Revised Common Lectionary (Semicontinuous)
14 “તેથી હવે, હું તેણીને વેરાન પ્રદેશ તરફ મોહિત કરીશ અને તેની સાથે માયાળુપણે વાત કરીશ. 15 તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ, તથા આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ; યુવાનીમાં મેં તેને મિસરના બંદીવાસમાંથી મુકત કરી ત્યારે તે આનંદના ગીતો ગાતી હતી તેમ ફરીથી તે મને ઉત્તર આપશે.” 16 યહોવા કહે છે.
“તે દિવસે તે મને ‘મારા માલિક’ કહેવાને બદલે ‘મારા પતિ’ એમ કહીને સંબોધન કરશે ને પછીથી બઆલ કહીને નહિ બોલાવે. 17 હે ઇસ્રાએલ, હું તને તારી મૂર્તિઓ ભૂલાવી દઇશ, તેઓનાં નામ પણ તું ઉચ્ચારશે નહિ.
18 “તે દિવસે હું તમારી અને હિંસક પ્રાણીઓ, પક્ષીઓ તથા સર્પોની વચ્ચે કરાર કરીશ કે, તમારે હવે એકબીજાથી ગભરાવું નહિ, હું સર્વ શસ્રોનો નાશ કરીશ, સર્વ લડાઇઓનો અંત આવશે, ત્યારે તમે શાંતિ અને સુરક્ષા અનુભવશો અને નિર્ભય રીતે સૂઇ શકશો. 19 વળી હું યહોવા તને મારી સાથે પવિત્રતા, ન્યાયીપણું, પ્રેમ તથા દયાની સાંકળથી સદાકાળને માટે બાંધીશ, હા, લગ્નબંધનથી બાંધીશ. 20 વિશ્વાસુપણા તથા પ્રેમથી હું તારી સાથે સગાઇ કરીશ. અને તું તારા યહોવાને ઓળખશે.
દાઉદનું ગીત.
1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
2 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો!
ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.
3 તારાં સઘળાં પાપ તે માફ કરે છે;
અને તારાં સર્વ રોગ મટાડે છે.
4 અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે
અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.
5 તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે;
જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે.
6 જેઓ જુલમથી હેરાન થયેલા છે,
તે સૌને માટે એ યહોવા ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.
7 મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માર્ગો
અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.
8 યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે.
તે દયા તથા પ્રેમથી ભરપૂર છે,
પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.
9 યહોવા હંમેશા ટીકા કરતાં નથી,
અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
10 તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા.
તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.
11 કારણ તેના ભકતો પરની
તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.
12 પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી,
એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.
13 જેમ પિતા પોતાના સંતાનો પર દયાળુ છે;
તેમ યહોવા પોતાના ભકતો પર દયાળુ છે.
22 યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે;
હે મારા આત્મા તેમની સ્તુતિ કર;
દેવની સ્તુતિ કર!
દેવના સેવકોનો નવો કરાર
3 શું ફરીથી આપણે આપણા વિષે બડાઈ મારવાનું શરું કરી રહ્યા છીએ? શું અમારે તમારા માટે કે તમારા તરફથી ઓળખપત્રની જરૂર છે? જે રીતે બીજા લોકોને હોય છે? 2 તમે પોતે જ અમારો પત્ર છો. પત્ર અમારા હૃદયરૂપી પટો પર અંકિત થયો છે. તે બધાથી વિદીત છે અને દરેક વ્યક્તિ તે વાંચે છે. 3 તમે બતાવ્યું છે કે તમે ખ્રિસ્ત તરફથી મોકલેલો પત્ર છો કે જે તેણે અમારી મારફતે મોકલ્યો છે. આ પત્ર શાહીથી નહિ પરંતુ જીવતા દેવના આત્માથી લખાયેલો છે; તે શિલાપટો[a] પર નથી લખાયો પરંતુ માનવ હૃદય પર લેખિત થયો છે.
4 અમે આમ કહી શકીએ છીએ, કારણ કે ખ્રિસ્ત થકી અમે દેવ સમક્ષ ખાતરી અનુભવીએ છીએ. 5 હું એમ નથી સમજતો કે અમે અમારી જાતે જે કાંઈ સારું છે તે કરવા અમે શક્તિમાન છીએ. તે દેવ એક છે જે આપણે કરીએ છીએ તે કરવાને આપણને શક્તિમાન બનાવે છે. 6 દેવે જ અમને દેવ તરફથી તેના લોકોને પ્રાપ્ત થયેલા નવા કરારના સેવક બનવાને શક્તિમાન બનાવ્યા છે. આ નવો કરાર તે લેખિત નિયમ નથી તે આત્માનો છે. લેખિત નિયમ મૃત્યુ લાવે છે, પરંતુ આત્મા જીવન બક્ષે છે.
લેવીને ઈસુનું તેડું
(માથ. 9:9-13; લૂ. 5:27-32)
13 ઈસુ ફરીથી સરોવર પાસે ગયો. ઘણા માણસો ત્યાં તેને અનુસર્યા. તેથી ઈસુએ તેમને ઉપદેશ આપ્યો. 14 ઈસુ સરોવરની બાજુમાંથી પસાર થતો હતો, ત્યાં અલ્ફીના દીકરા લેવીને જોયો. લેવી જકાતનાકા પર બેઠો હતો. ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ,” પછી લેવી ઉભો થયો અને ઈસુની પાછળ ગયો.
15 તે દિવસે મોડેથી ઈસુએ લેવીને ઘેર ભોજન કર્યુ. ત્યાં ઘણા જકાતદારો હતા. અને બીજા ખરાબ લોકો ત્યાં ઈસુ અને તેના શિષ્યો સાથે ભોજન કરતા હતા. ત્યાં આ લોકોમાંના ઘણા હતા જેઓ ઈસુને અનુસર્યા હતા. 16 શાસ્ત્રીઓએ (તેઓ ફરોશીઓ હતા) ઈસુને જકાતદારો અને બીજા ખરાબ લોકો સાથે ભોજન કરતાં જોયો. તેઓએ ઈસુના શિષ્યોને પૂછયું, “શા માટે તે (ઈસુ) જકાતદારો અને પાપીઓ સાથે ખાય છે?”
17 ઈસુએ આ સાંભળ્યું અને તેણે તેઓને કહ્યું, “તંદુરસ્ત માણસોને વૈદની જરૂર પડતી નથી. પણ માંદા માણસોને વૈદની જરુંર પડે છે. હું સજ્જન લોકોને નિમંત્રણ આપવા આવ્યો નથી, હું પાપીઓને નિમંત્રણ આપવા આવ્યો છું.”
ઈસુનો અન્ય ધાર્મિક આગેવાનો તરફનો અણગમો
(માથ. 9:14-17; લૂ. 5:33-39)
18 યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરતા હતા. કેટલાક લોકોએ ઈસુ પાસે આવીને કહ્યું, “યોહાનના શિષ્યો ઉપવાસ કરે છે. અને ફરોશીઓના શિષ્યો પણ ઉપવાસ કરે છે. પણ તારા શિષ્યો ઉપવાસ કરતા નથી. શા માટે?”
19 ઈસુએ જવાબ આપ્યો, “જ્યારે લગ્ન સમારંભ હોય છે ત્યારે વરરાજાના મિત્રો ઉદાસ હોતા નથી. તે તેઓની સાથે હોય છે. ત્યારે તેઓ ઉપવાસ કરતા નથી. 20 પણ જ્યારે સમય આવશે ત્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે. જ્યારે વરરાજા તેઓને છોડીને જાય છે ત્યારે તેઓ ઉદાસ હોય છે. પછી તેઓ ઉપવાસ કરશે.”
21 “જ્યારે વ્યક્તિ જૂનાં વસ્ત્રના કાણા પર થીંગડું મારે છે ત્યારે તે કોરા કપડાનો ઉપયોગ કરતો નથી. જો તે તેમ કરે તો થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢશે. અને તે કાણું વધારે ફાટે છે. 22 અને લોકો કદાપિ નવો દ્રાક્ષારસ જુના દ્રાક્ષારસની મશકમાં રેડતાં નથી. શા માટે? કારણ કે નવો દ્રાક્ષારસ, જૂના દ્રાક્ષારસની મશકને ફાડી નાખશે અને દ્રાક્ષારસ દ્રાક્ષારસની મશકો નાશ પામશે. લોકો હંમેશા નવો દ્રાક્ષારસ નવા દ્રાક્ષારસની મશકમાં ભરે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International