Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “શોશાન્નીમ.” દાઉદનું ગીત.
1 હે દેવ, મારા માથા સુધી પાણી ચઢી આવ્યું છે,
મારી રક્ષા કરો.
2 કીચડમાં હું ઊંડે ને ઊંડે ખૂપતો જાઉં છું,
જ્યાં ઊભા રહેવાને પણ આધાર નથી,
હું ઊઁડા જળમાં આવી પડ્યો છું,
જળપ્રલયે મને ડૂબાડી દીધો છે.
3 હું રડી રડીને નિર્ગત થઇ ગયો છું અને મારું ગળું સુકાઇ ગયું છે.
મારા દેવની વાટ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
13 પરંતુ હે યહોવા, તમારી કૃપાનાં સમયમાં મેં તમારી પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું છે,
તમારાં ભરપૂર પ્રેમમાં, તારણની સત્યતાએ પ્રત્યુતર આપો.
14 મને કીચડમાંથી કાઢો,
મને ઊંડા પાણીમાં ડૂબવાં દેશો નહિ
અને દ્વેષીઓથી
મારી રક્ષા કરો.
15 રેલ સંકટ મારા પર ફરી ન વળે,
સાગરનાં ઊંડાણ મને ગળી ન જાય;
અને ડરાવનાર કબરમાં મારી રક્ષા કરો.
16 હે યહોવા, મારી પ્રાર્થનાનો ઉત્તર આપો; કારણ તારી કૃપ ઉત્તમ છે;
તમારા પુષ્કળ વાત્સલ્ય મુજબ મારા તરફ વળો.
30 પછી હું ગીત ગાઇને દેવના નામનું સ્તવન કરીશ,
અને આભાર માનીને તેમનાં નામની હું સ્તુતિ કરીશ.
31 અને તે બળદનાં અથવા વાછરડાંનાં બલિદાન કરતાં
તેમને વધુ આનંદ આપશે.
32 નમ્ર જનો તે જોઇને આનંદ પામશે,
દેવને શોધનારાઓ તમારા હૃદયો નવું જીવન પામો.
33 કારણ યહોવા દરિદ્રીઓની અરજ સાંભળે છે,
અને તેમનાં જે લોકો બંદીવાન આપે છે તેઓનાથી તેઓ પોતાનું મુખ આડું ફેરવતાં નથી.
34 આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો;
સમુદ્રો તથાં તેમાનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
35 કારણ, દેવ સિયોનને તારશે
અને યહૂદિયાનાં નગરોનું નવનિર્માણ કરશે;
તેનાં લોકો તે નગરોમાં વસવાટ કરશે અને તે જન્મભૂમિનો કબજો મેળવશે.
36 વળી તેના સેવકોનાં સંતાન દેશનો વારસો પામશે,
તેમનાં નામ પર પ્રીતિ રાખનારાઁ તેમાં વસશે.
સંસારનું વિભાજન
11 જળપ્રલય પછી આખી પૃથ્વી પર એક જ ભાષા બોલાતી હતી. બધા લોકો એક સરખા જ શબ્દ-સમૂહોનો ઉપયોગ કરતા હતા. 2 લોકો પૂર્વમાંથી આગળ વધ્યા અને શિનઆરના મેદાનમાં આવી પહોચ્યા. અને ત્યાં જ ઠરીઠામ થયા. 3 લોકોએ એક બીજાને કહ્યું, “ચાલો, આપણે ઈંટો બનાવીએ અને ભઠ્ઠામાં પકવીએ.” આમ, લોકો પોતાના ઘર બનાવવા માંટે પથ્થરોની જગ્યાએ ઇટોનો ઉપયોગ કરવા લાગ્યા. તથા છોની જગ્યાએ ડામર વાપરવા લાગ્યા.
4 પછી લોકોએ કહ્યું, “ચાલો, આપણે આપણા માંટે એક નગર બનાવીએ અને એક ગગનચુંબી ઇમાંરત ઊભી કરીએ. પછી આપણે લોકો નામના મેળવીશું. જો આપણે લોકો આમ કરીશું તો પૃથ્વી પર કદી વેરવિખેર થઈશું નહિ અને એક જ જગ્યાએ એક સાથે રહીશું.”
5 ગગનચુંબી ઇમાંરત અને નગર જોવા માંટે યહોવા નીચે ઊતરી આવ્યા. 6 યહોવાએ લોકોને આ બધું બાંધતા જોયા. તેથી તેમણે કહ્યું, “આ બધા લોકો એક છે, અને તેઓની ભાષા પણ એક જ છે. હું જોઉ છું કે, તેમની યોજનાઓ મુજબ કરવા માંટે તેઓ ભેગા થયા છે. આ તો ફકત તેઓ શું કરી શકે છે તેની શરુઆત છે અને હવે તેઓ જે કંઈ કરવા માંગે છે તે કરતાં એમને કોઈ રોકી શકશે નહિ. 7 એટલા માંટે, ચાલો આપણે નીચે જઈએ અને એમની ભાષાને ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા સમજી ન શકે.”
8 આથી યહોવાએ તે લોકોને તે જગ્યાએથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા, અને તે લોકોએ શહેર બાંધવાનું છોડી દીધું. 9 તે એ જગ્યા હતી જયાં યહોવાએ આખી પૃથ્વીની ભાષાને ગૂંચવી નાખી હતી. આથી આ જગ્યાનું નામ બાબિલ પડયું. અને અહીંથી જ યહોવાએ એ લોકોને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા હતા.
આકાશ અને નરકનો માર્ગ
(લૂ. 13:24)
13 “સાંકડા કરવાજામાંથી દાખલ થાઓ, કારણ કે જે દરવાજો પહોળો છે અને જે રસ્તો સરળ છે, તે વિનાશ તરફ દોરે છે. ઘણા લોકો તે રસ્તેથી જાય છે. 14 જે દરવાજો સાંકડો છે, અને જે રસ્તો નાનો છે, તે સાચા જીવન તરફ દોરે છે. ફક્ત થોડા જ લોકોને તે જડે છે.
મનુષ્યોનાં કૃત્યોને ઓળખો
(લૂ. 6:43-44; 13:25-27)
15 “જૂઠા પ્રબોધકોથી સાવધાન રહો. તેઓ તમારી પાસે ઘેટાંના વેશમાં આવે છે. પણ તેઓ વરુંઓ જેવા ભયંકર હોય છે. 16 તમે આવા લોકોને તેઓ જે વસ્તુઓ કરે છે તેનાથી ઓળખી શકશો. જેમ કાંટાળી ઝાડી પરથી દ્રાક્ષ અને કાંટાળી ઊંટકટારી પરથી અંજીર મળી શક્તા નથી. તેમ ખરાબ લોકો પાસેથી સારી વસ્તુની અપેક્ષા રાખી શકો નહિ. 17 તે જ પ્રમાણે પ્રત્યેક સારું વૃક્ષ સારાં ફળ આપે છે ને ખરાબ વૃક્ષ નઠારાં ફળ આપે છે. 18 તે જ પ્રમાણે સારું ઝાડ નઠારા ફળ આપી શક્તું નથી, અને ખરાબજાડ સારા ફળ આપી શક્તું નથી. 19 જે વૃક્ષ સારાં ફળ આપી શક્તાં નથી તેને કાપીને અગ્નિમાં નાંખી દેવામાં આવે છે. 20 તેથી તમે આવા લોકોને તેઓ કેવાં ફળો આપે છે તેના પરથી ઓળખી શકશો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International