Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
2 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો!
ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.
3 તારાં સઘળાં પાપ તે માફ કરે છે;
અને તારાં સર્વ રોગ મટાડે છે.
4 અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે
અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.
5 તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે;
જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે.
6 જેઓ જુલમથી હેરાન થયેલા છે,
તે સૌને માટે એ યહોવા ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.
7 મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માર્ગો
અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.
8 યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે.
તે દયા તથા પ્રેમથી ભરપૂર છે,
પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.
9 યહોવા હંમેશા ટીકા કરતાં નથી,
અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
10 તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા.
તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.
11 કારણ તેના ભકતો પરની
તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.
12 પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી,
એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.
13 જેમ પિતા પોતાના સંતાનો પર દયાળુ છે;
તેમ યહોવા પોતાના ભકતો પર દયાળુ છે.
22 યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે;
હે મારા આત્મા તેમની સ્તુતિ કર;
દેવની સ્તુતિ કર!
ઇસ્રાએલના તિરસ્કારને પાત્ર કૃત્યો
16 ફરીવાર મને યહોવાની વાણી સંભળાઇ: 2 તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું યરૂશાલેમને તેનાં તિરસ્કારને પાત્ર કૃત્યો વિષે કહીં સંભળાવ. 3 તેને કહે કે, ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:’ તારી ઉત્પત્તિ તથા તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલાં છે; તારા પિતા અમોરી હતા અને માતા હિત્તી હતી. 4 તું જે દિવસે જન્મી તે દિવસે તારી નાળ કાપનાર કે તને નવડાવનાર કે તને મીઠું ચોળનાર કે તને કપડામાં લપેટનાર કોઇ નહોતું. 5 કોઇને તારામાં સ્હેજ પણ રસ ન હતો; તારા પર દયા કરે અને તારી કાળજી લે તેવું કોઇ નહોતું. જે દિવસે તારો જન્મ થયો તે દિવસે તને ખેતરોમાં નાખી દેવામાં આવી હતી. તું તિરસ્કૃત અને તજાયેલી હતી.
6 “‘એવામાં હું ત્યાંથી નીકળ્યો અને મેં તને તારા લોહીમાં તરફડતી જોઇ. તું લોહીમાં ખરડાયેલી હતી ત્યારે મેં તને જીવાડવાનું વિચાર્યું. 7 મેં તને ખેતરમાં ઊગેલા છોડની જેમ ઉછેરી અને તું મોટી થતી થતી યુવાનીમાં પ્રવેશી. તારાં સ્તન ભરાવદાર થયાં અને તારા વાળ પણ વધ્યા; તેમ છતાં તું નગ્નાવસ્થામાં હતી. 8 ફરી તારી પાસેથી હું નીકળ્યો ત્યારે મેં તને જોઇ તો તું લગ્ન માટે પુખ્ત ઉંમરની બની ચૂકી હતી. મેં મારો ઝભ્ભો તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી. મેં તને ગંભીર વચન આપ્યું અને તારી સાથે કરાર કર્યો અને તું મારી થઇ.’” આ યહોવા મારા માલિકના વચન છે. 9 “‘ત્યાર પછી મેં તને પાણીથી નવડાવી અને તારું લોહી ધોઇ નાખ્યું અને મેં તારા શરીર પર જૈતતેલ ચોપડ્યું. 10 વળી મેં તને ભરતકામ કરેલાં વસ્ત્રો તથા ઉત્તમ ચામડાની મોજડી પહેરાવ્યાં. મેં તારે માથે શણનો રૂમાલ બાંધ્યો અને તને રેશમી વસ્ત્રો પહેરાવ્યાં. 11 મેં તને કિંમતી આભૂષણો, બંગડીઓ અને સુંદર નેકલેસ પહેરાવ્યાં. 12 નાકમાં નથ અને કાને કુંડળ પહેરાવ્યાં અને માથે રૂપાળો મુગટ મૂક્યો. 13 સોનાચાંદીના તારા અલંકારો હતાં. શણ, રેશમ અને જરીયાનનાં તારાં વસ્ત્રો હતાં. ઉત્તમોત્તમ લોટ, મધ અને જૈતતેલ તારો ખોરાક હતો. તેથી પહેલા કરતાં પણ તું વધારે સુંદર લાગતી હતી. તું રાણી જેવી રૂપાળી લાગતી હતી અને તું સાચે જ રાણી હતી! 14 તારાં રૂપની સુંદરતાને કારણે તારી ખ્યાતી સર્વ પ્રજાઓમાં પ્રસરી ગઇ હતી. તું સંપૂર્ણ સ્ત્રી લાગતી હતી, કારણ કે મેં તને સર્વ ભેટો આપી હતી.’” એમ યહોવા મારા માલિક કહે છે.
3 તો શું યહૂદિયો પાસે એવું કઈ વિશિષ્ટ છે કે જે અન્ય લોકો પાસે નથી? સુન્નત શું કોઈ વિશિષ્ટ લાભ આપે છે? 2 હા, યહૂદિઓને અનેક વિશિષ્ટ લાભો છે. સૌથી અગત્યની વાત એ છે કે બીજા લોકોને બદલે દેવે યહૂદિઓમાં વિશ્વાસ મૂક્યો અને તેઓને ઉપદેશ આપ્યો. 3 જો કે એ સાચું છે કે કેટલાએક યહૂદિઓ દેવને વિશ્વાસુ ન રહ્યા. પરંતુ શું એ કારણે દેવે જે વચન આપ્યા છે તે એ પૂર્ણ નહિ કરે? 4 ના! જગતના બધા જ લોકો ભલે જૂઠા સાબિત થાય. તો પણ દેવ તો સાચો જ ઠરે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ:
“તારા વચનો સત્ય સાબિત થશે,
અને તારા ન્યાયમાં તું હંમેશા વિજયવંત થઈશ.” (A)
5 જ્યારે આપણે ખોટું કરીએ છીએ ત્યારે, તે સ્પષ્ટતાથી દર્શાવે છે કે દેવ સાચો છે. જો આ બાબત હોય તો પછી આપણે કહી શકીએ કે આપણને શિક્ષા કરવી તે દેવ માટે અયોગ્ય છે? (હું માણસોની રૂઢિ પ્રમાણે બોલું છું.) 6 ના! જો દેવ આપણને શિક્ષા ન કરે તો, પછી તે દુનિયાનો ન્યાય કરી શકશે નહિ.
7 કોઈ વ્યક્તિ આવી દલીલ કરી શકે? “જો હું જૂઠ્ઠુ બોલું, તો તેનાથી દેવની કીર્તિ વધશે, કેમકે મારું અસત્ય દેવના સત્યને પ્રગટ કરશે. તો પછી શા માટે મને પાપી ઠેરવો છો?” 8 કેટલાએક લોકો એવો દાવો કરે છે કે આમ કહેવું એ એમ કહેવા બરાબર છે કે, “આપણે અનિષ્ટ કરવું જોઈએ જેથી સારું થાય.” આગમન થાય તે રીતે ખોટા દાવાઓ કરીને લોકો અમારા પર આરોપ મૂકે છે, કે અમે એ રીતે ઉપદેશ આપીએ છીએ કે જે લોકો ખોટા દાવા કરે છે તે ખોટા છે ને દેવે તેમને શિક્ષા કરવી જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International