Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 104

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
    હે યહોવા મારા દેવ, તમે ઘણા મહાન છો;
તમે માન અને ગૌરવના ધારણ કર્યા છે.
    તમે પ્રકાશથી વિંટળાયેલા છો,
અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.
    તમારા આકાશી ઘરનો પાયો;
તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે;
    વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;
તમે પવનોને (વાયુઓને) તમારા દૂત બનાવો છો,
    અને તમારા સેવકો અગ્નિના ભડકા છે!
તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે,
    જેથી તે કદી ચલિત થાય નહિ.
તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે;
    અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.
તમે આદેશ આપ્યો અને પાણી દૂર ઘસી ગયાં,
    તમે તમારી ગર્જનાના અવાજથી પોકાર કર્યો અને પાણી દૂર ધસી ગયાં.
તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં;
    અને ખીણો ઊંડી થઇ ગઇ.
તમે મહાસાગરોને હદ બાંધી આપી;
    જેથી તે ઓળંગે નહિ અને પૃથ્વીને ઢાંકી ન દે.

10 તમે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં;
    અને પર્વતોમાં વહેતી નદીઓ બનાવી.
11 તેઓ સર્વ પ્રાણીઓને પાણી પૂરું પાડે છે;
    અને ગધેડાઓ ત્યાં તરસ છીપાવે છે.
12 પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે;
    અને વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.
13 તમે પર્વતો પર વરસાદ વરસાવો છો;
    અને પૃથ્વી તમારાં કામનાં ફળથી તૃપ્ત થાય છે.
14 તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે,
    તે આપણને ખેડવા છોડ આપે છે,
    અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.
15 દેવે આપણને ખુશ કરવા માટે દ્રાક્ષ આપી,
    આપણી ત્વચાને નરમ કરવા તેલ
    અને શરીરને ટકાવી રાખવા રોટલી આપે છે.

16 યહોવાનાં વૃક્ષ, એટલે લબાનોનનાં દેવદારો;
    જે તેણે રોપ્યાં હતાં તેઓ ધરાયેલાં છે.
17 ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે;
    વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
18 ઊંચા પર્વતો પર જંગલી બકરાને
    અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.

19 ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું,
    ક્યારે આથમવું એ સૂર્ય હંમેશા જાણે છે.
20 રાત્રિ અને અંધકાર તમે મોકલો છો;
    જંગલનાં પ્રાણીઓ ત્યારે બહાર આવે છે.
21 પછી સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે;
    તેઓ દેવ પાસે પોતાનું ભોજન માંગે છે.
22 પરોઢિયે તેઓ ગૂપચૂપ જંગલોમાં પાછા જાય છે;
    અને પોતાની ગુફાઓમાં સૂઇ જાય છેં.
23 માણસ પોતાનો ઉદ્યમ કરવાં બહાર નીકળે છે;
    અને સાંજ સુધી પોતપોતાના કામ કરે છે.

24 હે યહોવા, કેટલા છે તારા સર્જનો!
    તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે.
    તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
25 જુઓ આ વિશાળ મહાસાગરમાં નાના
    અને મોટા કેટલા અસંખ્ય જીવજંતુઓ
    તથા જાનવરો તેની અંદર છે!
26 અને જુઓ, વહાણો તેમાં આવજા કરે છે;
    વળી સમુદ્રમાં રમવાને મગરમચ્છ પેદા કર્યા છે.

27 તમે તેઓને યોગ્ય ટાણે ખાવાનું આપો છો;
    તેથી આ સઘળાં જીવો તમારી વાટ જુએ છે.
28 તમે જે કાંઇ આપો છો તે તેઓ વીણે છે;
    તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ બધાં ઉપકારથી તૃપ્ત થાય છે
29 તમે જ્યારે તેમની પાસેથી પાછા ફરો છો ત્યારે તેઓ ડરી જશે,
    તેઓનો પ્રાણ તેઓને છોડે છે
અને તેઓ નબળા થઇને મૃત્યુ પામે છે
    તેમનાં શરીર પાછાં માટી બની જાય છે.
30 પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે;
    અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.

31 યહોવાનો મહિમા સદાકાળ ટકી રહો;
    અને પોતાના સર્જનથી યહોવા આનંદ પામો.
32 જ્યારે યહોવા પૃથ્વી પર દ્રૃષ્ટિ કરે છે, ત્યારે તે ડરથી કંપે છે;
    અને જ્યારે તે પર્વતોને સ્પશેર્ છે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.

33 હું જીવનપર્યંત યહોવાની પ્રશંસાનાં ગીતો ગાઇશ;
    હું મારા છેલ્લા શ્વાસ સુધી યહોવાની સ્તુતિ કરીશ.
34 તેમના માટેનાં મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ
    કારણ કે યહોવા મારા સર્વ આનંદનું ઉદૃભવ સ્થાન છે.
35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો
    અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે.

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
    તમે યહોવાની સ્તુતિ કરો!

યશાયા 66:7-13

“પ્રસવવેદના થતાં પહેલાં બાળકને જન્મ આપનારી સ્ત્રી જેવી આ મારી પવિત્ર નગરી છે. આવું કદી કોઇએ જોયું છે કે સાંભળ્યું છે? શું એક જ દિવસમાં કદી કોઇ દેશ અસ્તિત્વમાં આવે ખરો? સિયોનને પ્રસવ વેદના વેઠવી પડશે નહિ, અને તે પહેલાં એ દેશને જન્મ આપશે.”

યહોવા તમારા દેવ પૂછે છે કે, “પ્રસૂતિકાળ પાસે લાવીને પછી પ્રસવ ન થાય એવું શું હું કરીશ? ના, એમ હું કદી નહિ કરું.”

10 યહોવા કહે છે, “યરૂશાલેમ પર પ્રેમ રાખનારાઓ, તેની સાથે તમે પણ આનંદો,
    હષોર્લ્લાસ માણો! એને માટે આક્રંદ કરનારાઓ, હવે તેના આનંદમાં આનંદ માનો;
11 માતાની શાતાદાયક છાતીએ ધાવીને
    બાળક જેમ ધરપત અનુભવે છે
તેમ તમે એની ભરી ભરી
    સમૃદ્ધિ ભોગવીને તૃપ્તિ પામશો.”

12 યહોવા કહે છે,
“હું એના પર સરિતાની જેમ સુખશાંતિ વહાવીશ
    અને ઊભરાતા વહેણાની જેમ પ્રજાઓની સમૃદ્ધિ રેલાવીશ.
તમે ધાવશો; કેડે ઊંચકી લેવાશો,
    ખોળામાં તમને ખૂબ લાડ લડાવાશે.
13 નાનાં બાળકોને જેમ તેની મા દિલાસો આપે છે,
    તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ;
    અને યરૂશાલેમમાં તમે સૌ દિલાસો પામશો.”

લૂક 12:22-31

દેવના રાજ્યને પ્રથમ સ્થાન આપવું

(માથ. 6:25-34, 19-21)

22 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તેથી હું તમને કહું છું કે, તમારે જીવવા માટે જે ખોરાક જોઈએ તેની ચિંતા કરશો નહિ, તમારા શરીર માટે જરૂરી કપડાંની તમે ચિંતા કરશો નહિ. 23 જીવન ખોરાક કરતા વધારે મહત્વનું છે અને શરીર કપડાં કરતા વધારે મહત્વનું છે. 24 પક્ષીઓ તરફ જુઓ, તેઓ વાવતા નથી કે લણતાં નથી. પક્ષીઓ વખારમાં કે ઘરમાં અનાજ બચાવતા નથી. પરંતુ દેવ તેમની સંભાળ રાખે છે. અને તમે તો પક્ષીઓ કરતાં ઘણા મૂલ્યવાન છો. 25 તમારામાંથી કોઈ પણ તેના અંગે ચિંતાઓ કરીને તમારા જીવનમાં થોડા સમયનો પણ વધારો કરી શકતો નથી. 26 જો તમે નાની બાબત પણ કરી શકતા નથી તો પછી બીજી બાબતોની ચિંતા શા માટે કરો છો?

27 “જંગલી ફૂલોને જુઓ, તેઓ કેવી રીતે ઊગે છે. તેઓ તેમની જાત માટે નથી કપડાં બનાવતા કે નથી કંઈ કામ કરતાં. પણ હું તમને કહું છું કે મહાન ધનવાન રાજા સુલેમાન પણ સુંદર રીતે શણગારાએલાં ફૂલોમાંના એક જેવો પણ પહેરેલો ન હતો. 28 એ પ્રમાણે દેવ ખેતરના ઘાસને સુંદર વસ્ત્રો પહેરાવે છે તેમ ઘાસ આજે જીવે છે. પણ આવતીકાલે તેને બાળી નાખવા આગમાં નંખાય છે. તેથી તું જાણ કે દેવ તને વધારે સારું પહેરાવશે. તેથી આવો અલ્પવિશ્વાસ ન રાખો.

29 “તેથી હંમેશા તમે શું ખાશો અને શું પીશો તેના વિષે વિચાર ન કરો. તેના વિષે ચિંતા ન કરો. 30 જગતના બધા લોકો તે વસ્તુઓ મેળવવા પ્રયત્ન કરે છે. તમારો પિતા જાણે છે કે તમારે તે વસ્તુઓની જરૂર છે. 31 જે વસ્તુઓ તમને જોઈએ છે તે દેવનું રાજ્ય છે. પછી આ બધી જરૂરી વસ્તુઓ તમને આપવામાં આવશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International