Old/New Testament
યાજકોની અર્પણવિધિ
29 દેવે મૂસાને કહ્યું, “યાજકો તરીકે હારુન અને તેના પુત્રોના સમર્પણ માંટેની દીક્ષા વિધિ આ પ્રમાંણે છે. 2 ખોડ વિનાના બે ઘેટાં અને એક જુવાન બળદ લેવો. બેખમીર રોટલી, તેલથી મોહેલી બેખમીર ભાખરી, અને તેલ ચોપડેલી બેખમીર રોટલી લેવી. આ બધું ઘઉના મેદાનું બનાવવું. 3 તેઓને ટોપલીમાં મૂકવાં અને જુવાન બળદ અને બે ઘેટાં સાથે તે લાવવું.
4 “ત્યારબાદ હારુન અને તેના પુત્રોને મુલાકાત મંડપમાં દ્વાર પાસે લાવીને તેમને સ્નાન કરાવ. 5 પછી હારુનને જામો, ભરતકામવાળો ઝભ્ભો, એફોદ, ઉરપત્ર અને કમરબંધ પહેરાવ. 6 અને તેના માંથા પર પાઘડી મૂકાને તેની સાથે દીક્ષાનો પવિત્ર મુગટ બાંધ. 7 પછી અભિષેકનું તેલ લઈ તે તું તેના માંથા પર રેડી, તેનો અભિષેક કરજે.
8 “ત્યારબાદ તેના પુત્રોને લાવી, તેમને ડગલા પહેરાવવા કમરે કમરબંધ બાંધવા તથા માંથે ફેંટા બાંધવા. 9 માંરા શાશ્વત કાનૂનનુસાર તેઓ યાજકપદે કાયમ રહેશે. આ રીતે હારુનની અને તેના પુત્રોની યાજકપદે પ્રતિષ્ઠા કરવાની છે.
10 “ત્યારબાદ બળદને મુલાકાતમંડપની આગળ લઈ આવવો. અને હારુન અને તેના પુત્રોએ તેના માંથા ઉપર હાથ મૂકવા. 11 પછી યહોવાની સંમુખ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ બળદનો વધ કરવો. 12 બળદનું થોડું લોહી લઈને આંગળી વડે વેદીનાં ટોચકાંઓને લગાડવું, પછી બાકીનું બધું લોહી વેદીના પાયા આગળ રેડી દેવું. 13 પછી અંદરના ભાગો પર આવેલી બધીજ ચરબી લેવી, પિત્તાશય અને બે મૂત્રપિંડની ઉપર આવેલી ચરબી પણ લઈ લેવી અને વેદી પર તેનું દહન કરવું. 14 પરંતુ બળદના માંસને, ચામડીને અને તેના અંદરના અવયવોને છાવણીની બહાર અગ્નિથી બાળી મૂકવાં. તે પાપાર્થાર્પણ છે.
15 “ત્યારબાદ એક ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માંથ પર હાથ મૂકવા. 16 પછી એ ઘેટાનો વધ કરીને, તેનું લોહી લઈને વેદીની ચારે બાજુએ છાંટવું. 17 પછી તે ઘેટાંને કાપીને કકડા કરવા. અને તેનાં આંતરડાં તથા પગ ધોઈ નાખવાં અને પછી તેઓને માંથા અને શરીરના બીજા અવયવો સાથે મૂકવાં. 18 પછી આખા ઘેટાંનું વેદી પર દહન કરવું એ યહોવાના માંનમાં આપેલ દહનાર્પણ છે. એની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું, એ માંરા માંનમાં કરેલો હોમયજ્ઞ છે.
19 “હવે પછી બીજો ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂકવા. 20 પછી તે ઘેટાનો વધ કરીને તેનું થોડું લોહી લઈને હારુન અને તેના પુત્રોના જમણા કાનની બૂટને, જમણા હાથના અંગૂઠાને તથા જમણા પગના અંગૂઠાને લગાડવું. 21 ત્યારબાદ બાકીનું લોહી વેદીની ચારે બાજુ છાંટી દેવું, વેદી ઉપરના લોહીમાંથી થોડું લોહી અને અભિષેકનું તેલ લઈ હારુન અને તેનાં વસ્ત્રો પર તથા તેના પુત્રો અને તેમનાં વસ્ત્રો પર છાંટવું એટલે આમ તેઓ તથા તેઓનાં વસ્ત્રો યહોવાને અર્થે પવિત્ર ગણાશે.
22 “પછી ઘેટાંના ચરબીવાળા ભાગ લેવા; તેની પૂંછડી, અંદરના અવયવો પરની ચરબી, કાળજા પરની ચરબી, ચરબી સાથે જ મૂત્રપિંડો અને જમણી જાંધ. કારણ કે હારુન અને તેના દીકરાઓની દીક્ષા માંટેનો આ ઘેટો છે. 23 યહોવા આગળના બેખમીર રોટલીના ટોપલામાંથી એક રોટલી, એક મોવણવાળી ભાખરી અને એક તેલ ચોપડેલી રોટલી લેવી. 24 એ બધું હારુનના અને તેના પુત્રોના હાથ પર મૂકવું અને એના વડે યહોવાની ઉપાસના કરવી. 25 પછી તેઓના હાથમાંથી તું તે લે અને યહોવા સમક્ષ દહનાર્પણ તરીકે વેદી પર તેનું દહન કરવું. એની સુવાસથી હું પ્રસન્ન છું. એ માંરા માંનમાં કરેલું દહનાર્પણ છે.
26 “પછી હારુનની દીક્ષા માંટે વપરાયેલા ઘેટાની છાતી લઈને તેના વડે યહોવાની ઉપાસના કરવી પછી એ તારો હિસ્સો ગણાશે. 27 હારુન અને તેના પુત્રોની દીક્ષા માંટે વપરાયેલા, જેના વડે ઉપાસના કરી છે તે, અને ભેટ ધરાવેલી છાતી અને જાંધ તારે યાજકો માંટે અલગ રાખવાં. 28 માંરા શાશ્વત નિયમાંનુસાર એ હારુનને અને તેના પુત્રોને ઇસ્રાએલીઓ તરફથી મળવો જોઈતો હિસ્સો છે; કારણ કે ઇસ્રાએલીઓએ શાંત્યર્પણમાંથી યહોવાને ધરાવેલી એ ભેટ છે.
29 “હારુનનાં આ પવિત્ર વસ્ત્રો સાચવી રાખવાં. હારુનના મૃત્યુ બાદ તેના પુત્રોને વારસામાં મળે. પેઢી દર પેઢી તેઓ તેમની પોતાની અભિષેકની દીક્ષા વિધિ વખતે તે પહેરે. 30 હારુન પછી જે કોઈ મુખ્ય યાજક થાય તે મુલાકાત મંડપમાં અને પવિત્રસ્થાનમાં સેવા શરૂ કરે તે અગાઉ સાત દિવસ સુધી આ વસ્ત્રો ધારણ કરે.
31 “દીક્ષા માંટે અર્પણ કરાયેલ ઘેટાનું માંસ લઈને કોઈ પવિત્રસ્થાને તેને બાફવું; 32 ત્યારબાદ હારુન અને તેના પુત્રોએ મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ એ ઘેટાનું માંસ અને ટોપલામાંની રોટલીનું ભોજન કરવું. 33 તેમની દીક્ષાવિધિ વખતે તેમની પ્રાયશ્ચિત વિધિ માંટે ઉપયોગમાં લેવાયેલ પદાર્થો જ ખાવા; યાજકો સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિએ તે ખાવા નહિ. કારણ એ પવિત્ર છે. 34 સવાર સુધી જો માંસ કે રોટલીમાંથી કાંઈ વધે તો તેને અગ્નિમાં બાળી મૂકવું, ખાવું નહિ, કારણ એ પવિત્ર છે.
35 “હારુન અને તેના પુત્રોને બાબતમાં મે આજ્ઞા કરી છે તે મુજબ જ કરવું. એમની દીક્ષાની વિધિ સાત દિવસ ચલાવવી. 36 દરરોજ પ્રાયશ્ચિત વિધિ માંટે એક બળદનું બલિદાન આપવું. વેદી ઉપર પ્રાયશ્ચિતવિધિ કરવાથી તું એને પાપમુકત કરશે. ત્યાર પછી તારે વેદી પર તેલનો અભિષેક કરી અને પવિત્ર બનાવવી. 37 સાત દિવસ સુધી વેદીને શુધ્ધ અને પવિત્ર બનાવવી. ત્યાર બાદ વેદી સંપૂર્ણપણે અત્યંત પવિત્ર બનશે, એના પછી વેદી જ અત્યંત પવિત્ર બનશે. અને જો કોઈ તેના સંપર્કમાં આવશે તે પવિત્ર બની જશે.
38 “તારે વેદી પર આટલી બલિ ચઢાવવી: પ્રતિદિન કાયમને માંટે એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવાં. 39 એક સવારે અને બીજું સાંજે. 40 પ્રથમ ઘેટા સાથે તમાંરે એક કિલો શુદ્ધ તેલમાં મોહેલો એક કિલો ઝીણો ઘઉંનો લોટ તેમજ પેયાર્પણ તરીકે એક લીટર દ્રાક્ષારસ અર્પણ કરવું. 41 સાંજે અર્પણ થતા હલવાનની સાથે સવારની જેમ ઝીણા ઘઊનાં લોટનું અને દ્રાક્ષારસનું અર્પણ કર. દેવની સમક્ષ તે સુવાસિત અર્પણ અને અગ્નિમાં થયેલ અર્પણ લેખાશે. એ યજ્ઞની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું.
42 “આ દહનાર્પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ માંરી નજર સમક્ષ નિયમિત પેઢી-દર પેઢી આપવાની છે. 43 હું ત્યાં જ તમને મળીશ; અને ત્યાં જ હું ઇસ્રાએલીઓને પણ મળીશ. અને માંરા મહિમાંથી એ સ્થાન પવિત્ર થઈ જશે.
44 “હા, હું મુલાકાતમંડપને, વેદીને અને યાજકો તરીકે માંરા સેવકો હારુન તથા તેના પુત્રોને પવિત્ર કરીશ. 45 અને હું ઇસ્રાએલના લોકો મધ્યે નિવાસ કરીશ અને તેમનો દેવ થઈશ. 46 તેઓને ખાતરી થશે કે તેમની વચ્ચે રહેવા માંટે તેમને મિસરમાંથી બહાર લાવનાર હું યહોવા તેઓનો દેવ છું.”
ધૂપદાની
30 દેવે મૂસાને કહ્યું, “ધૂપદાની માંટે તારે એક વેદી બનાવવી. એ બાવળના લાકડાની બનાવવી. 2 તે એક હાથ ઊચી અને એક હાથ સમચોરસ બનાવવી અને વેદીના લાકડામાંથી જ કોતરીને તેનાં શિંગ બનાવવા, શિંગ જુદા બનાવીને વેદી પર જોડવા નહિ. તે વેદી સાથે એક નંગ હોવું જોઈએ. 3 વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવો અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી. 4 એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માંટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં. 5 એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા. 6 દશ આજ્ઞાઓ જેમાં મૂકી છે તે સાક્ષ્યકોશ આગળના પડદા સામે એ વેદી મૂકવી ત્યાં હું તેમને દર્શન દઈશ.
7 “એ વેદી પર પ્રતિદિન સવારે દીવાબત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ કરવો. 8 અને રોજ સાંજે તે દીવાઓ પ્રગટાવે ત્યારે યહોવાની સંમુખ ધૂપ કરવો. તારે પેઢી-દર-પેઢી કાયમ યહોવા સમક્ષ ધૂપ કરવો, 9 તારે એ વેદી પર નિષિદ્ધ ધૂપ કરવો નહિ, કે દહનાર્પણ કે ખાધાર્પણ કે પેયાર્પણ અર્પણ કરવાં નહિ.
10 “વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માંટે પાપાર્થાર્પણનું રકત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી-દર-પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાની પરમપવિત્ર વેદી છે.”
મંદિરની જકાત
11 યહોવાએ મૂસાને કહ્યું, 12 “તું જ્યારે ઇસ્રાએલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવન માંટે યહોવા સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે. 13 વસ્તીગણતરીમાં નોંધાયેલા દરેક માંણસો ખંડણી પેટે અડધો શેકેલ યહોવાને અર્પણ તરીકે આપવો. (એટલે અધિકૃત માંત્રામાં અડધો શેકેલ જે 20 ગેરાહનું વજન હોય છે). 14 વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વરસના કે તેથી વધુ ઉમરના દરેક માંણસે આ જકાત આપવી. 15 મને તમાંરા જીવનના બદલામાં આ જકાત આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી. 16 ઇસ્રાએલીઓ પાસેથી મળેલાં જીવનના બદલામાં ચૂકવાતાં પ્રાયશ્ચિતના નાણાં મુલાકાતમંડપની સેવામાં ખર્ચવાં. આ અર્પણ યહોવાને ઇસ્રાએલી લોકોની યાદ અને તેમના જીવનની કિંમત તરીકે આવશે.”
હાથપગ ધોવાની કૂંડી
17 યહોવાએ મૂસાને કહ્યું, 18 “હાથપગ ધોવા તારે કાંસાની ઘોડીવાળી એક કાંસાની કૂડી બનાવવી, અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકી તેમાં પાણી ભરવું. 19 હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો. 20 જો તેમણે એ પાણીથી હાથપગ ધોયા હશે તો તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવા જશે અથવા બલિ ચઢાવવા વેદી પાસે જશે ત્યારે તેઓ મૃત્યુ પામશે નહિ. 21 તેઓ મૃત્યુ ન પામે તેટલા માંટે તેમણે અચૂક હાથપગ ધોવા. આ શાશ્વત કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો છે. હારુન અન તેના પુત્રો માંટે આ સૂચનાઓ છે.”
અભિષેકનું તેલ
22 પછી યહોવાએ મૂસાને કહ્યું, 23 “શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સુગંધીઓ લેવી, 12 પૌંડ ચોખ્ખો બોળ, 6 પૌંડ સુગંધીદાર તજ, 6 પૌંડ સંગધીદાર બરુ 24 અને 12 પૌંડ દાલચીનીએ બધું પવિત્રસ્થાનના વજન પ્રમાંણે લેવું. અને એક ગેલન જૈતૂનનું તેલ લેવું.
25 “નિષ્ણાંત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું. 26 તારે મુલકાતમંડપને, કરારકોશનો, 27 બાજઠ અને તેની બધી સામગ્રીઓનો, દીવીનો અને તેનાં સાધનોનો, ધૂપની વેદીનો, 28 દહનાર્પણની વેદીનો અને તેનાં સાધનોનો તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીનો અભિષેક કરવો. 29 આ પ્રમાંણે આ બધી વસ્તુઓની શુદ્ધિ કરવી એટલે તે બધી પરમપવિત્ર બની જશે. અને જે કોઈ તેમને અડકે તે પવિત્ર થઈ જશે.
30 “ત્યાર પછી તારે હારુનને અને તેના પુત્રોને અભિષેક કરી માંરા યાજકો તરીકે દીક્ષા આપવી. 31 તારે ઇસ્રાએલીઓને કહેવું, તમાંરે પેઢી દર પેઢી આ અભિષેકના તેલના પવિત્રતા સાચવી રાખવી. 32 સામાંન્ય માંણસોને શરીરે એ ન લગાડવું. અને એ નુસખા પ્રમાંણે બીજું તેલ બનાવવું નહિ એ પવિત્ર છે અને તમાંરે એને પવિત્ર ગણીને ચાલવાનું છે. 33 જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે તેને સમાંજમાંથી જુદો કરવામાં આવે.”
ધૂપ
34 યહોવાએ મૂસાને ધૂપ બનાવવા માંટે આ સૂચનાઓ આપી: 35 “તારે રાજન, કેરબા, શિલારસ, અને શુદ્ધ લોબાન સરખે ભાગે લઈ તે મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો, તેને સરૈયો બનાવે તેવીજ રીતે બનાવવો. એ ધૂપને શુધ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠુ મેળવવું. 36 એમાંથી થોડો ઝીણો ખાંડીને તેનો ઉપયોગ મુલાકાતમંડપમાં કરારકોશ આગળ, જયાં હું તને દર્શન આપવાનો છું ત્યાં કરવો. તમાંરે આ ધૂપને અત્યંત પવિત્ર સમજવાનો છે. 37 આ નુસખા પ્રમાંણેનો ધૂપ તમાંરે પોતાના ઉપયોગ માંટે બનાવવાનો નથી. તમાંરે એને માંરે માંટે જ અલગ રાખેલી પવિત્રવસ્તુ ગણવી. 38 જો કોઈ પોતાના ઉપયોગ માંટે તે બનાવે, તો તેનો યહોવાના સમાંજમાંથી બહિષ્કાર કરવો.”
ઈસુના અધિકાર પર યહૂદિનેતાઓની શંકા
(માર્ક 11:27-33; લૂ. 20:1-8)
23 ઈસુ મંદિરમાં દાખલ થયો અને જ્યારે બોધ આપતો હતો ત્યારે પ્રમુખ યાજકો અને લોકોના વડીલોએ તેની પાસે જઈને પૂછયું, “કયા અધિકારથી તું આ બાબતો કરે છે? તને આવો અધિકાર કોણે આપ્યો?”
24 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને પણ એક પ્રશ્ન પૂછું છું, એનો ઉત્તર તમે મને આપશો, તો હું તમને કહીશ કે કયા અધિકારથી હું એ કામો કરું છું. 25 મને કહો: જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે કોના તરફથી મળ્યું હતું, દેવથી કે માણસથી?”
તેઓ અંદર એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે, “જો આપણે કહીશું, ‘યોહાનનું બાપ્તિસ્મા દેવ તરફથી હતું,’ તો ઈસુ આપણને પૂછશે, ‘તો તમે યોહાનમાં વિશ્વાસ કેમ નથી કરતા?’ 26 જો એમ કહીશું કે તે મનુષ્યથી હતું, તો એ લોકો આપણા પર ગુસ્સે થશે, આપણે લોકોથી ડરીએ છીએ એટલે આપણને કહેશે તમે યોહાનમાં શા માટે વિશ્વાસ કરતા નથી.”
27 તેઓએ ઈસુને ઉત્તર આપ્યો, “અમે નથી જાણતા કે યોહાનને અધિકાર ક્યાંથી મળ્યો.”
પછી ઈસુએ કહ્યું, “તો હું તમને કાંઈ જ નહિ કહું કે હું કયા અધિકારથી આ કરું છું!”
ઈસુ બે દીકરાઓની વાર્તા કહે છે
28 “સારું, બતાવો, હું કહું છું તે બાબતમાં તમે શું માનો છો? એક વ્યક્તિને બે દીકરા હતા, પહેલા દીકરાની પાસે જઈને તેણે કહ્યું, ‘આજે તું મારી દ્રાક્ષની વાડીમાં કામ કરવા જા.’
29 “પણ દીકરાએ ઉત્તર આપ્યો, ‘હું નહિ જાઉં.’ પછી એનું મન બદલાયું અને નક્કી કર્યુ કે તેણે જવું જોઈએ, અને તે ગયો.
30 “પછી તે પિતા બીજા છોકરા પાસે ગયો અને તેને કહ્યું, ‘દીકરા, મારી દ્રાક્ષની વાડીમાં જા અને ત્યાં ખેતરમાં કામ કર.’ દીકરાએ કહ્યું, ‘હા સાહેબ, હું જઈશ અને કામ કરીશ.’ પણ તે ગયો નહિ.”
31 ઈસુએ પૂછયું, “કયા દીકરાએ પિતાની આજ્ઞાનું પાલન કર્યુ?”
યહૂદિ નેતાએ કહ્યું, “પહેલા દીકરાએ.”
ઈસુએ તેમને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે તમે એમ માનો છો કે કર ઉઘરાવનાર અને વેશ્યાઓ ખરાબ લોકો છે, પરંતુ તેઓ તમારા કરતા આકાશના રાજ્યમાં તમે યત્ન કરશો તેના કરતાં પહેલા પ્રવેશ કરશે. 32 યોહાન તમને સાચો માર્ગ બતાવવા આવ્યો પણ તમે યોહાનમાં વિશ્વાસ કર્યો નહિ. પણ કર ઉઘરાવનાર અને વેશ્યાઓ તેનામાં વિશ્વાસ કરે છે એમ તમે જુઓ છો છતાં પણ તમે હજી પણ પસ્તાવો કરતાં નથી કે નથી તેનામાં વિશ્વાસ કરતા.
દેવે તેના દીકરાને મોકલ્યો
(માર્ક 12:1-12; લૂ. 20:9-19)
33 “આ વાર્તા ધ્યાનથી સાંભળો: એક માણસ હતો તેનું પોતાનું ખેતર હતું તેમા તેણે દ્રાક્ષ વાવી અને તેની ચારે બાજુ એક દિવાલ ચણી હતી. દ્રાક્ષનો રસ કાઢવા કુંડ બનાવ્યો, એક બૂરજ બાંધ્યા પછી કેટલાક ખેડૂતોને તે વાડી ઈજારે આપીને તે પ્રવાસમાં ગયો. 34 દ્રાક્ષ ચૂંટવાનો સમય થયો એટલે તેના નોકરોને ખેડૂતો પાસેથી પોતાની દ્રાક્ષનો ભાગ લેવા મોકલ્યો.
35 “પણ ખેડૂતોએ આ નોકરોને પકડ્યા અને તેમાના એકને ખૂબ માર્યો. અને બીજા નોકરને મારી નાખ્યો. અને ત્રીજા નોકરને પણ પત્થર વડે મારી નાખ્યો. 36 તેથી તે માણસે બીજા નોકરોને ખેડૂત પાસે મોકલ્યો. તે માણસે પહેલા કરતાં વધુ નોકરોને મોકલ્યા તેમની સાથે પણ ખેડૂતોએ તેવું જ વર્તન કર્યુ. 37 એટલે માણસે પોતાના દીકરાને ખેડૂતો પાસે મોકલ્યો. તે માણસે કહ્યું, ‘ખેડૂતો મારા દીકરાને માન આપશે.’
38 “પણ જ્યારે ખેડૂતોએ ઘણીના દીકરાને જોયો ત્યારે તેઓ અંદર અંદર તેમનામાં વાતો કરવા લાગ્યા કે, ‘આજ તે ઘણીનો દીકરો છે, વારસ છે આ ખેતર તેનું છે માટે જો આપણે તેને પણ મારી નાખીએ તો આ ખેતર આપણું થઈ જશે!’ 39 તેથી ખેડૂતોએ છોકરાને પકડ્યો અને ખેતરની બહાર ફેંકી દીઘો અને તેને મારી નાખ્યો.
40 “આ ખેતરનો ઘણી આવશે ત્યારે એ ખેડૂતોને શું કરશે?”
41 યહૂદિઓના ધર્મગુરુંઓ અને આગેવાનોએ કહ્યું, “તે ચોક્કસ આ દુષ્ટ માણસોને મારી નાંખશે. અને બીજા ખેડૂતો જે તેમનો પાક થશે ત્યારે ભાગ આપશે તેવા ખેડૂતોને તે ખેતર ભાગે ખેડવા આપશે.”
42 ઈસુએ તેઓને કહ્યું, “શું તમે શાસ્ત્રમાં નથી વાંચ્યું?
‘બાંધનારાઓએ નકામો ગણીને પડતો મૂકેલો પથ્થર જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો, એ પ્રભુથી બન્યું,
અને આપણી નજરમાં આશ્વર્યકારક છે.’(A)
43 “એટલે જ હું તમને કહું છું કે દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવામાં આવશે. અને એવા લોકોને આપવામાં આવશે કે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે રાજ્યોમાં ફળ આવશે. 44 જે મનુષ્ય આ પથ્થર પર પટકાશે તેના ટુકડેટુકડા થઈ જશે. અને એ પથ્થર જે વ્યક્તિ પર પડશે તેનો ભૂકો થઈ જશે.”
45 મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુ પાસેથી આ દૃષ્ટાંત સાંભળ્યું અને તેઓને લાગ્યું કે ઈસુ તેમના સબંધમાં જ કહે છે. 46 તેઓ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા. પણ તેઓ લોકોથી ખૂબ ડરતા હતા, કારણ લોકો ઈસુને પ્રબોધક તરીકે માનતા હતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International