Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 23-25

દાઉદનું ગીત.

યહોવા મારા પાલનકર્તા છે.
    તેથી મને કશી ખોટ પડશે નહિ.
તે મને લીલાં બીડમાં સુવાડે છે
    અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
    તેમનાં નામનો મહિમા વધે તે માટે
    તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
    કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
    તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
    અને મારા માથા પર તેલ રેડો છો.
    મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
    અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.

દાઉદનું ગીત.

આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે,
    આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે,
    અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.

યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?
    તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે,
    તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી,
તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી,
    અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.

તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે,
    અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
તેઓ પેઢીના લોકો છે
    તેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.

હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો!
    હે પ્રાચીન પ્રવેશદ્વારો,
    ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!
તે ગૌરવવાન રાજા કોણ છે?
    એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે,
    તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.

હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો.
    અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો.
હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ;
    અને ગૌરવવાન રાજા અંદર આવશે!
10 આ ગૌરવવાન રાજા કોણ છે?
    યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.

દાઉદનું ગીત.

હે યહોવા, મારી જાતને તને સોપું છું.
    હું હમેશા તમારો વિશ્વાસ કરું છું.
    તો મારી સાથે કોઇ એવી વસ્તુ
ન બને કે જેથી મારે શરમાવું પડે.
    મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ.
    પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે.
    તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.

હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો;
    તમારા રસ્તા વિષે મને શીખવો.
મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ,
    તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો.
    હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.
હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.
    મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો.
હે યહોવા, તમારા શુભ નામને માટે,
    તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.

યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માર્ગે દોરે છે,
    અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.
તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
    અને તેઓ તેમને તેમના માર્ગે જીવવાનું શીખવે છે.
10 જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે
    તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.

11 હે યહોવા, મારા પાપ તો ઘણાં છે,
    તમારા નામના મહિમા માટે મને ક્ષમા કરો.

12 યહોવાથી ડરે એવા માણસો કયાં છે?
    શ્રેષ્ઠ જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવાનું તેમને યહોવા શીખવશે.
13 તે માણસ પર યહોવાના આશીર્વાદ રહેશે;
    તેનાં સંતાન પૃથ્વીનો વારસો પામશે.
14 જેઓ યહોવાનો ભય અને તેમના માટે માન રાખે તેઓની સાથે તેઓ પોતાના રહસ્યો વહેંચે છે.
    તેઓ તેઓને તેમનો કરાર શીખવે છે.
15 મારી ષ્ટિ સહાય માટે સદાય યહોવા તરફ છે,
    કારણ, તે એકલાં જ મારા પગ ફાંદામાંથી કાઢશે.

16 હે યહોવા, હવે તમે આવો, ને મારા પર દયા કરો.
    હું નિરાશ્રિત, દુ:ખી, નિ:સહાય અને એકલો છું.
17 મારી મુસીબતો અને સમસ્યાઓ દિનપ્રતિદિન વધુ ખરાબ થતા જાય છે.
    હે યહોવા, તે બધામાંથી મને મુકત કરો.
18 મારાઁ દુ:ખ તથા વેદના પર જરા નજર કરો,
    અને કૃપા કરી મારાં સર્વ પાપની ક્ષમા કરો.
19 મારા શત્રુઓ ઘણાં છે તે જરા જુઓ;
    તેઓ કેટલી ક્રૂરતાથી મારી ધૃણા કરે છે તે જુઓ.
20 મારું રક્ષણ કરો અને મારો જીવ બચાવો.
    મારી લાજ જવા દેતા નહિ, કારણ હું તમારો વિશ્વાસ કરું છું.
21 મારા પ્રામાણિપણું તથા ન્યાયીપણાના, તમે રક્ષક બનો.
    કારણ, રક્ષણ માટે હું તમારી આશા રાખું છું.
22 હે યહોવા, હવે તમે ઇસ્રાએલને
    સર્વ સંકટોમાંથી છોડાવો.

પ્રેરિતોનાં કૃત્યો 21:18-40

18 બીજે દિવસે, પાઉલ અમારી સાથે યાકૂબની મુલાકાતે આવ્યો. બધાજ વડીલો પણ ત્યાં હતા. 19 પાઉલે તે બધાને અભિનંદન પાઠવ્યા. પછીથી તેણે તેઓને દેવે બિનયહૂદિ લોકોમાં તેમની પાસે કેવી રીતે સેવા કરાવી તે વિગતે કહ્યું. તેણે તેઓને દેવે તેઓના મારફત જે બધું કરાવ્યું હતું તે બિનયહૂદિઓમાં પણ કહ્યું.

20 જ્યારે આગેવાનોએ આ વાતો સાંભળી, તેઓએ દેવની સ્તુતિ કરી. પછી તેઓએ પાઉલને કહ્યું, “ભાઈ, તું જોઈ શકે છે કે હજારો યહૂદિઓ વિશ્વાસીઓ બન્યા છે. પણ તેઓ વિચારે છે કે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવું તે ઘણું અગત્યનું છે. 21 આ યહૂદિઓએ તારા બોધ વિષે સાંભળ્યું છે. યહૂદિઓ જે બિનયહૂદિઓના દેશમાં રહે છે તેમને મૂસાના નિયમશાસ્ત્રનો ત્યાગ કરવાનું કહે છે. તેઓએ સાંભળ્યું છે કે તું તે યહૂદિઓને તેમનાં બાળકોને સુન્નત નહિ કરાવવા અને યહૂદિઓના રિવાજોનું પાલન ન કરવા કહે છે.

22 “અમારે શું કરવું? અહીંના યહૂદિ વિશ્વાસીઓ જાણશે કે તું આવ્યો છે. 23 તેથી તારે શું કરવું તે અમે કહીશું અમારા ચાર માણસોએ દેવ આગળ પ્રતિજ્ઞા કરી છે. 24 આ માણસોને તારી સાથે લે અને તેઓના શુદ્ધિકરણ સમારંભમાં ભાગીદાર બન. તેમનો ખર્ચ આપ. પછી તેઓ તેમનાં માથા મૂંડાવે, આમ કર અને તે પ્રત્યેક વ્યક્તિને સાબિત કરાવશે કે તેઓએ તારા વિષે સાંભળેલી વાતો સાચી નથી. તેઓ જોશે કે તું તારા જીવનમાં મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરે છે.

25 “અમે બિનયહૂદિ વિશ્વાસીઓને પત્ર મોકલી દીધેલ છે. પત્રમાં કહ્યું છે:

‘મૂર્તિઓને અર્પણ કરેલ ભોજન ખાવું નહિ. લોહીને ચાખવું નહિ.

ગૂંગળાવીને મારી નાખેલાં પશુઓને ખાવા નહિ.

વ્યભિચારનું પાપ કરો નહિ.’”

પાઉલની ધરપકડ

26 પછી પાઉલે તે ચાર માણસોને સાથે લીધા. બીજે દિવસે પાઉલે શુદ્ધિકરણ સમારંભના દિવસો ક્યારે પૂર્ણ થશે તેની જાહેરાત કરી. છેલ્લે દિવસે તેઓમાંના દરેકને માટે અર્પણ ચઢાવવામાં આવશે.

27 લગભગ તે સાત દિવસ પૂરા થયા. પણ કેટલાક આસિયાના યહૂદિઓએ પાઉલને મંદિરમાં જોયો. તેઓએ બધા લોકોને ઉશ્કેર્યા અને તેઓએ પાઉલને હાથ નાખીને પકડી લીધો. 28 તેઓએ બૂમો પાડી, “અરે! ઈસ્રાએલી માણસો, અમને મદદ કરો! આ એ માણસ છે જે મૂસાના નિયમશાસ્ત્રની વિરૂદ્ધ, આપણા લોકોની વિરૂદ્ધ અને આ જગ્યાની વિરૂદ્ધ શીખવે છે. આ માણસ દરેક જગ્યાએ બધા જ લોકોને આ વાતો શીખવે છે. અને હવે તેણે કેટલાએક ગ્રીક માણસોને મંદિરની પરસાળમાં દાખલ કર્યા છે! તેણે આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યુ છે.” 29 (યહૂદિઓએ આમ કહ્યું, કારણ કે તેઓએ યરૂશાલેમમાં ત્રોફિમસને પાઉલ સાથે જોયો. ત્રોફિમસ એફેસસનો ગ્રીક માણસ હતો. યહૂદિઓએ વિચાર્યુ કે પાઉલે તેને મંદિરના પવિત્ર ભાગમાં લાવ્યો છે.)

30 યરૂશાલેમના બધા જ લોકોમાં ખળભળાટ મચી ગયો. તેઓ બધા દોડ્યા અને પાઉલને પકડ્યો. તેઓએ તેને મંદિરના પવિત્ર સ્થળની બહાર કાઢ્યો. મંદિરના દરવાજા તરત જ બંધ કરવામાં આવ્યા. 31 લોકો પાઉલની હત્યા કરવાનો પ્રયત્ન કરતા હતા. યરૂશાલેમમાં રોમન સૈન્યના સૂબેદારે સાંભળ્યું કે સમગ્ર શહેરમાં મુશ્કેલી ઊભી થઈ છે. 32 તરત જ જ્યાં લોકો હતા ત્યાં સૂબેદાર ગયો. તે કેટલાએક લશ્કરી અમલદારો અને સૈનિકોને સાથે લાવ્યો. લોકોએ સૂબેદાર અને સૈનિકોને જોયા. તેથી તેઓએ પાઉલને મારવાનું બંધ કર્યું.

33 સૂબેદારે પાઉલની પાસે જઈને તેની ધરપકડ કરી. સૂબેદારે તેના સૈનિકોને પાઉલને બે સાંકળો વડે બાંધવા કહ્યું. પછી સૂબેદારે પૂછયું, “આ માણસ કોણ છે? તેણે શું ખરાબ કર્યુ છે?” 34 કેટલાએક લોકો એક વાત કહેતા હતા તો બીજા લોકો બીજી વાતો કહેતા હતા. આ બધા ગુંચવાડા અને ગડબડને કારણે સૂબેદાર સત્ય નક્કી કરી શક્યો નહિ. સૂબેદારે સૈનિકોને પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવા માટે કહ્યું. 35-36 બધા જ લોકો તેઓને અનુસરતા હતા. જ્યારે સૈનિકો પગથિયાં પાસે આવ્યા, તેઓ પાઉલને રક્ષણ આપવા લઈ જવાના હતા. તેઓને પાઉલનું રક્ષણ કરવા માટે કહ્યું કારણ કે લોકો તેને ઇજા પહોંચાડવાની તૈયારીમાં હતા. લોકોએ બૂમો પાડી, “તેને મારી નાખો!”

37 સૈનિકો પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવાની તૈયારીમાં હતા. પરંતુ પાઉલે સૂબેદારને પૂછયું, “તમને કંઈ કહેવાનો મને અધિકાર છે?”

સૂબેદારે કહ્યું, “ઓહ! તું ગ્રીક બોલે છે? 38 તો પછી હું તને જે માણસ ધારતો હતો તે તું નથી. હું વિચારતો હતો કે તું મિસરનો માણસ છે જેણે ઘણા સમય પહેલા નહિ, હમણાં જ સરકારની વિરૂદ્ધમાં કેટલીક મુશ્કેલીઓ શરું કરી હતી. તે મિસરી માણસે 4,000 ખૂનીઓને દોરીને બહાર અરણ્યમાં લઈ ગયો.”

39 પાઉલે કહ્યું, “ના, હું તાસર્સનો એક યહૂદિ માણસ છું. તાર્સસ કિલીકિયાના પ્રદેશમાં છે. હું તે અગત્યના શહેરનો નાગરિક છું. મહેરબાની કરીને મને લોકોને કહેવા દો.”

40 સૂબેદારે પાઉલને લોકો સમક્ષ બોલવાની રજા આપી. તેથી પાઉલ પગથિયા પર ઊભો રહ્યો. તેણે તેના હાથો વડે નિશાની કરી. તેથી લોકો શાંત થઈ જાય. લોકો શાંત થઈ ગયા એટલે પાઉલે તેઓને ઉદ્દબોધન કર્યુ. તેણે હિબ્રું ભાષાનો ઉપયોગ કર્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International