Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. કોરાહના કુટુંબનું ગીત. અલામોથ સાથે ગાવાનું.
1 દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે;
આપણે અનુભવ કર્યો છે કે,
સંકટ સમયનાં તેઓ સાથી,
ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
2 માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય,
અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી.
3 ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે,
ને પર્વતો ધ્રુજી ઉઠે.
4 ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર
દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.
5 દેવ સ્વયં તે નગરમાં વસે છે.
દેવ પરોઢિયે તેની સહાય કરશે,
તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.
6 ભયથી ધ્રુજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો;
જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઇ પીગળી.
7 આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે;
આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.
8 આવો અને યહોવાના પરાક્રમો જુઓ.
તેમણે કરેલાં પ્રભાવશાળી કાર્યો જુઓ.
9 તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે,
ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે;
અને રથોને અગ્નિથી સળગાવી દે છે.
10 દેવ કહે છે, “લડાઇ બંધ કરો, નિશ્ચૈ જાણો,
કે હું દેવ છું, સવેર્ રાષ્ટ્રો મારો આદર કરશે.
અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ.”
11 સૈન્યોના યહોવા આપણી સાથે છે,
યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.
માંનવ જાતિનો આરંભ
4 આ છે આકાશ અને પૃથ્વીનાં સર્જનનો ઈતિહાસ. જયારે દેવે પૃથ્વી અને આકાશ બનાવ્યાં. 5 તે વખતે પૃથ્વી પર કોઇ વૃક્ષ કે, છોડ ન હતા. અને ખેતરોમાં કાંઈ જ ઊગતું ન હતું કારણ કે યહોવા દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો. અને વૃક્ષો અને છોડવાંઓની સંભાળ રાખનાર કોઈ મનુષ્ય પણ ન હતો.
6 પરંતુ પૃથ્વી પરથી ધૂમસ ઊચે ચઢતું હતું અને પૃથ્વીની બધી જ જમીનને તેણે ભીંજવી હતી. 7 ત્યારે યહોવા દેવે ભૂમિ પરથી માંટી લીધી અને મનુષ્યનું સર્જન કર્યું. અને તેના નસકોરામાં પ્રાણ ફૂંકયો તેથી મનુષ્યમાં જીવ આવ્યો. 8 પછી યહોવા દેવે પૂર્વ દિશામાં એદનમાં એક બાગ બનાવ્યો અને તેમણે જે મનુષ્યનું સર્જન કર્યુ હતું તેને તે બાગમાં મૂકયો. 9 યહોવા દેવે આ બાગમાં દરેક જાતનાં વૃક્ષો ઉગાડયાં, જે દેખાવમાં સુંદર હોય અને જેનાં ફળ ખાવામાં સારાં હોય. બાગમાં વચ્ચે જીવનનું વૃક્ષ અને સારાભૂંડાની સમજનું વૃક્ષ પણ ઉગાડયું.
10 એદનમાં થઈને એક નદી વહેતી હતી અને તે બાગને પાણી સીંચતી હતી. આ નદી આગળ જતાં ચાર નાની નદીઓ થઈ ગઈ. 11 પહેલી નદીનું નામ પીશોન છે તે હવીલાહના આખા પ્રદેશની ફરતે વહે છે. 12 (આ પ્રદેશમાં સોનું છે અને તે સોનું સારું છે. ત્યાં બદોલાખ અને અકીક પાષાણ પણ મળે છે.) 13 બીજી નદીનું નામ ગીહોન છે; તે કૂશના આખા પ્રદેશની ફરતી વહે છે. 14 ત્રીજી નદીનું નામ હીદેકેલ છે, જે આશ્શૂરની પૂર્વમાં વહે છે, અને ચોથી નદી તે ફ્રાત છે.
15 યહોવા દેવે તે માંણસને એદનના બગીચાને ખેડવા તથા તેનું રક્ષણ કરવા ત્યાં મૂકયો. તેનું કામ બાગમાં વૃક્ષો અને છોડવાં ઉગાડવાનું હતું. 16 યહોવા દેવે મનુષ્યને આજ્ઞા કરી કે, “તારે બાગમાંનાં કોઈ પણ વૃક્ષનાં ફળો ખાવાં. 17 પરંતુ તમે સારાનરસાની સમજ આપનારાં વૃક્ષનાં ફળ તારે ખાવાં નહિ, જો તું એ વૃક્ષનાં ફળ ખાઈશ તો તારું મૃત્યુ અવશ્ય તે જ દિવસે થશે.”
પહેલી સ્ત્રી
18 ત્યારે યહોવા દેવે કહ્યું, “હું સમજું છું કે, માંણસનું એકલા રહેવું તે સારું નથી, હું તેને માંટે એક યોગ્ય મદદ કરનાર બનાવીશ.”
19 તેથી યહોવા દેવે ભૂમિની માંટીમાંથી બધી જાતનાં જંગલી પ્રાણીઓ અને બધી જાતનાં આકાશનાં પક્ષીઓ બનાવ્યાં. યહોવા દેવે બધાં જ પ્રાણીઓને મનુષ્યની સામે લાવ્યાં અને તે એ મનુષ્ય તે બધાંનાં નામ પાડયાં. 20 મનુષ્ય પાળી શકે તેવાં પ્રાણીઓ, આકાશનાં બધાં જ પક્ષીઓ અને જંગલનાં બધાં જ પ્રાણીઓનાં નામ પાડયાં; મનુષ્યઓ અનેક પ્રાણી અને પક્ષી જોયાં પરંતુ મનુષ્ય પોતાને યોગ્ય મદદ કરનાર મેળવી શકયો નહિ. 21 તેથી યહોવા દેવે મનુષ્યને ગાઢ નિંદ્રામાં નાખ્યો. અને જયારે તે ઊંઘતો હતો ત્યારે તેના શરીરમાંથી એક પાંસળી કાઢીને તેની જગ્યાએ માંસ ભર્યું. 22 યહોવા દેવે મનુષ્યની પાંસળીમાંથી સ્ત્રીની રચના કરી. અને તે સ્ત્રીને મનુષ્યની પાસે લાવ્યા. 23 અને મનુષ્યે કહ્યું:
“બરાબર માંરા જેવી એક વ્યકિત.
તેના હાડકાં માંરા હાડકામાંથી
અને તેનું માંસ માંરાં માંસમાંથી થયું છે.
તેણી ‘નારી’ કહેવાશે,
કારણ તેને નરમાંથી લેવાવામાં આવી છે.”
24 આ જ કારણે પુરુષ પોતાના માંતાપિતાને છોડી જાય છે અને પોતાની પત્ની સાથે રહીને તે બંન્ને એક દેહ બની જાય છે.
25 તે મનુષ્ય અને તેની પત્ની બન્ને નવસ્ત્રો હોવા છતાં શરમાંતાં નહોતા.
6 હા, આ યહૂદિઓ માટે હું ઘણું દુ:ખ અનુભવું છું. એમને આપેલું વચન દેવ પાળી ન શક્યો, એમ હું કહેવા માગતો નથી. પરંતુ ઈસ્રાએલના માત્ર થોડાક યહૂદિઓ જ દેવના સાચા લોકો છે. 7 અને ઈબ્રાહિમના વંશજોમાં ફક્ત થોડાક માણસો જ તમારાં દેવનો સાચાં સંતાનો છે. દેવે ઈબ્રાહિમને આમ કહ્યું હતું: “ઈસહાક જ તારો કાયદેસરનો દીકરો ગણાશે.”(A) 8 આનો અર્થ એ છે કે ઈબ્રાહિમના બધા જ વંશજો કઈ દેવનાં સાચાં સંતાનો નથી. દેવે ઈબ્રાહિમને આપેલાં વચન પ્રમાણે જે સંતાનો દેવના થશે તે જ સંતાનો ઈબ્રાહિમનાં સાચાં સંતાનો થશે. 9 ઈબ્રાહિમને આપેલું દેવનું વચન આવું હતું: “યોગ્ય સમયે હું પાછો આવીશ, અને સારાને દીકરો થશે.”(B)
10 માત્ર એટલું જ નહિ, રિબકાને પણ દીકરો થયો. એક જ પિતાના એ દીકરા હતા. તે જ આપણા પિતા ઈસહાક. 11-12 (રિબકાને) બે દીકરા જન્મ્યા, તે પહેલાં દેવે રિબકાને કહ્યું હતું, “તારો મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”(C) એ છોકરાઓએ તેઓના જીવનમાં કંઈક સારું અથવા ખરાબ કર્યુ હોય એ પહેલા આવી ભવિષ્યવાણી થઈ હતી. તેમના જન્મ પહેલાં દેવે આ કહ્યું હતું. જેથી કરીને દેવની પોતાની યોજના પ્રમાણે દેવની પસંદગી પામેલા છોકરાને એ સ્થાન મળે. એ છોકરાની પસંદગી કરવામાં આવી કેમ કે માત્ર એને જ પસંદ કરવો એવી દેવની ઈચ્છા હતી અને તે એટલા માટે નહિ કે એ છોકરાઓએ તેમના જીવનમાં કઈક સારાં અથવા ખોટાં કામો કર્યા હોય. 13 શાસ્ત્ર કહે છે તેમ, “યાકૂબને હું ચાહતો હતો, પરંતુ એસાવને હું ધિક્કારતો હતો.”(D)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International