Revised Common Lectionary (Semicontinuous)
મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી
મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
તમે મને ભયભીત કર્યો છે.
8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો
અને મેં તમને વિનંતી કરી.
9 “હે યહોવા, હું મરી જઇશ તો
તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
તમારી સ્તુતિ કરી શકશે?
શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
રોગ મુક્ત કોઢીઓનું શુદ્ધિકરણ
14 યહોવાએ મૂસાને કહ્યું, 2 “જે કોઈ કોઢમાંથી મુક્ત થયા છે તેઓની શુદ્ધિની વિધિ આ પ્રમાંણે છે. 3 યાજકે છાવણીની બહાર જઈને તેની તપાસ કરવી. યાજકને ખબર પડે કે કોઢનો રોગ મટી ગયો છે, 4 તો યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે વ્યક્તિને અશુદ્ધ નહિ એવાં બે જીવતાં પક્ષીઓ, દેવદારનું થોડું લાકડું, કિરમજી રંગનું કાપડ અને ઝુફો લાવવાને આદેશ આપવો. 5 પછી યાજકે એક પક્ષીને વહેતાં પાણીની ઉપર રાખેલા માંટીના વાસણમાં વધેરવાની આજ્ઞા કરવી. 6 ત્યાર પછી તેણે બીજું પંખી. દેવદારનું લાકડું, કિરમજી કાપડ અને ઝુફો લઈને ઝરાના પાણી ઉપર વધેરેલા પંખીના લોહીમાં બોળવાં. 7 જે વ્યક્તિની કોઢમાંથી શુદ્ધિ કરવાની હોય તેના પર તેણે 7 વાર લોહી છાંટી તેને શુદ્ધ કરવો, અને પેલા જીવતા પંખીને તેણે ખુલ્લા ખેતરમાં છોડી મૂકવું.
8 “જે માંણસ સાજો થયો છે તેને પોતાના વસ્ત્રો ધોઈ નાખવા. પોતાના માંથે મૂંડન કરાવવું અને પાણીમાં સ્નાન કરવું, એટલે તે શુદ્ધ થયો ગણાય, અને છાવણીમાં રહેવા માંટે પાછો ફરે. પરંતુ સાત દિવસ પર્યંત તેણે પોતાના તંબુની બહાર રહેવું. 9 સાતમે દિવસે તેણે માંથાના, દાઢીના અને પોતાનાં ભમર તેમજ શરીર પરના બીજા બધા વાળ મૂંડાવી નાખવા. વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, પછી તે કોઢથી સંપૂર્ણ રીતે સાજે થયો એમ જાહેર થાય.
10 “આઠમે દિવસે તેણે એક વરસની ઉમરના બે ખોડખાંપણ વગરનાં નરઘેટાં, એક વરસની ખોડખાંપણ વગરની ઘેટી, 24 વાટકા મોયેલા લોટનો ખાદ્યાર્પણ અને પા કિલો તેલ લઈને મુલાકાતમંડપ પર જવું. 11 શુદ્ધિની વિધિ કરાવનાર યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે વ્યક્તિને તેના અર્પણો સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વારે યહોવા સમક્ષ રજૂ કરવો. 12 ત્યાર પછી તેણે એક ઘેટો લઈને પા કિલો તેલ સાથે દોષાર્થાર્પણને આરત્યર્પણ તરીકે યહોવાને ધરાવવો. 13 ત્યાર પછી તેણે એ ઘેટાના બચ્ચાંને જે પવિત્ર સ્થળે પાપાર્થાર્પણને અને દહનાર્પણના હલવાનને વધેરવામાં આવે છે ત્યાં વધેરવો. પાપાર્થાર્પણની જેમ જ દોષાર્થાર્પણ યાજકને ખોરાક માંટે આપી દેવું. તે પરમપવિત્ર અર્પણ છે.
14 “પછી યાજકે આ દોષાર્થાર્પણનું લોહી લઈને જે વ્યક્તિ શુદ્ધ થયો છે તેના જમણા કાનની બૂટ પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાવવું. 15 પછી યાજકે સાથે લાવેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથના પંજા પર રેડવું. 16 પછી તેણે જમણા હાથની આંગળી તેમાં બોળવી અને યહોવાની સમક્ષ સાત વખત એ તેલનો છંટકાવ કરવો. 17 ત્યારબાદ હથેલીમાં રહેલા તેલમાંથી થોડું લઈને જેની શુદ્ધિ કરવાની હોય તે વ્યક્તિના જમણા કાનની બૂટે અને જમણા હાથ અને જમણા પગના અંગૂઠા પર જયાં પહેલાં દોષાર્થાર્પણનું લોહી લગાડયું હતું ત્યાં લગાડવું. 18 પછી યાજકના હાથમાંનું બાકીનું તેલ તેણે જે વ્યક્તિની શુદ્ધિ કરવી હોય તેના માંથા પર લગાડીને યહોવા સમક્ષ તેનીપ્રાયશ્ચિતવિધિ કરવી.
19 “ત્યાર પછી યાજકે પાપાર્થાર્પણ ધરાવવો અને જેની શુદ્ધિ કરવાની હોય, તે માંણસની પ્રાયશ્ચિતવિધિ કરવી અને ત્યાર પછી તે દહનાર્પણના પ્રાણીને માંરી નાખવું. 20 પછી યાજકે વેદીની અગ્નિ પર દહનાર્પણ તથા ખાદ્યાર્પણ બાળવા અને તે વ્યક્તિ માંટે પ્રાયશ્ચિત કરવું, અને ત્યારે તે વ્યક્તિ શુદ્ધ થઈ જશે.
સ્કેવાના પુત્રો
11 દેવે પાઉલના હાથે કેટલાક ખાસ ચમત્કારો કરાવ્યા. 12 કેટલાએક લોકો પાઉલે વાપરેલા હાથરૂમાલો તથા લૂગડા લઈ જતા. લોકો માંદા લોકો પર આ વસ્તુઓ મૂકતા. જ્યારે તેઓએ આ કર્યું, ત્યારે માંદા લોકો સાજા થઈ ગયા અને શેતાનનો અશુદ્ધ આત્મા તેઓને છોડી દેતો.
13-14 કેટલાએક યહૂદિઓ પણ આજુબાજુ મુસાફરી કરતા અને લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢતા. મુખ્ય યાજક સ્કેવાના સાત પુત્રો આ કરતા. આ યહૂદિઓ લોકોમાંથી અશુદ્ધ આત્માને બહાર કાઢવા માટે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરતાં. તેઓ બધા કહેતાં, “પાઉલ જે ઈસુના વિષે વાત કરે છે તેના જ નામે હું તમને બહાર આવવા આજ્ઞા કરું છું!”
15 પણ એક વખતે એક શેતાનના અશુદ્ધ આત્માએ આ યહૂદિઓને કહ્યું, “હું ઈસુને જાણું છું અને હું પાઉલ વિષે જાણું છું પણ તમે કોણ છો?”
16 પછી એ માણસ જેનામાં શેતાનનો અશુદ્ધ આત્મા તેની અંદર હતો, તે આ યહૂદિઓ પર કૂદી પડયો. તે તેઓના બધા કરતા વધારે મજબૂત હતો. તેણે તેઓ બધાને માર્યા અને તેઓનાં કપડાં ફાડી નાખ્યા. આ યહૂદિઓ તે ઘરમાંથી નાસી ગયા.
17 એફેસસના બધા લોકો, યહૂદિઓ અને ગ્રીકોએ આ વિષે સાંભળ્યું. તેઓ બધાએ પ્રભુ ઈસુના નામને ખૂબ માન આપવાનું શરૂ કર્યુ. અને લોકોએ પ્રભુ ઈસુનું નામ મોટું મનાવ્યું. 18 ઘણા બધા વિશ્વાસીઓએ જે કંઈ ખરાબ વસ્તુઓ કરી હતી તે કહેવાની અને કબૂલ કરવાની શરુંઆત કરી. 19 કેટલાક વિશ્વાસીઓએ જાદુનો ઉપયોગ કર્યો. આ વિશ્વાસીઓ તેઓની જાદુઇ ચોપડીઓ લાવ્યા અને સર્વના દેખતાં તેઓને બાળી નાખ્યા; આ પુસ્તકોની કિંમત લગભગ 50,000 ચાંદીના સિક્કા હતી. 20 આમ પ્રભુની વાત પરાક્રમથી વધારે ને વધારે લોકોને અસર કરવા લાગી અને વધુ ને વધુ લોકો વિશ્વાસી બન્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International