Revised Common Lectionary (Semicontinuous)
સંભારણું- દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ,
અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહિ.
2 તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે;
અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
3 તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી.
મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
4 મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે,
ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
5 મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે
અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
6 હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું,
અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
7 મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં,
અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
8 હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું,
હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
9 હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે,
મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
10 મારા હૃદયના ધબકારા વધી ગયા છે,
આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
11 મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે,
અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
12 શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે,
મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
13 મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે.
પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી,
પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
14 સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે,
હું એવા માણસ જેવો છું.
15 હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું;
હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
16 મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે,
મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.”
17 હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ,
મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
18 હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ;
અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
19 જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે;
જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20 ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે,
અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે,
કારણ, હું જે સારું છે
તેને અનુસરું છું.
21 હે યહોવા, તમે મને તરછોડશો નહિ,
હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
22 હે યહોવા, મારા તારણના દેવ,
તમે જલદી આવો અને મને મદદ કરો!
દેવ પોતાના લોકોની મદદ કરશે
18 તેમ છતાં યહોવા તમારા પર કૃપા કરવાની રાહ જોઇ રહ્યો છે, તમારા પર દયા કરવાને તલપી રહ્યો છે; કારણ કે યહોવા તો ન્યાયનો દેવ છે, તેને ભરોસે રહેનાર સર્વ આશીર્વાદિત છે.
19 હે યરૂશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, હવે ફરી તમારે રડવું નહિ પડે. તમારો પોકાર કાને પડતાં યહોવા જરૂર તમારા પર કૃપા કરશે. સાંભળતા જ જવાબ આપશે.
20 યહોવા તમને સંકટરૂપી રોટલી અને વિપત્તિરૂપી પાણી આપે છે, તોપણ તમને શિક્ષણ આપવા તે તમારી સાથે રહેશે. તમે તમારી પોતાની આંખોથી તમારા શિક્ષકને જોશો. 21 જ્યારે તમે આડાઅવળા જશો કે તરત જ પાછળથી એવી વાણી તમને સંભળાશે કે, “આ રહ્યો તમારો માર્ગ, તેના પર તમે ચાલો.”
22 જ્યારે તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાથી રસેલી મૂર્તિઓને અપવિત્ર માનીને ઉકરડાની જેમ ફેંકી દેશો અને કહેશો, અહીંથી દૂર થા.
23 તમે જમીનમાં બી વાવશો, તેને માટે યહોવા વરસાદ મોકલશે અને જમીન પુષ્કળ પાક આપશે; તથા તમારાં ઢોરઢાંખરાં માટે ભરપૂર ચારો મળશે. 24 અને તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરાઓમાં ચરશે, અને જમીનને ખેડનાર બળદો અને ગધેડાં પણ સારું સારું ખાણ ખાવા પામશે. 25 શત્રુઓની હત્યાને દિવસે, જ્યારે તેમના બુરજો જમીન પર ઢળી પડતા હશે ત્યારે દરેક પર્વત અને દરેક ટેકરી પર પાણીનાં ઝરણાં વહેતાં હશે.
26 જે દિવસે યહોવા પોતાના લોકોના ઘા જે તેણે તેના લોકો પર કર્યા હતાં, તેને રૂઝવી દેશે, તે દિવસે ચંદ્રનો પ્રકાશ સૂર્યના પ્રકાશ જેવો અને સૂર્યનો પ્રકાશ સાતગણો, સાત દિવસના પ્રકાશ જેટલો ઉજ્જવળ થઇ જશે.
લુસ્ત્રામાં પાઉલ અને બાર્નાબાસ
8 લુસ્ત્રામાં એક માણસ હતો જેના પગમાં કંઈક ખોડ હતી. તે જન્મથી જ અપંગ હતો; તે કદી ચાલ્યો નહોતો. 9 આ માણસ બેઠો હતો અને પાઉલને ધ્યાનથી સાંભળતો હતો, પાઉલે તેના તરફ જોયું કે તે માણસને વિશ્વાસ હતો કે દેવ તેને સાજો કરી શકે તેમ છે. 10 તેથી પાઉલે મોટા અવાજે કહ્યું, “તારા પગ પર ઊભો થા!” તે માણસ કૂદીને ઊભો થયો અને આજુ બાજુ ચાલવા માંડ્યો.
11 પાઉલે જે કર્યુ તે જ્યારે લોકોએ જોયું ત્યારે તેઓએ તેઓની પોતાની લુકોનિયાની ભાષામાં પોકાર કર્યો. તેઓએ કહ્યું, “દેવો, માણસોનું રૂપ લઈને આવ્યા છે. તેઓ આપણી પાસે નીચે ઉતર્યા છે!” 12 લોકોએ બાર્નાબાસને “ઝિયૂસ”[a] કહ્યો. તેઓએ પાઉલને “હર્મેસ”[b] કહ્યો, કારણ કે તે જ મુખ્ય બોલનાર હતો. 13 ઝિયૂસનું મંદિર શહેરમાં નજીકમાં હતું. આ મંદિરના યાજકે કેટલાક બળદો અને ફૂલો શહેરના દરવાજા પાસે આણ્યાં. તે યાજક અને લોકો પાઉલ અને બાર્નાબાસને ભક્તિપૂર્વક ભેટ અર્પણ કરવા ઇચ્છતા હતા.
14 પરંતુ જ્યારે પ્રેરિતો, પાઉલ અને બાર્નાબાસ લોકો શું કરતા હતા તે સમજ્યા, ત્યારે તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્રો ફાડ્યાં.[c] પછી તેઓ લોકોમાં અંદર દોડી ગયા અને તેઓને માટે સાદે કહ્યું: 15 “સજ્જનો, તમે આ બધું શા માટે કરો છો? અમે દેવો નથી! અમારે પણ તમારા જેવી લાગણીઓ છે. અમે તમને સુવાર્તા કહેવા આવ્યા છે. અમે તમને આ નિરર્થક વસ્તુઓ તરફથી પાછા ફરવાનું કહીએ છીએ. ઉત્પન્ન કરનાર જીવતા દેવ તરફ ફરો. તેણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને તેઓના માં રહેલી પ્રત્યેક વસ્તુઓનું સર્જન કર્યુ છે.
16 “ભૂતકાળમાં દેવે પ્રત્યેક રાષ્ટ્રોને તેઓની ઈચ્છા પ્રમાણે કરવા દીધું હતું. 17 પરંતુ દેવે જે કર્યુ તે ખરું છે. દેવ પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યો નથી. તે તમારા માટે સારું કામ કરે છે. તે તમને આકાશમાંથી વરસાદ આપે છે. તે તમને યોગ્ય સમયે સારી ફસલ આપે છે. તે તમને પુષ્કળ પ્રમાણમાં અનાજ આપે છે અને તે તમારા હ્રદયને આનંદથી ભરે છે.”
18 પાઉલ અને બાર્નાબાસે તે લોકોને આ વાતો કરી પરંતુ હજુ સુધી પાઉલ અને બાર્નાબાસ લોકોને લગભગ તેઓની ભક્તિ અને બલિદાન કરતાં ભાગ્યે જ અટકાવી શક્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International