Revised Common Lectionary (Semicontinuous)
6 હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે;
અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે.
7 તમને ન્યાયીપણા પર પ્રીતિ છે, અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે;
માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે;
તમને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિકત કર્યા છે.
8 હાથીદાંતના મહેલોમાં મારાં વસ્રો બોળ, અગરને તજની સુગંધથી કેવા મહેકે છે,
ને તારનાં વાદ્યો તને આનંદ આપે છે.
9 તમારી માનીતી સ્રીઓમાં ઘણી રાજકુમારીકાઓ છે.
શુદ્ધ સોનામાંથી બનાવેલો મુગટ પહેરેલી રાણી તમારી જમણે ઊભી છે.
10 હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર;
ને પછી વિચાર કર;
તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા.
11 તારા સૌંદર્યમાં મોહિત થઇને રાજા અતિ આનંદ પામે છે,
તે તારા સ્વામી છે,
માટે તેની સેવાભકિત કર.
12 તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો
લઇને તમને મળવા આવશે.
13 અતિ સુંદર રાજકન્યા, જનાનખાનામાં રાહ જુએ છે;
તેનાં સુંદર જરીનાં વસ્રોમાં, સોનાના તાર વણેલા છે.
14 તેણીએ સુંદર, શણગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે.
તેણીને રાજા પાસે લઇ જવામાં આવે છે.
તમારા માટે લાવવામાં આવેલી
કુમારિકાઓ તેને અનુસરે છે.
15 જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે
ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલાં હશે.
16 તારા વંશજો તારા પછી શાસન કરશે.
તું તેમને સમગ્ર પ્રદેશના હાકેમ બનાવીશ.
17 હું તારું નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ;
પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે.
હોશિયા ગોમેરને દહેજ આપીને છોડાવી
3 પછી યહોવાએ મને કહ્યું, તારી પત્નીને પ્રેમી હોવા છતાં અને તેણી વારાંગના હોવા છતાં તેણીની પાસે જા અને તેણીને પ્રેમ કરવાનુ ચાલુ રાખ. ઇસ્રાએલના લોકો બીજા દેવો તરફ વળીને સુકા મેવાની વાનગીના અર્પણનો આનંદ લે છે, છતાં યહોવા તેમને પ્રેમ કરે છે એવી રીતે તું એને પ્રેમ કર.
2 તેથી મેં પંદર તોલા ચાંદી અને સાત મણ જવ આપીને તેને ખરીદી, 3 અને મેં તેને કહ્યું, “લાંબા સમય સુધી તું મારી સાથે રહેજે; તું વ્યભિચાર કરીશ નહિ, ને બીજા કોઇ પુરુષની સ્ત્રી થઇશ નહિ; હું પણ તારી સાથે એ જ રીતે વર્તીશ.”
4 એ જ રીતે ઇસ્રાએલી પ્રજા, લાંબા સમય સુધી રાજા કે, આગેવાન વગર, યજ્ઞ વગર, મૂર્તિ કે, શુકન જાણવાની પૂતળી વગર રહેશે. 5 ત્યારબાદ તેઓ પોતાના યહોવા દેવની પાસે, પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને આમ પાછળના દિવસોમાં ઇસ્રાએલી પ્રજા યહોવા દેવનો ભય રાખીને, ધ્રૂજતા ધ્રૂજતા યહોવા પાસે આવશે, અને તેમના આશીર્વાદો પામશે, ને તેમની ઉદારતાનો આશ્રય લેશે.
23 હું દેવની સાક્ષીએ તમને સત્ય કહું છું. હું કરિંથ પાછો ન આવ્યો તેનું કારણ એ જ હતું કે મારી ઈચ્છા તમને ઈજા પહોંચાડવાની નહોતી. 24 હું એમ કહેવા નથી માગતો કે અમે તમારા વિશ્વાસને અંકૂશ કરવા માગીએ છીએ. તમે તમારા વિશ્વાસમાં દઢ છો. પરંતુ તમારા સુખ-આનંદ માટેના અમે સહકાર્યકર છીએ.
2 તેથી મેં નિર્ણય લીધો છે કે મારી આગલી મુલાકાત તમને ગમગીન બનાવનાર મુલાકાત નહિ હોય. 2 જો હું તમને ઉદાસ કરું તો મને આનંદીત કોણ કરશે? માત્ર તમે જ, કે જેમને મે ઉદાસ ન કર્યા, તે જ મને આનંદીત કરી શકે. 3 મેં તમને પત્ર આ કારણે લખ્યો: કે જેથી હું તમારી પાસે જ્યારે આવું ત્યારે તે લોકોએ મને પ્રસન્ન કરવો જોઈએ તે લોકો દ્વારા હું ઉદાસી ન બનું. મને ખાતરી છે કે તમારામાંના બધા તે જ સુખમાં ભાગીદાર થાઓ કે જે મને મળ્યું છે. 4 જ્યારે પહેલા મેં તમને લખ્યું હતું, ત્યારે મારા હૃદયમાં હું ઘણો જ વ્યથીત અને દુઃખી હતો. મેં ઘણાં અશ્રું સહિત લખ્યું હતું. મેં તમને દુઃખી કરવા નહોતું લખ્યું. તમે જાણી શકો કે હું તમને કેટલો પ્રેમ કરું છું, તેથી મેં લખ્યું હતું.
અપકૃત્ય કરનાર વ્યક્તિને ક્ષમા આપો
5 તમારા સમૂહની એક વ્યક્તિએ દુઃખ ઊભુ કર્યુ છે. તેણે મને જ દુઃખ પહોંચાડ્યું નથી, પરંતુ તમારામાંના સર્વને તે રીતે દુઃખ પહોંચાડ્યું છે; હું સમજું છું કે તેણે સર્વને આ દુઃખ પહોંચાડ્યું છે. 6 મોટા ભાગના તમારા સમૂહે તેને જે શિક્ષા કરી છે તે તેને માટે પૂરતી છે. 7 પરંતુ હવે તમારે એને માફ કરવો જોઈએ અને દિલાસો આપવો જોઈએ. આમ કરવાથી તેને વધુ પડતું દુઃખ નહિ થાય અને તે સંપૂર્ણરીતે ભાંગી નહિ પડે. 8 જેથી હું તમને વિનંતી કરું છું કે, તેને તમારો પ્રેમ દર્શાવો. 9 મેં તમને આ કારણે લખ્યું હતું. મારે તમારી પરીક્ષા કરવી હતી અને જોવું હતું કે દરેક બાબતમાં તમે આદેશનું પાલન કરો છો કે નહિ. 10 જો તમે એક વ્યક્તિને માફ કરશો, તો હું પણ તે વ્યક્તિને માફ કરીશ. અને મેં જે માફ કર્યુ છે-જો મારે કાંઈ માફ કરવા જેવું હશે-તો તે તમારા માટે, અને મારામાં રહેતા ખ્રિસ્તની સમક્ષ મેં માફ કર્યુ છે. 11 મેં આમ કર્યુ કે જેથી શેતાન આપણી પાસેથી કશું જીતી શકે નહિ. શેતાનની યોજનાઓ કઈ છે તે આપણે બરાબર જાણીએ છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International