Revised Common Lectionary (Semicontinuous)
18 પરંતુ હવે તે સર્વ ભૂતકાળનું સ્મરણ કરવાની જરૂર નથી. પહેલાં મેં જે કર્યુ હતું તેનો વિચાર ન કરો. 19 કારણ કે હું એક નવું કામ કરવાનો છું. જુઓ, મેં તેમની શરૂઆત કરી દીધી છે! શું તમે જોઇ શકતા નથી? મારા લોકો માટે અરણ્યમાં હું માર્ગ તૈયાર કરીશ અને રાનમાં તેઓને માટે નદીઓ ઉત્પન્ન કરીશ! 20 જંગલી પ્રાણીઓ, વરુઓ અને શાહમૃગો સુદ્ધાં મને માન આપશે, કારણ, હું મરુભૂમિમાં પાણી પૂરું પાડીશ. સૂકા રણમાં નદીઓ વહેવડાવીશ, જેથી મારા પસંદ કરેલા લોકો પાણી પીવા પામે. 21 એ લોકોને મેં મારે માટે બનાવ્યા છે, તેથી તેઓ મારી સ્તુતિ જાહેર કરશે.”
22 યહોવા કહે છે, “હે ઇસ્રાએલીઓ, તમે મને વિનંતી કરતાં નથી, તમે તો મારાથી કંટાળી ગયા છો! 23 તમે મને દહનાર્પણ તરીકે ઘેટાંને અર્પણ કર્યા નથી; તમે યજ્ઞોથી મારો આદર કર્યો નથી. મેં કંઇ બહુ ભારરુંપ યજ્ઞો માગ્યા નહોતા કે તમને મારા માટે ધૂપ પેટાવવા માટે દબાણ કર્યું નહોતું. 24 તમે કઇં મારે માટે ધૂપસળી પાછળ પૈસા ર્ખચ્યા નથી કે મને બલિદાનોની ચરબીથી તૃપ્ત કર્યો, તમે તો કેવળ પાપ અર્પણ કર્યા છે, અને તમારા એ અન્યાયોથી હું થાકી ગયો છું.
25 “હા, હું એ જ છું, હું એકલો જ મારા પોતાના નામની માટે તમારાં સર્વ પાપ ભૂંસી નાખું છું અને ફરીથી કદી હું તેનું સ્મરણ કરતો નથી.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે;
સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.
2 તેનું યહોવા રક્ષણ કરે છે તથા તેને જીવંત રાખે છે;
તે તેના શત્રુઓના બળને નષ્ટ કરે છે
અને જાહેરમાં તેને માન આપે છે જેથી તે સંસારમાં સુખ પામે.
3 યહોવા તેને બીમારીના બિછાના પર ટકાવી રાખશે,
અને મંદવાડમાં તેનાં દુ:ખ અને ચિંતા લઇ લેશે.
4 મેં પ્રાર્થના કરી, “હે યહોવા, મારા પર દયા રાખો અને મને મારી માંદગીમાંથી સાજો કરો,
કારણકે મેં કબૂલાત કરી હતી કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે.”
5 મારા શત્રુઓ આ બધી ખરાબ બાબતો મારી વિરુદ્ધ કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે.
તેનું નામ સમગ્ર સંસારમાંથી વિસરાઇ જશે.”
6 મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે,
અને હૃદયમાં અન્યાયનો સંગ્રહ કરે છે;
જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે
અને નિર્બળતાની હાંસી ઉડાવે છે.
7 મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે,
અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.
8 તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે
કે તે પથારીમાં પડ્યો છે
ઓટલે પાછો ઊઠવાનો નથી.”
9 મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ
અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.
10 હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો;
મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.
11 તમે મારા પર પ્રસન્ન છો એની મને ખબર છે;
તમે મારા પર શત્રુઓને વિજય આપ્યો નથી.
12 હું નિર્દોષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો.
તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.
13 ઇસ્રાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી
તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે.
આમીન તથા આમીન.
18 પરંતુ જો તમે દેવમાં માનતા હો તો, તમે માનશો કે અમે તમને કદી પણ એક જ સમયે “હા” અને “ના” સાથે નથી કહ્યું. 19 દેવ પુત્ર ઈસુ ખ્રિસ્ત, સિલ્વાનુસ અને તિમોથી અને મેં તમને જે ઉપદેશ આપ્યો તે “હા” અને “ના” નહોતો. ઈસુ ખ્રિસ્તમાં હમેશા “હા” હતી. 20 દેવના દરેક વચનોની “હા” તે ખ્રિસ્તમાં છે. અને તેથી જ આપણે ખ્રિસ્તના થકી “આમીન” કહીએ છીએ. દેવનો મહિમા થાઓ. 21 અને દેવ તે એક છે જે આપણને ખ્રિસ્ત થકી તમારી સાથે શક્તિશાળી બનાવે છે. દેવે આપણને તેના વિશિષ્ટ આશીર્વાદ આપ્યા છે. 22 આપણે તેના છીએ તે સાબિત કરવા તે તેનું અદભૂત ચિહન આપણા ઉપર મૂકે છે. અને તેણે જે વચન આપ્યું છે તે પ્રમાણે તે આપશે તેની ખાતરીરુંપે, તેની સાબિતીરુંપે, તે તેનો આત્મા આપણા હૃદયમાં મૂકે છે.
ઈસુનું પક્ષઘાતી માણસને સાજા કરવું
(માથ. 9:1-8; લૂ. 5:17-26)
2 થોડા દિવસો પછી, ઈસુ ફરી પાછો કફર-નહૂમમાં આવ્યો. તે સમાચાર પ્રસરી ગયા કે ઈસુ ઘેર પાછો ફર્યો હતો. 2 ઘણા લોકો ઈસુનો ઉપદેશ સાંભળવા ભેગા થયા હતા. ઘર ભરેલું હતું. ત્યાં દરવાજા બહાર પણ ઊભા રહેવાની જગ્યા ન હતી. ઈસુ આ લોકોને ઉપદેશ આપતો હતો. 3 કેટલાક લોકો એક પક્ષઘાતી માણસને ઊંચકીને લાવતા હતા. 4 પણ તેઓ તે માણસને ઈસુ પાસે લાવી શક્યા નહિ કારણ કે ઘર લોકોથી ભરેલું હતુ. તેથી તે માણસો ઈસુ જ્યાં હતો તે છાપરાં પર ગયા અને છાપરામાં બકોરું પાડ્યું પછી તેઓએ પક્ષઘાતી માણસ જે ખાટલામાં પડેલો હતો તે ખાટલો નીચે ઉતાર્યો. 5 ઈસુએ જોયું કે આ માણસોને ખૂબ વિશ્વાસ છે, તેથી તે પક્ષઘાતી માણસને કહ્યું, “જુવાન માણસ, તારા પાપો માફ થયાં છે.”
6 કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠેલા હતા. ઈસુએ જે કર્યુ તે તેઓએ જોયું, અને તેઓએ તેઓની જાતને કહ્યું, 7 “આ માણસ આમ કેમ કહે છે? તે જે કહે છે તે દેવની વિરૂદ્ધ છે. ફક્ત દેવ જ પાપોને માફ કરા શકે.”
8 ઈસુએ જાણ્યું કે આ શાસ્ત્રીઓ તેના વિષે આવી બાબતો વિચારતા હતા. તેથી ઈસુએ તેઓને કહ્યું, “તમારા મગજમાં આવા વિચારો કેમ આવે છે? આ પક્ષઘાતી માણસને શું કહેવું સરળ છે, તારા પાપ માફ થયા છે, કે તેને કહેવું, ઊભો થા, તારી પથારી લઈને ચાલ? 9-10 પણ હું તમને સાબિત કરાવી આપીશ કે માણસના પુત્રને પૃથ્વી પર પાપો માફ કરવાનો અધિકાર છે.” તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું. 11 હું તને કહું છું, “ઊભો થા, તારી પથારી ઊચકીને તારે ઘેર ચાલ્યો જા.”
12 તે પક્ષઘાતી માણસ ઊભો થયો. તેણે તેની પથારી લીધી અને ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો. બધા લોકો તેને જોઈ શક્યા. લોકો નવાઇ પામ્યા અને દેવની સ્તુતિ કરી. તેઓએ કહ્યું, “આજ સુધી જોયેલી સૌથી આશ્ચર્યકારક બાબત આ છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International