Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 116-118

યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે
    અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.
તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે;
    માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ.
મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો;
    મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં;
    અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.
ત્યારે મેં યહોવાના નામનો પોકાર કર્યો,
    “હે યહોવા મને બચાવો.”
યહોવા ન્યાયી અને કૃપાળુ છે;
    આપણા દેવ ખરેખર માયાળુ છે.
યહોવા અસહાયનું રક્ષણ કરે છે;
    હું છેક લાચાર બની ગયો હતો, ત્યારે તેણે મને બચાવ્યો.
હે મારા આત્મા, વિશ્રામ કરો!
    કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે.
તમે મારા પ્રાણને મૃત્યુથી
    અને મારી આંખોને આંસુથી
    અને મારા પગોને લથડવાથી બચાવ્યાં છે.
હું જીવલોકમાં જીવતો રહીશ;
    અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ.

10 “હું ઘણો દુ:ખી છું,” મે જ્યારે એમ કહ્યું
    ત્યારે પણ મેં તે માનવાનું ચાલું રાખ્યું છે.
11 મારા ગભરાટમાં મેં કહી દીધું હતું કે,
    “સર્વ માણસો જૂઠાઁ છે.”

12 યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો
    હું તેને શો બદલો આપું?
13 મારું રક્ષણ કરવા માટે તેમની માટે
    હું દ્રાક્ષારસનું અર્પણ લઇ જઇશ;
    અને હું દેવના નામે પોકારીશ.
14 યહોવા સમક્ષ મેં જે માનતા લીધી છે,
    તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ.

15 યહોવાની ષ્ટિમાં તેના ભકતનું
    મૃત્યુ કિંમતી છે.
16 હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે,
    હે યહોવા, ખરેખર હું તમારો દાસ;
    તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.
17 હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ,
    અને હું યહોવાના નામે પોકારીશ.
18 મેં યહોવાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાઓ;
    તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ.
19 હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના
    મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ.

યહોવાની સ્તુતિ થાઓ.

પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ.
    બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.
કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે;
    યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ!

યહોવાની સ્તુતિ હો.

યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
    તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
    “તેમની કૃપા સદાય રહે છે.”
હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ,
    “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે;
    “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”

મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી;
    તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો?
    પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે;
    તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
માણસો પર ભરોસો રાખીએ તે કરતાં;
    યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં;
    યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.

10 બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે,
    પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો;
    પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો;
    પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે.
    હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.

13 ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી.
    પણ મને યહોવાએ સહાય કરી.
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
    તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
    યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
    અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.

17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
    અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
    પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
    અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
    યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
    અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.

22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
    તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
    આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
    આપણે તેમાં આનંદોત્સવ કરીએ.

25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
    હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
    યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
    બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.

28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
    તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

1 કરિંથીઓ 7:1-19

લગ્ન વિષે

હવે તમે મને જે બાબતો અંગે લખેલું તેની હું ચર્ચા કરીશ. માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું. વ્યક્તિ લગ્ન ન કરે તે જ તે વ્યક્તિ માટે વધારે સારું છે. પરંતુ વ્યભિચારનું પાપ ભયજનક છે. તેથી પ્રત્યેક વ્યક્તિને તેની પોતાની પત્ની હોવી જોઈએ. અને દરેક સ્ત્રીને તેનો પોતાનો પતિ હોવો જોઈએ. પતિએ તેની પત્ની પ્રત્યેની પતિ તરીકેની ફરજોનું પાલન કરવું જોઈએ, અને પત્નીએ પોતાના પતિ તરફની પત્ની તરીકની ફરજોનું પાલન કરવું જોઈએ. પત્નીને પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેના પતિને તેના શરીર પર અધિકાર છે. અને પતિને તેના પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેની પત્નીને તેના શરીર પર અધિકાર છે. એકબીજાને તમારી કાયા સુપ્રત કરવામાં આનાકાની ન કરો. પરંતુ તમે બને અલ્પ સમય માટે શારીરિક નિકટતા ટાળવામાં સંમત થઈ શકો. તમે આમ કરી શકો જેથી કરીને તમે તમારો સમય પ્રાર્થના માટે ફાળવી શકો. પછી ફરીથી એક બનો. જેથી કરીને શેતાન તમારી નબળાઈમાં તમારું પરીક્ષણ ન કરી શકે. થોડાક સમય માટે એકબીજાથી અલગ રહેવાથી અનુમતિ આપવા માટે હું આમ કહું છું. તે આજ્ઞા નથી. હું ઈચ્છું છું કે બધાજ લોકો મારા જેવા હોય. પરંતુ દરેક વ્યક્તિને દેવ તરફથી કઈક વિશિષ્ટ કૃપાદાન પ્રાપ્ત થયેલું છે. એક વ્યક્તિ પાસે અમુક કૃપાદાન છે, તો બીજી વ્યક્તિ પાસે બીજું જ કોઈ કૃપાદાન છે.

હવે જે લોકો અવિવાહિત છે અને જે વિધવાઓ છે, તેઓને હું કહું છું: તેઓએ મારી માફક એકલા રહેવું જ વધારે સારું છે. પરંતુ જો તેઓ પોતાના શરીરને નિયંત્રણમાં ન રાખી શકતા હોય, તો પછી તેઓએ લગ્ર કરવું જોઈએ. બળવા કરતાં પરણવું વધારે સારું છે.

10 હવે વિવાહિત લોકોને હું આ આજ્ઞા આપું છું (આ આજ્ઞા મારી નહિ પરંતુ પ્રભુ તરફથી છે.) પત્નીએ તેના પતિને છોડવો જોઈએ નહિ. 11 પરંતુ જો પત્ની તેના પતિને છોડે તો તેણે ફરીથી પરણવું નહિ. અથવા તેણે તેના પતિ પાસે પાછા જવું જોઈએ. પતિએ પણ તેની પત્નીને છૂટાછેડા આપવા નહિ.

12 બીજા બધાજ લોકો માટે હું આમ કહું છું. (પ્રભુ નહિ, હું આ બાબતો કહી રહ્યો છું.) ખ્રિસ્તમય બનેલા બંધુને એવી પત્ની હોઈ શકે કે જે વિશ્વાસુ ન હોય. જો તે તેની સાથે રહેવા સંમત હોય તો તેણે છૂટાછેડા આપવા ન જોઈએ. 13 અને એક સ્ત્રીને એવો પતિ હોય કે જે વિશ્વાસુ ન હોય પણ તેની પત્ની સાથે રહેવા સંમત હોય તો પછી તેણે તેને છૂટાછેડા ન આપવા જોઈએ. 14 પતિ જે વિશ્વાસુ નથી તેને તેની પત્ની દ્વારા પવિત્ર બનાવવામાં આવ્યો છે. અને પત્ની જે અવિશ્વાસુ છે તેને તેના પતિ દ્વારા પવિત્ર બનાવવામાં આવે છે. જો આ સાચું ન હોત, તો તમારાં બાળકો પવિત્ર ન હોત, પરંતુ હવે તમારાં બાળકો પવિત્ર છે.

15 પરંતુ એક વ્યક્તિ કે જે વિશ્વાસુ નથી તે જો છોડી જવા ઈચ્છતી હોય તો તેને જવા દો. આવું જ્યારે બને તો ખ્રિસ્તમય બનેલો ભાઈ કે બહેન મુક્ત છે. દેવે આપણને શાંતિમય જીવન માટે આહ્વાન આપ્યુ છે. 16 પત્નીઓ તરીકે તમે કદાચ તમારા પતિનો બચાવ કરી શકો; અને પતિઓ, તમે કદાચ તમારી પત્નીનો બચાવ કરી શકો. અત્યારે તો તમે જાણતા નથી કે પછી શું બનવાનું છે.

દેવે તમને તેડયા છે તે પ્રમાણે જીવો

17 પરંતુ દરેક વ્યક્તિએ દેવે તેને જે રીતનું જીવન આપ્યું છે, તે રીતે જીવતા રહેવું જોઈએ-એ પ્રકારે કે જે પ્રકારે દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે હતા. આ નિયમ મેં દરેક મંડળીમાં બનાવ્યો. 18 જ્યારે વ્યક્તિને તેડવામાં આવે છે તે સમયે જો તેની સુન્નત થઈ ગઈ હોય, તો પછી તેણે તેની સુન્નતમાં પરિવર્તન કરવું જોઈએ નહિ. જ્યારે તેડવામાં આવે ત્યારે વ્યક્તિ સુન્નત વગરનો હોય, તો પછી તેની સુન્નત થવી જોઈએ નહિ. 19 વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે મહત્વનું નથી. દેવની આજ્ઞાઓનું પાલન મહત્વનું છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International