Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે;
સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.
2 તેનું યહોવા રક્ષણ કરે છે તથા તેને જીવંત રાખે છે;
તે તેના શત્રુઓના બળને નષ્ટ કરે છે
અને જાહેરમાં તેને માન આપે છે જેથી તે સંસારમાં સુખ પામે.
3 યહોવા તેને બીમારીના બિછાના પર ટકાવી રાખશે,
અને મંદવાડમાં તેનાં દુ:ખ અને ચિંતા લઇ લેશે.
4 મેં પ્રાર્થના કરી, “હે યહોવા, મારા પર દયા રાખો અને મને મારી માંદગીમાંથી સાજો કરો,
કારણકે મેં કબૂલાત કરી હતી કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે.”
5 મારા શત્રુઓ આ બધી ખરાબ બાબતો મારી વિરુદ્ધ કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે.
તેનું નામ સમગ્ર સંસારમાંથી વિસરાઇ જશે.”
6 મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે,
અને હૃદયમાં અન્યાયનો સંગ્રહ કરે છે;
જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે
અને નિર્બળતાની હાંસી ઉડાવે છે.
7 મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે,
અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.
8 તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે
કે તે પથારીમાં પડ્યો છે
ઓટલે પાછો ઊઠવાનો નથી.”
9 મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ
અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.
10 હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો;
મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.
11 તમે મારા પર પ્રસન્ન છો એની મને ખબર છે;
તમે મારા પર શત્રુઓને વિજય આપ્યો નથી.
12 હું નિર્દોષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો.
તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.
13 ઇસ્રાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી
તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે.
આમીન તથા આમીન.
12 તેથી રાત્રે યહોવાએ તેને દર્શન આપ્યા અને કહ્યું,
“મેં તમારી પ્રાર્થના સાંભળી છે અને મને હોમયજ્ઞ અર્પવા માટે આ સ્થાન પસંદ કર્યું છે. 13 હું આકાશના દ્વાર બંધ કરી દઉં અને વરસાદ ન વરસે, અથવા હું તીડોને પાક ખાઇ જવાની આજ્ઞા કરું, અથવા લોકોમાં રોગચાળો મોકલું, 14 તે વખતે મેં જેમને પોતાના કર્યા છે તે, લોકો મારે શરણે આવીને પ્રાર્થના કરે અને મારુ માર્ગદર્શન માગે અને ખોટે માર્ગેથી પાછા ફરે તો હું આકાશમાંથી સાંભળીશ અને તેમનાં પાપોને માફ કરીશ અને તેમની ભૂમિને સ્વસ્થ કરી દઇશ. 15 આ સ્થળે કરેલી પ્રત્યેક પ્રાર્થના સંબંધી હું જાગ્રત રહીશ અને તે સાંભળીશ. 16 કારણકે મારા સદાકાળના નિવાસસ્થાન માટે મેં આ મંદિરને પસંદ કરીને પવિત્ર કર્યુ છે. મારી આંખો અને મારું અંત:કરણ સદા અહીં જ રહેશે. 17 તારા પિતા દાઉદની જેમ જો તું મને આધીન રહેશે, હું જે કઇં કહું તે બધું કરશે અને મારા નિયમો અને કાનૂનનોનું પાલન કરશે, 18 પછી તે હું કરીશ, તે તું અને તારા વંશજો હંમેશા ઇસ્રાએલના રાજા બની રહો. એવું વચન મે તારા પિતા દાઉદને આપ્યુ હતું
19 “પણ જો તમે મારાથી વિમુખ થઇ જશો અને મારી આજ્ઞાઓ અને મારી આજ્ઞાઓ ત્યાગ કરી બીજા દેવોની આરાધના અને સેવા કરશો, 20 તો મેં તમને જે ભૂમિ આપી છે તેમાંથી તમને ઉખેડી નાખીશ અને મને અર્પણ કરેલા આ મંદિરનો હું ત્યાગ કરીશ અને આ જગ્યામાં કાંઇક ખરાબ બન્યું હતું તેના માટે આ મંદિરને હું પ્રસિદ્ધ કરીશ. 21 તેની ખ્યાતિને બદલે ત્યાં થઇને પસાર થનારાઓ આશ્ચર્ય પામી પૂછશે, ‘યહોવાએ આ દેશ અને આ મંદિરની આવી દુર્દશા શા માટે કરી?’ 22 અને જવાબ મળશે, ‘કારણકે એ લોકોએ પોતાને મિસરમાંથી બહાર લાવનાર પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો અને બીજા દેવોનો અંગીકાર કરીને તેમની સેવાપૂજા કરવા માંડી, એ કારણથી યહોવાએ આ બધી આફતો તેમના પર ઉતારી છે.’”
2 મારા પ્રિય મિત્ર, હું જાણું છું તારો આત્મા કુશળ છે. તેથી હું પ્રાર્થના કરું છું કે તું બધી રીતે કુશળ રહે. અને હુ પ્રાર્થના કરું છું કે તું તંદુરસ્ત રહે. 3 કેટલાએક ખ્રિસ્તમાં ભાઈઓ આવ્યા અને તારા જીવનના સત્ય વિષે મને કહ્યું. તેઓએ મને કહ્યુ કે તું સત્યના માર્ગને અનુસરી રહ્યો છે. તેથી હું ઘણો ખુશ થયો. 4 જ્યારે હું સાંભળું છું કે મારાં બાળકો સત્યના માર્ગને અનુસરે છે ત્યારે મને હંમેશા સૌથી વધુ આનંદ થાય છે.
5 મારા પ્રિય મિત્ર, તું ખ્રિસ્તમાં ભાઈઓને માટે હા, પારકા ભાઈઓને માટે પણ, તું જે કંઈ કરે છે તે તું વિશ્વાસ કરનારને યોગ્ય કામ કરે છે. તુ જેને જાણતો નથી એવા ભાઈઓને પણ તું મદદ કરે છે. 6 આ ભાઈઓએ મંડળીને તારા પ્રેમ વિશે વાત કરી છે. કૃપા કરીને તેઓનો પ્રવાસ ચાલુ રાખવામાં તેઓને મદદ કર. દેવ પ્રસન્ન થાય તે રીતે તેઓને મદદ કર. 7 આ ભાઈઓ ખ્રિસ્તની સેવા કરવા માટે આજુબાજુ પ્રવાસ કરી રહ્યા છે. તેઓ જે લોકો વિશ્વાસીઓ નથી તેઓની કોઈ પણ પ્રકારની મદદનો સ્વીકાર કરતા નથી. 8 તેથી આપણે આ ભાઈઓને મદદ કરવી જોઈએ. જ્યારે આપણે તેઓને મદદ કરીએ છીએ, ત્યારે આપણે તેઓના સત્ય માટેના કાર્યમાં સહભાગી થઈએ છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International