Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યોહાન 4:1-30

સમરૂનમાં એક સ્ત્રી સાથે ઈસુની વાત

ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુ યોહાન કરતાં વધારે લોકોને તેના શિષ્યો બનાવીને બાપ્તિસ્મા આપે છે. (પણ ખરેખર ઈસુ પોતે લોકોને બાપ્તિસ્મા આપતો નહોતો. તેના શિષ્યો લોકોને તેના માટે બાપ્તિસ્મા આપતા હતા.) ઈસુએ જાણ્યું કે ફરોશીઓએ તેના વિષે સાંભળ્યું છે. તેથી ઈસુ યહૂદિયા છોડીને ફરી પાછો ગાલીલમાં ગયો. ગાલીલના રસ્તામાં ઈસુને સમરૂનના વિસ્તારમાં થઈન જવું પડ્યું.

ઈસુ સમરૂનમાં સૂખાર નામના શહેરમાં આવ્યો. આ શહેર એક ખેતર નજીક હતું, જે યાકૂબે તેના દીકરા યૂસફને આપ્યું હતું. ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ તેની લાંબી યાત્રાથી થાક્યો હતો. તેથી ઈસુ કૂવાની બાજુમાં બેઠો. તે વેળા લગભગ બપોર હતી. એક સમરૂની સ્ત્રી પાણી મેળવવા માટે તે કૂવાની નજીક આવી. ઈસુએ તેણીને કહ્યું, “કૃપા કરીને મને પીવા માટે થોડું પાણી આપ.” (ઈસુના શિષ્યો ખાવાનું ખરીદવા માટે ગામમાં ગયા હતા ત્યારે આ બન્યું.)

તે સમરૂની સ્ત્રીએ ઉત્તર આપ્યો, “મને નવાઈ લાગે છે કે તું મારી પાસે પીવાનું પાણી માગે છે! તું એક યહૂદિ છે અને હું એક સમરૂની સ્ત્રી છું!” (યહૂદિઓ સમરૂનીઓ જોડે સંબંધ રાખતા નથી.)

10 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવ જે દાન આપે છે તે વિષે તું જાણતી નથી અને તારી પાસે પાણી માંગનાર હું કોણ છું તે પણ તું જાણતી નથી. જો તું આ દાન જાણતી હોત તો તું માગત અને મેં તને જીવતું પાણી આપ્યું હોત.”

11 તે સ્ત્રીએ કહ્યું, “પ્રભુ, તું તે જીવતું પાણી ક્યાંથી મેળવીશ? તે કૂવો ઘણો ઊંડો છે. અને તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી. 12 તું અમારા પિતા (પૂર્વજ) યાકૂબ કરતાં મોટો છે? યાકૂબે અમને આ કૂવો આપ્યો. તેણે પોતે તેમાંથી પાણી પીધું. તેના દીકરાઓ અને તેનાં બધાં પશુઓએ આ કૂવામાંથી પાણી પીઘું.”

13 ઈસુએ ઉત્તર આપ્યો, “પ્રત્યેક વ્યક્તિ જે આ પાણી પીએ છે તે ફરીથી તરસ્યો થશે. 14 પણ જે વ્યક્તિ, હું આપું તે પાણી પીએ છે તે ફરીથી કદાપિ તરસ્યો થતો નથી. પણ જે પાણી હું તેને આપીશ, તે પાણી તે વ્યક્તિમાં વહેતા પાણીનો ઝરો થશે. તે પાણી તે વ્યક્તિમાં અનંતજીવન સુધી ઝર્યા કરશે.”

15 તે સ્ત્રીએ ઈસુને કહ્યું, “પ્રભુ, મને એ પાણી આપ. પછી હું કદાપિ ફરીથી તરસી થઈશ નહિ. અને મારે વધારે પાણી મેળવવા પાછા અહીં આવવું પડે નહિ.”

16 ઈસુએ તેને કહ્યું, “જા તારા પતિને બોલાવી લાવ અને પછી પાછી અહીં આવ.”

17 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “પણ મારે પતિ નથી.”

ઈસુએ તેને કહ્યું, “તેં બરાબર કહ્યું છે કે તારે પતિ નથી. 18 ખરેખર તારે પાંચ પતિઓ હતા. પણ તું હમણાં જે માણસ સાથે રહે છે તે તારો પતિ નથી. તેં મને સાચું કહ્યું છે.”

19 તે સ્ત્રીએ કહ્યું, “પ્રભુ, હું જોઈ શકું છું કે તું એક પ્રબોધક છે. 20 અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે યહૂદિઓ કહો છો કે યરૂશાલેમ એ તે જ જગ્યા છે જ્યાં લોકોએ ભજન કરવું જોઈએ.”

21 ઈસુએ કહ્યું, “બાઈ, મારું માન! હવે એવો સમય આવે છે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પિતા (દેવ) નું ભજન નહિ કરશો. 22 તમે સમરૂનીઓ, તમે જે જાણતા નથી તેને ભજો છો. અમે યહૂદિઓ જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ, યહૂદિઓમાંથી ઉદ્ધાર આવે છે. 23 હવે તે સમય આવે છે જ્યારે સાચા ભજનારાઓ આત્માથી તથા સત્યતાથી પિતાને ભજશે. હવે તે સમય અહીં છે. અને આ પ્રકારના લોકો તેના ભજનારા થાય તેમ પિતા ઈચ્છે છે. 24 દેવ આત્મા છે. તેથી જે લોકો દેવને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.”

25 તે સ્ત્રીએ કહ્યું, “હું જાણું છું કે મસીહ આવે છે.” (મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે) “જ્યારે મસીહ આવશે ત્યારે તે આપણને બધું સમજાવશે.”

26 પછી ઈસુએ કહ્યું, “જે વ્યક્તિ હમણાં તારી સાથે વાત કરે છે. હું તે મસીહ છું.”

27 તે સમયે ઈસુના શિષ્યો ગામમાંથી પાછા આવ્યા. તેઓ અજાયબી પામ્યા હતા કારણ કે તેઓએ ઈસુને તે સ્ત્રી સાથે વાત કરતો જોયો. પણ તેઓમાંના કોઈએ પૂછયું નહિ, “તારે શું જોઈએ છે?” અથવા “તું શા માટે તેની સાથે વાત કરે છે?”

28 પછી તે સ્ત્રી તેની પાણીની ગાગર ત્યાં મૂકીને ગામમાં પાછી ફરી. તેણે ગામમાં જઈને લોકોને કહ્યું, 29 “એક માણસે મેં જે કંઈ કર્યુ હતું તે બધું મને કહ્યું, આવો, તેને જુઓ, તે જ ખ્રિસ્ત હોવો જોઈએ.” 30 તેથી તે લોકોએ તે ગામ છોડ્યું અને ઈસુને જોવા ગયા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International