New Testament in a Year
ઈસુને અનુસરવાની ઈચ્છા
(લૂ. 9:57-62)
18 ઈસુએ જોયું કે તેની ચારે બાજુ લોકોની ભીડ જામી છે, તેથી તેણે પોતાના શિષ્યોને સરોવરના સામા કિનારે જવા કહ્યું. 19 પછી એક શાસ્ત્રી તેની પાસે આવ્યો અને કહ્યું કે, “ઉપદેશક, તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ.”
20 ઈસુએ તેને કહ્યુ કે, “શિયાળોને રહેવા માટે દરો હોય છે, પંખીઓને રહેવા માટે માળા હોય છે, પણ માણસના દીકરાને[a] માથું ટેકવાની પણ જગા નથી.”
21 ઈસુના શિષ્યોમાંના બીજા એકે આવી તેને કહ્યું કે, “હે પ્રભુ પહેલા મને જવા દે અને મારા પિતાને દફનાવવા દે. પછી હું તને અનુસરીશ.”
22 પરંતુ ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ. ને મુએલાએને પોતાના મૂએલાઓને દાટવા દે.”
ઈસુ તોફાનને શાંત પાડે છે
(માર્ક 4:35-41; લૂ. 8:22-25)
23 ઈસુ એક હોડીમાં જઈને બેઠો, તેના શિષ્યો પણ તેની સાથે ગયા 24 એ હોડીએ કિનારો છોડયો કે તરત જ દરિયામાં મોટું તોફાન શરૂ થયું ને ઉછળતાં મોજાથી હોડી ઢંકાઈ જવા લાગી. પરંતુ ઈસુ તો ઊઘતો હતો. 25 શિષ્યો ઈસુની પાસે ગયા અને તેને જગાડ્યો અને કહ્યું કે, “હે પ્રભુ, અમને બચાવ! અમે ડૂબી જઈશું!”
26 ઈસુએ કહ્યું કે, “તમે શા માટે ભયભીત થાઓ છો? તમને પૂરતો વિશ્વાસ નથી?” પછી ઈસુ ઉભો થયો અને પવન અને મોંજાને ધમકાવ્યા, પછી સમુદ્ર સંપૂર્ણ શાંત થઈ ગયો.
27 આથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, “અરે આ માણસ કેવા પ્રકારનો છે? જેની આજ્ઞાને પવન અને સમુદ્ર પણ માને છે!”
ઈસુ બે માણસોમાંથી ભૂતોને કાઢે છે
(માર્ક 5:1-20; લૂ. 8:26-39)
28 સમુદ્રને સામે કિનારે ગદરાનીના[b] દેશમાં ઈસુ આવ્યો ત્યાં તેને અશુદ્ધ આત્માઓ વળગેલા બે માણસો મળ્યા. તેઓ કબરોની વચમાં રહેતા હતાં તે એટલા બધા બિહામણા હતા કે ત્યાં થઈને કોઈ જઈ શક્તું ન હતું. 29 તેઓ બૂમ પાડવા લાગ્યા, “ઓ દેવના દીકરા, તું અમારી પાસે શું અપેક્ષા રાખે છે? નિશ્ર્ચિત સમય પહેલા અમને શિક્ષા કરવા આવ્યો છે?”
30 ત્યાંથી થોડેક દૂર ભૂંડનું ટોળું ચરતું હતું. 31 અશુદ્ધ આત્માઓએ વિનંતી કરી કે, “જો તું અમને કાઢી જ મૂકવાનો હોય તો, તું અમને એ ભૂંડોના ટોળામાં જવા દે.”
32 ઈસુએ તેઓને કહ્યું, “જાઓ” અને અશુદ્ધ આત્માઓ ભૂંડોનાં ટોળામાં પેઠા. ભૂંડનું આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ધસી ગયું અને પાણીમાં ડૂબી મર્યુ. 33 ભૂંડો ચરાવનારા ત્યાંથી શહેરમાં નાઠા અને બધીજ બાબતો જેવી કે અશુદ્ધ આત્માઓ વળગેલા માણસે સાથે જે બન્યું હતું તે જણાવ્યું. 34 આખું નગર ઈસુને મળવા બહાર આવ્યું અને જ્યારે લોકોએ તેને જોયો ત્યારે વિનંતી કરી કે, અમારા સીમોમાંથી તું ચાલ્યો જા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International