Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે; તારવાળાં વાજીંત્રો સાથે અને શમીનીથ સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ,
અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.
2 હે યહોવા, મારા પર દયા કરો, કારણ,
હું માંદો અને દુર્બળ છું.
હે યહોવા, મને સાજો કરો,
કારણ, મારા હાડકાં બહુ દુ:ખે છે.
3 હું ઘણો ભયભીત છું;
મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે.
હે યહોવા, મને મદદ કરવામાં
ક્યાં સુધી વિલંબ કરશો?
4 હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો.
કરી દયા દાખવી મને મરણથી બચાવો.
5 લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી,
મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.
6 આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું,
રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.
7 મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને
કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે.
8 ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ,
યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
9 યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે,
યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે.
10 મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે.
ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે.
16 “હવે મારું જીવન લગભગ લુપ્ત થઇ ગયું છે અને હું મરવાની અણી પર છું.
દુ:ખના દિવસોએ મને ઘેરી લીધો છે.
17 રાત્રી દરમ્યાન મારા હાડકાઓને પીડા થાય છે,
પીડા મને સતાવવાનું છોડતી નથી.
18 દેવે મારો કાંઠલો પકડ્યો
અને મારા વસ્ત્રોને ચોળીને બગાડી નાખ્યા છે.
19 દેવે મને કાદવમાં ફેંકી દીધો છે.
હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું.
20 હે દેવ, હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી.
હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી.
21 તમે મારા પ્રત્યે નિષ્ઠુર થઇ ગયા છો.
તમે તમારી શકિતનો ઉપયોગ મને ઈજા પહોંચાડવામાં કરો છો.
22 દેવ તમે મજબૂત પવનને મને ફૂંકી દેવા દો છો.
તમે મને હવાના તોફાનમાં ઊછાળો છો.
23 હું જાણું છું કે તમે મને મોતને ઘાટ ઉતારી રહ્યા છો,
જ્યા બધા જીવંત માણસોને મળવાનું છે ત્યાં તમે મને લઇ જાઓ છો.
24 “મુશ્કેલીમાં આવી પડેલો માણસ મદદને
માટે કાલાવાલા કરે છે અને હાથ લંબાવે છે.
25 શું દુ:ખી માનવીઓ માટે મેં આંસુ સાર્યા નથી?
દીનદુ:ખિયાઓ માટે મારું હૃદય શું રડી ઊઠયું નથી?
26 તેમ છતાં મેં જ્યાં સારી વસ્તુની આશા રાખી હતી
ત્યાં મને ખરાબ વસ્તુ મળી, જ્યાં મેં પ્રકાશની આશા રાખી હતી ત્યાં મને અંધકાર મળ્યો.
27 મારું અંતર ઉકળે છે. દુ:ખનો અંત આવતો નથી.
અને પીડા હજી તો શરૂજ થઇ છે.
28 હું સૂર્યના પ્રકાશ વિના, આખો વખત ઉદાસ અને ઉત્સાહ ભંગ રહું છું.
જાહેર સભામાઁ ઊભો રહું છું અને મદદ માટે બૂમો પાડુઁ છું.
29 હવે હું રડતાં શિયાળવા જેવો
અને ચીખતાં શાહમૃગો જેવો બની ગયો છું.
30 મારી ચામડી કાળી પડી ગઇ છે, અને ખરી પડી છે.
મારું શરીર તાવથી તપી ગયું છે.
31 તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે,
મારી વાંસળીમાંથી હવે વ્યથાનું સંગીત સંભળાય છે.
46 ઈસુ ફરીથી ગાલીલમાં કાના ગામની મુલાકાતે ગયો. કાના એ છે જ્યાં ઈસુએ પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો હતો. રાજાના અધિકારીઓમાંનો એક મહત્વનો અધિકારી કફરનહૂમ શહેરમાં રહેતો હતો. આ માણસનો દીકરો માંદો હતો. 47 તે માણસે સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી હવે ગાલીલ આવ્યો હતો. તેથી તે માણસ કાનામાં ઈસુ પાસે ગયો. તેણે ઈસુને કફર-નહૂમ આવીને તેના દીકરાને સાજો કરવા વિનંતી કરી. તેનો દીકરો મરવાની અણી પર હતો. 48 ઈસુએ તેને કહ્યું, “તમે લોકો ચમત્કારો અને અદભૂત કાર્યો જોયા વગર વિશ્વાસ કરવાના નથી.”
49 રાજાના અધિકારીએ કહ્યું, “પ્રભુ, મારો નાનો દીકરો મરી જાય, તે પહેલા મારે ઘેર આવ.”
50 ઈસુએ ઉત્તર આપ્યો, “જા તારો દીકરો જીવશે.”
તે માણસે ઈસુએ જે તેને કહ્યું તેમાં વિશ્વાસ કર્યો અને ઘરે ગયો. 51 ઘરે જતાં રસ્તામાં તે માણસના સેવકો આવ્યા અને તેને મળ્યા. તેઓએ તેને કહ્યું, “તારો દીકરો સાજો છે.”
52 તે માણસે પૂછયું, “કયા સમયે મારો દીકરો સાજો થયો?”
તે નોકરોએ ઉત્તર આપ્યો, “જ્યારે તેનો તાવ જતો રહ્યો ત્યારે ગઈકાલે લગભગ બપોરે એક વાગ્યો હતો.”
53 પિતાએ જાણ્યું કે ઈસુએ કહ્યું હતું કે, “તારો દીકરો જીવશે.” તે સમય પણ બપોરને એક વાગ્યાનો હતો. તેથી તે માણસે અને તેના ઘરના બધા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
54 યહૂદિયાથી ગાલીલ આવ્યા પછી ઈસુએ કરેલો તે બીજો ચમત્કા હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International