Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 6

નિર્દેશક માટે; તારવાળાં વાજીંત્રો સાથે અને શમીનીથ સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ,
    અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.
હે યહોવા, મારા પર દયા કરો, કારણ,
    હું માંદો અને દુર્બળ છું.
હે યહોવા, મને સાજો કરો,
    કારણ, મારા હાડકાં બહુ દુ:ખે છે.
    હું ઘણો ભયભીત છું;
મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે.
હે યહોવા, મને મદદ કરવામાં
    ક્યાં સુધી વિલંબ કરશો?
હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો.
    કરી દયા દાખવી મને મરણથી બચાવો.
લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી,
    મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.

આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું,
    રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.
મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને
    કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે.

ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ,
    યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે,
    યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે.
10 મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે.
    ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે.

2 કાળવૃત્તાંતનું 26:1-21

રાજા ઉઝિઝયાનું શાસન

26 યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના થયેલા ઉઝિઝયાને પસંદ કર્યો અને તેને તેના પિતા અમાસ્યા પછી રાજા બનાવ્યો. અમાસ્યાના અવસાન પછી ઉઝિઝયાએ એલોથ યહૂદા માટે પાછું મેળવ્યું અને તેને ફરી બંધાવ્યું.

યરૂશાલેમમાં તેણે 52 વર્ષ રાજ કર્યુ; તેની માતા યખિલ્યા યરૂશાલેમની વતની હતી. તે પોતાના પિતા અમાસ્યાને માર્ગે ચાલ્યો, અને યહોવાની ષ્ટિમાં તે સારો રાજા હતો. ઝખાર્યાની હયાતીમાં ઉઝિઝયા દેવને પ્રસન્ન કરવા હંમેશા આતુર હતો. ઝખાર્યાએ લોકોને દેવની સેવા કરવાનો સાચો રસ્તો બતાવ્યો હતો. જ્યારે રાજા દેવના માર્ગે ચાલ્યો; ત્યારે દેવે તેને સફળતા આપી.

તેણે પલિસ્તીઓ ઉપર ચઢાઇ કરી ગાથ, યાબ્નેહ અને આશ્દોદની દીવાલો તોડી પાડી અને તેણે આશ્દોદની નજીક અને પલિસ્તીઓના બાકીના પ્રદેશમાં શહેરો બંધાવ્યાં. દેવે તેને પલિસ્તીઓ, ગૂર-બઆલમાં વસતા આરબો અને મેઉનીઓની વિરુદ્ધ મદદ કરી. આમ્મોનીઓ ઉઝિઝયાને ખંડણી ભરવા લાગ્યા. તેની કીર્તિ ઠેઠ મિસરની સરહદ લગી ફેલાઇ, કારણ, તે ખૂબ બળવાન બની ગયો હતો.

એ ઉપરાંત તેણે યરૂશાલેમમાં “ખૂણાના દરવાજા,” ખીણના દરવાજા અને કિલ્લા દરવાજા પાસે અને દીવાલનાં વળાંક પાસે બુરજો બંધાવ્યા. 10 તેણે રણમાં પણ બુરજો બંધાવ્યા અને અનેક કૂવાઓ ખોદાવ્યા, કારણ, તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમજ ઉચ્ચ પ્રદેશમાં ઘણાં ઢોરો હતાં. તેને ખેતીવાડીનો શોખ હતો, એટલે એણે દ્રાક્ષવાડીઓ ઉગાડનાર અને ફળદ્રૂપ ભૂમિમાં અને પર્વતીય પ્રદેશોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા.

11 ઉઝિઝયા પાસે યુદ્ધ માટે સજ્જ તાલીમ પામેલી સેના હતી, અને મહામંત્રી યેઇએલ અને અધિકારી માઅસેયાએ રાજાના એક સેનાપતિ હનાન્યાના હાથ નીચે તૈયાર કરેલી યાદી પ્રમાણે તેની ટૂકડીઓ પાડવામાં આવી હતી. 12 સેનાનાયકોની કુલ સંખ્યા 2,600 હતી. 13 તેમના નેતૃત્વ હેઠળ 3,07,500 સૈનિકોનું તાલિમબદ્ધ સૈન્ય હતું અને તે દુશ્મનો સામે રાજાનું રક્ષણ કરતું હતું. 14 ઉઝિઝયાએ આખા સૈન્ય ને ઢાલો, ભાલાઓ, ટોપાઓ, બખ્તરો, ધનુષ્ય અને ગોફણો માટે પથ્થરો આપ્યાં હતા. 15 કુશળ શોધકોએ શોધેલાં યુદ્ધના નવાં યંત્રોનું ઉઝિઝયાએ યરૂશાલેમમાં ઉત્પાદન કર્યુ. આ યંત્રો બુરજો પરથી અને દીવાલોને ખૂણેથી બાણો અને મોટા કદનાં પથ્થરો ફેંકવા માટે ઉપયોગી હતા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઇ ગઇ. તેને ઘણી બધી મદદ મળી અને તે એક સાર્મથ્યવાન રાજા બની ગયો.

16 પણ જેમ જેમ તેનું બળ વધતું ગયું, તેમ તેમ તે અભિમાની બનતો ગયો અને તેમાંથી તેનો વિનાશ થયો. તેણે ધૂપની વેદી ઉપર ધૂપ ચઢાવવા માટે યહોવાના મંદિરમાં પ્રવેશ કરીને યહોવાનો ગુનો કર્યો. 17 યાજક અઝાર્યાએ યહોવાના 80 બહાદુર યાજકો સાથે રાજા ઉઝિઝયાની પાછળ પાછળ જઇ તેને રોકીને કહ્યું, 18 “ઉઝિઝયા, યહોવાને ધૂપ ચઢાવવાનો તમને અધિકાર નથી. તે અધિકાર તો એ સેવા માટે પવિત્ર બનાવવામાં આવેલ હારુનના વંશજોને જ છે. પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળો. તમે યહોવાનો ગુનો કર્યો છે. હવે યહોવા દેવ તરફથી તમને સન્માન મળશે નહિ.”

19 એટલે ઉઝિઝયાને ક્રોધ ચઢયો; તેના હાથમાં ધૂપ કરવા માટે ધૂપદાન હતું; યાજકો પર તે કોપાયમાન થયો હતો, એટલામાં ધૂપવેદીની પાસે યહોવાના મંદિરમાં યાજકોના દેખતાં તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો. 20 મુખ્ય યાજક અઝાર્યા અને બીજા યાજકોએ તેના તરફ જોયું તો તેના કપાળ પર કોઢ જણાયો, અને તેને એકદમ મંદિરની બહાર હડસેલી મૂક્યો. યહોવાએ તેને સજા કરી હતી. તેથી તે પોતે પણ બહાર જવા માટે આતુર હતો. 21 પોતાના મૃત્યુ સુધી ઉઝિઝયા કોઢી જ રહ્યો અને એકાંતવાસમાં જીવ્યો. તે મંદિરથી અને પોતાના લોકોથી અલગ કરાયેલો હતો. તેના પુત્ર યોથામે રાજાનો વહીવટ સંભાળી લીધો અને દેશના લોકોનો ન્યાય કરવાનું કામ કર્યુ.

પ્રેરિતોનાં કૃત્યો 3:1-10

પિતર લંગડા માણસને સાજો કરે છે

એક દિવસે પિતર અને યોહાન મંદિરમાં ગયા. તે વખતે બપોરનાં ત્રણ વાગ્યા હતા. આ સમય મંદિરની દૈનિક પ્રાર્થના કરવાનો હતો. જ્યારે તેઓ મંદિરના પ્રાંગણમાં જતાં હતાં ત્યારે એક માણસ ત્યાં હતો. આ માણસ તેના જન્મથી અપંગ હતો. તે ચાલી શકતો ન હતો, તેથી કેટલાક મિત્રો તેને ઊચકીને લઈ જતા. તેના મિત્રો તેને રોજ મંદિરે લાવતા. તેઓ મંદિરના બહારના દરવાજાની એક તરફ તે લંગડા માણસને બેસાડતા. તે દરવાજો સુંદર નામે ઓળખાતો. ત્યાં મંદિર જતા લોકો પાસે તે માણસ પૈસા માટે ભીખ માગતો. તે દિવસે તે માણસે પિતર અને યોહાનને મંદિરના પ્રાંગણમાં જતા જોયા. તેણે તેઓની પાસે પૈસા માંગ્યા.

પિતર અને યોહાને તે અપંગ માણસ તરફ જોયું અને કહ્યું, “અમારા તરફ જો!” તે માણસે તેઓના તરફ જોયું, તેણે વિચાર્યુ તેઓ તેને થોડા પૈસા આપશે. પણ પિતરે કહ્યું, “મારી પાસે સોનું કે ચાંદી કંઈ નથી. પણ મારી પાસે તને આપી શકાય તેવું બીજું કંઈક છે: ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ઊભો થા અને ચાલ!”

પછી પિતરે તે માણસનો જમણો હાથ પકડ્યો અને તેને ઉઠાડ્યો. તરત જ તે માણસના પગોમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું. તે માણસ કૂદયો, તેના પગ ઉપર ઊભો રહ્યો અને ચાલવા લાગ્યો. તે તેઓની સાથે મંદિરમાં ગયો. તે માણસ ચાલતો, કૂદતો અને દેવની સ્તુતિ કરવા લાગ્યો. 9-10 બધા લોકોએ તેને ઓળખ્યો. લોકોએ જાણ્યું કે તે એ જ અપંગ માણસ હતો જે હંમેશા સુંદર નામના દરવાજા પાસે પૈસાની ભીખ માગવા બેસતો હતો. હવે તેઓએ તે જ માણસને ચાલતો અને સ્તુતિ કરતો જોયો. લોકો આશ્ચર્યચકિત થયા. આમ કેવી રીતે બન્યું તે તેઓ સમજી શક્યા નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International