M’Cheyne Bible Reading Plan
રાજા નબૂખાદનેસ્સાર યહૂદા આવ્યો
24 યહોયાકીમે રાજાના અમલ દરમ્યાન બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યરૂશાલેમ પર ચઢી આવ્યો. યહોયાકીમ તેને તાબે થઈ ગયો. પરિણામે ત્રણ વર્ષ પર્યંત તેને વસૂલી ભરવી પડી, પણ પછી તેણે બંડ કર્યું. 2 આથી યહોવાએ બાબિલ, અરામ, મોઆબ અને આમ્મોનના સશસ્ત્ર સૈનિકોને તેની સામે લડવા મોકલ્યા. અને આમ, યહોવાએ પોતાના પ્રબોધકો મારફતે જણાવ્યા મુજબ યહૂદાને ખેદાન-મેદાન કરી નાખ્યું.
3 યહૂદાની આવી સ્થિતી એક જ કારણથી થઈ હતી. 4 તે કારણ હતુ કે, યહોવાએ તેમને મનાશ્શાના પાપોની સજા કરવા માટે આ હુકમ કર્યો હતો. આ એટલા માટે થયું, કારણકે તેણે નિર્દોષ લોકોને મારીને તેમના લોહીથી યરૂશાલેમને ભરી દીધું હતું. યહોવા આ પાપ માટે તેમને કદી માફ કરવા નહોતા માગતા.
5 યહૂદાના રાજા યહોયાકીમનાઁ શાસનનાં બીજાં બનાવો અને કાર્યો, યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 6 તે મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર યહોયાખીન રાજા બન્યો.
7 મિસરનો રાજા ત્યાર પછી ફરી કદી પોતાના દેશમાંથી હુમલો કરવા બહાર આવ્યો નહોતો, કારણ બાબિલના રાજાએ મિસરના વહેળાથી ફ્રાત નદી સુધીનો તેના કબજા હેઠળનો પ્રદેશ પડાવી લીધો હતો.
યરૂશાલેમ પ્રાપ્ત કરતો નબૂખાદનેસ્સાર
8 યહોયાખીન ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 3 મહિના રાજ કર્યુ, તેની માતાનું નામ નહુશ્તા હતું અને તે યરૂશાલેમના એલ્નાથાનની પુત્રી હતી. 9 યહોયાખીને તેના પિતાની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.
10 તે સમયે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના સેનાપતિઓએ યરૂશાલેમ પર ચઢાઈ કરી તેને ઘેરો ઘાલ્યો. 11 તેનું લશ્કર શહેરને ઘેરો ઘાલીને પડયું હતું એ દરમ્યાન તે જાતે ત્યાં આવી પહોંચ્યો. 12 અને યહૂદાનો રાજા યહોયાખીન, તેની મા, તેના અમલદારો, તેના આગેવાનો અને દરબારીઓ સૌ બાબિલના રાજા પાસે ગયાં અને બાબિલના રાજાએ તેમને પકડીને કેદ કર્યા. નબૂખાદનેસ્સાર રાજા હતો ત્યારે તેના શાસનના 8મેં વર્ષે આ બન્યું.
13 નબૂખાદનેસ્સાર, યહોવાએ અગમવાણી જણાવ્યા મુજબ, યહોવાના મંદિરના તેમજ રાજમહેલના બધા ખજાના ઉપાડી ગયો, અને તેણે ઇસ્રાએલના રાજા સુલેમાને બનાવડાવેલા બધાં સોનાના વાસણો પણ દૂર કર્યા, તેણે જેમ યહોવાએ કીધું હતું તેમજ કર્યું.
14 તેણે યરૂશાલેમના બધા વતનીઓને-બધા ઉમરાવોને અને અગ્રગણ્ય માણસોને અને ધનવાનો તથા લુહારો અને બીજા કારીગરો સુદ્ધાં સૌનો દેશનિકાલ કર્યો; તે બધા મળીને કુલ 10,000 હતા, ફકત વસ્તીનો ગરીબમાં ગરીબ વર્ગ જ બાકી રહ્યો. 15 યહોયાખીનને તેની માને તેના દરબારીઓને અને દેશના બધા આગળ પડતા માણસોને તે યરૂશાલેમથી બાબિલ લઈ ગયો. 16 વળી તે દેશના 7,000 બળવાન માણસોને, 1,000 લુહારો અને કારીગરોને, જે બધા જ બળવાન અને યુદ્ધે ચડી શકે એવા હતા તેમને બાબિલ દેશવટે લઈ ગયો.
રાજા સિદકિયા
17 બાબિલના રાજાએ યહોયાખીનના કાકા માત્તાન્યાને તેની પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું. 18 સિદકિયા ગાદીએ આવ્યો, ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં 11 વર્ષ રાજ કર્યું, તેની માતાનું નામ હમૂટાલ હતું, અને લિબ્નાહના યર્મિયાની પુત્રી હતી. 19 સિદકિયાએ યહોયા ખીનની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. 20 યરૂશાલેમે અને યહૂદાએ યહોવાનો એટલો બધો રોષ વહોરી લીધો કે છેલ્લે તેણે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા.
નબૂખાદનેસ્સાર દ્વારા સિદકિયાના શાસનની સમાપ્તિ
પછી રાજા સિદકિયાએ બાબિલના રાજાની વિરૂદ્ધ બળવો કર્યો.
6 1-2 હવે આપણે ખ્રિસ્તના સિદ્ધાંતના પ્રાથમિક શિક્ષણની ચર્ચા બંધ કરવી જ જોઈએ. જ્યાંથી શરુંઆત કરી, ત્યા આપણે પાછા ન ફરીએ જેમ કે મૃત્યુ તરફ લઈ જતાં સારાં કર્મોથી દેવમાં વિશ્વાસ મૂકો. વળી બાપ્તિસ્મા[a] વિષે તે વખતે આપણને શીખવવામાં આવ્યું હતું. અને લોકો ઉપર હાથ મૂકવાથી અને મૃત્યુ પછી ફરી સજીવન થવું અને અનંતકાળના ન્યાયકરણ વિષે આપણને શીખવવામાં આવ્યું હતું, પણ આપણને વધુ ઉચ્ચ કક્ષાના શિક્ષણની જરુંર છે. 3 અને જો દેવની ઈચ્છા હશે તો અમે એ પણ કરીશું.
4-6 જે લોકો એક વખત સત્ય જાણવા આવ્યા, જેમને સ્વર્ગીય દાનોનો અનુભવ થયો, પવિત્ર આત્માના દાનની ભાગીદારી અને દેવના સંદેશના સૌંદર્યનો અનુભવ કરાવ્યો. અને દેવની નવી દુનિયાની મહાન સત્તાને જોઈ. પછી આ બધું હોવા છતાં તેઓનું પતન થયું. તેમના જીવનનું તેમના માટે પરિવર્તન ફરીથી કરવું અશક્ય છે, શા માટે? કારણ કે આ લોકો ખરેખર દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે. લોકો સમક્ષ તેનું અપમાન કરે છે.
7 આ લોકો તે ભૂમિ જેવા છે જે તેના પર વારંવાર પડતા વરસાદનું તે શોષણ કરે છે. જેઓ તેને ખેડે છે અને તેની કાળજી રાખે છે તેઓ ઉપયોગી પાકની પ્રાપ્તિ માટે આશા રાખે છે. જો તે ભૂમિ આવો પાક પેદા કરશે તો દેવનો આશીર્વાદ તેના પર ઉતરશે. 8 પણ જો એ જમીન કાંટા અને ઝાંખરા ઉગાડ્યા કરે તો છેવટે બિનઉપયોગી અને શ્રાપિત થઈ બળી જશે.
9 પ્રિય મિત્રો, ભલે હું આમ કહું છું. પરંતુ તમારી બાબતમાં તમારી પાસે સારી અપેક્ષા રાખું છું. અને અમને ખાતરી છે કે તમે એવું કૃત્ય કરશો કે જે તારણનો એક ભાગ હશે. 10 પ્રભુ ન્યાયી છે. કારણ કે દેવના લોકો માટે તમે જે કંઈ કાર્યો કર્યા છે, તે દેવ ભૂલી શકે નહિ. તમે સંતો પર દર્શાવેલ પ્રેમ અને હાલ જેમની સેવા કરો છો તે બધું દેવ ભૂલી શકે નહિ. 11 અમે ઈચ્છા રાખીએ છીએ કે તમે દરેક જણ છેવટ સુધી આ પ્રમાણે ઉત્સાહ બતાવવાનું ચાલુ રાખશો જ્યાં સુધી આશા પૂર્ણ થાય. તમે જે કઈ ઇચ્છો છો તે મેળવી શકો. 12 અમે એ નથી ઈચ્છતા કે તમે આળસુ બનો. અમે ઈચ્છીએ છીએ કે જે લોકો દેવે આપેલ વચન મુજબનાં વાનાં મેળવે છે તેમના જેવા તમે બનો. તે લોકો દેવનાં વચનો પ્રાપ્ત કરે છે કારણ કે તેઓમાં વિશ્વાસ અને ધીરજ છે.
13 દેવે ઈબ્રાહિમને વચન આપ્યું, ત્યારે પોતાના (દેવના) કરતાં કોઈ મહાન નહિ હોવાને લીધે તેણે પોતાનાં જ નામે શપથ લીધા. 14 દેવે કહ્યું. “હું તને નક્કી ઘણાજ આશીર્વાદો અને ઘણા જ સંતાનો આપીશ.”(A) 15 એ વચન પરિપૂર્ણ થાય, ત્યાં સુધી ઈબ્રાબિમે ઘણી જ ધીરજ રાખી. અને દેવે જે વચન આપ્યું હતું, તે ઈબ્રાહિમે મેળવ્યું.
16 માણસ પોતાના કરતાં મહાન વ્યક્તિના નામે શપથ લે છે. અને શપથથી સઘળી તકરારોનો અંત આવે છે. 17 દેવને એ ખાતરી કરાવવી હતી કે તેણે આપેલ વચન સત્ય હતું. તેને એ સાબિત કરવું હતું કે તેણે જેને જે વચન આપ્યાં છે તે તેઓ પ્રાપ્ત કરશે કારણ તેનો નિર્ણય બદલી શકાય તેમ નથી. તેથી વચનના પાલન સંબધી સંપૂર્ણ ખાતરી માટે દેવ પોતે પણ શપથથી બંધાયો છે. 18 પેલી બે વસ્તુ કદી બદલાતી નથી. એક તો દેવ કઈક કહે છે ત્યારે તે કદી અસત્ય હોતું નથી અને જ્યારે તે સમ લે છે ત્યારે તે જૂઠા હોઈ શકે નહિ.
આ બે બાબતો આપણને દિલાસો આપે છે કે આશાને વળગી રહેવા દેવ પાસે આશ્રય માટે આવનારને સલામતી આશ્રય અને સામથ્યૅ મળે છે. 19 આ આશા આપણા આત્માઓના એક મજબૂત અને વિશ્વાસ યોગ્ય લંગર સમાન છે. વળી તે આપણને સૌથી પવિત્ર સ્થાનના પડદા પાછળ રહેલાં સ્વર્ગીય મંદિરમાં દેવ સાથે બાંધે છે. 20 ઈસુ ખ્રિસ્તે સ્વર્ગીય સ્થાનમાં આપણી અગાઉ પ્રવેશ કર્યો છે. અને આપણા માટે રસ્તો ખુલ્લો કર્યો છે અને મલ્ખીસદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે આપણો પ્રમુખયાજક થયો છે.
યહોવાનો દિવસ પાસે છે
3 “જુઓ! તે દિવસોમાં એટલે તે સમયે, જ્યારે હું યહૂદા અને યરૂશાલેમનાં ભાગ્ય ફેરવીશ, 2 હું બધા લોકોને ભેગા કરીશ અને તેમને યહોશાફાટની ખીણમાં નીચે લઇ આવીશ; અને તેમને મારા લોકોને, ઈસ્રાએલીઓ મારા ઉત્તરાધિકારીઓને ઇજા કરવા માટે સજા કરીશ. જેઓને તેઓએ વિવિધ દેશોમાં વેરવિખેર કરી, મારી ભૂમિને વિભાજીત કરી હતી. 3 તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને સેવકો તરીકે વહેંચીં લીધા છે. તેઓએ નાના છોકરાઓને વેશ્યાઓ મેળવવા વેંચી નાખ્યાં છે, અને દ્રાક્ષારસ અને મદ્યપાનનાં બદલામાં છોકરીઓ બદલી છે.
4 “હે તૂર અને સિદોન તથા પલેશેથના બધા પ્રાંતો, તમારે ને મારે શું લેવા દેવા? શું તમે પાછું વાળવા પ્રયત્ન કરો છો? સાવધાન રહો, તમે જો બદલો લેવા માંગશો, તો ઝડપથી હું તમારી તરફ ફરીશ અને ગણતરીઓ તમારા પર વાળીશ! 5 તમે મારાં સોનાચાંદી લઇ લીધાં છે, તથા મારું સર્વ કિંમતી દ્રવ્ય તમારા મંદિરોમાં તમે ઉપાડી ગયા છો.
6 “વળી તમે યહૂદા અને યરૂશાલેમના લોકોને ગ્રીકોને વેચી દીધા છે, તેઓ તેમને પોતાના વતનમાં દૂર દેશમાં લઇ ગયા છે. 7 પરંતુ હવે હું તમે તેમને જ્યાં વેચ્યાં છે ત્યાંથી જગાડીશ અને તમે જે કર્યું છે તે સમાન જ હું તમારી સાથે કરીશ. 8 હું તમારા પુત્ર અને પુત્રીઓને યહૂદાના વંશજોને વેંચીંશ અને તેઓ તેમને દૂરના દેશ શેબાના લોકોને વેંચી દેશે.” કેમકે આ યહોવાનું વચન છે.
યુદ્ધની તૈયારી કરો
9 તમે પ્રજાઓમાં બધી બાજુ જાહેર કરો;
યુદ્ધની તૈયારી કરો.
શ્રેષ્ઠ યોદ્ધાઓની ભરતી કરો.
યુદ્ધના સર્વ પુરુષો તૈયાર થાઓ
અને યુદ્ધ તરફ કૂચ કરો.
10 તમારા હળની કોશોને ઓગાળીને
તેમાંથી તરવારો બનાવો
અને તમારાં દાંતરડાઁઓને ટીપીને ભાલા બનાવો.
દુર્બળ માણસોને કહેવા દો કે તે બળવાન છે.
11 હે આજુબાજુની સર્વ પ્રજાઓ,
જલદી આવો, ને એકત્ર થાઓ;
હે યહોવા, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.
12 રાષ્ટ્રોને જાગવા દો
અને યહોશાફાટની કોતરમાં આવવા દો.
હું નજીકના દેશોનો ન્યાય આપવા
માટે ત્યાં બેસવાનો છું.
13 હવે તમે દાતરડાઁ ચલાવો,
મોલ પાકી ગયો છે. આવો,
દ્રાક્ષાચક્કી દ્રાક્ષથી ભરેલી છે;
કૂંડા રસથી ઊભરાય
ત્યાં સુધી દ્રાક્ષાઓને ગૂંધ્યા કરો.
કારણકે તેમની દુષ્ટતા વધી ગઇ છે.
14 ન્યાયચુકાદાની ખીણમાં મોટો જનસમુદાય રાહ જોઇ રહ્યો છે!
કારણકે ન્યાયચુકાદાની ખીણમાં યહોવાનો દિવસ પાસે થઈ રહ્યો છે.
15 સૂર્ય અને ચંદ્ર કાળા પડી જાય છે
અને તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે.
16 યહોવા દેવ સિયોનમાંથી ગર્જના કરે છે
અને યરૂશાલેમમાંથી ત્રાડ નાખે છે;
તેથી પૃથ્વી અને આકાશ જે છે.
પણ યહોવા તેનાં લોકો માટે સુરક્ષિત સ્થળ થશે.
તે ઇસ્રાએલ માટે કિલ્લો છે.
17 ત્યારે તમે જાણશો કે,
“હું મારા પવિત્ર પર્વત સિયોન ઉપર બેસનારો તમારો દેવ યહોવા છું.
પછી યરૂશાલેમ પવિત્ર નગરી બનશે
અને વિદેશીઓ તેના પર આક્રમણ કરશે નહિ.
યહૂદાને ફરીથી નવી બનાવાશે
18 “તે દિવસે પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે
અને ડુંગરોમાંથી દૂધ વહેશે.
યહૂદાની સુકાઇ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે.
શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા
યહોવાના મંદિરમાંથી ઝરો નીકળશે.
19 મિસર ઉજ્જડ થઇ જશે,
અને એદોમ ઉજ્જડ મરૂભૂમિ બનશે,
કારણ કે આ લોકોએ યહૂદાના લોકોને ઉત્પાત કર્યોં હતો
અને તેમનું નિર્દોષ લોહી વહેવડાવ્યું હતું.
20 પણ યહૂદા સદા નિર્વાસીત થશે
અને યરૂશાલેમ પેઢી દર પેઢી વસ્તી વધારો પામશે.
21 કારણ હું તેમના લોહીને દંડીશ.
હું તેને વગર દંડયે છોડીશ નહિ.”
કારણકે યહોવા સિયોનમાં રહે છે.
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,
મારી આજીજીનો જવાબ આપો
અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
2 હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો,
કારણ કે તમારી આગળ કોઇ નિર્દોષ મળશે નહિ.
3 મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે;
તેઓએ મને જમીન પર પછાડ્યો છે,
અને અંધકારમાં પૂરી દીધો છે,
જાણે હું મરી ગયો હોઉં તેમ.
4 માટે મારો આત્મા ઘણો મૂંઝાઇ ગયો છે;
અને મારું અંત:કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
5 હું ભૂતકાળનાં વર્ષો સ્મરું છું;
તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં;
તેનું મનન કરું છું.
6 હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું;
સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
7 હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે
હું નબળો થતો જાઉં છું;
તમે મારાથી મોઢું ફેરવશો તો
હું મૃત્યુ પામીશ.
8 મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો;
કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું.
જે માર્ગે મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે,
હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
9 મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો;
સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો;
કારણકે તમે મારા દેવ છો;
તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ.
11 હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો;
તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો;
અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો;
કારણકે હું તમારો સેવક છું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International