New Testament in a Year
ઈસુ વ્યભિચારના પાપ વિષે શિક્ષણ આપે છે
27 “તમે સાંભળ્યું છે કે એમ કહેવામાં આવ્યું હતું: ‘વ્યભિચારનું પાપ કરવું નહિ.’(A) 28 પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઈચ્છાથી તેના તરફ નજર કરો તો તમે તમારા મનથી તેની સાથે વ્યભિચાર કર્યો છે. 29 જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે. 30 જો તમારો જમણો હાથ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દો. આખુ શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે તમારા માટે વધુ હિતાવહ છે.
ઈસુ છૂટા છેડા વિષે શિક્ષણ આપે છે
(માથ. 19:9; માર્ક 10:11-12; લૂ. 16:18)
31 “એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ.’ 32 પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે. પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય. અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે.
ઈસુ સમ વિષે શિક્ષણ આપે છે
33 “તમે સાંભળ્યું કે આપણા પૂર્વજોને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે પ્રભુના નામે લીધેલા સમનો ભંગ કરશો નહિ.[a] પ્રભુને જે વચન આપ્યું છે તે હમેશા અવશ્ય પાળો.’ 34 પણ હું તમને કહું છું કે, કદી સમ ન ખાઓ, કદી આકાશના નામે સમ ના ખાઓ કારણ કે આકાશ તો દેવનું રાજ્યાસન છે. 35 પૃથ્વીના નામે કદી સમ ખાઓ નહિ કારણ કે પૃથ્વી દેવનું પાયાસન છે. અને યરૂશાલેમના નામે પણ સમ ન ખાઓ કારણ એ મહાન રાજાનું શહેર છે. 36 તમારા માથાના પણ સમ ન ખાઓ. તમે માથાના એક પણ વાળને સફેદ કે કાળો કરી શકશો નહિ. 37 ફક્ત ‘હા’ કે ‘ના’ કહો એટલું પૂરતું છે. તમે તેમાં જે કંઈ ઉમેરશો તો તે ભૂંડાથી આવેલું છે.
ઈસુ વેર વિષે શિક્ષણ આપે છે
(લૂ. 6:29-30)
38 “તમે સાંભળ્યું કે એમ કહેવાયુ હતુ, ‘આંખ ને બદલે આંખ અને દાંત ને બદલે દાંત.’(B) 39 પરંતુ હું તમને કહું છું કે દુષ્ટ વ્યક્તિનો પ્રતિકાર ન કરો. જો તમને કોઈ જમણા ગાલ પર તમાચો મારે, તો તમારે બીજો ગાલ દરવો. 40 જો તમારું ખમીસ લઈ લેવા માટેનો દાવો કરીને તમને કોઈ ન્યાયસભામાં લઈ જવા ઈચ્છે તો તમારો કોટ પણ તેને આપી દો. 41 જો કોઈ સૈનિક તમને તેની સાથે એક માઈલ ચાલવા બળજબરી કરે તો તમે તેની સાથે બે માઈલ ચાલો. 42 જો કોઈ તમારી પાસે કંઈક માગે તો તેને અવશ્ય આપો, તમારી પાસે કોઈ ઉછીનું માંગવા આવ તો ના પાડશો નહિ.
બધાને પ્રેમ કરો
(લૂ. 6:27-28, 32-36)
43 “તમે સાંભળ્યું કે એમ કહેવાયું હતું કે, ‘તું તારા પડોશીને પ્રેમ કર અને દુશ્મનને ધિક્કાર.’(C) 44 પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલ્મ કરે છે તેમના માટે પ્રાર્થના કરો. 45 જો તમે આ પ્રમાણે કરશો તો તમે આકાશમાં રહેલા તમારા પિતાના સાચા દીકરા ગણાશો અને તમારા પિતા, સૂર્યનો પ્રકાશ ભલા અને ભૂંડા લોકો માટે મોકલે છે. વરસાદ પણ ભલૂં કરનાર અને ભૂંડુ કરનાર માટે મોકલે છે. 46 જે તમને પ્રેમ કરે છે તેમને તમે પ્રેમ કરશો તો તમને કોઈક બદલો મળશે. દાણીએ પણ આમ જ કરે છે. 47 જો તમે તમારા મિત્રો પ્રત્યે સારા હશો તો તમે બીજા કરતા સારા નહિ ગણાવ, જે લોકો દેવ વિનાના છે તે પણ તેમના મિત્રો માટે સારા છે. 48 એટલે આકાશમાં રહેલા તમારા પિતા જેટલા પરિપૂર્ણ છે તેટલા તમારે પણ પરિપૂર્ણ થવુ જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International