Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે; તારવાળાં વાજીંત્રો સાથે અને શમીનીથ સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ,
અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.
2 હે યહોવા, મારા પર દયા કરો, કારણ,
હું માંદો અને દુર્બળ છું.
હે યહોવા, મને સાજો કરો,
કારણ, મારા હાડકાં બહુ દુ:ખે છે.
3 હું ઘણો ભયભીત છું;
મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે.
હે યહોવા, મને મદદ કરવામાં
ક્યાં સુધી વિલંબ કરશો?
4 હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો.
કરી દયા દાખવી મને મરણથી બચાવો.
5 લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી,
મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.
6 આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું,
રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.
7 મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને
કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે.
8 ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ,
યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
9 યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે,
યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે.
10 મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે.
ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે.
અરામી તંબૂ ખાલી જોતા રોગીઓ
3 હવે નગરના દરવાજા આગળ ચાર લોકો જેઓને ચામડીનો રોગ થયો હતો; તેઓ એકબીજાને પૂછતાં હતા, “આપણે શા માટે બેઠાં છીએ? 4 જો આપણે શહેરમાં જવાનો વિચાર કરીએ તો ત્યાં ભૂખમરો છે, અને આપણે મરી જઈશું. જો આપણે અહીં રહીએ છીએ તો ય આપણું મોત નિશ્ચિત છે, તો ચાલો, આપણે અરામીઓની છાવણીમાં ચાલ્યા જઈએ; તેઓ જો આપણને જીવતદાન આપશે, તો આપણે જીવી જઈશું, અને મારી નાખશે તોયે શું, મરી જઈશું!”
5 આથી સંધ્યા સમયે તેઓ અરામીઓની છાવણીએ જવા નીકળી પડયા; પણ જયારે તેઓ છાવણીની હદમાં પહોચ્યાં ત્યારે ત્યાં કોઈ નહોતું. 6 કારણ, યહોવાએ એવું કર્યું કે અરામીઓને રથો, ઘોડાઓ અને મોટા સૈન્યના અવાજ જેવો અવાજ સંભળાયો, અને તેથી છાવણીમાં વાત ફેલાઈ ગઈ કે, “ઇસ્રાએલના રાજાએ હિત્તીઓના અને મિસરના રાજાઓને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”
7 તેથી સંધ્યાકાળે જ તેઓ તેમના ઘોડાઓ, તંબુઓ અને બીજી બધી વસ્તુઓ છોડીને ભાગી ગયા, અને તેઓએ તેમનો પડાવ છોડી દીધો અને તેમનો જીવ બચાવવા માટે ભાગી ગયા.
દુશ્મનના પડાવમાં રોગીઓ
8 રકતપિત્તના રોગીઓ છાવણીમાં પહોંચીને એક તંબુમાથી બીજા તંબુમાં ગયા, ત્યાં તેઓએ ખાધું-પીધું, વળી તેઓને સોનું ચાંદી અને વસ્ત્રો જે મળ્યું તે લઇ લીધું અને તેને સંતાડી દીધું. 9 પછી તેઓએ એકબીજાને કહ્યું, “આપણે જે કરી રહ્યાં છીએ તે બરાબર નથી. આ તો ઉજવણીનો દિવસ છે અને આપણે નગરના લોકોને જણાવતા નથી! જો આપણે સવાર સુધી રાહ જોઇશું, તો એ તો ગુનો હશે તેથી ચાલો, આપણે રાજાના મહેલ પાસે પાછા જઇએ અને રાજાને કહીએ કે શું થયું હતું.”
ખુશખબર આપતા રોગીઓ
10 આથી તેઓ ગયા, અને નગરના દરવાજાના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, “અમે અરામીઓની છાવણીએ ગયા હતા, ત્યાં કોઈ માણસો ન હતાં કે ન હતો કશો અવાજ, ફકત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતાં, અને તંબૂઓ જેમના તેમ ઊભા હતા.”
14 તેથી મારા પ્રિય મિત્રો, મૂર્તિપૂજાથી દૂર રહો. 15 તમે બુદ્ધિશાળી લોકો છો એમ માનીને હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું; હું જે કઈ કહી રહ્યો છું તે તમે તમારી જાતે જ મૂલવો. 16 આશીર્વાદનો પ્યાલો કે જેને માટે આપણે આભારી છીએ, તે ખ્રિસ્તના રક્તના સહભાગી થવા માટે છે, ખરુંને? અને રોટલી કે જે આપણે તોડીએ છે તે ખ્રિસ્તના શરીરના સહભાગી થવા માટે છે, ખરુંને? 17 રોટલીનો ત્યાં એક જ ટુકડો છે, અને આપણે ઘણા માણસો છીએ. પરંતુ આપણે બધા તે એક રોટલીના ટુકડાને વહેંચીએ છીએ. તેથી ખરેખર તો આપણે એક શરીર જ છીએ.
18 ઈસ્રાએલના લોકો વિષે વિચાર કરો. એ લોકો કે જે વેદી પર ચડાવેલા યજ્ઞાર્પણો ખાય છે. તેઓ વેદીના ભાગીદાર છે, શું તેઓ આમ નથી કરતા? 19 હું એમ કહેવા નથી માગતો કે મૂર્તિને ચડાવેલું નૈવેદ કોઈ મહત્વની વસ્તુ છે અને મૂર્તિ કઈક છે એવું તો હું જરાપણ કહેવા નથી માગતો. ના! 20 પરંતુ હું કહું છું કે મૂર્તિને લોકો જે વસ્તુઓનું બલિદાન ચડાવે છે તે તો ભૂતપિશાચોને ચડાવેલું બલિદાન છે, નહિ કે દેવને, અને ભૂતપિશાચો સાથે કોઈ પણ બાબતમાં તમારી ભાગીદારી હું ઈચ્છતો નથી. 21 તમે પ્રભુના પ્યાલા સાથે ભૂતપિશાચોનો પ્યાલો પી શક્તા નથી. તમે પ્રભુના તેમ જ ભૂતપિશાચોના મેજના સહભાગી થઈ શકો નહિ. 22 શું આપણે પ્રભુને ઈર્ષ્યાળુ બનાવવા માગીએ છીએ? શું આપણે તેનાથી વધુ જોરાવર છીએ? ના!
દેવના મહિમા માટે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ કરો
23 હા, “બધી જ વસ્તુઓ મંજૂર છે.” પણ બધી જ વસ્તુઓ સારી નથી. હા. “બધી જ વસ્તુની પરવાનગી છે.” પરંતુ કેટલીક વસ્તુઓ બીજાઓને વધારે શક્તિશાળી બનવામાં ઉપયોગી થતી નથી. 24 કોઈ પણ વ્યક્તિએ માત્ર તેની જાતને જ મદદરુંપ થાય તેવું કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. અન્યને મદદરુંપ થાય તેવું કરવાનો તેણે પ્રયત્ન કરવો જોઈએ.
25 જે કઈ બજારમાં માંસ વેચાતું હોય તે પ્રેરબુદ્ધિથી આત્મા કહે કે તે તમારે ખાવાને યોગ્ય હોય તો કોઈ પણ પ્રશ્ન તે માંસ વિષે પૂછયા વિના ખાઓ. 26 તમે તે ખાઈ શકો કારણ કે, “પૃથ્વી અને પૃથ્વીની અંદરની દરેક વસ્તુ પ્રભુની છે.”(A)
27 વ્યક્તિ કે જે વિશ્વાસી નથી તે તમને તેની સાથે જમવાનું આમંત્રણ આપે. જો તમે જવા ઈચ્છતા હો તો તમારી આગળ જે કઈ મૂકવામાં આવે તે તમે જમો. તમારા મતે અમુક વસ્તુ ખાવી યોગ્ય છે તે દર્શાવવા પ્રશ્નો ન પૂછો. 28 પરંતુ એક વ્યક્તિ જો તમને કહે, “કે આ ખોરાક મૂર્તિને ઘરવામાં આવેલો હતો.” તો તે ખોરાક ખાશો નહિ. તે ખાશો નહિ. શા માટે? કારણ કે તમને જે વ્યક્તિએ કહ્યું તેના વિશ્વાસને તમે આંચ પહોંચાડવા નથી માગતા. અને તે જ સમયે, લોકો માને છે કે અર્પણ કરેલું ખાવું તે ખોટું છે. 29 હું એમ નથી કહેતો કે તમારા મતે તે ખોટું છે. પરંતુ અન્ય વ્યક્તિ માને છે કે તે ખોટું છે. આ એક જ કારણે હું તે માંસ ન ખાઉ. મારી પોતાની સ્વતંત્રતા અન્ય વ્યક્તિ વિચારે તે રીતે મૂલવાવી ન જોઈએ. 30 હું ત્ર્ક્ષણી થઈને ભોજન જમું છું. અને તેથી જે વસ્તુ માટે હું દેવનો ત્ર્ક્ષણી છું તેના માટે હું ટીકાને પાત્ર થવા નથી માગતો.
31 તેથી તમે ખાઓ કે તમે પીવો કે તમે જે કઈ કરો, તે દેવના મહિમા માટે કરો. 32 એવું કઈ પણ ન કરો કે જે બીજા લોકોને અનિષ્ટ કરવા માટે પ્રેરે-યહૂદિઓ, ગ્રીકો અથવા દેવની મંડળીઓ. 33 હું તેમ જ કરું છું. હું પ્રત્યેક વ્યક્તિને દરેક રીતે પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરું છું. જે મારા માટે સારું છે તે કરવાનો પ્રયત્ન નથી કરતો. હું મોટા ભાગના લોકો માટે જે સારું છે તે કરવાનો પ્રયત્ન કરું છું, કે જેથી તેમનું તારણ થાય.
11 જેમ હું ખ્રિસ્તના નમૂનાને અનુસરું છું તેમ તમે મને અનુસરો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International