Revised Common Lectionary (Semicontinuous)
મુકિતનો દિવસ
8 યહોવા કહે છે,
“તમારો બચાવ કરવાનો સમય આવશે
ત્યારે હું તમારા પ્રત્યે ભલાઇ દેખાડીશ
અને તમારા સહાય માટેના પોકારો હું સાંભળીશ,
હું તમારું રક્ષણ કરીશ અને સર્વ લોકો સાથેના
મારા કરારના મધ્યસ્થ તમને બનાવીશ,
ઉજ્જડ થયેલી જગામાં
હું તમને ફરીથી વસાવીશ.
9 હું બંદીવાનોને કહીશ,
‘જાઓ તમે મુકત છો!’
અને જેઓ અંધકારમાં છે તેઓને કહીશ,
‘બહાર પ્રકાશમાં આવો!’
તેઓ પર્વત પર ચરનારા ઘેટાં જેવા થશે.
10 તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ;
તેઓને લૂ તથા તાપ વેઠવા પડશે નહિ.
કારણ કે યહોવા પોતાની ભલાઇથી તેઓને દોરતા રહેશે
અને તેમને પાણીના ઝરા આગળ લઇ જશે.
11 હું દરેક પર્વતને સપાટ
રસ્તો બનાવી દઇશ
અને દરેક માર્ગને પૂરીને સરખો કરીશ,
12 “જુઓ, મારા લોકો ઉત્તરના
તથા પશ્ચિમના તેમજ દક્ષિણના પ્રદેશોમાંથી પાછા ફરશે.”
13 હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, તું આનંદ કર;
હે પર્વતો, તમે જયઘોશ કરવા માંડો,
કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે,
અને પોતાની દુ:ખી પ્રજા પર કરુણા દર્શાવી છે.
14 છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે,
અમારો નાથ અમને ભૂલી ગયો છે.”
15 પરંતુ યહોવા કહે છે,
“કોઇ માતા પોતાના બાળકને કઇં રીતે ભૂલી જઇ શકે?
પોતાના પેટના સંતાનને હેત કરવાનું કઇ રીતે ભૂલી જઇ શકે?
કદાચ માતા ભૂલી જાય,
પણ હું તને નહિ ભૂલું.
16 જો, મેં તને મારી હથેલી પર કોતરી છે,
અને યરૂશાલેમ નગરના કોટકાંગરાને હું સતત સંભાર્યા કરું છું.
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા હું ગવિર્ષ્ઠ નથી,
હું કદી અગત્યના માણસ તરીકે વર્તતો નથી.
હું મારી જાતને કદીય “મહાન વસ્તુઓ”
સાથે સંડોવતો નથી જે કરવું મારા માટે અતિ ભયપ્રદ હોય.
2 મેં મારી જાતને શાંત કરી છે.
મારો આત્મા સ્વસ્થ અને શાંત છે.
મારો આત્મા માતાના બાહુમાં ધાવણથી તૃપ્ત થયેલ બાળક જેવો છે.
3 હે ઇસ્રાએલ, યહોવા પર હંમેશા
અને સદાય ભરોસો રાખ.
ખ્રિસ્તના પ્રેરિતો
4 લોકોએ અમારા વિષે આમ માનવું જોઈએ: અમે તો ઈસુ ખ્રિસ્તના સેવકો છીએ. અમે એવા લોકો છીએ કે જેને મર્મોના કારભારીઓ ગણવા. 2 જો કોઈ વ્યક્તિનો કશાક માટે વિશ્વાસ કરવામાં આવે તો તેણે દર્શાવવું જોઈએ કે તે વ્યક્તિ તે વસ્તુનો વિશ્વાસ કરવા લાયક છે. 3 મારો તમે ન્યાય કરો તેની મને પરવા નથી. અને કોઈ માનવ અદાલત દ્વારા મારો ન્યાય થાય તેની પણ મને પરવા નથી. હું તો મારા પોતાનો પણ ન્યાય કરતો નથી. 4 મેં કોઈ પણ ખરાબ કૃત્યો કર્યા હોય તેવી મને જાણકારી નથી. પરંતુ તેનાથી હું નિર્દોષ સાબિત થતો નથી. પ્રભુ જ એક એવો છે જે મારો ન્યાય કરી શકે છે. 5 તેથી યોગ્ય સમય પહેલાં ન્યાય ન કરો, પ્રભુ આવે ત્યાં સુધી રાહ જુઓ. તે જે વસ્તુઓ અંધકારમાં છુપાઈ છે તેના પર પ્રકાશ પાડશે તે લોકોના હૃદયના ગુપ્ત ઈરાદાઓને જાહેર કરી દેશે. પછી દેવ દરેક વ્યક્તિને તેને મળવી જોઈએ તેટલી પ્રશંસા આપશે.
24 “કોઈપણ વ્યક્તિ એક સાથે બે ઘણીની સેવા કરી શકે નહિ. તે એકને પ્રેમ કરે તો બીજાને તિરસ્કાર કરે અથવા એક ઘણીને સમર્પિત બનશે અને બીજાને અનુસરવાની ના પાડશે. તમે એક સાથે ધન અને દેવની સેવા કરી શકો નહિ.
પ્રથમ દેવનું રાજ્ય
(લૂ. 12:22-34)
25 “તેથી હું તમને કહું છું કે, તમારે જીવવા માટે જરૂરી ખાવાપીવાની ચિંતા કરશો નહિ અને શરીરને ઢાંકવા કપડાંની ચિંતા ના કરો. કારણ ખોરાક કરતાં જીવન બધારે અગત્યનું છે અને કપડાં કરતાં શરીર વધારે અગત્યનું છે. 26 તમે પક્ષીઓને જુઓ, તેઓ બી વાવતાં નથી, ને કાપતાં નથી ને કોઠારોમાં ભરતાં નથી. અને છતાય તમારો પિતા તે પંખીઓનું ભરણપોષણ કરે છે તમે તો પક્ષીઓ કરતાં ઘણા જ મૂલ્યવાન છો. 27 એના વિષે ચિંતા કરવાથી તમારાં આયુષ્યમાં એકાદ પળનો પણ વધારો નહિ કરી શકો.
28 “અને તમે તમારાં વસ્ત્રો વિષે શા માટે ચિંતા કરો છો? ખેતરનાં ફૂલોને નિહાળો, તેઓ કેવાં ખીલે છે, તેઓ તેના માટે મહેનત કરતાં નથી કે પોતાને માટે વસ્ત્રો પણ બનાવતાં નથી. 29 અને છતાં પણ હું તમને કહું છું કે સુલેમાને તેની પૂર્ણ ભવ્યતામાં પણ ફૂલોમાંના એકાદ ફૂલ જેવો સુંદર પોષાક ધારણ કર્યો ન હતો. 30 જે ઘાસ આજે છે તે આવતીકાલે કરમાઈ જશે, તો તેને અગ્નિમાં બાળી દેવામાં આવશે એવા ઘાસની કાળજી દેવ રાખે છે તો હે માનવી, એ દેવ તારી કાળજી નહિ રાખે? તેના ઉપર આટલો ઓછો વિશ્વાસ રાખશો નહિ.
31 “તેથી તમે ચિંતા રાખશો નહિ અને કહેશો નહિ, ‘અમે શું ખાઈશું?’ ‘અમે શું પીશું?’ અથવા ‘અમે શું પહેરીશું?’ 32 જે લોકો દેવને ઓળખતા નતી તેઓ આ બધી વસ્તુઓની પાછળ પડે છે. તમે આની ચિંતા ના કરો કારણ કે આકાશમાં રહેલાં તમારા પિતાને ખબર છે કે તમારે આ બધાની જરૂર છે. 33 પણ પહેલા તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, તો તે પણ તમને આ બધી જ વસ્તુઓ આપશે. 34 તે માટે આવતીકાલની ચિંતા ન કરો. આજની સમસ્યાઓ આજને માટે પૂરતી છે. આવતીકાલનું દુ:ખ આવતીકાલનું છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International