Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે;
સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.
2 તેનું યહોવા રક્ષણ કરે છે તથા તેને જીવંત રાખે છે;
તે તેના શત્રુઓના બળને નષ્ટ કરે છે
અને જાહેરમાં તેને માન આપે છે જેથી તે સંસારમાં સુખ પામે.
3 યહોવા તેને બીમારીના બિછાના પર ટકાવી રાખશે,
અને મંદવાડમાં તેનાં દુ:ખ અને ચિંતા લઇ લેશે.
4 મેં પ્રાર્થના કરી, “હે યહોવા, મારા પર દયા રાખો અને મને મારી માંદગીમાંથી સાજો કરો,
કારણકે મેં કબૂલાત કરી હતી કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે.”
5 મારા શત્રુઓ આ બધી ખરાબ બાબતો મારી વિરુદ્ધ કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે.
તેનું નામ સમગ્ર સંસારમાંથી વિસરાઇ જશે.”
6 મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે,
અને હૃદયમાં અન્યાયનો સંગ્રહ કરે છે;
જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે
અને નિર્બળતાની હાંસી ઉડાવે છે.
7 મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે,
અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.
8 તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે
કે તે પથારીમાં પડ્યો છે
ઓટલે પાછો ઊઠવાનો નથી.”
9 મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ
અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.
10 હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો;
મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.
11 તમે મારા પર પ્રસન્ન છો એની મને ખબર છે;
તમે મારા પર શત્રુઓને વિજય આપ્યો નથી.
12 હું નિર્દોષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો.
તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.
13 ઇસ્રાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી
તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે.
આમીન તથા આમીન.
બાબિલમાંથી આવેલા કાસદો
39 આ અરસામાં બાલઅદાનનો પુત્ર મેરોદાખ-બાલઅદાન બાબિલનો રાજા હતો. થોડા સમય પછી તેણે હિઝિક્યા પર પોતાની શુભેચ્છાઓ તથા ઉપહારો મોકલાવ્યાં. હિઝિક્યા મરણતોલ માંદગીમાંથી સાજો થયો છે તેવા સમાચાર તેને મળ્યા હતા. 2 હિઝિક્યા ખૂબ રાજી થયો અને તેમને પોતાનો આખો ભંડાર તેમાંના સોનું ચાંદી, સુગંધી દ્રવ્યો અને મૂલ્યવાન તેલથી ભરેલો ખજાનો બધું જ બતાવ્યું તેના મહેલમાં કે આખા રાજ્યમાં એવું કશું જ બાકી રહ્યું નહોતું જે તેમને ન બતાવ્યું હોય.
3 ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “તે લોકો શું કહે છે? તેઓ ક્યાંથી આવ્યા છે?”
હિઝિક્યાએ પ્રત્યુત્તર આપ્યો, “તેઓ દૂર દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”
4 યશાયાએ પૂછયું, “એ લોકોએ તારા મહેલમાં શું શું જોયું?”
હિઝિક્યાએ કહ્યું, “તે લોકોએ મારા મહેલમાં સર્વસ્વ જોયું છે. મારા ભંડારમાં એવું કશું જ નથી જેં મેં એમને ન બતાવ્યું હોય.”
5 ત્યારે યશાયાએ કહ્યું, “સૈન્યોના દેવ યહોવાનાં વચન સાંભળ, તે કહે છે: 6 ‘એવો વખત આવી રહ્યો છે કે જ્યારે તારા મહેલમાંનુ બધું જ, તારા વડવાઓએ આજ સુધી જે કઇ ભેગું કર્યુ છે તે બધું જ, બાબિલમાં લઇ જવાશે, કશું જ બાકી નહિ રહે.’ 7 અને તારા પોતાના જ પુત્રોને લઇ જઇને બાબિલના રાજાના મહેલમાં નોકરો-ખોજાઓ બનાવવામાં આવશે.”
8 હિઝિક્યાએ કહ્યું, “તમે યહોવાના જે વચનો સંભળાવ્યાં તે સારાં છે.” તેણે વિચાર્યુ કે, “હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સુરક્ષા કાયમ રહેશે ને!”
પિતરની સાસુને ઈસુ સાજી કરે છે
(માથ. 8:14-17; માર્ક 1:29-34)
38 પછી તે દિવસે ઈસુ સભાસ્થાનમાંથી સીધો સિમોનના ઘરે ગયો. ત્યાં સિમોનની સાસુ બિમાર હતી. તેને સખત તાવ હતો. તેથી તેઓએ તેને મદદરુંપ થવા ઈસુને વિનંતી કરી. 39 ઈસુ તેની તદ્દન નજીક ઊભો રહ્યો, તાવને ધમકાવ્યો અને તેને છોડી જવા આજ્ઞા કરી. તેનો તાવ ઊતરી ગયો. પછી તે તરત જ ઊઠી અને ઊભી થઈને તેની સેવા કરવા લાગી.
ઈસુ ઘણા લોકોને સાજા કરે છે
40 સંધ્યાકાળે ઘણા લોકો તેઓના માંદા મિત્રોને લઈને ઈસુ પાસે આવ્યા. તે બધા વિવિધ પ્રકારના રોગીઓ હતા. ઈસુએ દરેક માંદા માણસના માથે હાથ મૂક્યો અને તે સર્વને સાજા કર્યા. 41 ઈસુની આજ્ઞાથી ઘણા લોકોમાંથી ભૂતો નીકાળ્યાં. તેઓ ઘાંટો પાડીને કહેતાં હતા કે, “તું દેવનો દીકરો છે.” પરંતુ ઈસુએ તે બધાને ખૂબ ધમકાવ્યા અને તેમને બોલવા દીધા નહિ. તેઓને ખબર હતી કે ઈસુ એ ખ્રિસ્ત છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International