Old/New Testament
પ્રકીર્ણ વચનો
6 મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઇને બદલે પારકાને માટે કોલ આપ્યો હોય, 2 તો તું તારા શબ્દોથી બંધાઇ ચૂક્યો હોય, જો તું વચનોને લીધે સપડાયો હોય, 3 તો તારા પડોશીના હાથમાં સપડાયો છે. મારા પુત્ર, તું આટલું કરીને છૂટો થઇ જજે; તું એકદમ જા. તારા પડોશીની આગળ નમી જઇને કાલાવાલા કર. 4 સૌથી પહેલા સૂઇશ નહિ. અને તારી પાંપણોને ઢળવા દઇશ નહિ. 5 હરણું જેમ શિકારીના હાથમાંથી ભાગી જાય અથવા પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.
આળસુના બનો
6 ઓ આળસુ, કીડી પાસે જા; તે કેમ જીવે છે તે જોઇને હોશિયાર થા. 7 તેના પર કોઇ મુકાદમ નથી, કોઇ આજ્ઞા કરનાર નથી, કે કોઇ ધણી નથી. 8 છતાં તે પાક વખતે પોતાનાં અનાજનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.
9 ઓ આળસુ. તું ક્યાં સુધી પડ્યો રહીશ? તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ? 10 તું કહે છે કે “હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો.” 11 તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ ધાડપાડુની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.
દુષ્ટ માણસ
12 નકામો અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતો કરશે. 13 તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે અને આંગળીથી ઇશારો કરશે. 14 તેના મનમાં કપટ છે, તે વિધ્વંસી અનિષ્ટો ઘડે છે અને હંમેશા તકરારો મોકલે છે. 15 આથી અચાનક તેના પર વિપત્તિના વાદળ ઘેરાય છે. અને તે એકાએક ભાંગીને ભૂક્કા થઇ જાય છે, તે ફરી બેઠો થઇ શકતો નથી.
એ સાત વાતો જેને યહોવા ઘૃણા કરે છે
16 યહોવા સખત અણગમતી સાત વસ્તુઓમાંથી છ વસ્તુને ધિક્કારે છે.
17 તુમાખીભરી આંખો, જૂઠાબોલાની જીભ,
નિર્દોષના લોહીથી ખરડાયેલા હાથ,
18 દુષ્ટ કાવતરાં રચનાર હૃદય,
નુકશાન કરવા દોડી જતા પગ,
19 શ્વાસેશ્વાસે જૂઠું બોલનાર જૂઠો સાક્ષી.
અને રનેહી સંબંધીઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.
20 મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓને માનજે. અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ. 21 એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે અને તારા કંઠની આજુબાજુ લટકાવી દેજે. 22 તું જ્યારે જ્યારે ચાલતો હોઇશ ત્યારે એ તને માર્ગ બતાવશે, તું ઊંઘતો હશે ત્યારે એ તારી ચોકી કરશે. અને તું જાગતો હશે ત્યારે એ તારી સાથે વાતચીત કરશે.
23 આજ્ઞા એ દીપક છે, અને નિયમ પ્રકાશ છે; અને ઠપકો તથા ચેતવણી એ જીવનના માર્ગદર્શક છે. 24 એ તારું ભૂંડી સ્ત્રીથી રક્ષણ કરશે અને, અપવિત્ર સ્ત્રીની લોભામણી વાણીથી ઉગારી લેશે. 25 તેના રૂપ સૌંદર્યની કામના કરતો નહિ અને તેના આંખનાં પોપચાંથી સપડાઇશ નહિ. 26 કારણ કે વારાંગનાને તો પુરુષે રોટલાનો ટૂકડો આપવો જ પડે છે જ્યારે પરણેલી સ્ત્રીની વાસનાભૂખતો પુરુષના જીવનને લઇને સંતોષાય છે. 27 જો કોઇ માણસ અંગારા હૈયે ચાંપે તો તેનું પહેરણ સળગ્યા વગર રહે? 28 જો કોઇ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે? 29 એટલે કોઇ તેના પાડોશીની પત્ની પાસે જાય છે, અને તેને સ્પર્શ કરે છે તેને સજા થયા વિના રહેતી નથી.
30 જો કોઇ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો તેના માટે માન નથી ગુમાવી બેસતા. 31 પણ જો તે પકડાય છે તો તેણે તેનું સાતગણું આપવું પડે છે. એનો અર્થ એવો થાય કે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે તો પણ. 32 જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલ વગરનો છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે. 33 તેના નસીબમાં તેને માર તથા અપમાન જ મળશે અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ. 34 કારણ કે ઇર્ષ્યાથી ધણીનો રોષ ભભૂકી ઊઠશે અને તે વૈર વાળતી વખતે જરાય કાચું રાખશે નહિ. 35 તે કોઇ પગાર સ્વીકારશે નહિ અને કોઇપણ પ્રકારની ભેટો તેને શાંત પાડી શકશે નહિ.
મોહપાશ
7 મારા દીકરા, મારા વચનો પાળજે. અને મારી આજ્ઞા યાદ રાખજે. 2 તારે જીવવું હોય તો મારી આજ્ઞાઓનું પાલન કરજે, અને મારા ઉપદેશને તારી આંખની કીકીની જેમ જાળવજે, 3 એને તારી આંગળીએ બાંધજે, એને તારા હૃદય પર લખજે. 4 જ્ઞાનને કહે કે તું મારી બહેન છે, અને બુદ્ધિને “તું મારું કુટુંબ છે.” 5 જેથી એ બંને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. પોતાના શબ્દો વડે ઉંપરાણું કરનાર પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે.
6 કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર નાખી; 7 અને ત્યાં મેં ઘણાં અણઘડ યુવાનોને જોયા. તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો. 8 એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, તે સીધો તેણીના ઘર તરફ જતો હતો. 9 દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી અને રાતનું અંધારું ફેલાતું હતું. 10 અચાનક એ સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે વારાંગના જેવા વસ્ત્રો પહેર્યા હતાં અને એના મનમાં કપટ હતું. 11 તે ધ્યાનાકર્ષક અને બળવાખોર સ્ત્રી હતી. તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા; 12 કોઇવાર ગલીઓમાં, ક્યારેક બજારની જગ્યામાં, તો કોઇવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી. 13 તે સ્ત્રીએ તેને પકડ્યો અને ચુંબન કર્યુ અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે, 14 “આજે રાત્રે મારે મારા શાંત્યાર્પણો ખાવા પડશે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; આજે મેં મારા વચનો પૂર્ણ કર્યા છે. 15 તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો ખરો. 16 મેં મારા પલંગ ઉપર સુંદર ચાદરો પાથરી છે આ ચાદરો મિસરથી આવી છે! 17 મેં મારી શૈયાને બોળ, અગર, અને તજથી સુગંધીદાર બનાવી છે. 18 ચાલ, આપણે પરોઢ થતાં સુધી પેટપૂર પ્રીતિ, આખી રાત મોજમાં મગ્ન થઇ પ્રેમની મજા માણીએ. 19 મારો ધણી ઘેર નથી તે લાંબી મુસાફરીએ ગયો છે. 20 તે પોતાની સાથે રૂપિયાની થેલી લઇ ગયો છે. અને છેક પૂનમ લગી તે પાછો આવનાર નથી.”
21 તે તેને ઘણા મીઠા શબ્દોથી સમજાવે છે અને સુંવાળી વાતોથી વહાલથી તે તેને ખેંચી જાય છે. 22 અચાનક તે જેમ બળદ કસાઇવાડે જાય, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઇ જવાય તેમ જલ્દીથી તેની પાછળ જાય છે. 23 આખરે તેનું કાળજુ તીરથી વીંધાય છે; જેમ કોઇ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વગર જાળમાં ધસી જાય છે, તેમ તે જાય છે.
24 માટે, હે પુત્રો, સાંભળો, અને મારા મુખના શબ્દો પર લક્ષ આપો. 25 તારું હૃદય તેણીના રસ્તે વળે નહિ. તેના રસ્તાઓમાં રખડતો નહિ. 26 કારણ, તેણે ઘણાને ઘાયલ કર્યા છે, તેમને મારી નાખ્યાં છે અને અસંખ્ય માણસોના પ્રાણ લીધા છે. 27 તેનું ઘર મૃત્યુ લોકના માર્ગે છે કે, જે મૃત્યુનાં ઓરડામાં પહોંચાડે છે.
2 તેથી મેં નિર્ણય લીધો છે કે મારી આગલી મુલાકાત તમને ગમગીન બનાવનાર મુલાકાત નહિ હોય. 2 જો હું તમને ઉદાસ કરું તો મને આનંદીત કોણ કરશે? માત્ર તમે જ, કે જેમને મે ઉદાસ ન કર્યા, તે જ મને આનંદીત કરી શકે. 3 મેં તમને પત્ર આ કારણે લખ્યો: કે જેથી હું તમારી પાસે જ્યારે આવું ત્યારે તે લોકોએ મને પ્રસન્ન કરવો જોઈએ તે લોકો દ્વારા હું ઉદાસી ન બનું. મને ખાતરી છે કે તમારામાંના બધા તે જ સુખમાં ભાગીદાર થાઓ કે જે મને મળ્યું છે. 4 જ્યારે પહેલા મેં તમને લખ્યું હતું, ત્યારે મારા હૃદયમાં હું ઘણો જ વ્યથીત અને દુઃખી હતો. મેં ઘણાં અશ્રું સહિત લખ્યું હતું. મેં તમને દુઃખી કરવા નહોતું લખ્યું. તમે જાણી શકો કે હું તમને કેટલો પ્રેમ કરું છું, તેથી મેં લખ્યું હતું.
અપકૃત્ય કરનાર વ્યક્તિને ક્ષમા આપો
5 તમારા સમૂહની એક વ્યક્તિએ દુઃખ ઊભુ કર્યુ છે. તેણે મને જ દુઃખ પહોંચાડ્યું નથી, પરંતુ તમારામાંના સર્વને તે રીતે દુઃખ પહોંચાડ્યું છે; હું સમજું છું કે તેણે સર્વને આ દુઃખ પહોંચાડ્યું છે. 6 મોટા ભાગના તમારા સમૂહે તેને જે શિક્ષા કરી છે તે તેને માટે પૂરતી છે. 7 પરંતુ હવે તમારે એને માફ કરવો જોઈએ અને દિલાસો આપવો જોઈએ. આમ કરવાથી તેને વધુ પડતું દુઃખ નહિ થાય અને તે સંપૂર્ણરીતે ભાંગી નહિ પડે. 8 જેથી હું તમને વિનંતી કરું છું કે, તેને તમારો પ્રેમ દર્શાવો. 9 મેં તમને આ કારણે લખ્યું હતું. મારે તમારી પરીક્ષા કરવી હતી અને જોવું હતું કે દરેક બાબતમાં તમે આદેશનું પાલન કરો છો કે નહિ. 10 જો તમે એક વ્યક્તિને માફ કરશો, તો હું પણ તે વ્યક્તિને માફ કરીશ. અને મેં જે માફ કર્યુ છે-જો મારે કાંઈ માફ કરવા જેવું હશે-તો તે તમારા માટે, અને મારામાં રહેતા ખ્રિસ્તની સમક્ષ મેં માફ કર્યુ છે. 11 મેં આમ કર્યુ કે જેથી શેતાન આપણી પાસેથી કશું જીતી શકે નહિ. શેતાનની યોજનાઓ કઈ છે તે આપણે બરાબર જાણીએ છીએ.
ખ્રિસ્ત થકી વિજય
12 ખ્રિસ્તની સુવાર્તાનો ઉપદેશ આપવા હું ત્રોઆસ ગયો હતો. પ્રભુએ મને ત્યાં ઉત્તમ તક આપી. 13 પરંતુ મારા ભાઈ તિતસને ત્યાં નહિ જોતાં મને અશાંતિ થઈ. તેથી મેં ત્યાંના લોકોની વિદાય લીધી અને મકદોનિયા ગયો.
14 પરંતુ દેવની સ્તુતિ થાઓ. ખ્રિસ્ત થકી દેવ હંમેશા આપણને વિજયી કરીને દોરી જાય છે. દેવ તેના જ્ઞાનના મધુર સુંગંધીત અત્તરની સુવાસની જેમ બધે ફેલાવવામાં આપણો ઉપયોગ કરે છે. 15 જે લોકોનું તારણ થયું છે અને જે લોકો ભટકી ગયા છે તેમના માટે આપણે ખ્રિસ્તની મીઠી સુગંધરૂપ છીએ, જે આપણે દેવને અર્પણ કરીએ છીએ. 16 જે લોકો ભટકી ગયા છે તેમને માટે આપણે મૃત્યુની દુર્ગંધ છીએ એ દુર્ગંધ જે મૃત્યુ લાવે છે. પરંતુ જે લોકોનું તારણ થયું છે. તેમને માટે આપને જીવનની ફોરમ છીએ જે ફોરમ જીવન લાવે છે. તો આ કામ કરવા માટે કોણ યોગ્ય છે? 17 જે રીતે બીજા લોકો કરે છે તેમ દેવના વચનને આપણે નફા માટે વેચતા નથી. ના! પરંતુ ખ્રિસ્તમાં આપણે દેવ સમક્ષ વફાદારીથી બોલીએ છીએ. જે રીતે દેવ તરફથી મોકલેલ માણસ બોલે તે રીતે આપણે બોલીએ છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International