Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નિર્ગમન 24

ઇસ્રાએલ અને યહોવાએ કરાર કર્યો

24 દેવે મૂસાને કહ્યું, “તું અને હારુન, તથા નાદાબ તથા અબીહૂ તથા ઇસ્રાએલના વડીલોમાંના સિત્તેર માંરી સમક્ષ આવો; અને થોડે દૂર રહીને માંરુ ભજન કરજો. પછી તું એકલો માંરી પાસે આવજે, અન્ય કોઈ ન આવે. અને લોકો તો તારી સાથે ઉપર આવે જ નહિ.”

ત્યારબાદ મૂસાએ આવીને લોકોને યહોવાનાં બધાં વચનો અને બધી આજ્ઞાઓ કહી સંભળાવી. પછી બધા લોકો એકી અવાજે બોલી ઊઠયા, “યહોવાએ જે બધી વાતો કહી છે તે બધાનું પાલન અમે કરીશું.”

પછી મૂસાએ યહોવાનાં બધાં આદેશો લખી નાખ્યાં અને સવારમાં વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી અને ઇસ્રાએલના બાર કુળસમૂહ પ્રમાંણે બાર સ્તંભ બાંધ્યાં. પછી તેણે કેટલાક ઇસ્રાએલી નવયુવાનોને યજ્ઞો અર્પવા મોકલ્યા. અને તેમણે યહોવાને દહનાર્પણ અને શાંત્યર્પણ તરીકે બળદો અર્પણ કર્યા.

અને મૂસાએ યજ્ઞનું અડધું લોહી એક વાસણમાં રાખ્યું અને અડધું લોહી તેણે વેદી પર છાંટયું.

પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાએ જે જે કહ્યું છે તે બધું અમે માંથે ચઢાવીશું અને તે પ્રમાંણે કરીશું.”

પછી મૂસાએ વાસણમાંથી લોહી લઈને લોકો પર છાટયું અને કહ્યું, “આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાંણે યહોવાએ તમાંરી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર આ લોહી છે.”

તે પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇસ્રાએલીઓના 70 વડીલોને સાથે લઈને તે ઉપર ગયો. 10 ત્યાં તેમણે ઇસ્રાએલના દેવના દર્શન કર્યા. તેમના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી-સ્વચ્છ નિર્મળ આકાશ જ જોઈ લો. 11 ઇસ્રાએલના બધા આગેવાનોએ દેવનું આ દ્રશ્ય જોયું, પણ યહોવાએ તેમનો નાશ ન કર્યો. તેઓ બધાએ સાથે ખાધું અને પીધું.

મૂસાને દેવના કાનૂનની પ્રાપ્તિ

12 યહોવાએ મૂસાને કહ્યું, “તું માંરી પાસે પર્વત પર આવ અને ત્યાં રહે; અને મેં જે શિલાઓ ઉપર નિયમો અને આજ્ઞાનો લખ્યાં છે, તે હું તને આપીશ જેથી તું લોકોને સમજાવી શકે.”

13 આથી મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠયા, અને મૂસા દેવના પર્વત પર ગયો. 14 જતાં જતાં તેણે વડીલોને કહ્યું, “અમે પાછા આવીએ, ત્યાં સુધી તમે અહી અમાંરી રાહ જુઓ. અને જુઓ, હારુન અને દૂર તમાંરી સાથે છે; જો કોઈને કંઈ તકરાર હોય તો તે એ બે જણ પાસે જાય.”

મૂસાની દેવ સાથે મુલાકાત

15 પછી મૂસા પર્વત પર ચઢયો અને વાદળોએ પર્વતને ઢાંકી દીધો. 16 યહોવાનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છ દિવસ સુધી વાદળોએ એ પર્વતને ઢાંકી રાખ્યો, અને સાતમે દિવસે યહોવાએ વાદળમાંથી મૂસાને હાંક માંરીને બોલાવ્યો. 17 અને યહોવાનું ગૌરવ ઇસ્રાએલીઓને પર્વતની ટોચે સર્વભક્ષી અગ્નિ જેવું લાગ્યું.

18 અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ચઢયો; અને તે ત્યાં 40 દિવસ અને 40 રાત રહ્યો.

યોહાન 3

ઈસુ અને નિકોદેમસ

ત્યાં નિકોદેમસ નામનો માણસ હતો નિકોદેમસ ફરોશીઓમાંનો એક હતો. તે એક અગત્યનો યહૂદિ અધિકારી હતો. એક રાત્રે નિકોદેમસ ઈસુ પાસે આવ્યો. નિકોદેમસે કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તું દેવનો મોકલેલો ઉપદેશક છે. તું જે ચમત્કારો કરે છે તે દેવની મદદ વગર બીજું કોઈ કરી શકે નહિ.”

ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. માણસે નવો જન્મ પામવો જોઈએ. જો તે વ્યક્તિ નવો જન્મ પામ્યો ન હોય તો પછી તે વ્યક્તિ દેવના રાજ્યમાં જઈ શકતો નથી.”

નિકોદેમસે કહ્યું, “પણ જો માણસ ખરેખર વૃદ્ધ હોય તો તે કેવી રીતે ફરીથી જન્મી શકે? વ્યક્તિ માના ઉદરમાં ફરીથી કેવી રીતે પ્રેવશી શકે! તેથી માણસ બીજી વખત જન્મ ધારણ કરી શકે નહિ!”

પણ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. તે વ્યક્તિ પાણીથી અને આત્માથી જન્મેલો હોવો જોઈએ. જો વ્યક્તિ પાણી અને આત્માથી જન્મ્યો ન હોય તો પછી તે દેવના રાજ્યમાં પ્રવેશી શકતો નથી. વ્યક્તિનો દેહ તેના માતાપિતાના દેહમાંથી જન્મે છે પરંતુ વ્યક્તિનું આત્મિક જીવન આત્મામાંથી જન્મે છે. મેં તને કહ્યું કે, તારે નવો જન્મ ધારણ કરવો જોઈએ તેથી આશ્ચર્ય પામતો ના. પવન જ્યાં જવા ઈચ્છે ત્યાં વાય છે. તું ફૂંકાતા પવનને સાંભળે છે, પણ તું જાણતો નથી કે પવન ક્યાંથી આવે છે અને પવન ક્યાં જાય છે. આત્મામાંથી જન્મેલું છે, તે પ્રત્યેક સાથે પણ તેવું જ છે.”

નિકોદેમસે પૂછયું, “આ બધું કેવી રીતે શક્ય બને છે?”

10 ઈસુએ કહ્યું, “તું ઈસ્રાએલનો એક અગત્યનો ઉપદેશક છે. પણ હજુ આ વાતો તું કેમ સમજી શકતો નથી? 11 હું તને સત્ય કહું છું. અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ. અમે જે જોયું છે તે અમે કહીએ છીએ. પણ તમે લોકો અમે તમને જે કહીએ છીએ તે સ્વીકારતા નથી. 12 મેં તને પૃથ્વી પરની અહીંની વાતો વિષે કહ્યું છે. પણ તું મારામાં વિશ્વાસ કરતો નથી. તેથી ખરેખર જો હું તને આકાશની વાતો વિષે કહીશ તો પણ તું મારામાં વિશ્વાસ કરીશ નહિ! 13 ફક્ત એક જે ઊચે આકાશમાં ગયો તથા તે જે આકાશમાંથી નીચે આવ્યો તે જ માણસનો દીકરો છે.”

14 “મુસાએ રેતીના રણમાં સર્પને ઊચો કર્યો. માણસના દીકરા સાથે પણ એમ જ છે. માણસના દીકરાને પણ ઊચો કરવાની જરૂર છે. 15 પછી પ્રત્યેક વ્યક્તિ જે માણસના દીકરામાં વિશ્વાસ રાખે છે તે અનંતજીવન પામવા માટે શક્તિમાન થશે.”

16 હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. 17 દેવે તેના દીકરાને દુનિયામાં મોકલ્યો. દેવે તેના દીકરાને જગતનો ન્યાય કરવા મોકલ્યો નથી. દેવે તેના દીકરાને એટલા માટે મોકલ્યો કે તેના દીકરા દ્વારા જગતને બચાવી શકાય. 18 જે વ્યક્તિ દેવના દીકરામાં વિશ્વાસ રાખે છે, તેનો ન્યાય (અપરાધી) થતો નથી; પણ જે વ્યક્તિ વિશ્વાસ કરતો નથી તેનો ન્યાય થઈ ગયેલ છે, શા માટે? કારણ કે તે વ્યક્તિને દેવના એકના એક દીકરામાં વિશ્વાસ નથી. 19 આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર (પાપ) ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં. 20 દરેક વ્યક્તિ જે ભુંડું કરે છે તે અજવાળાને ધિક્કારે છે. તે વ્યક્તિ અજવાળામાં આવશે નહિ. શા માટે? કારણ કે પછી તે અજવાળું તેણે કરેલાં બધાં જ ભુંડા કામો બતાવશે. 21 પરંતુ જે વ્યક્તિ સત્યના માર્ગને અનુસરે છે તે અજવાળામાં આવે છે. પછી તે અજવાળું બતાવશે કે તે વ્યક્તિએ જે કર્યુ હતું તે દેવ દ્વારા કર્યુ હતું.

ઈસુ અને યોહાન બાપ્તિસ્મ

22 આ પછી, ઈસુ અને તેના શિષ્યો યહૂદાના પ્રદેશમાં આવ્યા. ત્યાં ઈસુ અને તેના શિષ્યો રહ્યા અને લોકોને બાપ્તિસ્મા આપતા હતા. 23 યોહાન પણ એનોનમાં લોકોને બાપ્તિસ્મા કરતો હતો. એનોન શાલીમની નજીક હતું. યોહાન ત્યાં બાપ્તિસ્મા કરતો હતો કારણ કે ત્યાં ખૂબ પાણી હતું. લોકો ત્યાં બાપ્તિસ્મા પામવા જતા હતા. 24 (યોહાનના બંદીખાનામાં કેદ થયા પહેલા આ બન્યું હતું.)

25 યોહાનના શિષ્યોમાંથી કેટલાએકનો બીજા એક યહૂદિ સાથે વાદવિવાદ થયો. તેઓ ધાર્મિક શુદ્ધિકરણ માટે દલીલો કરતા હતા. 26 તેથી તે શિષ્યો યોહાન પાસે આવ્યા. તેઓએ કહ્યુ, “રાબ્બી, જે માણસ યર્દન નદીની બીજી બાજુએ તારી સાથે હતો તેનું સ્મરણ કર. તેં લોકોને જે માણસ વિષે કહ્યું તે એ છે. તે માણસ લોકોનું બાપ્તિસ્મા કરે છે અને ઘણા લોકો તેની પાસે જાય છે.”

27 યોહાને ઉત્તર આપ્યો, “માણસ માત્ર એટલું જ મેળવી શકે છે જેટલું દેવ તેને આપે છે. 28 તમે તમારી જાતે મને કહેતા સાંભળ્યો છે, ‘હું ખ્રિસ્ત નથી. હું તો ફક્ત તે એક છું જેને તેનો માર્ગ તૈયાર કરવા માટે દેવે મોકલ્યો છે.’ 29 કન્યા ફક્ત વરરાજા માટે જ હોય છે. તે મિત્ર જે વરરાજાને મદદ કરે છે, રાહ જુએ છે અને વરરાજાના આગમન માટે ધ્યાનથી સાંભળે છે. આ મિત્ર વરરાજાની વાણી સાંભળે છે, ત્યારે ઘણો પ્રસન્ન થાય છે. એવી જ પ્રસન્નતા મારી પાસે છે અને મારી પ્રસન્નતાનો સમય હવે અહીં છે. 30 તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે.

તે એક જે આકાશમાંથી આવે છે

31 “તે એક જે ઉપરથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. જે વ્યક્તિ પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે. તે વ્યક્તિ પૃથ્વી પર જે છે તેના વિષે વાત કરે છે. પણ તે એક (ઈસુ) જે આકાશમાંથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. 32 તે તેણે જે જોયું છે અને સાંભળ્યું છે તે જ કહે છે. પરંતુ લોકો તે જે કહે છે તે સ્વીકારતા નથી. 33 જે વ્યક્તિ તેની (ઈસુની) સાક્ષીનો સ્વીકાર કરે છે તેણે સાબિતી આપી છે કે દેવ સત્ય છે. 34 દેવે તેને (ઈસુ) મોકલ્યો છે. અને તે દેવ જે કહે છે તે જ કહે છે. દેવે તેને અમાપ આત્મા આપ્યો છે. 35 પિતા દીકરા પર પ્રીતિ કરે છે. પિતાઓ દીકરાને બધી વસ્તુઓ પર અધિકાર આપેલ છે. 36 જે વ્યક્તિને દીકરામાં વિશ્વાસ છે તેને અનંતજીવન છે. પણ જે વ્યક્તિ દીકરાની આજ્ઞા પાળતો નથી તેને કદાપિ તે જીવન મળશે નહિ. દેવનો કોપ તે વ્યક્તિ પર રહે છે.”

અયૂબ 42

અયૂબનો જવાબ

42 ત્યારે અયૂબે યહોવાને જવાબ આપતાં કહ્યું કે:

“હું જાણું છું કે તું ધારે તે બધુંજ કરી શકે છે.
    તને કોઇ અટકાવી શકે તેમ નથી.
યહોવા તેં આ પ્રશ્ર્ન પૂછયો: ‘આવી મૂર્ખ બાબતો બોલવાવાળો આ કોણ છે?’
    મેં એવી ઘણી બાબતોની વાત કરી જે હું સમજી શકતો નથી,
    મારા માટે અતિ અદૃભુત બાબતો જેને હું જાણતો નથી.

“તેં કહ્યું હતું કે, ‘સવાલ પૂછવાનો વારો મારો છે
    ને જવાબ આપવાનો વારો તારો છે.’
આજ સુધી મેં તારા વિષે પહેલા સાંભળ્યું જ હતું
    પરંતુ હવે મેં તને નજરે નિહાળ્યો છે.
અને યહોવા, મને શરમ આવે છે.
    હું ખૂબ દિલગીર છું.
જેવો હું ધૂળ તથા રાખ પર બેસુ,
    હું મારું હૃદય અને જીવન બદલવાનું વચન આપું છું.”

યહોવા અયૂબને એની સંપતિ પાછી આપે છેં

યહોવાએ આ બધું અયૂબને બોલી રહ્યા પછી તેણે અલીફાઝને કહ્યું કે, “હું તારા પર અને તારા બંને મિત્રો પર પણ ગુસ્સે થયો છું, કારણકે તમે, અયૂબ મારા સેવકની જેમ, મારા વિષે સાચું બોલ્યા નહિ. તેથી અલીફાઝ, સાત બળદો અને સાત નર ઘેટા લાવી આપ. આ મારા સેવક માટે લઇ આવ. તેઓને મારી નાખ અને તેઓને તારા પોતાને માટે દહનાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ પછી હું તને સજા નહિ આપું, જેને તું લાયક છે. તને સજા થવીજ જોઇએ કારણકે તું બહુ મૂર્ખ હતો. તું મારા વિષે સાચું બોલ્યો નહિ. પણ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો.”

અલીફાઝ, બિલ્દાદ, અને સોફારે યહોવાની આજ્ઞા પ્રમાણે કર્યુ ને યહોવાએ અયૂબની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.

10 ત્યારબાદ અયૂબે એના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરી. પછી યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને પૂવેર્ એની પાસે જેટલું હતું એનાથી બેવડું એને આપ્યું. 11 અયૂબના બધાંજ ભાઇઓ બહેનો અને અગાઉના મિત્રો અયૂબને મળવા આવ્યાં અને એમણે તેનાં ઘરમાં તેની સાથે ભોજન કર્યું. તેમણે તેમની સહાનુભૂતિ પ્રગટ કરી અને દેવે તેની પર જે દુ:ખ નાખ્યું એ માટે તેને દિલાસો આપ્યો. દરેક જણે તેને ચાંદીનો એકેક સિક્કો અને એક-એક સોનાની વીંટી આપી.

12 યહોવાએ અયૂબને વધારે આશીર્વાદ એની પાછલી ઉંમરમાં આપ્યાં. હવે અયૂબની પાસે 14,000 ઘેટાં, 6,000 ઊંટ, 2,000 બળદ અને 1,000 ગધેડીઓ હતી. 13 તેને પણ સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં. 14 અયૂબની સૌથી મોટી પુત્રીનું નામ યમીમાહ, વચલીનું નામ કસીઆહ અને સૌથી નાનીનું નામ કેરેન-હાપ્પૂખ હતું. 15 સમગ્ર દેશમાં અયૂબની પુત્રીઓ જેવી અન્ય કોઇ સુંદર સ્રીઓ ન હતી. તેમના પિતાએ તેઓના ભાઇઓની સાથે હિસ્સો આપ્યો.

16 ત્યાર પછી અયૂબ 140 વર્ષ સુધી જીવ્યો; અને તે પોતાના સંતાનો, પૌત્ર-પૌત્રી, પ્રપૌત્ર-પ્રપૌત્રી અને તેના સંતાનોને જોવા સુધી જીવ્યો. હા, ચાર પેઢીઓ જોઇ. 17 આ પ્રમાણે સારું જીવન જીવીને અયૂબ સંપૂર્ણ વૃદ્ધ વયે મૃત્યુ પામ્યો.

2 કરિંથીઓ 12

પાઉલના જીવનમાં વિશિષ્ટ આશીર્વાદ

12 મારે બડાશ મારવાનું ચાલું રાખવું જોઈએ. તે ખાસ મદદરૂપ નહિ થાય, પરંતુ હવે પ્રભુ તરફથી ઉદભવતા દર્શન અને પ્રકટીકરણ[a] વિષે હું વાત કરીશ. હું ખ્રિસ્તમય બનેલી એવી વ્યક્તિને જાણું છું, જેને ત્રીજા આકાશમાં લઈ જવામાં આવ્યો હતો. આ 14 વર્ષ પહેલા બન્યું હતું. મને ખબર નથી કે તે માણસ તેના શરીરમાં હતો કે શરીરની બહાર હતો. પરંતુ દેવ જાણે છે. 3-4 અને મને ખબર છે કે આ વ્યક્તિને પારાદૈશમાં લઈ જવામાં આવ્યો. મને ખબર નથી કે તે તેના શરીરમાં હતો કે તેના શરીરથી દૂર હતો. પરંતુ તેણે એવી વસ્તુઓ સાંભળી હતી કે જે તે સમજાવી શક્યો નથી. તેણે એવી વાતો સાંભળેલી કે જે કહેવાની કોઈ વ્યક્તિને પરવાનગી નથી. હું આવી વ્યક્તિ વિષે બડાશ મારીશ. પરંતુ હું ફક્ત મારા પોતાના વિષે બડાશો મારીશ નહિ. હું માત્ર મારી નબળાઈઓ વિષે બડાશ મારીશ.

પરંતુ જો મારે મારી જાત વિષે બડાઈ મારવી હોત તો, હું મૂર્ખ તો નહિ જ બનું. હું મૂર્ખ નહિ બનું કારણ કે હું સત્ય કહેતો હોઈશ. પરંતુ હું મારી જાત વિષે બડાઈ મારીશ નહિ. શા માટે? કારણ કે લોકો મને જે કરતા જુએ છે અને જે કહેતા સાંભળે છે, તેથી વિશેષ મારા માટે લોકો ધારે તેવી મારી ઈચ્છા નથી.

પરંતુ જે અદભુત વાતો મને બતાવવામાં આવી છે. તેના માટે વધારે પડતો ગર્વ અનુભવવો ના જોઈએ. તેથી કષ્ટદાયક સમસ્યા[b] મને આપવામાં આવી હતી. તે સમસ્યા તે શેતાન તરફથી આવેલો દૂત છે. તેને મને મારવા માટે અને વધુ પડતો ગર્વશાળી બનતો અટકાવવા માટે મોકલવામાં આવ્યો હતો. મેં આ સમસ્યા મારાથી દૂર કરવા માટે પ્રભુને ત્રણ વાર પ્રાર્થના કરી. પરંતુ પ્રભુએ મને કહ્યું કે, “મારી કૃપા તારે માટે પૂરતી છે. જ્યારે તું નિર્બળ બને છે, ત્યારે મારું સાર્મથ્ય તારી નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” તેથી મારી નબળાઈઓ વિષે બડાશ મારતા હું ઘણો પ્રસન્ન છું. પછી ખ્રિસ્તની શક્તિ મારામાં જીવશે. 10 તેથી જ્યારે મારામાં નબળાઈ આવે છે, ત્યારે હું પ્રસન્ન થાઉં છું. મારા વિષે લોકો જ્યારે ખરાબ બોલે છે, ત્યારે હું રાજી થાઉં છું. જ્યારે મને મુશ્કેલી પડે છે ત્યારે હું રાજી થાઉં છું. અને જ્યારે મારી આગળ સમસ્યાઓ હોય છે ત્યારે હું રાજી થાઉં છું. આ બધું જ ખ્રિસ્ત માટે છે. અને હું આ બધાથી આનંદીત છું, કારણ કે જ્યારે હું નિર્બળ હોઉં છું, ત્યારે હું મજબૂત હોઉં છું.

કરિંથીના ખ્રિસ્તીઓ પ્રત્યે પાઉલનો પ્રેમ

11 હું મૂર્ખની જેમ વાત કરી રહ્યો હતો. પરંતુ તમે મને એમ કરવા પ્રેર્યો. તમારે લોકોએ મારા વિષે સારું બોલવું જોઈએ. મારું કોઈ મૂલ્ય નથી, પરંતુ તે “મહાન પ્રેરિતો” નું મૂલ્ય મારા કરતા વધારે નથી! 12 હું જ્યારે તમારી સાથે હતો ત્યારે મે એવા કામો કર્યા જે પૂરવાર કરે કે હું પ્રેરિત છું – મેં ચિહ્નો બતાવ્યા, અદભૂત કાર્યો અને પરાક્રમો કર્યા. મેં ઘણી ધીરજથી આ કામો કર્યા. 13 તેથી બીજી મંડળીઓને જે પ્રાપ્ત થયું તે બધું જ તમને પ્રાપ્ત થયું. માત્ર એક બાબતમાં તફાવત હતો. હું તમને બોજારૂપ નહોતો. આ માટે મને માફ કરશો!

14 હવે ત્રીજી વખત તમારી મુલાકાત લેવા માટે હું તૈયાર છું. અને હું તમને બોજારૂપ બનીશ નહિ. તમારું જે કાંઈ છે, તેમાંથી મારે કશું જ જોઈતું નથી. હું તમને ઈચ્છું છું. બાળકોએ માતા પિતાને આપવા માટે કોઈ બચાવવાની જરૂર નથી, માતા પિતાએ તેમના બાળકોને આપવા બચાવવું જોઈએ. 15 મારી પાસે જે કાંઈ છે તે તમને આપતા મને આનંદ થાય છે. હું મારી જાત સુદ્ધા તમને આપીશ. જો હું તમને વધારે પ્રેમ કરું તો શું તમે મને ઓછો પ્રેમ કરશો?

16 એ સ્પષ્ટ છે કે હું તમને બોજારુંપ નહોતો. હું ચાલાક હતો અને તમને પકડવા જૂઠનો ઉપયોગ કરતો હતો તેવું તમે વિચારો છો. 17 તમારા પ્રતિ મોકલેલા કોઈ પણ માણસોનો ઉપયોગ કરીને શું તમને છેતર્યા છે? ના! તમે જાણો છો મેં એમ નથી કર્યુ. 18 મેં તિતસને તમારી પાસે જવા કહ્યું અને અમારા બંધુને મેં તેની સાથે મોકલ્યો. તિતસે તમને નથી છેતર્યા, ખરું ને? ના! તમે જાણો છો કે મને અને તિતસને એક જ આત્માએ દોર્યા છે. અને અમે એ જ માર્ગને અનુસર્યા છે.

19 તમે શું એમ માનો છો કે આ બધા સમય દરમ્યાન અમે અમારો બચાવ કરીએ છીએ? ના. અમે ખ્રિસ્ત થકી આ બધી વાતો કહીએ છીએ. અને દેવની સમક્ષ અમે આ બધી વસ્તુ કહીએ છીએ. તમે મારા પરમ મિત્રો છો. અને અમે જે કઈ કરીએ છીએ તે તમને વધુ સાર્મથ્યવાન બનાવવા કરીએ છીએ. 20 હું આમ કરું છું કારણ કે મને ભય છે કે હું તમને જેવા થવા ઈચ્છું છું તેવા તમે હશો નહિ. જ્યારે હું આવું છું અને તમે મને જેવો થવા ઈચ્છો છો તેવો હું હોઈશ નહિ. મને ભય છે કે તમારા સમૂહમાં વિવાદ, ઈર્ષા, ક્રોધ, સ્વાર્થ, ઝઘડા, દુષ્ટવાતો, ગપસપ, ઉધ્ધતાઈ અને મુંઝવણો હશે. 21 મને ભય છે કે જ્યારે હું ફરીથી તમારી પાસે આવીશ ત્યારે મારો દેવ મને તમારી આગળ નમ્ર બનાવશે. તમારામાંના ઘણા દ્વારા મને વિષાદ થશે. જેઓએ અગાઉ પાપો કર્યા છે તે માટે હું દિલગીર થઈશ. કારણ કે તેઓએ પસ્તાવો કર્યો નથી. તથા તેઓએ તેઓના પાપી જીવન માટે પશ્ચાતાપ કર્યો નથી. તેઓના વ્યભિચાર અને શરમજનક કૃત્યો માટે પણ તેઓએ પશ્ચાતાપ નથી કર્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International