New Testament in a Year
22 જ્યારે તે માણસો બંદીખાનામાં પહોચ્યાં ત્યારે તેઓએ ત્યાં પ્રેરિતોને જોયા નહિ. તેથી તેઓ પાછા ગયા અને યહૂદિ આગેવાનોને આ બાબત કહી. 23 તે માણસોએ કહ્યું, “બંદીખાનામાં બારણાં બંધ હતાં ને તેને તાળાં મારેલાં હતાં. રક્ષકો દરવાજા પાસે ઊભા હતા. પણ જ્યારે અમે બારણાં ઉઘાડ્યા ત્યારે બંદીખાનું ખાલી હતું!” 24 મંદિરના રક્ષકોના સરદારે અને મુખ્ય યાજકોએ આ સાંભળ્યું ત્યારે તેઓ મૂંઝવણમાં પડ્યા, “આના કારણે શું પરિણામ આવશે?”
25 બીજા એક માણસે તેને આવીને કહ્યું, “ધ્યાનથી સાંભળો, તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો મંદિરની પરસાળમાં ઊભા છે. તેઓ લોકોને બોધ આપે છે!” 26 પછી સરદાર અને તેના માણસો મંદિરની બહાર ગયા અને પ્રેરિતોને પાછા લાવ્યા. પરંતુ સૈનિકોએ બળનો ઉપયોગ કર્યો ન હતો, કારણ કે તેઓ લોકોથી બીતા હતા. સૈનિકોને લોકોના ગુસ્સે થવાનો અને પથ્થરોથી મારી નાખવાનો ભય હતો.
27 સૈનિકોએ પ્રેરિતોને સભામાં લાવીને યહૂદિ આગેવાનોની આગળ તેઓને ઊભા રાખ્યા. પ્રમુખ યાજકે પ્રેરિતોને પ્રશ્ર કર્યો. 28 તેણે કહ્યું, “અમે તમને આ માણસ વિષે કદાપિ નહિ શીખવવા કહ્યું છે! પણ જુઓ તમે શું કર્યુ છે! તમે તમારા બોધથી આખા યરૂશાલેમને ગજાવ્યું છે. તમે આ માણસના મૃત્યુ માટે અમને જવાબદાર ઠેરવવા પ્રયત્ન કરો છો.”
29 પિતર અને બીજા પ્રેરિતોએ જવાબ આપ્યો, “અમારે માણસો કરતાં દેવની આજ્ઞાનું પાલન વધારે કરવું જોઈએ. 30 તમે ઈસુને મારી નાખ્યો. તમે તેને વધસ્તંભે લટકાવ્યો. પણ દેવે, અમારા પૂર્વજોના એ જ દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો છે. 31 ઈસુને દેવે તેની જમણી બાજુએ ઊંચો કર્યો છે. દેવે ઈસુને આપણા રાજા અને તારનાર બનાવ્યો છે. દેવે આમ કર્યુ તેથી યહૂદિઓ પસ્તાવો કરે. પછી દેવ તેઓનાં પાપોને માફ કરી શકે. 32 અમે આ બધું બનતાં જોયું છે. અમે કહી શકીએ છીએ કે આ બધું સાચું છે. પવિત્ર આત્મા પણ એ બતાવે છે કે આ સાચું છે. દેવે બધા લોકો જે દેવની આજ્ઞાનું પાલન કરે છે તે સૌને પવિત્ર આત્મા આપેલો છે.”
33 યહૂદિ આગેવાનોએ આ શબ્દો સાંભળ્યા. તેઓ ઘણા ગુસ્સે થયા. તેઓએ પ્રેરિતોને મારી નાંખવા માટે યોજના કરવા માંડી. 34 ફરોશીઓમાંનો એક સભામાં ઊભો થયો. તેનું નામ ગમાલ્યેલ હતું. તે ન્યાયશાસ્ત્રી હતો, અને બધા જ લોકો તેને માન આપતા. થોડી મિનિટો માટે પ્રેરિતોને સભા છોડી જવા માટે કહેવા તેણે માણસોને કહ્યું. 35 પછી તેણે તેઓને કહ્યું, “ઈસ્ત્રાએલી માણસો, આ લોકો તમે જે કંઈ કરવા ધારો છો તે વિષે સાવધાન રહો. 36 યાદ કરો, જ્યારે થિયુદાસે બળવો કર્યો ત્યારે તેણે કહ્યું કે તે એક મહત્વનો માણસ હતો. આશરે 400 માણસો તેની સાથે જોડાયા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને જે બધા તેને અનુસર્યા હતા તેઓ વેરવિખેર થઈને ભાગી ગયા. અને તેઓ કશું જ કરી શક્યા નહિ. 37 તે પછી, ગાલીલમાંથી યહૂદા નામનો માણસ આવ્યો. વસતિ ગણતરીનો સમય હતો ત્યારે તે બન્યું. તે શિષ્યોના એક સમૂહને દોરતો હતો. પરંતુ તે પણ માર્યો ગયો. અને તેના બધા શિષ્યો વિખેરાઈને નાસી ગયા. 38 અને તેથી હવે, હું તમને કહું છું, આ લોકોથી દૂર રહો. તેઓને એકલા છોડી દો. જો તેઓની યોજના જે મનુષ્યસર્જિત છે તો, તે નિષ્ફળ જશે. 39 પણ જો આ યોજના દેવ નિર્મિત હશે, તો તમે કોઇ તેઓને અટકાવી શકવાના નથી. ઊલટું તમે દેવની સાથે લડનારા મનાશો!”
ગમાલ્યેલે જે કહ્યું તે સાથે યહૂદિ આગેવાનો સંમત થયા. 40 તેઓએ પ્રેરિતોને ફરીથી અંદર બોલાવ્યા. પ્રેરિતોને માર્યા અને ઈસુ વિષે ફરીથી લોકોને નહિ કહેવા તેઓને કહ્યું. પછી તેઓએ પ્રેરિતોને મુક્ત કર્યા. 41 પ્રેરિતો સભા છોડી જતા રહ્યાં. પ્રેરિતો ખુશ હતા કારણ કે ઈસુના નામને લીધે તેઓ અપમાન સહન કરવાને પાત્ર ઠર્યા. 42 પ્રેરિતોએ લોકોને બોધ આપવાનું બંધ કર્યુ નહિ. પ્રેરિતોએ લોકોને ઈસુ એ જ ખ્રિસ્ત છે એ સુવાર્તા કહેવાનું ચાલું રાખ્યું. તેઓ પ્રતિદિન મંદિરમાં પરસાળમાં અને લોકોને ઘરે આમ કહેતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International