને બદલ્યો નહોતો. (તેઓ “મહત્વના” હતા કે નહિ તે મારે માટે કોઈ બાબત ન હતી. દેવ સમક્ષ સર્વ સમાન છે.) 7 પરંતુ આ આગેવાનોએ જોયું કે પિતરની જેમ દેવે મને વિશિષ્ટ કાર્ય સોંપ્યું છે. યહૂદિઓને સુવાર્તા કહેવાનું કામ દેવે પિતરને આપ્યું હતું. પરંતુ બિનયહૂદિઓને સુવાર્તા કહેવાનું કામ દેવે મને સોપ્યું હતું. 8 વે પિતરને પ્રેરિત તરીકે કામ કરવાની શક્તિ આપી હતી. પરંતુ જે લોકો યહૂદી નથી તેમના માટે હું પ્રેરિત છું, 9 યાકૂબ, પિતર, અને યોહાનને આગેવાનો તરીકે ગણવામાં આવ્યા છે. તેઓએ જોયું કે દેવે મને આ વિશિષ્ટ કૃપા (દાન) આપી છે. તેથી તેઓએ મારો અને બાર્નાબાસનો સ્વીકાર કર્યો. પિતર, યાકૂબ, અને યોહાને કયું કે, “પાઉલ અને બાર્નાબાસ, તમે જે લોકો યહૂદી નથી તેઓની પાસે જાઓ તેની સાથે અમે સહમત છીએ. અમે યહૂદીઓ પાસે જઈશું.” 10 તેઓએ અમને માત્ર એક કામ કરવાનું કહ્યું કે દરિદ્રી લોકોને મદદ કરવાનું યાદ રાખો અને આ છે જે હું ખરેખર કરવા ઈચ્છુ છું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International